• 0
  • No Items available
x

Pannalal Patel (પન્નાલાલ પટેલ)

Description

પન્નાલાલ નાનાલાલ પટેલ (૭ મે ૧૯૧૨ – ૬ એપ્રિલ ૧૯૮૯). 

સમગ્ર સાહિત્ય માટે 1985નો જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર  પન્નાલાલ પટેલનો જન્મ સાત મે, ૧૯૧૨ના રોજ માંડલી ગામે થયો હતો. હાલ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનું આ ગામ અને આસપાસના લીલી શોભા ધરાવતા ટેકરીઓના વિસ્તારમાં પન્નાલાલનું બાળપણ વીત્યું. પિતા નાનશાનું અવસાન થયું ત્યારે પન્નાલાલ બે વર્ષના હતા. આર્થિક અભાવો અને સામાજિક વિષમતા વચ્ચે પન્નાલાલ સાધુ જયશંકરાનંદ અને પછી હિંમતનગરના મહારાજકુંવરના આશ્રયે આઠ ધોરણ સુધી ભણી શક્યા. શાળામાં ઉમાશંકર જોશી તેમના સહઅધ્યાયી હતા. ઉમાશંકરને પન્નાલાલની મોકળાશભરી વર્તણૂક આકર્ષતી. કશી રોકટોક અનુભવ્યા વગર બધી પરિસ્થિતિઓમાં પન્નાલાલ એક જાતના આત્મવિશ્વાસ સાથે લીલાપૂર્વક વિચરતા.

સંગીત અને પ્રેમની અનુભૂતિ કિશોર પન્નાલાલની મુખ્ય મૂડી. આર્થિક મુશ્કેલીઓને કારણે શાળા છોડી દેવી પડી. પછી જીવનની શાળામાં ઘડાવાનું આવ્યું. નાની-નાની નોકરીઓ, ઘરકામ એમ દિવસના સોળ કલાક સુધી મજૂરી કરતા પન્નાલાલને 1936માં ઉમાશંકર જોશી લખવા માટે પ્રોત્સાહન આપવા સાથે સુન્દરમ્‌ને ભળાવે છે. પન્નાલાલે પહેલી વાર્તા લખી–‘શેઠની શારદા’. ‘ફૂલછાબ’ દૈનિક માટે એમણે ઝવેરચંદ મેઘાણીને એ વાર્તા મોકલી. મેઘાણીએ ઉષ્માથી આ નવલેખકને આવકાર્યા. રા. વિ. પાઠકે ‘પ્રસ્થાન’ સામયિકમાં ‘સુખદુ:ખનાં સાથી’ વાર્તા છાપી. પછી તો પન્નાલાલ લખતા જ ગયા. ‘વળામણાં’નાં વધામણાં થયાં અને મેઘાણીની માંગણી પર ‘મળેલા જીવ’ રચાઈ. ‘મળેલા જીવ’ની પ્રસ્તાવના પૂરી કરતાં મેઘાણીએ ગુજરાતી વાંચકોને નિમંત્રણ પાઠવ્યું: ‘માનવીઓ! આ ધરતીની સુવાસ તો માણો! માનવીનું આંહી ઉઘાડું મુકાયેલું મન તો નિહાળો!’ ‘મળેલા જીવ’ની બાવીસ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. હિન્દી ફિલ્મ બની ‘ઉલઝન’ નામે તો ગુજરાતી ફિલ્મ પણ બની. રંગભૂમિ પર પણ ભજવાઈ. ‘પાછલે બારણે’, ‘માનવીની ભવાઈ’, ‘ના છૂટકે’, ‘અજવાળી રાત અમાસની’, ‘પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા’, ‘કંકુ’, ‘આંધી અષાઢની’ વગેરે નવલકથાઓ ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે અદકેરું વાચન બની રહી છે. ‘જિંદગી સંજીવની’ના સાત ભાગોમાં લેખકે જીવનના વિવિધ અનુભવોનું ક્રમબદ્ધ રીતે રસાળ આલેખન કર્યું છે. આત્મકથાને પન્નાલાલે નવલકથામાં પલટાવીને વાચકને પોતાના જીવનની ઝાંખી કરાવવા સાથે પોતાની સંવેદનાને પણ શક્ય તેટલી પ્રગટ કરી છે.

‘લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો’, ‘શિવપાર્વતી’, ‘પાર્થને કહો ચડાવે બાણ’ જેવી ધાર્મિક અને પુરાણ આધારિત નવલકથાઓએ પન્નાલાલને ખૂબ ખ્યાતિ અપાવી.

ટૂંકી વાર્તા તો પન્નાલાલે એ રીતે લખી કે લાભશંકર ઠાકર જેવા સર્જક-વિવેચક એમને વિશ્વકક્ષાના ઉત્તમ વાર્તાકાર કહી હોંશે હોંશે ‘માસ્ટર સ્ટોરી ટેલર’નું બિરુદ આપી સલામ ભરે છે. પ્રથમ વાર્તાસંગ્રહ ‘સુખદુ:ખનાં સાથી’થી શરૂ કરીને ‘ઘરનું ઘર’ સુધીના છવ્વીસ વાર્તાસંગ્રહોમાં પન્નાલાલે માણસનાં મન, વાણી અને વર્તન આ ત્રણેયના આલેખનમાં અપ્રતિમ સિદ્ધિ બતાવી છે. ‘સાચાં સમણાં’, ‘ધરતી આભનાં છેટાં’, ‘ઓરતા’, ‘દિલાસો’, ‘માળો’, ‘છણકો’, ‘મનના મોરલા’, ‘જિંદગીના ખેલ’ જેવા વાર્તાસંગ્રહોમાં લેખકની કલાત્મકતાનો, સર્જનાત્મકતાનો આવિષ્કાર અનુભવાય છે.
‘રામાયણ કિશોરકથા’, ‘શ્રીકૃષ્ણ કિશોરકથા’, ‘દેવનો દીધેલ’ જેવી કિશોરકથાઓ અને વાર્તાકિલ્લોલ ગ્રંથમાળાની બાળવાર્તાઓ જેવું નાનકડા વાચકો માટે ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવતું પ્રેરણાત્મક, વાર્તારસમાં તરબોળ કરી દેતું સાહિત્ય પણ પન્નાલાલની કલમે સર્જાયું.

રઘુવીર ચૌધરી કહે છે તેમ પ્રકૃતિથી અભિન્ન એવું ગ્રામજીવનનું આલેખન, લોકસંસ્કૃતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ અને મનુષ્યમનની સંકુલતાનું કાવ્યાત્મક નિરૂપણ આ સર્જકનો પ્રતિભાવિશેષ છે.

પન્નાલાલ પટેલનું સાહિત્ય

નવલકથાઓ-લઘુનવલો-પૌરાણિક કથાઓ

વળામણાં (૧૯૪૦) • મળેલા જીવ (૧૯૪૧) • ભીરુ સાથી (૧૯૪૩) • યૌવન: ભાગ ૧-ર (૧૯૪૪) • સુરભિ (૧૯૪૫) • માનવીની ભવાઈ (૧૯૪૭) • ભાંગ્યાનાં ભેરુ (૧૯૫૭) • પાછલે બારણે (૧૯૪૭) • નાછૂટકે (૧૯૫૫) • ફકીરો (૧૯૫૫) • નવું લોહી (૧૯૫૮) • પડઘા અને પડછાયા: ભાગ ૧-ર (૧૯૬૦) • મનખાવતાર (૧૯૬૧) • અમે બે બહેનો: ભાગ ૧-ર (૧૯૬૨) • કરોળિયાનું જાળું (૧૯૬૩) • આંધી અષાઢની: ભાગ ૧-ર (૧૯૬૪) • વળી વતનમાં (૧૯૬૬) • મીણ માટીનાં માનવી (૧૯૬૬) • નગદ નારાયણ (૧૯૬૭) • ઘમ્મરવલોણું: ભાગ ૧-ર (૧૯૬૮) • પ્રણયનાં જૂજવાં પોત (૧૯૬૯) • કંકુ (૧૯૭૦) • અજવાળી રાત અમાસની (૧૯૭૧) • અલ્લડ છોકરી (૧૯૭૨) • એક અનોખી પ્રીત (૧૯૭૨) • ગલાલસિંગ (૧૯૭૨) • એકલો (૧૯૭૩) • મરકટલાલ (૧૯૭૩) • નથી પરણ્યાં નથી કુંવારાં (૧૯૭૪) • પાર્થને કહો ચડાવે બાણ: ભાગ ૧-૫ (૧૯૭૪) • રામે સીતાને માર્યાં જો: ભાગ ૧-૪ (૧૯૭૬) • કૃષ્ણ-જીવનલીલા: ભાગ ૧-૫ (૧૯૭૭) • શિવપાર્વતી: ભાગ ૧-૬ (૧૯૭૯) • તાગ (૧૯૭૯) • ભીષ્મની બાણશય્યા: ભાગ ૧-૩ (૧૯૮૦) • અંગારો (૧૯૮૧) • પગેરું (૧૯૮૧) • કચ દેવયાની (૧૯૮૧) • દેવયાની–યયાતિ: ભાગ ૧-૨ (૧૯૮૨) • પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા (૧૯૮૩) • રો-મટીરિયલ (૧૯૮૩) • સત્યભામાનો માનુષી પ્રણય (૧૯૮૪) • (માનવદેહે) કામદેવ-રતિ (૧૯૮૪) • પ્રદ્યુમ્ન-પ્રભાવતી (૧૯૮૪) • અર્જુનનો વનવાસ કે પ્રણયવાસ? (૧૯૮૪) • કુબ્જા અને શ્રીકૃષ્ણ (૧૯૮૪) • શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ (૧૯૮૪) • જેણે જીવી જાણ્યું (૧૯૮૪) • ભીમ-હિડિમ્બા (૧૯૮૪) • રેવતીઘેલા બળદેવજી (૧૯૮૪) • શિખંડી: સ્ત્રી કે પુરુષ? (૧૯૮૪) • સહદેવ-ભાનુમતીનો પ્રણય (૧૯૮૪) • ઉર્વશી પુરુરવા (૧૯૮૬) • નરમાં નારી ઈલ-ઈલા (૧૯૮૬) • જિંદગી સંજીવની: ભાગ ૧-૭ (૧૯૮૬) • વૃંદાથી રક્ષાયેલો જલંધર (૧૯૯૩)

વાર્તાસંગ્રહો

સુખદુ:ખનાં સાથી (૧૯૪૦) • જિંદગીના ખેલ (૧૯૪૦) • જીવો દાંડ (૧૯૪૧) • લખચોરાસી (૧૯૪૪) • પાનેતરના રંગ (૧૯૪૬) • સાચાં સમણાં (૧૯૪૯) • વાત્રકને કાંઠે (૧૯૫૨) • ઓરતા (૧૯૫૪) • પારેવડાં (૧૯૫૬) • દિલની વાત (૧૯૬૨) • મનના મોરલા (૧૯૫૮) • તિલોત્તમા (૧૯૬૦) • ધરતી આભનાં છેટાં (૧૯૬૨) • ત્યાગી અનુરાગી (૧૯૬૩) • દિલાસો (૧૯૬૪) • ચીતરેલી દીવાલો (૧૯૬૫) • મોરલીના મૂંગા સૂર (૧૯૬૬) • માળો (૧૯૬૭) • વટનો કટકો (૧૯૬૯) • અણવર (૧૯૭૦) • કોઈ દેશી કોઈ પરદેશી (૧૯૭૧) • આસમાની નજર (૧૯૭૨) • બિન્ની (૧૯૭૩) • છણકો (૧૯૭૫) • ઘરનું ઘર (૧૯૭૯) • નરાટો (૧૯૮૧)

નાટક-એકાંકી-રૂપાંતર

જમાઈરાજ (૧૯૫૨) • મળેલા જીવ (૧૯૫૭) • ચાંદો શેં શામળો? (૧૯૬૦) • એળે નહીં તો બેળે (૧૯૬૩) • ઢોલિયા સાગ-સીસમના (૧૯૬૩) • કંકણ (૧૯૬૫) • અલ્લડ છોકરી (૧૯૭૧) • ભણે નરસૈયો (૧૯૭૭) • સપનાનાં સાથી (૧૯૬૭) • સ્વપ્ન (૧૯૭૮) • ત્રણ સફળ રૂપાંતરો (૧૯૮૫)

બાળ-કિશોર સાહિત્ય

પરીક્ષા (૧૯૬૨) • આંખ આડા કાન (૧૯૬૪) • એક ખોવાયેલો છોકરો (૧૯૬૯) • બાળકિલ્લોલ ગ્રંથમાળા (૧૯૭૨) • ઋષિકુળની કથાઓ (૧૯૭૩) • દેવનો દીધેલ: ભાગ ૧-૫ (૧૯૭૫) • મહાભારત કિશોરકથા (૧૯૭૬) • વાર્તાકિલ્લોલ ગ્રંથમાળા-૧ (૧૯૭૨) • વાર્તાકિલ્લોલ ગ્રંથમાળા-૨ (૧૯૭૩) • રામાયણ કિશોરકથા (૧૯૭૮) • શ્રી કૃષ્ણ કિશોરકથા (૧૯૮૦) • ભીષ્મ (૧૯૮૧) • ગુરુદક્ષિણા (૧૯૮૧) • સત્યયુગની કથાઓ: સંપુટ ૧-૫ (૧૯૮૧) • લોકમિનારા (૧૯૮૬)

પ્રકીર્ણ સાહિત્ય

બે ભાઈબંધ (૧૯૫૭) • કડદો (સમાજદર્શન ગ્રંથમાળા-૧૦) (૧૯૬૦) • લાડુનું જમણ (૧૯૬૭) • અલપઝલપ (૧૯૭૩) • સર્જનની સુવર્ણ સ્મરણિકા (૧૯૮૬) • પૂર્ણયોગનું આચમન (૧૯૭૮) • લોકગુંજન (૧૯૮૪) • અલકમલક (૧૯૮૬)

સંપાદન–સંકલન

પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૫૮) • કડવો ઘૂંટડો (૧૯૬૦) • પન્નાલાલનો વાર્તાવૈભવ (૧૯૬૩) • વીણેલી નવલિકાઓ (૧૯૭૩)