• 0
  • No Items available
x

Hasmukh Gandhi (હસમુખ ગાંધી)

Description

હસમુખ ચીમનલાલ ગાંધીનો જન્મ 19 ફેબ્રુઆરી, 1932ના રોજ વડોદરા શહેરમાંના એક નાનકડા મંદિરમાં થયો હતો. તેમણે શાળાનું શિક્ષણ દહેગામ, પાદરા અને ધંધૂકામાં લીધું હતું. મુંબઈની રુઇયા કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લઈને તેમણે 1955માં ગુજરાતી સાથે બીજા વર્ગમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. ઘાટકોપર ખાતેની રામજી આશર સહિતની શાળાઓમાં છ વર્ષ સુધી શિક્ષકની કામગીરી બજાવ્યા બાદ તેઓ ‘જન્મભૂમિ’ દૈનિકમાં ઉપ-તંત્રી તરીકે જોડાયા હતા. ત્યાં 14 વર્ષ પત્રકાર તરીકે ફરજ બજાવ્યા બાદ 1973માં તેઓ પરિચય ટ્રસ્ટમાં આસિસ્ટંટ એડિટર તરીકે જોડાયા હતા. ત્યાર બાદ તેઓ ‘જનશક્તિ’ દૈનિકના આસિસ્ટંટ એડિટર બન્યા હતા.

આ બધી ઓછી જાણીતી વાતો. હવે ખૂટતી કડીની વાત. ચીમનલાલ ગાંધી સરકારી શિક્ષક હતા, એટલે તેમની બદલી વારંવાર થતી હતી. દહેગામ, પાદરા અને ધંધૂકા ઉપરાંત હસમુખ ગાંધીએ બારડોલી નજીકના ગંગાધરા અને મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે પણ અભ્યાસ કરવો પડ્યો હતો. તેમની કિશોરાવસ્થા ભાવનગરમાં વીતી, પણ કૉલેજ અભ્યાસ અર્થે તેઓ મુંબઈ આવ્યા હતા. માસ્ટર ઑફ આર્ટ્સ બનીને કૉલેજમાં લેક્ચરર થવાનાં એમનાં અરમાન હતાં. પણ તકદીરે તેમને હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક બનાવ્યા. આગળ લખ્યું છે તે જરા વિગતે જોઈએ. 1958-59માં તેઓ સૌરાષ્ટ્ર ટ્ર્સ્ટના સાંધ્ય દૈનિક ‘જન્મભૂમિ’માં જોડાયા હતા. 1972 સુધી ‘જન્મભૂમિ’માં જ રહ્યા. એ દરમિયાન સૌરાષ્ટ્ર ટ્ર્સ્ટના જ સુરત ખાતેથી પ્રકાશિત થતા ‘પ્રતાપ’ દૈનિકમાં માલિકોએ મોકલ્યા. સાલ 1968-69. છ મહિનામાં પાછા મુંબઈ ભેગા. આ પહેલાં 1960માં તેમણે સરલા ધીરજલાલ રાચ્છ જોડે લગ્ન કર્યું. ગાંધીદંપતીનું એકમાત્ર સંતાન પુત્રી. નામ એનું સ્વપ્ના... 1972ની સાલમાં ઍક્સપ્રેસ જૂથે અમદાવાદથી પ્રકાશિત થતા ‘લોકસત્તા’ દૈનિક મુંબઈ આવૃત્તિ પ્રગટ કરવાની યોજના બનાવી હતી. ગાંધીને એ આવૃત્તિના નિવાસી તંત્રી બનાવવામાં આવ્યા. છાપું શરૂ ન થયું. બેકારી... પછીના આઠ મહિના પરિચય ટ્રસ્ટ... પછી ‘જનશક્તિ’માં... ‘જનશક્તિ’ બંધ પડ્યું પછી ફરી પાછા સૌરાષ્ટ્ર ટ્ર્સ્ટમાં. ‘જન્મભૂમિ પ્રવાસી’ ના મદદનીશ તંત્રીની કામગીરી તેમણે 1979 થી 1983 સુધી સંભાળી હતી. તે પછીના દાયકામાં હસમુખ ગાંધીની નામનાના વાવટા ફરકવા શરૂ થયા. વિચાર અને અભિવ્યક્તિના નવોન્મેષ દ્વારા તે પછી તેમણે ‘સમકાલીન’ દ્વારા ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં એક નવો અધ્યાય આલેખ્યો...