Shop Now (In your cart 0 items)

Sureshni Sathe Sathe - Mumbai

21/08/2014

ઇમેજ પ્રકાશિત નરેન્દ્રભાઈ મોદી લિખિત અંતરમનની યાત્રા કરાવતા પુસ્તક સાક્ષીભાવનું વિમોચન જન્મભૂમિ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના સીઈઓ કુન્દન વ્યાસના હસ્તે ભાઈદાસ સભાગૃહમાં કરવામાં આવ્યુું હતું. સુરેશભાઈની બીજી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત વિમોચન અવસરે તેમણે કહ્યું કે આજકાલ દેશમાં પુસ્તકો વેચવા માટે સેન્સેશન્સ ઊભા કરવામાં આવે છે, વિવાદ જગાવવામાં આવે છે. આપણે સત્યના પ્રયોગો જોયા છે હવે સત્યનાં પ્રકાશનો પણ થવાનાં છે. આવા માહોલમાં શુદ્ધ આશય સાથે સાક્ષીભાવ જેવાં પુસ્તકોનું વિમોચન થાય એ સારી વાત છે. 36 વર્ષની ઉંમરે શ્રી નરેન્દ્રભાઈએ લખેલી પ્રાર્થનાઓનું સાક્ષીભાવ પુસ્તક અપૂર્વ ઇતિહાસ નથી, પણ ભવિષ્યનો સંકેત છે. આ પુસ્તકમાં કોઈ ગ્રહદશા કે જ્યોતિષના હિસાબે પ્રાર્થનાકાવ્યો નથી લખાયાં, આ એમની તપસ્યાનો પરિપાક છે. એમનાં કુળ અને મૂળ સેવામાં છે. આ પ્રાર્થનાઓ લખાયા પછી એમને જગદંબાએ જરૂર કહ્યું હશે: તથાસ્તુ. પુસ્તકમાં સુરેશભાઈની પ્રસ્તાવના અને અર્થઘટન અદ્ભુત છે. તેમણે પુસ્તકમાંથી પ્રાર્થનાના અંશો વાંચ્યા હતા. પ્રાસંગિક વક્તવ્યમાં ઇમેજ વતી ઉત્પલ ભાયાણીએ ઉમળકો વ્યક્ત કરતાં કહ્યું હતું કે લંડન, લેસ્ટર અને એન્ટવર્પની યાત્રા પછી મુંબઈમાં ભજવાતો ચોથો પ્રયોગ કલાકારોના સંવેદનશીલ સહકારને કારણે સંભવ બન્યો છે. ઇમેજની વાષિર્ક પરંપરા પ્રમાણે આ જ પ્રયોગ વલસાડ, નવસારી, ભરૂચ, સુરત અને વડોદરા ખાતે ભજવાશે. કાર્યક્રમના સૌજન્યકર્તા શાહ હાઉસકોન પ્રા. લિ.ના ચૅરમૅન રામજીભાઈ શાહે સાહિત્ય અને સંસ્કૃતિની પરંપરા જાળવી રાખવા માટે હંમેશાં સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતરંગ હિસ્સા જેવી દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિને સુપેરે સંભાળતા અપૂર્વ આશરે આ પ્રસંગે ઇમેજની નવી વેબસાઇટ www.sureshdalal.in લોન્ચ કરી હતી. જેમાં પુસ્તકોની સાથે સાથે સુરેશભાઈની તસવીરયાત્રાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સુરેશની સાથે સાથે પ્રયોગ કવિ સુરેશ દલાલ અને નરેન્દ્રભાઈ મોદીનાં રસપ્રદ પ્રવચનોની દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ, ચિરાગ વોરાની ધારદાર રજૂઆત, પાથિર્વ ગોહિલની સજ્જ ગાયકી, માનસી પારેખ ગોહિલના મધુર કંઠે ઓપતાં ગીત અને રાધાની સાંગીતિક એકોક્તિ, કવિ હિતેન આનંદપરા અને મૂકેશ જોષીનાં ચોટસભર કાવ્યો, દર્શકોને ઝુલાવતી ઉત્કર્ષ મઝુમદારની અનોખી અદા તથા કાજલ ઓઝા વૈદ્યના માપસર અને મર્મસભર સંચાલનને કારણે મેઘધનુષી બની રહ્યો.

Download Invitation Card