Shop Now (In your cart 0 items)

Sakshibhav (સાક્ષીભાવ)

Author(s): Narendra Modi
Book Weight: 500.00 (Gram)
Category: Reflections , Poems
ISBN(13): 9788179974251
Price:

About The Book

સંવેદનશીલ કર્મયોગી નરેન્દ્ર મોદીની ડાયરી રૂપે લખાયેલી આ પ્રાર્થનાઓ છે. 1986ના અંતમાં આ મનવહીનો પ્રારંભ થયો છે. અહીં મનોજગતના સંઘર્ષની કથા, વ્યથા અને ચિંતન છે. વિચારોનો ચકરાવો છે, સ્વ સાથેનો સંવાદ, વિસંવાદ, મંથન, મથામણ, પ્રશ્ન, ઉત્તર-ફરી પાછા પ્રશ્ન અને વિપ્રશ્નની સ્થિતિ... ક્યારેક મળતો ઉત્તર અથવા ક્યારેક સાવ નિરુત્તર સ્થિતિ. સાપેક્ષ નહીં પણ નિરપેક્ષ ભાવસભર જીવનની ઝંખના. સાપેક્ષમાં છૂપો રહેલો અસંતોષ અને સરખામણીમાંથી પ્રગટતું અસમાધાન. માણસને પોતે કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં હોય ત્યારે વાત કરવા માટે કોઈક વ્યક્તિ જોઈએ પણ જ્યારે આપણે જ આપણી જાત સાથે ભીતરથી પૂરેપૂરા ગોઠવાયેલા ન હોઈએ ત્યારે એ પરિસ્થિતિમાં વાત કોને કહેવી એ એક મોટી મૂંઝવણ છે. સર્જકને આપોઆપ એક સરસ માર્ગ મળ્યો છે અને એ માર્ગ તે જગજ્જનની મા સાથેનો સંવાદ. એટલે કે જીવનની જે કોઈ આપત્તિ, વિપત્તિ હોય કે જે મૂંઝારો હોય એ બધું જ જગતમાતાના ચરણમાં મૂકી દેવું અને નિરાધાર થયા વિના, માતાની કૃપામાં પૂર્ણ શ્રદ્ધા રાખીને આવી પડેલી અવસ્થાને ઓળંગી જવી. બધું જ જ્યારે ડહોળાયેલું હોય ત્યારે કઈ રીતે નિર્મળ, સ્વચ્છ, પારદર્શક અને સ્પષ્ટ વાતાવરણ ઊભું કરવું? ધુમ્મસને કઈ રીતે દૂર કરવું એની વાત અત્યંત સહજતાથી અહીં થઈ છે. આપણને શબ્દે શબ્દે ચિરાઈ જતી વેદનાનો અનુભવ થાય છે. પરમ તરફ જવાની ઝંખના છે અને પામરતાને હાંકી કાઢવી છે. ક્યારેક શુભ થશે એની શ્રદ્ધા છે તો ક્યારેક અશુભના સંકેત છે. આને કારણે દુ:ખની દશા અને દિશા છે પણ કવિની સહનશક્તિ ક્યાંયે ઊણી ઊતરતી નથી. એમની અપાર શ્રદ્ધા જગદંબાની ચરણાગતિ-શરણાગતિ તરફ લઈ જાય છે. એમનાં પ્રાર્થનામય કાવ્યો કે કાવ્યમય પ્રાર્થનાઓ વાંચીને હું સમૃદ્ધ થયો છું એમાં કોઈ અતિશયોક્તિ નથી. એમના મિત્ર અને પ્રકાશક તરીકે મને આ સંગ્રહનું ગૌરવ છે. -સુરેશ દલાલ