દાયકાઓથી અનેક ગુજરાતી ઘરોમાં વંચાતું ‘ચિત્રલેખા’ અનેક રસપ્રદ વિષયોની કટારો પીરસતું રહ્યું છે. તે પૈકીની એક તે ‘પલક’. આ કટારમાં કોઈ કવિતા, શેર કે સુવાક્ય પર પોતાના રિફ્લેક્શન્સ રજૂ કરતા હિતેન આનંદપરા પોતાનું ભાવવિશ્વ આબાદ રીતે આલેખે છે. હળવી શૈલીમાં લખાયેલી આ કટાર ભારે માર્મિક વાત કહી જાય છે અને અનેક વાચકોમાં અતિપ્રિય છે. ઇમેજ પબ્લિકેશન અને ઈ-શબ્દ લઈને આવ્યું છે આ પ્રચલિત કટારનું પુસ્તક સ્વરૂપે સૌપ્રથમ સંપાદન. આજે તા. ૨૬-૧૨-૨૦૧૪ના રોજ જ્યારે આ પુસ્તકનું વિમોચન થવા જઈ રહ્યું છે ત્યારે ‘આજનો ઈ-શબ્દ’માં પુસ્તકની પ્રસ્તાવના, તેના કઈક અંશ અને કવિ હિતેન આનંદપરાના શબ્દોમાં કાવ્યપઠનનો વીડિયો…
ઝલકથી પલક સુધી
આજથી બે વર્ષ પહેલાં ચિત્રલેખામાં `પલક’ની શરૂઆત થઈ. `પલક’ પરમ વંદનીય ડો. સુરેશ દલાલની ૨૨ વર્ષ સળંગ ચાલેલી `ઝલક’નું નમ્ર અને નસીબવંતું અનુસંધાન છે. આ અનુસંધાન પાછળ કદાચ કોઈ અકળ ઋણાનુબંધ છુપાયો છે.
વાત પહેલેથી શરૂ કરું. સ્કૂલ-કોલેજનો સમય હતો ત્યારે હસમુખ ગાંધીનું `સમકાલીન’ અને હરકિસન મહેતાનું `ચિત્રલેખા’ એટલે મારા જેવા અનેક યુવા વાચકો માટે ગજબનું આકર્ષણ. વજુ કોટકનાં તળિયેથી મોતી વીણી લાવતાં લખાણોમાં એ સમયે ઝાઝી સમજ ન પડતી, પણ સંવેદનશીલતા સ્પર્શી જતી. સમરકંદબુખારા ઓવારી જવાય એવી હરકિસન મહેતાની નવલકથાઓનો ઇન્તેજાર અંક પ્રગટ થયાના આગલા દિવસથી બેચેન રહેતો.
ભૂલેશ્વરમાં ચાલી સિસ્ટમમાં રહેતા હોવાને કારણે `ચિત્રલેખા’ અમારા ઘર ઉપરાંત પડોશીઓના ઘરે પણ નિ:સંકોચ વિહરતું. છાપાવાળો અંક સવારે નાખે કે લોલુપ નજરો તૂટી પડતી. કવર સ્ટોરીની ઉત્સુકતા તારક મહેતાનાં તોફાનોમાંથી પસાર થઈ નવલકથાનું પ્રકરણ વાંચીને જ શમતી. અનેક હાથમાં ફરતો ફરતો અંક બે-ત્રણ દિવસે પાછો આવે ત્યારે બાકીનું વાંચવાનું પૂરું થતું. ટીવીનું વર્ચસ્વ ન હોવાને કારણે વર્તમાનપત્રો અને સામયિકો મિત્રો જેવાં લાગતાં.
`ચિત્રલેખા’ સાથે વાચક તરીકે લગભગ ત્રણેક દાયકા જૂનો નાતો છેલ્લાં બે વર્ષથી લેખકના રૂપમાં પણ પરિવતિર્ત થશે એનો સ્વપ્નેય ખ્યાલ નહોતો. આ ઋણાનુબંધ પાછળ નિ:શંકપણે એવરગ્રીન સુ. દ.ના હજી પણ આભેથી વરસતા આશીર્વાદ અને `ચિત્રલેખા’ના સૂત્રધાર શ્રી મૌલિક કોટક પરિવાર તથા તંત્રી શ્રી ભરત ઘેલાણીનો હિત-ફાળો છે.
સુરેશભાઈના ગયા પછી એમની `ઝલક’ કોણ સંભાળશે? આ પ્રશ્ન મને પણ હતો. જવાબ તરીકે મારી પસંદગી થઈ એ માત્ર નસીબ જ નહીં, પણ ઈશ્વરની સાંગોપાંગ કૃપા ગણાય. કવિ તરીકે થોડીઘણી ખીલેલી કલમ લેખક તરીકે પણ પુરવાર થાય એવું જરૂરી નથી. આ બંને ફોર્મેટ જુદાં છે. છતાં આ તક મળી અને એને ઊજળી કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો છે.
ઘણી વાર લેખ લખવાનું કામ કવિતા કરતાં પણ અઘરું લાગે છે. કવિતામાં સ્વૈરવિહારી થઈએ એમ લેખમાં ન થઈ શકાય. વિગતો ને સંદર્ભો પણ હાથવગાં જોઈએ. ગઝલમાં જેમ દરેક શેરમાં અલગ વિષય હોઈ શકે એમ લેખમાં નથી થતું. એક સેન્ટર પોઇન્ટ પકડીને આગળ વધવાનું હોય. `પલક’ કોલમ લલિત ગદ્યની નજીક હોય એવો પ્રયાસ જાણીબૂઝીને નથી કર્યો, પણ કવિ હોવાને નાતે એ જ રસ્તે કલમ નીકળી પડે છે. હવે જોકે કોલમ સીધી જ કમ્પ્યૂટર પર લખવાની ટેવને કારણે કલમનો ખપ ઓછો પડે, પણ કવિતાનો ખપ તો ડગલે ને પગલે પડે.
ગઝલના પ્રકાર પ્રત્યે અતોનાત પ્રેમ હોવાને કારણે શેરના આસ્વાદનો ઉપક્રમ જ રાખ્યો છે. જે શેર સ્પર્શી ગયો હોય એને વાચક સુધી લઈ, એમાં સ્વત્વ ઉમેરવાનો પ્રયાસ છે `પલક’.
એક ફેરફાર તો શૅર કરવો જ પડશે. હવે કવિસંમેલનોમાં જવાનું થાય ત્યારે અચૂક વાચકો સામેથી મળવા આવે છે. કવિ તરીકેની ઓળખ પર લેખક તરીકેની ઓળખ હાવી થઈ ગઈ એનો હરખ કરવો કે નહીં એ ખબર નથી, પણ ગમે છે.
ઇમેજ પરિવાર સાથે 1995થી સંકળાયેલો હોવાને નાતે થેંક્સ કહું તો ઘરઘર રમવા જેવું લાગે, છતાં શ્રી નવીનભાઈ દવે, શ્રી ગોપાલ દવે, શ્રી ઉત્પલ ભાયાણીનો સહૃદય આભાર માનું છું. શ્રી અપૂર્વ આશરે મારા પહેલા કાવ્યસંગ્રહની જેમ જ આ પુસ્તકને પણ લેઆઉટનાં લાડ લડાવ્યાં છે એનો આનંદ છે. સુરેશભાઈ તો વ્યક્ત-અવ્યક્તના ભેદ વગર સતત મહેસૂસ થાય છે. ઇમેજના સમગ્ર સ્ટાફનો સથવારો સતત રહ્યો છે.
`પલક’ કોલમ મારી કે તમારી વાત નથી, એ આપણી વાત છે. આ આપણી વાત આપણા લોકો સામે મૂકતાં આનંદ થાય છે. આ આંખોને પ્રતીક્ષા રહેશે પ્રતિભાવની. સાંઈકવિ મકરંદ દવેની પંક્તિઓ સાથે વાતને વિશ્રામ આપવો છે:
સાંજને ઝંકારવાની વેળ છે,
સૂરની સાથે શબદનો મેળ છે,
આપણી વચ્ચે નથી, બીજું કશું
એક નાતો છે અને નિર્ભેળ છે.
– હિતેન આનંદપરા
જિંદગી મેરે ઘર આના
જિંદગીના રસને પીવામાં કરો જલદી મરીઝ,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ
આ દર વરસે નવું વરસ શું કામ આવતું હશે? આપણે મોબાઇલને રિચાર્જ કરાવીએ છીએ, પણ સમજણને રિચાર્જ કરાવવાનું ભૂલી જવાય છે. કોઈ કંપની એ નહીં કરી આપે. આપણા માપનાં કપડાં આપણે જ સિવડાવવાં પડે. નવું વર્ષ એટલા માટે આવે છે કે એક નજર વીતેલા વર્ષની ભૂલો પર નાખી આવનારા વર્ષમાં એ નિવારી શકાય. સુખ-દુ:ખનું સરવૈયું માંડવાનો રિવાજ સુખ-દુ:ખની સમજણ વિકસાવવા માટે છે.
વર્ષભરની ઘટનાઓ પર નજર કરીએ તો લાગશે કે જિંદગી ક્યાંક ખોવાઈ ગઈ છે, ક્યાંક છેતરાઈ ગઈ છે, ક્યાંક વગોવાઈ ગઈ છે ને ક્યાંક ખોટકાઈ ગઈ છે. એ જિવાઈ હોય એનાં ઉદાહરણ બહુ ઓછાં છપાય છે. ટકાવારી ભલે ઓછી હોય, પણ જિંદગીને જીવી જાણતા લોકોને કારણે જ આ સૃષ્ટિ ટકી છે.
જિંદગીને આવકાર તો આપણે જન્મતાં જ આપી દઈએ, પણ એનો સ્વીકાર કરવામાં જન્મારો વીતી જાય. એટલા બધા વિરોધાભાસો વચ્ચે જિંદગી જિવાતી હોય છે કે ક્યારેક સમજણ કાચી પડે તો ક્યારેક શ્રદ્ધા. આપણી કલ્પના હોય છે કે અવરોધો વગરની જિંદગી મળે, પણ એવી તો ભગવાન કૃષ્ણને પણ નથી મળી, મહાવીરને પણ નથી, બુદ્ધને પણ નથી મળી, તો સામાન્ય માણસને ક્યાંથી મળવાની.
માણસ જન્મે એ પહેલાં જ સમસ્યાઓ જન્મવા તત્પર. સમસ્યા હંમેશાં આપણા કરતાં એક ડગલું આગળ હોય. ઉકેલ આપણી એક ડગલું પાછળ ચાલતાે હોય. આ બંને વચ્ચેનો મેળ બેસાડવાનું નામ જ છે જિંદગી. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે જો માર્ગ પર સમસ્યા ન આવે, તો સમજજો એ માર્ગ જ ખોટો છે. જિંદગીનું કામ છે પરીક્ષા લેવાનું. જિંદગીમાં સંઘર્ષ અને સમસ્યા સંપીને રહે છે. ઉપાય અને સમાધાન કોઈ જણ એમને શોધતો શોધતો આવે એની પ્રતીક્ષામાં હોય.
વિચારો કે જે દેહમાં રહીએ છીએ એને ઘડવામાં કુદરતે કેટલી મહેનત કરી હશે. આપણે આપણા ટેબલનું ખાનુંય સરખું ગોઠવી શકતાં નથી. જ્યારે કુદરતે તો હૃદયની જગ્યાએ હૃદય, મગજની જગ્યાએ મગજ વગેરે અવયવોને સાંકળતું આખું તંત્ર જડબેસલાક ગોઠવ્યું છે. ક્યારેક સર્જનમાં ભૂલો પણ થાય. ભૂલ કરવાનો અધિકાર માત્ર માણસને જ નથી હોતો. એક પાનું લખવા બેસીએ તો એમાંય જોડણીની પાંચેક ભૂલ તો નીકળે જ. કમનસીબે ભાષાની ભૂલને આપણે મહત્ત્વ આપતા નથી, કારણ કે હાલના સમયમાં મહત્ત્વ જિંદગીને ટકાવી રાખવામાં રહેલું છે. જિંદગીને સુધારવા વિશે વિચાર કરવાનો સમય જ નથી.
જિંદગીના દામનમાં સુખ અને દુ:ખ બંને છે. દુ:ખનાં છાજિયાં લેતાં પહેલાં એ વિચારી લેવું જોઈએ કે લાખો લોકો શારીરિક ઊણપો સાથે જીવતા હોય છે. અંધજનોની સૃષ્ટિમાં કદી ડોકિયું કરજો. એમણે તો ચહેરો પણ આંગળીઓથી ઓળખતાં શીખવું પડે. કલરફુલ મોબાઇલને ઝંખતી આપણી આંખોને એ ખબર નથી હોતી કે અંધજનોના તો સપનાં પણ બ્લૅક એન્ડ વ્હાઇટ હોય છે. કેટલાય વિકલાંગો પગથી નહીં, હાથેથી ચાલતાં હોય છે. મંદબુદ્ધિ બાળકની માતા ગમે એટલી વલોવાતી હોય, પણ એની મમતાનું વલોણું ક્યારેય અટકતું નથી.
દુ:ખના પ્રકરણો તો જિંદગીની નવલકથામાં મળવાનાં જ. આપણું કામ સુખને શોધવાનું છે. નરી આંખે દેખાય તો નરી આંખે, ટોર્ચથી દેખાય તો ટોર્ચથી. ગર્ભમાં આપણે ઘડાતા હતા ત્યારે આપણને ગતાગમ નહોતી. જીવનમાં આપણે ઘડાઈએ છીએ ત્યારે પણ પરિસ્થિતિમાં ઝાઝો ફેર પડતો નથી.
મુલ્લા નસરુદ્દીનનો એક પ્રસંગ છે. ચૂંટણીનો દિવસ હતો. જાગ્રત નાગરિકની રૂએ મુલ્લાજી પત્ની સાથે મતદાન કરવા ગયા. બંને ચૂંટણીમથકે આવ્યાં. અધિકારીએ મુલ્લાનું નામ શોધીને ચોકડી મારી. પછી મુલ્લાને મતપત્ર આપ્યું. હવે મુલ્લાની પત્નીનો વારો આવ્યો. અધિકારીએ બે-ત્રણ વખત આખી યાદી તપાસી જોઈ. સાથી અધિકારી સાથે ચોકસાઈ કરી. ક્યાંય એનું નામ ન મળે. છેવટ તેણે કહ્યું કે, `માફ કરજો. તમારું નામ મતદારયાદીમાં નથી. તમારું નામ તો મૃત વ્યક્તિઓની યાદીમાં છે.’ ખલાસ. મુલ્લાની પત્નીનો પિત્તો ગયો. એ ગરજી ઊઠી: `શું કહ્યું તમે? આ તમારી સામે જીવતી-જાગતી બેઠી છું.’ એ હજી કાંઈ આગળ સંભળાવે એ પહેલાં મુલ્લાએ અટકાવતા કહ્યું, `તારી જીભની કસરત બંધ કર. આવડા મોટા અધિકારી કાંઈ જુઠ્ઠું બોલતાં હશે?’
જીવતેજીવત આપણું નામ મૃતકોની યાદીમાં નથીને એ ચેક કરી લેવું. શ્વાસ ચાલુ હોવાની ઘટનાને જિંદગી ન કહેવાય, શ્વાસ સાર્થક કરવાની ઘટનાને જિંદગી કહેવાય.
મરીઝે લખ્યું એમ એક તો સુખ ઓછું છે અને ઉપરથી જામ ગળતું છે. ટકવાની મથામણમાં અટકવાની સૂઝ પડતી નથી. નાની નાની વસ્તુનો આનંદ લૂંટવાનું ભુલાઈ જાય છે. સુખ અને સગવડ વચ્ચેનો ભેદ પારખવામાં સુપર ગ્રૅજ્યુએટ ડિગ્રી કામ નથી આવતી. સગવડ શરીર સાથે જોડાયેલી છે, સુખ મન સાથે.
આપણે ત્યાં કાઉન્સેલિંગ અંગે જાગૃતિ વધી છે. સ્કૂલમાં ભણતા બાળકને માનસિક સમસ્યાઓ હોય તો તેનું કાઉન્સેલિંગ થાય છે. છૂટાછેડા અટકાવવામાં મૅરેજ કાઉન્સેલિંગ મહત્ત્વનો ભાગ ભજવે છે. હતાશાના દરદીઓ મનોચિકિત્સક પાસે જાય છે. ઘણી વાર થાય કે આમ આદમીનું વગર કારણે, વગર અરજીએ, વગર મરજીએ ફરજિયાત કાઉન્સેલિંગ થવું જોઈએ. છૂટપૂટ દુ:ખ તો મંછાડોશીના બોખા સ્મિતમાં જ ઓગળી જશે. જિંદગીને જોવાનો દૃષ્ટિકોણ જીવવામાં આમૂલ પરિવર્તન લાવી શકે.
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 10 ઓક્ટોબરે ગયો. નાસિકમાં એને અનુલક્ષીને ઓથેન્ટિક હૅપીનેસ વિષય પર સેમિનાર રાખવામાં આવ્યો હતો. તેમાં ડો. લૂકટૂકે કહ્યું કે, `આનંદ પ્રવાસમાં છે, પરિણામમાં નહીં. પ્રવાસને અંતે ગમે તેટલું સહન કરો, પણ જો તમારું ધ્યેય નિશ્ચિત હોય તો એ સંતોષ અને આનંદમાં પરિણમશે. જે માણસ સુખી ન થવા માગતો હોય તેને તમે ક્યારેય સુખી ન કરી શકો. સુખ એ આપવાની વસ્તુ નથી, એ અનુભવવાની વસ્તુ છે. પૈસા કમાવા એ જરાય ખોટું નથી. ભૂલ એ છે કે આપણે એને સુખ ગણી લઈએ છીએ. શાસ્ત્રમાં કહ્યું છે કે માણસની સુખની શોધને ચાર ખૂણા હોય છે. હોદ્દો, પ્રતિષ્ઠા, પૈસો અને પત્ની. આ ખૂણામાં જ ફરતા રહીને આગળ ન જવું એ ભૂલ છે.’
ઓથેન્ટિક હૅપીનેસ શબ્દ કેટલો સરસ છે. માર્કેટમાં છેતરામણા પ્રોડક્ટના મોહપાશમાં આવીને અસલી ભૂલી જવાય છે. સુખ પાસબુકમાં જ હોય એ જરૂરી નથી, સુખ પ્રેમબુકમાં તો હોય જ છે. તકલીફ ત્યારે થતી હોય જ્યારે આ પ્રેમબુકને અપડેટ કરાવવા જઈએ ત્યારે પ્રિન્ટર બગડી ગયું હોય. સંબંધોનું પણ નિયમિત એએમસી કરાવવું પડે.
સુખ તમારા ઘરમાં વાવેલા તુલસીજીમાં પણ દૃશ્યમાન થઈ શકે. પગમાં ઘસાઈ ઘસાઈને મૂંગો પ્રેમ વ્યક્ત કરતી બિલાડીના સ્પર્શમાં પણ અનુભવી શકાય. `જાન ન પહેચાન–મૈં તેરા મેહમાન’ની જેમ કોઈ બાળક સાથે નિરર્થક વાતોનો ડોઝ તો સંસારનું એક ઉત્તમ સુખ છે. સત્સંગમાં બે વચન કાને પડી જાય અને ચ્યૂઇંગગમની જેમ મમળાવતાં મમળાવતાં આપણો જક્કી અભિગમ બદલાય તો એ સુખનો આધ્યાત્મિક ઉદય છે.
આકાશમાં બે વાદળ જાણે યુગોજૂના આત્મા હોય એમ ધીરે ધીરે એકબીજામાં મળી જાય એ ઘટનાની મહત્તા પણ કાંઈ ઓછી નથી. કૃત્રિમ કરામતો જોવા ટેવાયેલી આંખો કુદરતી અચરજને ઓળખવાનું જ ભૂલી ગઈ છે. વધારે નહીં, માત્ર અડધો કલાક પણ સંનિષ્ઠ પહાડોની સામે બેસવાથી ચેતના જાગ્રત થતી હોય છે. સુખની વ્યાખ્યા જ્યારે બાહ્ય સમૃદ્ધિના અર્થમાં જ થતી હોય ત્યારે આંતરસમૃદ્ધિ કોઈ આર્ટ ફિલ્મની જેમ લિમિટેડ લોકો સુધી જ સીમિત રહી જાય.
નવા વર્ષે સંકલ્પ કરીએ હકારાત્મક અભિગમ કેળવવાનો. મથરાવટીને માંજવાનો. કેટલીક વ્યાખ્યા બદલવાનો. કેટલીક સમજણ આત્મસાત્ કરવાનો. કેટલીક માન્યતા તોડવાનો. કેટલાંક મંતવ્યો ઘડવાનો. દરેક જીવ આમ જુઓ તો ચમત્કાર જ છે, પણ એ ચમત્કાર છે એ સમજવાની શક્તિ કેળવાય એ પ્રાર્થના કરવાનો. નાની નાની ખુશીઓમાં સચવાયેલી મોટી મોટી શક્યતાઓને ઓળખવાનો.
બારીએ આવતાં પંખીને જોઈને આ ગીત ગાવાનું મન થાય છે… `જિંદગી મેરે ઘર આના…’ ભલે આપણે ટહુકા સર્જી નથી શકતા, પણ ટહુકાને વેલકમ તો જરૂર કરી શકીએ.
*
જો તમને આ પોસ્ટ ગમી હોય તો ‘આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે: www.e-shabda.com/blog
[Zalakthi Palak Sudhi. Hiten Anandpara, e-shabda blog posted on 26th December 2014]
હિતેનભાઈ ને વાંચવા, અનુભવવા કે સાંભળવા એ એક લહાવો છે, ચિત્રલેખા ને સુરેશ દલાલ ની ખોટ ન લાગે એવુ લખાણ અને એવી પારદર્શિતા