વૈવિધ્ય અને ગુણવત્તાથી સભર ‘સાર્થક જલસો’ નો દિવાળી અંક પ્રકાશિત થઈ ચૂક્યો છે. સાર્થક પરિવારના જ સ્થાપક સદસ્યોમાંથી એક બીરેન કોઠારી આપણી સમક્ષ વાત રજૂ કરે છે ‘વાચનને વફાદાર’ એવા ડાહીબેન પરમારની…
ગાંધીજીએ ‘કોશિયા’ને પણ સમજાય એવી ભાષા વાપરવાનું સૂચન કર્યું હતું. જાણેઅજાણે ઘણા લેખકો પોતપોતાની સમજણ મુજબ આનો અમલ કરી રહ્યા છે. ઘણા તો આગળ વધીને ‘કોશિયો’ બોલે એવી ભાષામાં લખે છે, તો ઘણા બિરાદરો ભારતના નહીં, પણ અમેરિકા કે ઈન્ગ્લેન્ડના ‘કોશિયા’ઓને ધ્યાનમાં રાખીને આખાંને આખાં અંગ્રેજી વાક્યો ગુજરાતી લખાણોમાં ઘૂસાડી રહ્યા છે. પોતે કલ્પી લીધેલા ‘અર્બન યુથ’ સાથે આવી ‘ગુજલીશ’ ભાષા થકી વધુ ‘કનેક્ટ’ થઈ શકાશે એવી દલીલ આમ લખનારા મોટે ભાગે કરે છે. એ વાત અલગ છે કે શહેરમાંય એવી ભાષા ભાગ્યે જ કોઈ બોલતું હોય છે. આમ લખનારને એ વિચાર ભાગ્યે જ આવતો હશે કે અંગ્રેજી ન જાણતો હોય, અથવા દૂરદરાજનાં ગામડાંઓમાં રહેલો વાચક એની સાથે શી રીતે તાદાત્મ્ય અનુભવશે. હા, આવું લખનારનો પરિચય કુકેરીમાં રહેતાં ડાહીબેન પી. પરમાર સાથે થયો હોય તો વાત જુદી છે.
સપ્ટેમ્બર ૧૦, ૨૦૧૪ના ગુરુવારે બપોરે ટૂંકી બિમારી પછી જેમનું અવસાન થયું, એ ડાહીબેન પરમાર એક વિશિષ્ટ વાચક હતાં. ચીખલી તાલુકાના કુકેરી ગામે રહેતાં ડાહીબેન નિવૃત્ત શિક્ષીકા હતાં. નિવૃત્ત થયા પછી વાચનનો શોખ તેમણે ચાલુ રાખ્યો હતો. નિવૃત્તિ પછીની પેન્શનની મર્યાદિત આવકમાંથી તે પુસ્તકો ખરીદતાં, વાંચતાં અને વંચાવતાં. તેમના પતિ ચંદ્રસિંહ પરમાર પણ નિવૃત્ત શિક્ષક છે. સુરતના ‘સાહિત્યસંગમ’માંથી તે પુસ્તકો મંગાવે, અમદાવાદના ‘ગુર્જર ગ્રંથરત્ન’માં ઓર્ડર નોંધાવે કે ‘ગુજરાતમિત્ર’માં પ્રકાશિત થયેલું પુસ્તકનું અવલોકન વાંચીને કોઈ લેખક પાસેથી પણ પુસ્તક મંગાવવાનું હોય તો તે મંગાવે. પણ પુસ્તક મંગાવવા બાબતે ડાહીબેનની ચોકસાઈ એ હદની હતી કે પુસ્તક માટે પોતે મોકલેલાં નાણાં મળે એ પછી જ પ્રકાશક કે વિક્રેતાએ તેમને પુસ્તકો રવાના કરવાં એવો એમનો દુરાગ્રહની કક્ષાનો આગ્રહ. અને આવા આગ્રહની પાછળ તેમની સીધીસાદી એટલી જ સમજણ કે વાંચનમાં ઉધારી ન હોય. ચીખલીની નજીક, ઉમરા જવાના રસ્તે આવેલા કુકેરી ગામમાં પોસ્ટ ઑફીસ પણ નહીં. એ માટે તેમણે ખાસ ચીખલી જવું પડે. આવી વિપરીતતાઓ છતાંય ડાહીબેન પુસ્તકો ખરીદીને મંગાવતાં.
સ્વ. ડાહીબેન પરમાર
પુસ્તક મળ્યા પછી તેના લેખક સાથે વાત કરીને તે પોતાનો અભિપ્રાય જણાવતાં. ગુજરાતી લખાણમાં ક્યારેક અંગ્રેજી શબ્દપ્રયોગો આવે એ તેમને સમજવામાં મુશ્કેલી પડતી. એક પુસ્તક વાંચ્યા પછી તેમણે બહુ સહજભાવે ટીપ્પણી કરતાં કહેલું, ‘એમાં અમુક અંગ્રેજી શબ્દો એમનાં એમ મૂક્યાં છે. અમારાં જેવાને એમાં હમજણ ની પડે. કૌંસમાં એનું ગુજરાતી લખ્યું હોત તો હારું થાત!’ એક સન્નિષ્ઠ વાચકે શીખવેલો કેટલો મહત્વનો પાઠ! કોઈ પણ લેખકે, ખાસ તો, અમુક જ વાચકવર્તુળને ધ્યાનમાં રાખીને લખતા લેખકે તો વિશેષપણે ગાંઠે બાંધી રાખવા જેવી આ બાબત છે.
ડાહીબેનનો વાંચનપ્રેમ સો ટચનો કહી શકાય એવો હતો. પોતે મંગાવેલું પુસ્તક વાંચી લીધા પછી પોતાનાં સગાંસ્નેહીઓના વર્તુળમાં વાંચવા આપવાને બદલે તેમને એ ખરીદીને મંગાવવા માટે સૂચન કરતાં. વાંચનારે ખરીદવાની પણ આદત કેળવવી જોઈએ, એવી એમની સમજણ. અને આ સમજણમાં એવો સમભાવ પણ ખરો કે વાચક ખરીદે નહીં તો લેખક કે પ્રકાશકનું કામ શી રીતે ચાલશે?
ડાહીબેનને કંઈ એવા મરમી અને વિદ્વાન વાચક ન કહી શકાય, કે જે પોતે કેટલું બધું વાંચ્યું છે એની દુહાઈઓ છાશવારે આપતાં રહે અને પોતાના વાચનપ્રેમનો રાગ આલાપીને વાહવાહી ઉઘરાવતાં રહે. પણ વાંચન પ્રત્યેની તેમની વફાદારી એવી હતી કે કોઈ તેમને પુસ્તક ભેટરૂપે આપે તો પણ એ તેનાં નાણાં ચૂકવી દે. પુસ્તક પૈસા ચૂકવ્યા વિના લેવાય જ નહીં, એવી સ્પષ્ટ સમજણ તેમનામાં હતી, અને આ સમજણનો કશી દાંડી પીટ્યા વિના તે અમલ કરતાં હતાં.
‘ગુજરાતમિત્ર’ સહિત અન્ય સ્રોતમાંથી તેમને નવાં કે સારાં પુસ્તક અંગેની માહિતી ડાહીબેન મેળવતાં રહેતાં. તેમને જે પુસ્તક મંગાવવા જેવું લાગે એ માટે ફોન વડે જે તે પ્રકાશક કે લેખકનો સંપર્ક કરે, સંબંધિત પુસ્તકની કિંમત પૂછે. સુરતનાં તેમજ અમદાવાદનાં પ્રકાશનગૃહોમાં પણ તે ફોન કરતાં, જેની સાથે વાત કરી હોય તેનું નામ યાદ રાખીને બીજી વખત નામથી જ વાત કરતાં. આને લઈને સામેની વ્યક્તિ સાથે બહુ ઝડપથી તે આત્મીયતા કેળવી લેતાં. તેમનો ખાસ આગ્રહ રહેતો કે પોતે મનીઓર્ડરથી નાણાં મોકલે, એ નાણાં પ્રકાશક કે વિક્રેતાને મળી જાય ત્યાર પછી જ તેણે પુસ્તકો મોકલવાં. તેમના આટલા પરિચય પછી કોઈ પ્રકાશક નાણાં મળતાં પહેલાં સીધેસીધાં પુસ્તકો મોકલી આપવાનું કહે તો ડાહીબેન ભડકી ઉઠે. તેમનો આગ્રહ એવો જ રહેતો કે પોતે મોકલેલાં નાણાં મળે એ પછી જ પુસ્તકો મોકલવાં. અમદાવાદના એક પ્રકાશકે તેમના પુસ્તકોનો હિસાબ દર વરસે એક વાર કરવાની ઑફર કરી ત્યારે તેમણે સ્પષ્ટપણે તેનો અસ્વીકાર કરી દીધો હતો.
આમ તો આ કંઈ એવી મોટી વાત કે મોટો ગુણ ન કહેવાય. પણ હોંશે હોંશે પુસ્તકો મંગાવ્યા પછી તેનાં નાણાં મોકલવાનું ‘ભૂલી’ જવાની આદત ઘણા લોકોને હોય છે. એકાદ-બે પુસ્તક મોકલ્યાં હોય તો તેનાં નાણાંની ઉઘરાણી કરતાં પુસ્તક મોકલનારને પણ સંકોચ થાય. આવા સંજોગોમાં ડાહીબેનની આ પ્રકૃતિ બહુ દુર્લભ જણાય.
પુસ્તક મંગાવીને વાંચ્યા પછી તે અચૂક એ વિષે વાત કરતાં અને પોતાને જે બાબત ન સમજાઈ હોય એ વિષે પૂછપરછ પણ કરતાં. વાતો કરવી તેમને બહુ ગમતી, એટલે ઘણી વાર પુસ્તક સિવાયની વાતો પણ લંબાણથી કરતાં. લેખક સાથે આત્મીયતાભરી વાતો ખરી, પણ તેમના લખાણ વિષેનો અભિપ્રાય તો સાચો જ કહેવાનો. એમાં શબ્દો ચોરવાનાં નહીં. આ તેમની પ્રકૃતિ! તેમનો વાચનપ્રેમ, વાચનનિષ્ઠા જોયા પછી લાગે કે આવા વાચકોને લેખકની હોય, એના કરતાં વધારે ગરજ લેખકોને આવા દુર્લભ વાચકોની હોય છે.
જો તમને આ પોસ્ટ ગમી હોય તો `આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે:www.e-shabda.com/blog
[Vachanne Vafadar: Article on Dahiben Parmar by Biren Kothari, e-shabda blog posted on 16th October 2014]
1 comment
surendra ashar
saras…ava pustakpremi vyakti ni sidhi sadi samazan apane ghanu sikhvi jay…ane…e apna jivan ma utariye tuy ghanu chhe..
saras…ava pustakpremi vyakti ni sidhi sadi samazan apane ghanu sikhvi jay…ane…e apna jivan ma utariye tuy ghanu chhe..