માણસ સ્વભાવથી એટલો કઠિન નથી હોતો જેટલો સંજોગો એને બનાવી દે છે. આપણા રોજબરોજના જીવનમાં એવા ઘણા પ્રસંગ બનતા હશે જ્યારે આપણે આસપાસ કોઈ ટ્રાફિક સિગ્નલ પર કે ફૂટપાથ પર કોઈ ગરીબ પરિવાર પોતાનાં ભૂલકાંઓ સાથે જોયો હોય અને આપણને સહજેય દયાભાવ જાગે અથવા મદદની ઇચ્છા થાય. પણ આપણે આપણા જીવનમાં એટલા ખોવાઈ ગયા હોઈએ છીએ કે તે દૃશ્ય લાંબો સમય આપણા માનસ પર ટકતું નથી. લેખક સંજય ચૌધરીની વાર્તા ‘ઊઘડતી દિશા’ આપણને સવાલ પૂછતી જાય છે કે આપણે આવા પ્રસંગો જોયા પછી આપણી દયા કે મદદની ભાવનાને પ્રવૃત્ત કરી શક્યા છીએ?
લેખકની સરળ શૈલીએ વાર્તાની અનુભૂતિ વધુ સહજ બનાવી છે. વાર્તા વાંચીને તમારા આ વિષેના વિચારો અને જીવનનો કોઈ નાનામાં નાનો પ્રસંગ પણ હોય તો અહી કૉમેન્ટમાં લખવાનું ન ચૂકતા. અન્ય વાચકો માટે તે પણ એક ભાથું થઈ રહેશે…
બળબળતો મે મહિનો બરાબર બેસી ગયો છે. કૂતરાંઓ પણ છાંયડામાં જ્યાં પણ જગ્યા મળે ત્યાં સવારથી જ ખાડો ખોદી રેત-માટીની ઠંડી ગોદમાં લપાઈ ગયાં છે. બપોર થતાંમાં તો સોસાયટીમાં સન્નાટો છવાઈ ગયો છે. સૂર્ય પોતાના પ્રકોપથી કોઈને બાકાત રાખવા માંગતો ન હોય તેમ ડામરના રોડને બાળી-દઝાડીને વરાળ વરાળ કરી રહ્યો છે. સોસાયટીનાં ઘરનાં ઍરકન્ડિશનર ઘરની તપી ગયેલી છત-દીવાલોને ઠારવા માટે તેમનાં કૉમ્પ્રેસર ફાટી જાય તેટલી હદે જોર લગાવે છે. આજે તો રવિવાર અને રજાનો દિવસ. ઘરના મેઇન ડોરને બંધ કરવા પ્રેમલ નીચે ઊતર્યો અને તેણે એક છોકરીની બૂમ સાંભળી, `સાક લેવું સે બેન સાક?’ તેની પાછળ પાછળ એક છોકરાએ જરા લંબાતો સાદ કર્યો, `સાક લ્યો બેન સાક!’ બંધ મકાનોના કાન સુધી પોતાની ભૂખી બૂમ સંભળાય તે માટે બંને જણાં વારાફરતી સાદ પાડતાં રહ્યાં. જાણે કે એકબીજાની હરીફાઈમાં ઊતર્યાં ના હોય!
રજાના દિવસે બપોરે ભરપેટ જમીને ઊંઘવાની તૈયારી કરતો પ્રેમલ અકળાઈ ગયો. `અત્યારે શું છે? સાલાંઓને બબ્બે વળગાડી દઉં.’ તીખી અકળામણથી બહાર આવ્યો અને ઘરના કોટ પાસે લારીમાં શાકભાજી વેચવા નીકળેલાં એક છોકરી અને છોકરો દેખાયાં. તે થોડોક નજીક ગયો અને ઘાંટો પાડ્યો, `અલ્યા, તમને ભરબપોરે કોણે અંદર ઘૂસવા દીધાં?’ ચોકીદારને ખખડાવી નાંખવા માટે તેના નામની એણે બૂમો પાડી. ત્યાં તો અંદરથી માયા દોડતી આવી. `અરે, અરે, શું થયું?’ પૂછતાં પૂછતાં જ તેણે જોયું કે પ્રેમલ બંને જણને ખખડાવી રહ્યો છે. ગુસ્સામાં આવેલો પ્રેમલ ધસીને લારીની નજીક ગયો પણ એકદમ સ્તબ્ધ ઊભો રહી ગયો. તેણે જોયું કે લારીના પડછાયામાં પોતાના ખુલ્લા પગ માંડ ઢંકાય તે રીતે એક નાનો છોકરો ઊભો હતો. પ્રેમલના ગુસ્સાથી ગભરાઈને ફાટી આંખે તેની સામે જોઈ રહ્યો હતો. છોકરાની આંખોનો ભાવ જોઈને પ્રેમલ ખચકાઈને પાછો પડ્યો, પગ બળે નહીં તે રીતે છાયામાં ખસી ગયો અને ઉઘાડપગાં ત્રણેય જણાં અને તેમની ખખડી ગયેલી લારીને જોતો જ રહી ગયો. માયાએ કહ્યું, `પ્રેમલ પ્લીઝ, તમે અંદર જાવ અને આરામ કરો.’
ઘરમાં બે-ત્રણ ટંક ચાલે એટલું શાક ફ્રીઝમાં, હજી હમણાં જ ઠંડાં પાણીની બોટલ કાઢી ત્યારે જોયું છે ને તોય આ માયાએ તેમની પાસેથી શાક લીધું? ઘરમાં જતો પ્રેમલ આશ્ચર્યથી જોઈ રહ્યો! બંને જણાં પાછાં બૂમો પાડતાં પાડતાં આગળ ગયાં. થોડી થોડી વારે ઊતરી જતી પોતાની ચડ્ડીને ઉપર ચઢાવતો અને પગ ના દાઝે તે રીતે કૂદતો કૂદતો નાનો છોકરો બંનેની પાછળ જોતરાતો રહ્યો. માયા શાક લઈને ઘરની અંદર જતાં બોલી, `હજુ અહીં જ ઊભા છો ? ચલો હવે !’ પણ લારી લઈને જતાં છોકરાંઓની પીઠને જોતો પ્રેમલ સ્થિર ઊભો રહ્યો. છોકરાંઓની બૂમો સંભળાતી બંધ થઈ એટલે તે અંદર ગયો.
બપોરે મઝાના ઠંડા રૂમમાં આરામ કરતી વખતે કોણ જાણે કેમ, તેની ઊંઘ ગાયબ થઈ ગઈ. ઊંડે ઊંડે તેને યાદ આવ્યું. ચાલીસ વરસ, હા, બરાબર ચાલીસ વર્ષ પહેલાં વતન-ગામની શાળામાં ભણતર પૂરું કરી આગળ અભ્યાસ માટે આણંદ ગયો હતો. હાઈસ્કૂલના પહેલા દિવસે ધૂળિયા મેદાનમાં રમીને અને ગામના ભાઈબંધોની ટોળકી સાથે આણંદની બજારમાં રખડીને કપડાં લઘરવઘર થઈ ગયાં હતાં. સાંજે બસમાં બેસવા માટે લોકોની ભીડ બસના બારણાને ઘેરી વળી હતી. તેમાં ઘૂસવા માટે તેની આગળ સફેદ ખમીસ અને લેંઘો પહેરેલા ભાઈની પીઠ પર તેણે હાથ મૂક્યો ત્યારે તે ભાઈએ તેનો હાથ ખંખેરી નાંખીને ધમકાવ્યો હતો, `હાળા રોંચા, દૂર રેય.’ તે વખતે તો તે ભાઈને ધક્કો મારીને અંદર દાખલ થઈ ગયો હતો. રોજિંદા અનુભવો પછી તો તે માનતો થયો કે આવું બધું તો ચાલ્યા કરે.
ઠીક ઠીક સમય આંખો મીંચીને પડ્યા રહ્યા પછીય ઊંઘ ન જ આવી એટલે પથારીમાં બેઠા થઈ તે સામેની દીવાલ પરના અરીસામાં તાકી રહ્યો. આજે આ છોકરાંઓ પર ગુસ્સે થવાને બદલે બારણું ખોલીને જોઈ લીધું હોત તો? આ ઉંમર છે એમની લારી ફેરવવાની? આ છોકરાંઓનાં મા-બાપ સાલાં ક્યાં મરી ગયાં હશે? અરે, પોતાનાં છોકરાંને પહેરવા ચપ્પલ પણ ન આપે? પોતાને ગુસ્સામાં એમની સામે ધસી જતો જોઈને એ બાળકોનાં મનમાં શું શું થયું હશે? પ્રેમલને આશ્ચર્ય થયું. ક્યારેય નહીં ને આજે જ આવા સવાલો કેમ થાય છે? અરે, આવું બધું તો ચાલ્યા કરે — એમ કહીને એણે મનને મનાવવા કર્યું પણ ઍરન્ડિશનરનો કર્કશ અવાજ તેની બેચેની વધારતો રહ્યો.
બે-ચાર દિવસ પછી એક સાંજે ઑફિસથી વહેલો ઘરે આવ્યો. જુએ તો ઘરના ઝાંપા પાસે લારી લઈને ત્રણેય જણાં ઊભાં હતાં. તે નજીક ગયો. નાનો છોકરો લારીની નીચે લપાઈ ગયો. ત્રણેયમાં છોકરી મોટી છે તેમ તેને લાગ્યું. તેણે છોકરીને પૂછ્યું, `કેમ, અત્યારે આ ટાઇમે?’ છોકરીએ જવાબ આપવાને બદલે કહ્યું, `સાહેબ, બેનને મોકલો ને.’ તે અંદર ગયો અને માયાને બહાર મોકલી. થોડી વારે તે લારી પાસે આવીને ઊભો રહ્યો. શાક ખરીદતી માયા અને માંડમાંડ ત્રાજવામાં શાકભાજી જોખતા વચલા છોકરાને જોતો રહ્યો. તેણે છોકરાને કહ્યું, `અલ્યા તને તો ત્રાજવુંય પકડતાં નથી આવડતું. જો શાકભાજી તરફનું પલ્લું વધુ નમી ગયું છે.’ છોકરીએ કહ્યું, `કાંય વાંધો નહીં, સાયેબ.’
તેને હવે છોકરાંમાં રસ પડવા લાગ્યો. `તમે ભણવા નિશાળે જાવ છો?’
છોકરીએ વચલા સામું જોઈને કહ્યું, `આ લખો જાય સે. પણ તેય કો’ક દા’ડે જ.’
`અને તું?’
`આ મારી માથી બહુ હેંડાતું નથી એટલે હું નથી જાતી. ઘરનાં કામ તો મારી મા કરે સે પણ ઈની જોડે કો’ક તો જોવે ને?’
પ્રેમલને પૂછતાં ખચકાટ થયો પણ તોય પૂછી લીધું. `તારા બાપા કામે નથી જતા?’
અત્યાર સુધી મૌન રહેલો લખો બોલ્યો, `મારા બાપા હાથલારીમાં સામાન ફેરવે સે.’
`તો પછી તમે આ શાકની લારી શું કામ ફેરવો છો? તમને શાકભાજીનાં વજન અને ભાવતાલની ગણતરી કરતાં ક્યાં આવડે છે?’
`મારા બાપા માને પૈસા નહીં આલતા. આખો દહાડો જે કમાય એ બધા પૈસા મારી કાકીને આલી દે સે.’
`તે તમે બધાં એક જ ઘરમાં રહો છો?’
`ના, કાકા-કાકી પડખે રેય સે.’
પ્રેમલને થયું પૂછું કે ન પૂછું પણ અંતે ન જ રહેવાયું એટલે જરા ન ગમતો સવાલ પણ પૂછી લીધો :
`અને તારા બાપા ક્યાં ખાય છે?’
`બીજે ક્યાં ખાય? અમારા ઘર વિના?’
પ્રેમલનું કુુતૂહલ વધ્યું. બાપા અને કાકી વિશે પૂછવાની ઇચ્છા થઈ. પણ આ છોકરાંની સાથે આવી વાત કરાય? પણ હવે પૂછવાની જરૂર જ ક્યાં હતી? વાતે વળેલો લખો તો બોલ્યો જ જતો હતો.
`પે’લાં મારી મા લારી લઈને જતી હતી. પણ હવે એનાથી બહુ નથી હેડાતું. એટલે આ જસી એકલી જતી’તી. પસી મુંને થ્યું હુંય જાંવ. આ નાનકા જગાને તો અતારથી જ ભણવું નહીં ગમતું એટલે અથડાતો અથડાતો અમારી હારે ફરે સે.’
આ છોકરાંવ શાકભાજી ક્યાંથી લાવતાં હશે, કેટલા ભાવે પડતી હશે, ઘરાક પાસે રકઝક કરીને કોણ પૈસા ગણતું હશે અને આમનો કેમ વ્યવહાર ચાલતો હશે? પ્રેમલ ગૂંચવાઈ ગયો. સામેના મકાનમાંથી હંસાબહેન હાથમાં ઘંટડી વગાડતાં વગાડતાં નીકળ્યાં. ઘરના તુલસીના ક્યારામાં દીવો કર્યો અને તેને પગે લાગ્યાં. લારી પાસે ઊભેલા પ્રેમલને જોઈને કંઈ કહેવા ગયાં, પણ ત્યાં તેમનું ધ્યાન ઓટલા પર બેઠેલા જગા પર ગયું. તેમણે ઘાંટો પાડ્યો, `ચલ ઊઠ એલા. જ્યાં ને ત્યાં બેસી જાવ છો તે.’ જગો દોડીને લારી પાસે આવ્યો એટલે હંસાબહેન ઘંટડી વગાડતાં ઘરની અંદર ગયાં.
માયાને જસી સાથે શાકભાજીનો હિસાબ કરતી જોઈ, પ્રેમલે લખાને તેમના ઘર અંગે પૂછ્યું. જસીએ કહ્યું, `આ ઊંસો ટાવર નહીં? તેની હામે આવેલાં સાપરાંમાં.’
`દેવજીનગરમાં રહો છો, એમ ને?’
`હા, દેવજી મોડાનો વાસ.’
જસીએ પૈસા ગણી લીધા અને લખાએ લારીને ધક્કો મારીને ચલાવતાં કહ્યું, `આવજો સાયેબ.’ પ્રેમલે હાથ ઊંચો કરીને સામું `આવજો’ તો કહ્યું પણ હજી વાત અધૂરી રહી છે. આ ત્રણેયની પાછળ પાછળ જવું કે ઘરની અંદર તે નક્કી ન થઈ શકતાં પ્રેમલ એમ જ ઊભો રહ્યો.
ઑફિસે જતી વખતે કે વળતી વખતે પ્રેમલ ક્યારેક જાણી જોઈને પોતાની ગાડી ટાવર પાસેના રસ્તા તરફ વાળતો. રખે ને જસી, લખો કે જગો તેની મા કે બાપ સાથે દેખાય. તેને ઇચ્છા થઈ આવી છે, તેમની સાથે વાત કરવાની અને તેમની સ્થિતિ સમજવાની. માનો કે તે બધાં મળી જાય તો પણ વાત માંડવી કેવી રીતે? કંપની સેક્રેટરી તરીકે વરસો સુધી કામ કરીને પોતાનો સ્વભાવ સાવ ઓછાબોલો થઈ ગયો છે. હવે આમ અચાનક કેવી રીતે ઊઘડી જવાય? સોસાયટીમાં આ છોકરાં સાથે તેમની લારી સામે ઊભો ઊભો વાત કરતો હોય ત્યારે આજુબાજુના લોકો નવાઈભર્યું તેની સામે જોઈ રહે છે. એક વાર તો તેણે સામેવાળાં હંસાબહેનને, તેમની વહુને કહેતાં સાંભળ્યાં હતાં કે, `આય સાવ નવરો થઈ ગયો લાગે છે.’
એક દિવસ મોડી સાંજે પ્રેમલ ઘરમાં એકલો હતો, ત્યાં કોઈકે જોર જોરથી બારણું થપથપાવ્યું. તેણે બારણું ખોલીને જોયું તો જસી અને લખો. હાંફતાં હાંફતાં લખાએ કહ્યું, `સાયેબ બેન નથી? આ તો આ બાજુથી નેકળ્યાં હતાં એટલે આયાં. પાણી આલો ને.’ પ્રેમલે બંનેને પાણી આપ્યું. પાણી પીને બંને જણાં તેની સામે જોઈને ઊભાં રહ્યાં. તેને સમજાયું કે બેય જણાંને કંઈક કહેવું છે. પોતે પણ પૂછી શકે ને? પણ તે એમ જ ઊભો રહ્યો. થોડી વાર પછી તેણે કહ્યું, `તમે ઘડીક વાર ઊભાં રહો.’ રસોડામાં જઈ, ફ્રીજ ખોલીને મીઠાઈનું બૉક્સ લઈ આવ્યો અને બંનેને આપી. બંને જણાં ત્યાં ઊભાં ઊભાં મીઠાઈ ખાતાં રહ્યાં. પ્રેમલ તેમને જોતો રહ્યો. થોડી વાર પછી લખો બોલ્યો, `સાયેબ તમને ખબર છે? ટાવર પાસેનો રસ્તો પહોળો થવાનો છે. મા કહેતી કે સરકાર ઘણાં બધાં સાપરાં તોડી નાખશે. અમારું સાપરું તો રોડ પર જ સે.’ પ્રેમલે જોયું તો જસીની આંખો છલકાઈ ગઈ છે અને એટલે જ એ કશું બોલતી નથી.
પ્રેમલે પૂછ્યું, `જગો ક્યાં છે?’
લખાએ કહ્યું, `માની હંગાથે.’
`લો એમ કરો, આ બૉક્સ લેતાં જાવ. તેમની માટે.’
જસીએ કહ્યું, `બસ સાયેબ, અમે જઈએ?’
બંને જણાં બહાર નીકળ્યાં. પ્રેમલે ઘરની બહાર રસ્તા પર જોયું તો લારી નહોતી. તેણે પૂછ્યું, `અલ્યા, તમારી લારી ક્યાં?’
દોડતાં દોડતાં લખાએ કહ્યું, `એ વાત પસી, સાયેબ.’
થોડા દિવસ પછી સાંજના સમયે, ટાવર પાસેના ચાર રસ્તાના સિગ્નલ પાસે ગાડી ઊભી રાખી, પ્રેમલે થોડે દૂર જોયું તો જમણી બાજુની પાળી પર લખો ઊભો હતો. તેણે કાચ ઉતારી લખાને બૂમ પાડીને બોલાવ્યો અને પૂછ્યું, `કેમ લખા, અહીં ક્યાંથી?’
લખો દોડતો આવ્યો. `હા સાયેબ, આ મુરતિયું વેચું સું.’
`તારી લારી ક્યાં?’
`એ તો કાઢી નોખી.’
`કેમ?’
`શાકભાજીની ખરીદી કરવા માટે કોય ઉધાર નહોતું આલતું.’
`તે મને કહેવું હતું ને?’
`તે દાડે બેનને કહેવા આયાં’તાં. પૈસા માંગવા અને જસીને કામે રાખે માટે. પણ બેન ઘરે નો’તાં. તમારી પાહે થોડા પૈસા મગાય? પણ સાયેબ, એના કરતાં આ હારું સે. પેલી હામે રઈને દુકાન? શેઠ પાંહેથી મુરતિયું લઈ આવવાની અને એક વેસાય ઇની પર વીહ રૂપિયા મળે સે.’
`જસી શું કરે છે?’
`બે ઘરે કામ કરે સે.’
`અને જગો?’
લખો જવાબ આપે તે પહેલાં ગ્રીન સિગ્નલ થઈ ગયું અને પાછળ ઊભેલાં વાહનોના ચાલકોએ વિલંબ થતાં જ હૉર્ન પર હૉર્ન મારતાં જ લખો દોડીને ડિવાઇડરની પાળી પર ચઢી ગયો. પ્રેમલને થયું કે પોતે વાહનોના ધસમસતા પ્રવાહમાં તણાઈ ન જાય. પ્રયત્ન કરે અને આગળ જઈ વળીને પાછો આવે. આખરે ગાડીનું સ્ટિયરિંગ તો તેના હાથમાં જ છે ને! પીઠ પાછળ હૉર્નરૂપી ચીસો પાડીને આગળ ઘસવા હડસેલો મારતાં વાહનોનાં પ્રવાહમાં તે પણ ભળી ગયો.
પ્રેમલને ત્રણેક અઠવાડિયાં માટે કંપનીના કામે બહારગામ જવાનું થયું. માયા પણ તે દરમ્યાન પિયર ગઈ. પાછા આવીને, રવિવારે વહેલી સવારે પ્રેમલને લખા અને તેના ઘરના લોકો સાથે વાત કરવાનું મન થયું. જો કદાચ કંઈક મદદ કરી શકાય તો. તેણે બહાર જોયું. વહેલી સવારથી જ કાળાં વાદળોએ આકાશને ઘેરી લીઘું છે. લાગે છે કે ધોધમાર વરસાદ પડશે. છતાં તે ગાડી લઈ ટાવર બાજુ ગયો. સામેનાં છાપરાં તૂટી ગયાં હતાં અને રસ્તો બની રહ્યો હતો. ગાડી પાર્ક કરી તે પાનના ગલ્લા પર ગયો. પૂછ્યું તો ખબર પડી કે સરકારે તમામને લગભગ પંદરેક કિલોમીટર દૂર સરકારી જમીન પર મકાન બાંધી વસાહત ઊભી કરી આપી છે. પાનાવાળાએ જગ્યાનું સરનામું આપતાં કહ્યું પણ ખરું, `તમે તો જાણો જ છો ને. આ એલોટમેન્ટના કામમાં કેવાં કેવાં ધાંધિયાં થાય છે? એ તો ઠીક મારા હાળા આ પણ ખરા છે હોં. સરકાર પાસેથી મકાન લઈ, કેટલાંકે તો વળી વેચી માર્યાં છે અને એની પાસે ક્યાંક ખુલ્લી જમીનમાં છાપરાં બાંધી દીધાં છે.’
પ્રેમલને જાત પર ગુસ્સો આવ્યો. તે દિવસે સિગ્નલ પાસે લખો મળ્યો ત્યારે પોતે પાછો વળીને આવ્યો હોત તો? ઘરે જવામાં ક્યાં તેને બહુ મોડું થઈ જવાનું હતું? પાછા વળીને લખાને મળ્યો હોત તો કાંઈક તો કરી શકાત ને? લખાને તેનાં મા કે બાપનું નામ પણ પૂછ્યું હોત તો અત્યારે તો કામ ના આવત? તે ગાડી લઈને વસાહત પાસે પહોંચ્યો. ક્ષિતિજ સામું જોયું તો વાદળોનાં પડ ધીરે ધીરે સરકી રહ્યાં હતાં. કદાચ વરસાદ ન પણ આવે. ત્યાં ઊતરીને ચાર-પાંચ જણને તેણે લખા અને જસીની ઓળખ આપી. પણ કોઈ તેમને ઓળખતું ન હતું. હવે શું કરવું? તેને થયું કે લખો કે જસી કામે જવા માટે બસસ્ટેન્ડ પાસે તો આવશે જ ને? ભલે ને સાંજ પડે આજે. ગાડીને બસસ્ટેન્ડની સામે પાર્ક કરી, વસાહત તરફ નજર નોંધીને તે બેઠો, કદાચ ને લખો કે જસી આવતાં દેખાય!
[સૌજન્ય: ‘અખંડ આનંદ’, ઓગસ્ટ ૨૦૧૪]
સંજય ચૌધરી
[ફોટો સૌજન્ય: www.textileartist.org. પ્રસ્તુત ફોટો Aran Illingworth દ્વારા બનાવેલ એક ટેક્ષટાઇલ આર્ટનો ભાગ છે.]
જો તમને આ પોસ્ટ ગમી હોય તો `આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે: www.e-shabda.com/blog
[Ughadti Disha: Short Story by Sanjay Chaudhary, e-shabda blog posted on 4th October 2014]
Superb..ankh ma pani avi jay and samajik bandhano samajavati anokhi varta ….
Its a nude reality of our society but either we ignore them or avoid even talk about them…
we all like Premal who want to help those children but still we hesitate to do so..
I don’t know which are those things stop us to help these types of people
We should pray God for the betterment of poors not only to whom we see.There are Many things we can do for them atleast we can inform some NGO who works for welfare of poor people.
Helping poors mean by not only money,but giving good,cloths,books,médical help etc..
An amazing post with an awesome thought. Its an inspirational and very nicely described post.