આવતી ૧૩મી તારીખે અમદાવાદના નવરંગપુરા અને શાહપુરને જોડતા ગાંધીપુલને ખુલ્લો મુકાયાને ૭૪ વર્ષ પૂરા થશે. ગાંધીજીની સુંદર પ્રતિમાને લીધે (અને કદાચ ટ્રાફિકના લીધે પણ) અમદાવાદીઓમાં માનીતા એ પુલનું ઉદ્ઘાટન ગાંધીજીની હયાતીમાં જ અને તે પણ સરદાર વલ્લભભાઇ પટેલના હસ્તે થયું હતું. ઇ-શબ્દ આજે આપની સમક્ષ લઈને આવ્યું છે એ વક્તવ્ય જે સરદારે ઉદ્ઘાટન સમયે આપ્યું હતું. શહેરી સ્વચ્છતા પર અને શહેરી જીવનના અભિગમમાં સુધારા પર ભાર મુકતાં વલ્લભભાઇએ સ્પષ્ટ શબ્દોમાં ઘણી માર્મિક વાતો રજૂ કરી હતી જે આજે પણ પ્રસ્તુત છે. ગત ૩૧મીએ રાષ્ટ્રીય સ્તરે મનાવાયેલ સરદાર જન્મજયંતી નિમિત્તે નવજીવન ટ્રસ્ટ અને ઇ-શબ્દ તરફથી ‘આજનો ઇ-શબ્દ’ના વાચકો માટે…
આપણા દેશમાં નાગરિક ભાવના બહુ ઓછી છે. આપણી નદીઓ જુઓ. આવાં ખીચોખીચ ભરેલાં શહેરની નદીઓ આવી ન હોય. શહેરીઓ જે રીતે નદીનો ઉપયોગ કરે છે એ શોભે એવું નથી. આજે યુરોપમાં પુલો બાંધે છે ને ભાંગે છે. ભલે ભાંગતા હોય પણ એમણે બાંધ્યા કેવી સારી ભાવનાથી!
લંડન એ મોટામાં મોટું શહેર છે. એંશી લાખની વસ્તી છે. ગૅસની ભૂંગળીઓ, અને પાણીનાં ભૂંગળાં આજે ત્યાં રોજ તૂટે છે. રાતદિવસ ગોળા પડતા હોય તે વખતે શહેર સ્વચ્છ રાખવું અને ભોંયરામાં તાત્કાલિક ગોઠવણ કરી શહેર વસાવવું! કેટલી નાગરિક ભાવના! આપણે તો એક નાત જમાડવી હોય તો કેટલી ભાંજગડો થાય છે? અને ત્યાં એંશી લાખની વ્યવસ્થા શાંતિથી થાય છે. એમની બહાદુરી આગળ આપણું માથું નમે છે.
આપણામાં આ બધી એબો ક્યાંથી આવી એનાં કારણોમાં ન જતાં એને આપણે કાઢવી જોઈએ. ગુલામ પ્રજા એટલે ઉકરડો. એટલે ગુલામીને કૂદી જવાના પુલ કરવા જોઈએ. જે શહેરમાં વસીએ છીએ અને સ્વચ્છ રાખવા વગેરેનું ઋણ અદા ન કરીએ તો જે મોટાં કામ કરવાનાં છે તે નહીં કરી શકીએ.
અમદાવાદમાં ઘણા બુદ્ધિશાળી છે. એ બુદ્ધિનો ઉપયોગ માત્ર કુટુંબીજનો માટે નહીં, પણ આખા શહેરને માટે, મુલકને માટે થવો જોઈએ.
આ યંત્ર ઉદ્યોગની પાછળ સંહારની વૃત્તિ રહેલી છે. ઉદ્યોગ તો આજે છે ને કાલે નથી. આ તો લેંકેશાયરની નકલ કરી છે. લેંકેશાયરનાં ભૂંગળાં ભાંગીને ભુક્કા થયાં. સમુદ્રમંથનમાંથી વિષ નીકળ્યું હતું તેમ આ પાશ્ચાત્ય સંસ્કૃતિનું થઈ રહ્યું છે.
પણ બુદ્ધિમાન માણસોએ અગમબુદ્ધિ રાખવી જોઈએ. તાત્કાલિક સ્વાર્થ ન સાધતાં ભવિષ્યનો વિચાર કરવો એ કર્તવ્ય છે. આપણે નવા અને જૂના અમદાવાદ વચ્ચે પુલ બાંધીએ છીએ, તો ભવિષ્યનો પણ પુલ બાંધવો જોઈએ. મહાત્માજીએ ઉદ્યોગ અને મજૂર વચ્ચે પુલ બાંધ્યો છે. મિલમાલિકોને પ્રથમ તો એ આકરું લાગ્યું, પણ પછી સમજી ગયા. એ પુલ તોડશો, એને ઠોકરે મારશો, તો ભેખડાઈ જશો.
* * *
આપણા ઘરની પાસે ગંદકી પડી હોય છે. મ્યુનિસિપાલિટીનો ભંગી આવીને એ ઉપાડે ત્યાં સુધી બેસી રહીશું તો એના ઉપરની માખી આપણા ઘરમાં આવશે. એ જ પ્રમાણે આપણા શહેરની પ્રગતિ અટકી પડી છે. મેં મ્યુનિસિપાલિટી છોડી ત્યારે ભાંબૂરડા નગર પૂનામાં વસ્યું છે એ પ્રમાણે બાંધવા સરકારને એક સ્કીમ મોકલી હતી.
* * *
સરકારની મદદની આપણે આશા ન રાખવી જોઈએ. આપણા ઘરમાં સ્વચ્છ પાણી પીવા જોઈએ તે સરકાર મદદ કરે તો સ્વચ્છ પીએ, નહીં તો તળાવનું પીએ એવું નહીં થવું જોઈએ.
તમારું બધાનું કર્તવ્ય છે કે શહેરને સ્વચ્છ બનાવવું. એની જવાબદારી મ્યુનિસિપાલિટી ઉપર નાખી ન દેતાં એને હાર્દિક સાથ આપવો.
* * *
હજુ તો આ પેલું સામે વીજળીનું ભૂંગળ છે એની સામે પુલ બાંધવો જોઈએ. એ ભૂંગળાના સાહેબોને પકડવા જોઈએ. એ આપણી પાસેથી કમાય છે. રેલવેને પજવવી જોઈએ. બધાએ ભેગા થઈ પુલ બાંધવો જોઈએ. આ જમાનામાં જાગ્રત રહેવું જોઈએ. પજવ્યા વગર કામ નથી થવાનાં.
ભવિષ્યમાં શું થશે એની કોઈને ખબર નથી. પણ આપણા શહેરમાં આટલા બુદ્ધિશાળી પડ્યા છે અને આટલા ઉદ્યોગો શહેરમાં લાવો છો છતાં આ પરદેશીઓ કેમ વીજળીનું કારખાનું કાઢી બેઠા? તમે ઊંઘતા હતા? એ તો આખા ગુજરાતને ગીરો મૂકવાના હતા પણ મેં વિરોધ કર્યો તેથી અટક્યું છે.
પશ્ચિમની જાનવરી વૃત્તિ આપણે નહીં લેવી જોઈએ. પણ જે શાસ્ત્રનો ઉપયોગ જનતાને મળે એનો લાભ લેવો જોઈએ. એણે કેળવેલી નાગરિક વૃત્તિનું અનુકરણ કરવું જોઈએ.
કોઈ પરદેશી આવશે તો કૅમ્પમાં રહેશે. એનાથી આપણા શહેરમાં નહીં રહેવાય.
આજે આપણે મોટી જવાબદારીનું કામ કર્યું છે. ગાંધીજી તો તપશ્ચર્યા કરી દુનિયાને સંદેશ આપી રહ્યા છે. એમનું સ્મરણ તો દુનિયા રહેશે ત્યાં સુધી રહેશે. પણ આવાં કામ આપણે એટલા માટે કરીએ છીએ કે આપણને એમનું સ્મરણ રહે.
[તા. ૧૩-૧૧-૧૯૪૦ના રોજ અમદાવાદમાં ગાંધીપુલના ઉદ્ઘાટન વખતે આપેલા ભાષણમાંથી.]
bodhvachan ane amal ma mukva jevu