કોઈ પણ મોટો બદલાવ—change એક વાવાઝોડા કે તોફાન જેવો હોય છે. એના તરફ આપણો અભિગમ, મોટે ભાગે, પેલા રેતીમાં માથુ સંતાડતા શાહમૃગ જેવો હોય છે. ખાસ કરીને ટૅક્નૉલૉજીના ચેન્જ આપણે એને સ્વીકારીએ છીએ કે નહીં એની રાહ જોતા નથી. … કાળક્રમે તે પોતાને સ્થાપિત કરીને જ રહે છે… પણ જો આપણે રેતમાંથી માથું કાઢી એને જોઈએ, એનો અભ્યાસ કરીએ તો એ વાવાઝોડાને નુકસાનકર્તા બનવા દેવાને બદલે એને સાચી દિશામાં વાળી શકીએ, આપણને અનુકૂળ બનાવી શકીએ—આપણી જાતને એને અનુકૂળ બનાવી શકીએ. … સદીઓ પહેલા થયેલા મુદ્રણકળાના આવિષ્કારથી અત્યાર સુધી પુસ્તકોના બાહ્ય કલેવરમાં અનેક ફેરફાર થતા રહ્યા છે પણ તેથી તેની લોકપ્રિયતામાં કોઈ ફેર પડ્યો નથી. હવે દુનિયાભરમાં ધીરે ધીરે વધુ ને વધુ સ્વીકૃતિ પામતો જતો પુસ્તકનો નવો આકાર છે—ઈ-બુક્સ. કોઈ પણ ગ્રંથિમાં બંધાયા પહેલાં એને જાણવા અને સમજવાનો પ્રયત્ન અહીં એક પ્રશ્નોત્તરીના સ્વરૂપમાં…
ઈ-બુક્સ એટલે શું?
ઇન્ટરનેટ પર જો ઈ-બુક્સની વ્યાખ્યા શોધવા જઈએ તો કંઈક આવી વ્યાખ્યા મળે…
ebook. noun a book composed in or converted to digital format for display on a computer screen or handheld device. – Merriam-Webster.com
e-book. noun a book that is published in electronic form, for example on the Internet or on a disk, and not printed on paper. – Cambridge.org
સાદી ભાષામાં કહેવું હોય તો આપણે જેને પુસ્તક તરીકે ઓળખીએ છીએ તેનું ઇલેક્ટ્રૉનિક સંસ્કરણ કે જે કાગળ પર છાપવાને બદલે એક ઇલેક્ટ્રૉનિક ફાઇલ સ્વરૂપે હોય અને તેને કમ્પ્યૂટર, ટૅબ્લેટ, ફોન જેવાં અનેક સાધનો પર વાંચી શકાય.
આપણે પુસ્તક અને સામયિકો, અખબાર, હસ્તલિખિત પત્રો જેવી અન્ય વાચન-સામગ્રી વચ્ચેનો ભેદ સ્પષ્ટપણે જાણીએ છીએ. તે જ પ્રકારનો ભેદ બ્લૉગ, વેબસાઇટ્સ, ઈ-મેઇલ જેવી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વાચન-સામગ્રી અને ઈ-બુક્સ વચ્ચે પણ છે. એક ચોક્કસ પ્રકારના ફાઇલ ફૉર્મેટમાં (ePub, PDF, Mobi etc.) બનાવેલી—પૅક કરેલી—ઈ-બુક્સની કમ્પ્યૂટર ફાઇલના સ્વરૂપમાં આપ-લે કરી શકાય, વિવિધ સાધનો પર વાંચી શકાય છે.
આ ફાઇલ ફૉર્મેટ એટલે શું?
કમ્પ્યૂટર ઉપર કોઈ પણ સામગ્રી એક ફાઇલ તરીકે સચવાય અને એકથી બીજી જગ્યાએ મોકલાય છે. ફોટોગ્રાફ વગેરે માટે .jpg, .gif, .tif સંગીત માટે .mp3, .wma વીડિયો માટે .mp4, .mov અને .txt, .doc, .pdf જેવા ફૉર્મેટના નામથી ઘણા લોકો પરિચિત હશે. ઈ-બુક્સના સૌથી પ્રચલિત ફૉર્મેટ .epub, .pdf છે. Amazon Kindle એક ખાસ પ્રકારનું ઈ-બુક રીડર છે અને એના ફૉર્મેટને .mobi કહે છે. આમાંના કોઈ પણ ફૉર્મેટમાં ગુજરાતી ઈ-બુક્સ બની શકે છે.
.pdf ને `ફિક્સ્ડ ફૉર્મેટ’ કહેવામાં આવે છે, કારણ કે તેમાં પાનાંની સાઇઝ, ફૉન્ટની સાઇઝ પહેલેથી જ નક્કી હોય છે. જો એ ફાઇલને ફોન જેવા નાના સાધનમાં જોવામાં આવે તો ટાઇપ ઘણા નાના લાગે… અને જો ઍન્લાર્જ કરીને જોવામાં આવે તો ફક્ત આખા પાનાનો થોડોક ભાગ જ જોઈ શકાય. બાળકો માટેનાં ચિત્રમય પુસ્તકો કે કેટલાંક ટૅક્નિકલ પુસ્તકો જેમાં ચિત્ર કે આકૃતિઓની સાથે સાથે ટૅક્સ્ટની ગોઠવણી અનિવાર્ય હોય તેમાં .pdf ખાસ અનુકૂળ રહે છે, પણ પ્રિન્ટ કરવા માટે બનાવવામાં આવેલાં પાનાંને સીધેસીધાં .pdf માં ઉતારી નાંખવાને બદલે ઈ-બુક માટે ખાસ ડિઝાઇન કરેલી .pdf બનાવવી જોઈએ.
ઘણી વખત છાપેલાં પાનાંને સીધેસીધા સ્કૅન કરીને એક ચિત્રના સ્વરૂપમાં મૂકીને એને ઈ-બુક્સ કહેવામાં આવે છે પણ એમાં ટૅક્સ્ટ live–editable–searchable રહેતી નથી. ખૂબ જૂનાં, અપ્રાપ્ય એવાં પુસ્તકો કે સામયિકોને એ રીતે સ્કૅન કરી ડિજિટાઇઝ કરી શકાય પણ એમાં પણ ડિજિટલ અનુક્રમણિકા, સૂચિ વગેરે ઉમેરવાં જોઈએ, નહીં તો એ માત્ર છાપેલાં પુસ્તકની ડિજિટલ ફોટોકૉપી થઈને રહી જાય છે. સાહિત્યનાં પુસ્તકો માટે ફ્રી-ફ્લોએબલ ટૅક્સ્ટ ધરાવતી ePub પ્રકારની ફાઇલ્સ સૌથી વધારે અનુકૂળ છે. ભારતીય ભાષાઓમાં યુનિકોડ ફૉન્ટનો ઉપયોગ કરીને બનાવેલાં પુસ્તકોમાં ઈ-બુક્સમાં મળતા સૌથી વધારે ફાયદાઓ આપણી ભાષામાં પણ મેળવી શકાય છે.
મને છાપેલી ચોપડી હાથમાં પકડીને વાંચવાની ગમે છે. ઈ-બુક્સથી મને શું ફાયદો થાય?
વર્ષોથી આપણે જેને પુસ્તક તરીકે ઓળખતા આવ્યા છીએ એ સ્વરૂપ આપણા માટે સ્વજન જેવું થઈ ગયું છે, એના બદલાવ વિશે આપણે તરત તૈયાર થઈ શકતા નથી. છતાં કોઈ દરવાજા બંધ કરી દેવાને બદલે ઈ-બુક્સના ફાયદાઓ મૂલવીએ તો જરૂર એને વિશે વિચાર કરવાનું—તેને અપનાવવાનું મન થશે. `પુસ્તકની સામે ઈ-બુક્સ નહીં, પણ પુસ્તકની સાથે ઈ-બુક્સ’ એ વિચાર સાથે ઈ-બુક્સના ફાયદાઓ જોઈએ :
મોબિલિટી
એક કહેવત વાંચ્યાનું યાદ છે : `A book is like a garden in your pocket’… એક નાનકડા ફોન અથવા સહેજ મોટા iPad કે tablet માં અનેક ઈ-બુક્સ સાથે લઈને ફરી શકાય છે. તો તમારા ખીસામાં કેટલા બગીચા આવી ગયા? ટ્રેનમાં, ગાર્ડનમાં, વેટિંગ રૂમમાં, ઍરપોર્ટ કે પ્લેનમાં, ઘરમાં કે પ્રવાસમાં… સાથે એક નહીં, તમારું આખું પુસ્તકાલય લઈને ફરી શકો છો. વળી, ઑનલાઇન બૅક-અપની વ્યવસ્થા હોવાથી કમ્પ્યૂટર બગડે કે ફોન ચોરાઈ જાય તોપણ તમારું પુસ્તકાલય સલામત રહે છે. ક્યારેક કોઈ મિત્ર તમારું પ્રિય પુસ્તક વાંચવા લઈ જાય અને પછી પરત ન કરે એવું બન્યું છે? ઈ-બુક્સના કિસ્સામાં એવું નહીં થાય.
ભારતથી એક પુસ્તક પરદેશ મોકલવાનો ખર્ચ એની કિંમત કરતાં વધારે થાય છે, જ્યારે ઈ-બુક્સ તો પ્રગટ થતાની સાથે જ દુનિયાના કોઈ પણ સ્થળે તાત્કાલિક ઉપલબ્ધ થઈ જાય છે.
જગ્યાની બચત
`આટલી બધી ચોપડીઓ લાવે છે પણ ઘરમાં જગ્યા ક્યાં છે?’ સંવાદ પરિચિત લાગે છે? કેટલાંક પુસ્તકો વાંચી લીધા પછી સાચવી ન પણ રાખવાં હોય… અને પુસ્તકના સ્વરૂપ સાથે જો તમને પ્રેમ હોય તો તેને જેમતેમ ધૂળ ખાતી હાલતમાં મૂકી રાખવાનું ગમે? અરે, જૈન ધર્મમાં તો તેને અશાતના કહેવાય!
અનુકૂળતા અને બચત
તમારી જગ્યાએથી ઊભા થયા વગર તાત્કાલિક બીજું પુસ્તક તમારા પુસ્તકાલયમાં આવી જાય છે. બુકશૉપમાં જવું અને મેનકા વિશ્વામિત્રને લોભાવતી હોય એમ અનેક લોભામણાં પુસ્તકો તમારી આસપાસ જોવાં—એ એક માણવા જેવો લહાવો છે પણ હંમેશાં સમય અને નાણાંનો એટલો ખર્ચ કરવો અનુકૂળ ન પણ હોય. ઈ-બુક્સ ઘેર બેઠાં બેઠાં, પુસ્તકની કિંમત સિવાયના કોઈ પણ વધારાના ખર્ચ વિના મળી જાય છે. છાપેલા પુસ્તક કરતાં ઈ-બુક્સ બનાવવાનો અને વિતરણનો ખર્ચ પ્રમાણમાં ઓછો હોવાથી એની કિંમત પણ ઓછી હોય છે અને જેમ જેમ એ વધારે પ્રચલિત થતી જશે એમ એમ એ હજી વધારે કિફાયતી થતી જશે.
અપ્રાપ્ય અને રંગીન પુસ્તકો
નવજીવન અને ઇમેજ પબ્લિકેશન્સે એક સરસ નિર્ણય લીધો છે : એમનાં જે પુસ્તકો હાલમાં અપ્રાપ્ય છે અને કદાચ નજીકના ભવિષ્યમાં એની પ્રિન્ટ-એડિશન પ્રગટ કરવાની ગણતરી નથી તેવાં પુસ્તકો ઈ-બુક્સ સ્વરૂપે પ્રગટ કરી વધારેમાં વધારે પુસ્તકો અપ્રાપ્યમાંથી પ્રાપ્ય બનાવાશે.
રંગીન ચિત્રો છાપવા ખર્ચાળ હોવાને કારણે મોટા ભાગના છાપેલાં પુસ્તકોમાં લખાણ સાથે ક્યારેક જ ચિત્રો અને તે પણ બ્લૅક ઍન્ડ વ્હાઇટ હોય છે. નવેસરથી ડિઝાઇન થતી ઈ-બુક્સમાં રંગીન ચિત્રોનો ભરપૂર ઉપયોગ થઈ શકશે.
વાચનમાં સરળતા
સૌથી મોટો અને અવગણી ન શકાય એવો ફાયદો છે ઈ-બુક્સ વાંચવામાં મળતી સગવડો! છાપેલા પુસ્તકને વાંચવાની મજાનો આધાર—વાચનસામગ્રી ઉપરાંત—ડિઝાઇનરે (?) પસંદ કરેલા ફૉન્ટની સાઇઝ, પાનાંની ગોઠવણી, કાગળની પસંદગી, છપાઈની ગુણવત્તા, પુસ્તકની બાંધણી જેવાં અનેક પાસાંઓ પર આધાર રાખે છે. જ્યારે ઈ-બુક્સમાં ફૉન્ટની સાઇઝ, બૅકગ્રાઉન્ડનો રંગ, પાનાંનું માર્જિન વગેરે તમારી પસંદગી પ્રમાણે જ્યારે જોઈએ ત્યારે બદલી શકો છો. એક જ પુસ્તક બે અલગ વ્યક્તિઓ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે અલગ અલગ રીતે વાંચી શકે છે. મોટા ભાગના ઈ-બુક રીડર્સ અને સાધનોના સ્ક્રીનમાં પોતાની જ લાઇટ (બૅકલીટ) હોય છે એટલે તમે ક્યાં બેઠા છો, લાઇટ બરોબર માથા પર છે કે નહીં એની ચિંતા વગર જ વાંચી શકાય.
એક માન્યતા છે કે આ પ્રકારની નવી શોધો નવા જનરેશન માટે છે અને મોટી ઉંમરની વ્યક્તિઓને એનો ઉપયોગ અનુકૂળ નહીં આવે પણ મારો અનુભવ એથી જુદો જ છે. ઊલટાનું મોટી ઉંમરની વ્યક્તિઓને કે જેને આંખોની નાનીમોટી તકલીફો છે એમને આ બધી સગવડોને કારણે ઈ-બુક્સ વાંચવી વધારે ફાવે છે. મારી મમ્મી ફૉન્ટ્સ મોટા કરીને પોતાની અનુકૂળતાએ આરામથી ટૅબ્લેટ પર ઈ-બુક્સ વાંચે છે.
નવાં ફાયદાઓ
કાગળને ખરાબ કરવાની ચિંતા કર્યા વિના કોઈ પણ લખાણને હાઈલાઇટ/અંડરલાઇન કરવું, કોઈ શબ્દનો અર્થ કે રેફરન્સ, પુસ્તક છોડ્યા વિના જ ઇન્ટરનેટ પર શોધી કાઢવો, કોઈ પણ શબ્દ આખા પુસ્તકમાં ક્યાં અને કેટલી વાર વપરાયો છે એ શોધવું, અનુક્રમણિકા કે સૂચિની મદદથી પુસ્તકમાં લિન્ક કરેલાં સ્થાનોએ સીધે-સીધાં પહોંચી જવું જેવા બીજા ફાયદાઓ આ ટૅક્નૉલોજીની મદદથી મળે છે.
કવિતા વાંચવાની સાથે જ જો કવિના અવાજમાં તેનું પઠન પણ સાંભળી શકાય તો! વીડિયો જોઈ શકાય તો! ઈ-બુક્સમાં એ શક્ય છે. રીડ અલાઉડ (Read Aloud) પ્રકારની ઈ-બુક્સમાં રૅકર્ડ કરેલો અવાજ ઉમેરી અને એવી ગોઠવણ કરવામાં આવે છે કે જેથી રૅકર્ડિંગ સાંભળતા જે શબ્દનો ઉચ્ચાર થતો હોય તે શબ્દ લખાણમાં જુદી રીતે હાઈલાઇટ થાય. આ પ્રકારની ઈ-બુક્સ આપણી ભાષાને ભુલાઈ જતી અટકાવવાના એક સશક્ત સાધન તરીકે વાપરી શકાશે.
આ ભવિષ્યમાં આવનારાં પુસ્તકોની વાત નથી. આજે જ આ પ્રકારની ઈ-બુક્સ ગુજરાતીમાં ઉપલબ્ધ છે—બની શકે છે.
જેમ સંગીત કે ફિલ્મોની ખુલ્લેઆમ ચોરી થાય છે એમ ઇબુક્સની ચોરી નહીં થાય? લેખકોને નુકસાન નહીં થાય?
એના પ્રકાશક કે વિતરકે નક્કી કરેલી કિંમતે ઈ-બુક્સની ખરીદી કરી શકાય છે અથવા નજીવી કિંમતે તેને થોડા દિવસ માટે ભાડે પણ લઈ શકાય છે. અનેક ઈ-બુક્સ વિનામૂલ્યે પણ ઉપલબ્ધ હોય છે.
અનધિકૃત નકલ ન થાય એ માટે ઈ-બુક્સને DRM (Digital Rights Management) જેવી પદ્ધતિથી સિક્યૉર કરી શકાય છે અને આવી સિક્યૉર્ડ ઈ-બુક્સ સહેલાઈથી કૉપી શઈ શકતી નથી. Amazon Kindle અને Apple iBooks પોતાની ખાસ DRM નો ઉપયોગ કરે છે. એ સિવાય Adobe DRM પણ પ્રચલિત છે.
ઈ-બુક્સ વિતરણની વ્યવસ્થા કમ્પ્યૂટર દ્વારા જ થાય છે એટલે એના વેચાણની નોંધ અને જાણ બિલકુલ પારદર્શક રીતે પ્રકાશક અને જો વ્યવસ્થા ગોઠવવામાં આવે તો લેખકને પણ તાત્કાલિક—વેચાણ થતાંની સાથે જ—થઈ જાય છે. આવી વ્યવસ્થાથી લેખકના હિતની રક્ષા થાય છે અને તેને યોગ્ય વળતર પહોંચી શકે છે.
આ રસપ્રદ તો છે પણ હું જાતે તે કરી શકું? કેવી રીતે થાય?
આપણે બધા જ મોબાઇલ ફોન વાપરતા હોઈએ છીએ. પણ એનો રોજિંદો ઉપયોગ કરતા આપણે એવો વિચાર કરીએ છીએ કે પહેલા ફોન પસંદ કરવો પડશે, પછી એક નંબર (સિમકાર્ડ) લેવું પડશે, પછી ડૉક્યુમેન્ટ્સ આપીને સિમ ઍક્ટિવેટ કરાવવું પડશે, પ્રી-પેઇડ કે પોસ્ટ-પેઇડ પ્લાન્સમાંથી પસંદગી કરવી પડશે, દર મહિને રિચાર્જ કરાવવું પડશે… જવા દો ને! આ બધી કડાકૂટ કરવા કરતાં મોબાઇલ વાપરવો જ નથી! આપણે આવું કરતા નથી. ખરેખર, આમાંની મોટા ભાગની પ્રવૃત્તિ એક જ વાર કરવી પડે છે અને જ્યાં જ્યાં આપણને પોતાને સમજ નથી પડતી ત્યાં ત્યાં આપણે આપણા પુત્ર-પૌત્રો, મિત્રો કે ઑફિસના સ્ટાફની મદદથી કામ લઈએ છીએ.
ઈ-બુક્સના કિસ્સામાં પણ એવું જ છે. એક જ વખત બે-ત્રણ સામાન્ય સ્ટેપ્સ કરી લેવામાં આવે તો પછી પુસ્તક વાંચવાનું કામ ખૂબ સહેલું છે. રીડર ડાઉનલોડ કરવા, તમારું એકાઉન્ટ ખોલવા અને પુસ્તક ખરીદીને ડાઉનલોડ કરવા માટે ઇન્ટરનેટ જોઈએ પણ એક વખત તમારી લાઇબ્રેરીમાં પુસ્તક આવી જાય પછી ઇન્ટરનેટ વગર પણ ગમે તે જગ્યાએ એ વાંચી શકાય છે.
સરસ, તો હવે શરૂઆત કેવી રીતે કરવી? કયાં કયાં સાધનો પર કેવી રીતે ઈ-બુક્સ વાંચી શકાય?
જોકે, એમ કહેવું પણ યોગ્ય નથી કે અન્ય સાધનોમાં ગુજરાતી ભાષાનો perfect support છે. પણ મોટાં ભાગનાં સાધનોમાં, જેને યુનિકોડ ફૉન્ટ્સ કહે છે એમાં બનેલી ઈ-બુક્સ ખૂબ સારી રીતે, મોટા ભાગના ફાયદાઓ લઈને વાંચી શકાય છે. કમ્પ્યૂટર અને સૅમસન્ગના ફોન/ટૅબ્લેટ્સમાં ગુજરાતી ટાઇપ પણ કરી શકાય છે જ્યારે બીજાં સાધનોમાં આ સગવડ વહેલીમોડી જરૂર આવશે. કોઈ સાધન કે રીડરમાં એક સગવડ ઓછી હોય તો બીજી વધારે હોય પણ એટલું જરૂર કહી શકાય કે અત્યારે આ પ્રકારે બનેલી ગુજરાતી ઈ-બુક્સ અહીં દર્શાવાયેલા લગભગ બધા જ ફાયદાઓ સાથે ઘણાં બધાં વિવિધ સાધનો પર ખૂબ સહેલાઈથી વાંચી શકાય છે.
યુનિકોડ ફૉન્ટ્સ ઘણા વખતથી દુનિયાભરનાં કમ્પ્યૂટર પર સર્વસ્વીકાર્ય થઈ ગયા છે. ઘણાં લોકો એનો ઉપયોગ ગુજરાતીમાં બ્લૉગ લખવા-વાંચવા કે ઈ-મેઇલ મોકલવા પણ કરે છે. કેટલાક લેખકો હવે પોતાના લેખ એમાં જાતે ટાઇપ કરીને પણ મોકલે છે. અત્યાર સુધી એમનો ઉપયોગ પ્રિન્ટિંગ માટે થતો નહોતો. જો તે શરૂ થઈ શકે તો કમ્પ્યૂટરની મદદથી છાપવા માટે કોઈ પણ નવું પુસ્તક તૈયાર થાય તેની સાથે સાથે જ એની ઈ-બુક્સ બની શકશે. આનંદની વાત છે કે આ લેખ યુનિકોડ ફૉન્ટ્સમાં જ ટાઇપ થયો છે, છપાયો છે અને એની જ ઉપરથી ખૂબ આસાનીથી એની ઈ-બુક પણ બનશે.
ઈ-બુક્સ ક્યાંથી મેળવી શકાય અને ગુજરાતીમાં આ વિશે શું થયું છે?
ઇન્ટરનેટ પર સર્ચ કરતાં હજારો ઈ-બુક્સ મળી શકે છે—ફ્રી અને કિંમત ધરાવતી બંને. ઘણાં બધા ગુજરાતી બ્લૉગ્સ અને ઑનલાઇન મૅગેઝિન પર ગુજરાતી વાચનસામગ્રી વાંચવા મળે છે. ઘણાં સામયિકો પોતાની પ્રિન્ટ-એડિશનને PDF સ્વરૂપે મૂકે છે. પણ જેને દુનિયા ઈ-બુક્સ કહે છે એવા `ફ્રી-ફ્લોઇંગ ફૉર્મેટ’માં અને ખાસ કરીને યુનિકોડ ફૉન્ટમાં બનેલી ઈ-બુક્સ અત્યાર સુધી ઉપલબ્ધ નહોતી. પ્રોજેક્ટ ગુટનબર્ગ અને ગૂગલે જેના કૉપીરાઇટ નથી એવાં અનેક અંગ્રેજી પુસ્તકો તૈયાર કરીને વિનામૂલ્યે દુનિયા સામે મૂક્યા. એનાથી પ્રેરાઈને એકત્ર ફાઉન્ડેશને (www.ekatrafoundation.org) આ પ્રવૃત્તિ ગુજરાતી ભાષામાં શરૂ કરી છે.
વ્યાવસાયિક ધોરણે વેચાતાં પુસ્તકો પણ ઈ-બુક્સ સ્વરૂપે ઉપલબ્ધ થાય એ માટે અમદાવાદસ્થિત સિગ્નેટ ઇન્ફોટૅક પ્રા. લિ. નામની સંસ્થા દ્વારા ઈ-શબ્દ નામની એક વેબપોર્ટલ ઊભી કરી છે (www.e-shabda.com). પહેલા તબક્કામાં નવજીવન ટ્રસ્ટ, ઇમેજ પબ્લીકેશન્સ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અને સાર્થક પ્રકાશનના સહયોગથી ૪00થી વધારે ગુજરાતી પુસ્તકો તૈયાર કર્યાં છે. આ આંકડો અને લેખકો-પ્રકાશકોનો સહકાર દિવસે દિવસે વધતો જ રહે છે અને ટૂંક સમયમાં શું વાંચવું કે ક્યાંથી મેળવવુંનો પ્રશ્ન નહીં થાય, `મારે વાંચવું છે કે નહીં’—એનો જ જવાબ આપવાનો રહેશે…
તો મન થાય છે બુક્સથી ઈ-બુક્સ તરફ—શબ્દથી ઈ-શબ્દ તરફ જવાનું? શરૂઆત કરો : e-shabda.com.
[આ વિષય પર વધારે માહિતી અને અપૂર્વ આશર સાથે પ્રશ્નોત્તરી અને છણાવટ ઈ-શબ્દના ફેસબુક પેજ પર કરી શકાશે. www.facebook.com/eshabda.ebooks]
જો તમને આ પોસ્ટ ગમી હોય તો `આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે: www.e-shabda.com/blog
[Shabdathi EShabda sudhi: Article by Apurva Ashar, e-shabda blog posted on 5th November 2014]
apurvabhai..too good information …thanks…
saras mahiti
Apurvbhai,
It”s really very wonderful news.
New technology will become great blessings to readers.
Apoorvebhai
Thanks. I shall forward it to all my contacts
dhruv
it not only interesting but help full thanks
nice to read whole article here. heartily congrats to Apoorvbhai Ashar.
will like to send my books here too.
amazon kindle now supports guj.font too. am using it so easily.
i have soft copies of my all books..20
its publication is
gurjar, arunoday, navbharat and divine too.
there should be no prom..of copy right.
right ?
thanks
we should use this new technology.its a blessings to all of us.
Good info. Saras mahiti che
સુંદર લેખ, અપૂર્વ ભાઈ! વિષયની રજૂઆત સ્પષ્ટ અને સચોટ છે. ટેકનિકલ માહિતીને પણ એવી તો સરળ બનાવી છે કે સામાન્ય વાચકને પણ સમજાઈ જાય…. ઉપયોગી લેખ.