સફળતાની ટોચે પહોંચેલ માનવીએ પણ ક્યારેક તો એ સફર અંતરના તળિયેથી શરૂ કરી હોય છે. શરૂઆતના સંઘર્ષનો એ સમય તેના મનના એક ખૂણામાં આજીવન સચવાયેલો રહે છે. સંઘર્ષના સમયે તેને જે-જે લોકોએ સાથ આપ્યો હોય તેમના પ્રત્યે એક વિશેષ કૃતજ્ઞભાવ તેના મનમાં કાયમનો અંકિત થઈ જાય છે. પણ સાંપડેલી સફળતાના પાયામાં રહેલું સૌથી અગત્યનું પાસું એ તેનો પોતાના સ્વ સાથેનો, શ્રદ્ધા સાથેનો અને ઈશ્વર સાથેનો સંબંધ છે.
નરેન્દ્ર મોદી પણ યુવાનીના દિવસોમાં ડાયરી લખતા હતા. ડાયરી તો આપણામાંથી ઘણા લખતા હશે, પણ આ ડાયરી જરા જુદી હતી. આ ડાયરી તેમના જગજ્જનની જગદંબા સાથેના સંવાદ સ્વરૂપે હતી. તેમના પોતાના શબ્દોમાં “નિયમિત રીતે જગજ્જનની માને પત્ર લખી મારા અંતરમનને પ્રગટ કરી, મા શક્તિનાં ચરણોમાં ધરી મનને મોકળું કરવા ટેવાયેલ હતો. તેમાં મને અલૌકિક મૌન સંવાદની અનુભૂતિ થતી.” તે સંવાદની એક ઝલક અને તે વિશે સ્વયં નરેન્દ્રભાઈના બે શબ્દો, લખાણની સાથે સાથે વિડીયો સ્વરૂપે નરેન્દ્રભાઈના જ અવાજમાં તેમાંથી બનેલ પુસ્તક ‘સાક્ષીભાવ’માંથી, ‘આજનો ઈ-શબ્દ’માં …
વહાલા વાચક મિત્રો, સપ્રેમ નમસ્તે.
સાક્ષીભાવે ‘સાક્ષીભાવ ’ આપના હાથમાં મૂકું છું.
આ કોઈ સાહિત્યરચના નથી, લગભગ પચીસ વર્ષ પૂર્વે ડાયરીના પાને વહેતી લાગણીઓની આ તો ભીનાશ છે. ઘણી વાર જાહેર જીવનમાં ખૂબ મોટા પડદે ઊપસતું વ્યક્તિનું ચિત્ર એટલું મોટું હોય છે કે, તેમાંથી માણસ શોધવાનું ફાવે જ નહીં. વળી ઇચ્છા પણ ન થાય. બીજી બાજુ, સામાન્ય માનવી તરીકેની જિંદગીનો આનંદ કંઈક ઓર જ હોય છે. મારો પાકો વિશ્વાસ છે કે, આપણા સહુની ભીતર એક તદ્દન સામાન્ય – સહજ માનવ વસતો હોય છે જે પ્રકૃતિદત્ત સકારાત્મક અને નકારાત્મક આવિર્ભાવથી પર નથી હોતો. ગુણ-અવગુણ, ઇચ્છા-અનિચ્છા, તૃષ્ણા-તૃપ્તિ, અનુરાગ-વિતરાગ, ભાવ-અભાવ, લાગણી-ઊર્મિ, વેદના-સંવેદના, ગમા-અણગમા, અપેક્ષા-આકાંક્ષા – તેનાથી કોઈ પર નથી હોતું. હું પણ તમારી જેમ ગુણ-દોષસભર સામાન્ય માનવી જ છું. બધાંની જેમ હું પણ મારા વ્યક્તિત્વના વિકાસની નિરંતર મથામણ કરતો રહ્યો છું.
ભૂતકાળમાં આ મથામણના ભાગ રૂપે એક સુ-ટેવ વિકસી હતી. નિયમિત રીતે જગજ્જનની માને પત્ર લખી મારા અંતરમનને પ્રગટ કરી, મા શક્તિનાં ચરણોમાં ધરી મનને મોકળું કરવા ટેવાયેલ હતો. તેમાં મને અલૌકિક મૌન સંવાદની અનુભૂતિ થતી. પ્રત્યેક વરસે સમયાંતરે બે ચાર મહિને મારા ભાવવિશ્વને પ્રગટ કરતાં આવાં પાનાંને હું અનાસક્ત ભાવે સળગાવી દેતો. અગ્નિને શરણે જનારા આવા ભાવપત્રોની સંખ્યા કદાચ સેંકડોમાં થવા જાય.
એક વેળાએ આ બધું નષ્ટ કરતો હતો ત્યારે, મારા એક અંગત વડીલ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) ના પ્રચારક આદરણીય નરેન્દ્રભાઈ પંચાસરાની બારીક નજર આ કાગળો પર પડી.
જગજ્જનની માને સંબોધીને લખેલા પત્રોમાંથી જે થોડા ઘણા બચી ગયા હતા તેને સાચવવા તેઓએ આગ્રહ કર્યો. તેમના પ્રેમપૂર્ણ આગ્રહને કારણે સચવાયેલાં આ ભાવપુષ્પ જે મેં જગજ્જનની માને ચઢાવેલાં તે આપના સમક્ષ રજૂ કરું છું. આદરણીય નરેન્દ્રભાઈ પંચાસરાનો પ્રેમપૂર્વકનો આગ્રહ ન હોત તો આટલાં પાનાં પણ ન સચવાયાં હોત! હું તેમનો આદરપૂર્વક
ઋણ સ્વીકાર કરું છું અને આ ‘સાક્ષીભાવ’ માનનીય શ્રી નરેન્દ્રભાઈ પંચાસરાને અર્પણ કરું છું.
વહાલા વાચક મિત્રો, મારી અંદર વસતા એક સામાન્ય માનવીને તમારા હૃદયમાં સહજ રીતે
સ્થાન મળશે તેવો પૂરો ભરોસો છે.
જગજ્જનની માનાં ચરણોમાં પ્રણામ.
ઇતિ શુભમ્!
સૌનો
… મારી પાસેથી કેટલી બધી અપેક્ષા છે!
મા… શું આ અપેક્ષા હું પૂર્ણ કરી શકીશ?
શું ખરેખર જે આશા, આકાંક્ષા અને વિશ્વાસ સાથે
મને આ કામ સોંપવામાં આવ્યું છે
તે હું પૂર્ણ કરી શકીશ ખરો?
કઠોર પરિશ્રમ કરી
મારી જાતને હું તે માટે સજ્જ કરી શકીશ?
એક તરફ મારા પ્રત્યે અમાપ વિશ્વાસ છે,
અનેક અપેક્ષાઓ છે…
આજે ગુજરાત ભણી મીટ મંડાણી છે,
દેશના લોકો પણ આ પ્રયોગને જોવા માટે થનગની રહ્યા છે.
ત્યારે ખરેખર હું સહુની આકાંક્ષાની પૂર્તિ માટેનું
નિમિત્ત બની શકીશ ખરો?
મા… તારા આશીર્વાદ વિના એક ડગલુંય ભરાય એમ નથી.
ક્યારેક હું પણ તત્કાલીન લાભ-ગેરલાભનું ચિંતન કરું છું.
અને ક્યારેક વ્યવહાર પણ કરું છું તેનું શું?
શું ખરેખર જીવનની ઊંચાઈને પામવાનો
મારો પ્રામાણિક પ્રયાસ છે ખરો?
દરેક રીતે વ્યક્તિત્વના વિકાસની
મારી મથામણ ચાલે છે.
શું સાર્વત્રિક દૃષ્ટિથી પ્રશ્નોને સમજવાનો
મારો પ્રયાસ છે ખરો?
અને જો નહીં હોય તો તેની ખોટ ભાવિ પર નહીં પડે?
મા… અંતરમનમાંથી એક તૂફાન ઊઠવું જોઈએ
તે હજી ઊઠયું નથી.
મારી નવી જવાબદારી અંગે
બાહ્ય વાતાવરણનું તોફાન
લગભગ શમી ગયું છે.
સહુનું આશ્ચર્ય, પ્રશ્નો વગેરે… હવે પૂર્ણતાએ છે.
હવે અપેક્ષાઓનો આરંભ થશે.
અપેક્ષાની વ્યાપકતા અને તીવ્રતા ખૂબ હશે,
ત્યારે મારા નવજીવનની રચના જ હજુ તો બાકી છે.
મા… અપ્રતિમ કષ્ટ કરવાનો સંકલ્પ છે.
પંદર વર્ષની સંગઠન-સાધનાને
અહીં રજૂ કરવા મોકળું મેદાન મળ્યું છે.
બીજા અર્થમાં કહું તો મારે મન
સંસ્કાર-વારસાનો આ કસોટીકાળ છે.
મા… તારા આશીર્વાદથી કસોટીમાંથી પાર ઊતરીશ જ.
જે જીવનને લોકો આજ સુધી
બાઇનોક્યુલરથી જોઈને આનંદતા હતા
એ જીવનને હવે સૂક્ષ્મદર્શક યંત્રથી જોવાવાનું છે.
બાઇનોક્યુલરથી બાહ્ય સૌંદર્યને
પામવાની જ પેરવી હોય છે,
તેમાં જ એક તૃપ્તિ હોય છે.
સૂક્ષ્મદર્શક યંત્રથી જ્યારે
આ જીવન જોવાશે ત્યારે તે
ખરેખર પાર ઊતરશે ખરું?
ન જાણે કેટલાયે બિનઉપયોગી કોષોનો રાફડો
ગમા-અણગમાની તીવ્રતાઓ–
સઘળું વ્યાપકપણે દેખાઈ આવશે.
મા… આ કસોટીથી પણ હું ચિંતિત નથી.
તારી પાસે આશિષની કામના એટલા માટે જ છે કે
મારી પાસેથી બહુ જ અપેક્ષાઓ છે.
આ અપેક્ષાઓની પૂર્તિ કરવા માટે
હું જરાય ઊણો ન ઊતરું
તેવી શક્તિ અને ભક્તિની મને ચાહના છે.
આજનો સંપૂર્ણ દિવસ વ્યસ્ત રહ્યો.
પૂ. બાળાસાહેબજીનું માર્ગદર્શન પ્રેરક રહ્યું.
અનેક નવા સ્વયંસેવકોને પહેલી જ વાર
તેમનાં દર્શનનો લાભ મળ્યો હોય તેવું લાગે છે.
આજે ખાસ કોઈ વ્યક્તિગત પ્રવૃત્તિ નહીં.
પત્ર પણ નહીં, પ્રત્યુત્તર પણ નહીં.
સતત વ્યસ્તતા.
તા. ૦૮-૧૨-૧૯૮૬
…અંતર્મુખ જીવનની સુપ્ત મનીષાઓ પણ
હવે ધોવાઈ જવાની છે.
અંતર્મુખ જીવનના આનંદને મેં માણ્યો છે.
તેમાં એક તૃપ્તિનો સંતોષ હોય છે.
બહિર્મુખ જીવન કદાચ પ્રભાવી હશે
પરંતુ પ્રેરક નહીં હોય. બહિર્મુખ જીવન વ્યક્તિત્વની
આભા ઉપર કેન્દ્રિત થતું હશે, જ્યારે અંતર્મુખ જીવન
વ્યક્તિના અંતરભાવનું જ પ્રગટીકરણ હશે.
અંતર્મુખ જીવનને કોઈ ઘોંઘાટ નથી હોતો,
ત્યાં તો એક નીરવ શાંતિ હોય છે.
એક શાંત ઝરણું તેમાં નિરંતર વહ્યા કરતું હોય છે.
મહાનદની જેમ કદાચ સમગ્ર ભૂમિને
‘સુજલામ્ સુફલામ્’ કરવાનું સામર્થ્ય
આ ઝરણામાં નહીં હોય, પરંતુ આ શાંત ઝરણું
વેરાન ભૂમિને પણ જરૂર જીવંત બનાવી મૂકે છે,
તેનો પણ અનેરો આનંદ હોય છે.
ઝરણું એક સાતત્યપૂર્ણ નીરવ સંવાદને સર્જે છે.
જેમાં સંગીતની મધુરતા ઘુંટાતી હોય છે અને
ત્યારે જ તો માનવને ઝરણાની ઝંખના હોય છે.
કેટલો અલ્પ પ્રવાહ હોય છે!
નાદ નથી, નિનાદ નથી, સરોવર જેવી વિશાળતા નથી,
સાગર જેવું તૂફાન નથી, નદી જેવી ગતિ નથી,
છતાંય ઝરણું કેટલું આત્મસંતોષી છે!
તેની એ નાનકડી શક્તિ પણ કેટકેટલાને
પોતાનામાં અંકિત કરી લે છે.
હા… આ સઘળું અંતર્મુખ વલણને જ આભારી છે.
તેથી જ તો તેનું પ્રભાવક્ષેત્ર,
પ્રભાવની તીવ્રતા–સઘળું નહીંવત્ હોવા છતાંય
તેની પ્રેરણાશક્તિ કેટલી તો તીવ્ર હોય છે?
કશાયની કામના વગરની અખંડધારાનું જ એ પરિણામ છે.
તેની આ જીવંતતાની સુગંધ
ચોમેર નવજીવનની પ્રેરણા આપે છે.
મા… આ જ સઘળું સત્ય છતાંય
હું તેનાથી વિપરીત ડગ માંડી રહ્યો છું.
શાંત—સ્વસ્થ ચિત્તથી મુક્ત બની
ઘોંઘાટને શરણે જઈ રહ્યો છું.
મનમાં દ્વિધા નથી.
મા… હું જાણું છું. આ શરીરને હવે
એક નવા રંગમંચ ઉપર લઈ જવાનું છે.
નવા રંગમંચને અનુરૂપ તેની સાજસજ્જા કરવાની છે,
મન, બુદ્ધિ, હૃદય જેવાં શરીરનાં
આ સઘળાં અંગોને
હવે આ નવા રંગમંચને અનુરૂપ બનાવવાનાં છે.મા… તારા આશિષથી એ પણ થશે જ.
ત્યાં પણ જીવંતતાની અનુભૂતિ કરાવવી જ રહી.
પણ આ મન, બુદ્ધિ, હૃદય–શરીરાંગો સઘળાં
તે જોડનાર એક આત્મતત્ત્વને જ હું તો વરેલો છું.
આ આત્મતત્ત્વને સહારે જ હવે તો તારી સાથેનું સંધાન રહેશે.
દુનિયાની નજરે હું કેવા રંગરૂપમાં પ્રગટીશ
તેનું મારે મન મહત્ત્વ નથી.
મારા અંતરમનની અખંડધારા તારી સાથેના
અતૂટ નાતાથી જોડાયેલી છે.
તેને કોઈ મુકામ, કોઈ વિરામ અસંભવ છે.
કદાચ મારી આ શ્રદ્ધા જ મને
અંતર-બાહ્ય પરિસ્થિતિમાં સુરક્ષિત રૂપે રાખશે.
તા. ૦૯-૧૨-૧૯૮૬
નરેન્દ્રભાઈ મોદીના જ અવાજમાં ઉપરોક્ત કાવ્ય વિડીયોમાં જુઓ
ઋણ સ્વીકાર…
આજથી પચીસ છવ્વીસ વર્ષ પૂર્વે મારી મનોવહીમાંથી ડાયરીમાં અવતરેલા સંવાદ સ્વરૂપને ‘સાક્ષીભાવ’માં સંપાદિત કરવાનો સંયોગ શ્રી સુરેશભાઈના આગ્રહ અને સંકલ્પ સાથે સંકળાયેલ છે. મારા અંતરમનના ‘મા’ સાથેના સંવાદમાં પ્રગટ થતી મારા ભાવવિશ્વની અનુભૂતિ એમના કવિ હૃદયમાં લાગણીઓની ભીનાશ અને કર્તવ્ય તરફની મારી કર્મઠતા રૂપે ઝીલાઈ અને ‘સાક્ષીભાવ’ પ્રગટ કરવાનો એમનો પ્રેમાગ્રહ પ્રબળ બન્યો.
પ્રસ્તાવનાનું પોત ‘એક સમયની વાત—સનાતન’ એમણે પોતે જ તૈયાર કરી, મા જગદંબાને સંબોધીને કહેવાયેલી મારી હૃદયછૂટી વાતનો સરળ અને સહેલો રસાસ્વાદ રજૂ કર્યો છે. વળી ‘સાક્ષીભાવ’ના પ્રકરણો પરનાં અવતરણ બાબતે સુરેશભાઈ ખાસી જહેમત લઈ રહ્યા હતા. આ પુસ્તક પ્રગટ થવાની વેળાએ તેમની ગેરહાજરી સાલે છે. તેમની અનંતયાત્રાની સવારે જ તેમણે મારી સાથે ફોન પર વાત કરી એક લેખ લખવા આગ્રહ કર્યો હતો અને ‘સાક્ષીભાવ’ની પ્રગતિ વિશે પણ વાત કરી હતી.
ઇમેજ દ્વારા મારા સાહિત્યસર્જનને વેગ આપવામાં સતત સધિયારો પૂરો પાડનારા વડીલ સ્વ. સુરેશભાઈ દલાલનો ઉમળકો અને ઉત્સાહ મારા માટે અણમોલ અને સદાય સ્મરણીય બની રહેશે એ લાગણી સાથે ‘સાક્ષીભાવ’ના પ્રકાશન ટાણે એમની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં એમનો ઋણ સ્વીકાર કરું છું. તથા શબ્દ સ્થપતિને શ્રદ્ધાંજલિ આપું છું.
જો તમને આ પોસ્ટ ગમી હોય તો ‘આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે: www.e-shabda.com/blog
[‘Maa’ sathe samvad: ‘Sakshibhav’ by Narendra Modi, e-shabda blog posted on 25th November 2014]
super duper…..namo ni shaili saral ane shuddh hriday ni pratiti karave chhe….kharekhar ava santano mate garv chhe….hats off to both…
Not at this time, let literature comes. ….
ખરેખર સાદગી જેનું ઘરેણું છે, તેવા ” ડાઉન ટુ અર્થ ” નરેન્દ્રભાઈ મોદીજીની સફળતાઓના કારણો માનું એક મુખ્ય …વજૂદ ….. “કદાચ મારી આ શ્રદ્ધા જ મને અંતર-બાહ્ય પરિસ્થિતિમાં સુરક્ષિત રૂપે રાખશે. “[ન.મો.]
-La’કાન્ત / ૧૮.૧૨.૧૪
ખુબ ખુબ આભાર. તેમના પરિચયમાં આ લેખ સમાવી લીધો.
https://sureshbjani.wordpress.com/2014/05/26/narendra-modi/
આવી વિભૂતિને પ્રણામ કરી શકાય..
ભારતને આવા મહાપુરુષો મળ્યા છે પણ ઓછા.
આપણે મોદીજીની કદર ક્યારે કરીશું ?
Hath kanganko aarsi kya?
Loko manasne samjavama ketali moti bhool karata hoy chhe.
Mane lage chhe aa vachya pachhi loko Shree Narendra Modinjne sacha arthma olkhi shakshe. Dhanyavad.