ઇ-શબ્દ જેના વગર કદાચ શક્ય ન હોત તેવા શ્રીસુરેશ દલાલને તેમના ૮૨મા જન્મદિને આજનો ઇ-શબ્દ હૃદયપૂર્વક યાદ કરે છે. ઇ-શબ્દના સ્થાપક અપૂર્વ આશરના જ શબ્દોમાં આવો કવિની વધુ નજીક જવા પ્રયત્ન કરીએ… હેપ્પી બર્થ ડે સુરેશભાઇ…
જેણે મને જગાડ્યો તેને કેમ કહું કે જાગો, મારો તારી સાથ… …
જેમની કવિતાઓ સાંભળી, જેમના મોઢે કવિતાઓ સાંભળી, કવિતાનો થોડોઘણો પરિચય કેળવ્યો તેમના કાવ્યસંગ્રહની પ્રસ્તાવના મારે લખવાની? કઈ હેસિયતથી? ખબર નથી. એટલે જ મેં સુરેશભાઈને કહ્યું કે આ કામ મારે માટે મુશ્કેલ છે અને કદાચ જો લખી શકું તો તેનું શીર્ષક ‘આ પ્રસ્તાવના નથી’ એવું આપીશ. એમણે તરત જ એમની લાક્ષણિક છટાથી કહી દીધું: ‘એ તારી મરજી… મને તો પ્રસ્તાવના જોઈએ.’
‘વાંસળી જેવી સવાર ઊગે, મોરપીંછ જેવી રાત’ કાવ્ય વિશે વાત કરતા—મોટે ભાગે એ કાવ્ય લખાયું તેવામાં જ—સુરેશભાઈએ કહ્યું હતું કે, સવાર આંખથી નથી પડતી, કાનથી પડે છે. તમારા કાન આસપાસનો અવાજ સાંભળે છે પછી તમને સવાર થયાનું ભાન થાય છે ને ત્યાર બાદ આંખો ઊઘડે છે… મારી અને મારા જેવા કેટલાય ગુજરાતીઓની આંખો કવિતા તરફ સુરેશભાઈના અવાજે ઊઘાડી છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. જ્યારે સુંદર રીતે કાવ્યપઠન થાય છે ત્યારે કવિતા જીવતી થાય છે અને એ રીતે સાંભળેલી—માણેલી કવિતા હંમેશાં તમારી સાથે રહે છે… ત્યાર પછી તમે પુસ્તક લઈ તેમાંની કવિતા પાસે જાઓ છો…
કવિ સુરેશ દલાલ પોતાની આગવી શૈલીમાં
૧૯૬૭ થી અત્યાર સુધી અવિરત ‘કવિતા’ દ્વૈમાસિકનું એકહથ્થુ સંચાલન કરીને સુરેશભાઈએ કોઈ વિક્રમ સ્થાપ્યો છે કે નહીં તે હું જાણતો નથી. પણ કોલેજોના લેક્ચરોથી માંડીને નાનાં-નાનાં કવિસંમેલનોથી લઈને અત્યારના ‘ઇમેજ’ના ભવ્ય સાહિત્ય-સમારોહો દ્વારા અસંખ્ય ગુજરાતીઓનાં હૃદયમાં કવિતા અને કાવ્યપ્રીતિ એમણે અવશ્ય સ્થાપ્યા છે એમ કહી શકાય. કંઈ કેટલાંય કવિસંમેલનોમાં સંચાલન કરતી વખતે આવનાર કવિનો પરિચય કરાવતા, ભૂમિકા બાંધી આપતા તે કવિની કાવ્યપંક્તિઓ સુરેશભાઈના મોઢે સાંભળ્યા પછી ક્યારેક સ્વયં તે કવિની રજૂઆત ફિક્કી પડતી હોવાનો અનુભવ મારી જેમ ઘણાંએ કર્યો હશે.
મારી દીકરી ધ્વનિના આરંગેત્રમ વખતે તેને સ્ટેજ ઉપર જોઈ ત્યારે એકાએક ‘એ કેટલી મોટી થઈ ગઈ’નો અહેસાસ થયો અને ઓપરેશન થિયેટરમાં તેને પહેલી વાર ઉપાડી હતી ત્યારથી લઈને અત્યાર સુધીની બધી જ વાતો ક્ષણભરમાં જ નજર સામે આવી ગઈ. આ મારી જ વાત નથી, લગભગ બધાં જ માબાપ આવો અનુભવ કરી ચૂક્યાં હશે. આપણે આપણા બાળકોના બાળપણને લગભગ માણીએ છીએ, તેમના વિકાસને જોઈએ—અનુભવીએ છીએ. પણ ક્યારેય એટલાં જ રસથી આપણાં માતા-પિતા કે વડીલોની—આપણા બાળપણથી આજ સુધીની—યાત્રાને ધ્યાનપૂર્વક જોઈ છે? અમદાવાદમાં હીંચકે બેઠા, સિગરેટ અને ચાના કપથી ઘેરાયલા, લીટીવાળા writing pad પર તાજી લખેલી કવિતા મમ્મી-પપ્પાને સંભળાવતા સુરેશકાકા મારી યાદમાં, હજી સુધીના કોઈ પણ કવિસંમેલનમાં સાંભળેલા કવિ સુરેશ દલાલ કરતા વધારે તાજા છે. અને આ જ કાવ્યસંગ્રહની મૅન્યુસ્ક્રિપ્ટ લેવા મુંબઈ ગયો ત્યારે સવારે કફ પરેડના ઘરમાં ડાઇનિંગ ટેબલ પર પાવરફુલ રિડીંગ લૅમ્પની મદદથી, થોડી મુશ્કેલી સાથે, ‘સપનાનાં આછાં આછાં પડછાયા પહેરીને જાગેલી આંખ…’ વાંચી સંભળાવતા સુરેશકાકાની રજૂઆતનો ઉમળકો, અને સમયની તે બે ફ્રેમો વચ્ચેની અનેક ક્ષણો આંખ સામેથી પસાર થઈ જાય છે.
તેમની કવિતાઓ વિશે વાત કે વિવેચન કરવાની મારી ક્ષમતા નથી પણ ‘ફૂલપાંદડી જેવી કોમળ’થી ‘જેવું જેનું ગજવું, જેવું જેનું પેટ’; ‘શ્યામ મારો આ કોરો કાગળ’થી ‘કોઈ રસ્તાની ધારે ધારે’; ‘મોરપિચ્છની રજાઈ ઓઢી તમે સૂઓને શ્યામ’થી ‘—કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે’ અને ‘એક પછી એક થયા મિત્રો વિદાય’થી ‘દૃશ્ય-અદૃશ્ય’ના સુરેશ દલાલ અને તેમની કવિતાને મેં મનભરીને માણ્યા છે.
સુરેશભાઈનો પહેલો પ્રેમ કવિતા છે એ તો જગ-જાહેર વાત છે. પણ તે એટલો જ ઉત્કટ પ્રેમ પુસ્તકોને કરે છે. પુસ્તક એટલે એની અંદર સમાયેલી વાચન-સામગ્રી માત્ર નહીં, પણ તેના રૂપ-રંગ, કવરપેજ, કાગળ, લેઆઉટ, બાઇન્ડંગિ… આ બધું એ રસપૂર્વક જૂએ અને શૅર કરે… ફોન ઉપર મુંબઈ આવવા માટે આગ્રહ કરે ત્યારે સૌથી પહેલી દલીલ એ હોય કે ‘કેટલાં બધાં નવા પુસ્તકો તને બતાવવાનાં છે…’ એક વ્યક્તિની જેમ પુસ્તકને પણ વ્યક્તિત્વ હોય છે, સ્વભાવ હોય છે, મૂડ હોય છે અને ક્યારેક નસીબ પણ હોય છે એ હું એમની પાસેથી શીખ્યો. આ સંગ્રહમાં—
હું માણસને કિતાબની જેમ અને કિતાબને માણસની જેમ વાંચું છું અને કર્યા કરું છું હર્યોભર્યો સનાતન પ્રેમ.
જેવી પંક્તિઓ સહજ રીતે આવે છે ને એમના વ્યક્તિત્વને સચોટ રીતે વર્ણવી જાય છે.
છેલ્લે રવીન્દ્રનાથ ટાગોરની બંગાળી ‘ગીતાંજલિ’ની આ પ્રાર્થના સુરેશભાઈને યાદ કરીને ટાંકી લઉં છું:
Haryo bharyo sanaatan prem phelato rahe …….pushtak ane E-shabda dwaara.