ગાંધીજીના જીવનમાં અને કાર્યમાં સ્વચ્છતા એવી તો વણાઈ ગઈ હતી કે બાપુને યાદ કરતાં સહજપણે જ સ્વછતા વિષેના તેમનાં કાર્યો નહીં તો તે વિષેનો તેમનો પ્રેમ તો યાદ આવી જ જાય… તેમને મન સ્વછતા એ માત્ર કચરો સાફ કરવાના સ્થૂળ અર્થમાં નહીં પરંતુ કોઈ પણ વસ્તુના યોગ્ય અને કરકસરયુક્ત ઉપયોગ વડે ઓછામાં ઓછો બગાડ થાય અને બધું જ એ રીતે વપરાયા પછી પણ જે કચરો નીકળે તે યોગ્ય જગ્યાએ પહોંચે એવા સૂક્ષ્મ અર્થમાં છે… ટૂંકમાં સ્વચ્છતા એ કોઈ પ્રક્રિયા નથી પણ રોજબરોજની જીવનશૈલીનો એક ભાગ છે. સમાજજીવનને લગતા અનેક વિચારોની પ્રયોગશાળા સમા ફિનિક્સ આશ્રમમાં સ્વછતા માટે જે પદ્ધતિ વિકસાવી હતી તેને સમજવી કદાચ આજના સંદર્ભે ઘણી ઉપયોગી થઈ પડે
તેમ છે.
ગાંધીજન્મશતાબ્દી નિમિત્તે તત્કાલીન કેન્દ્ર સરકારના પ્રકાશન વિભાગ દ્વારા થયેલ પ્રકાશનો પૈકી Gandhi – His Life and Thought એક આગવું સ્થાન ધરાવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે તે આચાર્ય કૃપાલાનીની અધિકૃત કલમે લખાયેલું હતું. આ પુસ્તકનો નગીનદાસ પારેખ દ્વારા થયેલ ગુજરાતી અનુવાદ ‘ગાંધીજી – જીવન અને વિચાર’ નવજીવન ટ્રસ્ટ દ્વારા ૧૯૭૩માં પ્રકાશિત થયો હતો. તે પુસ્તકમાં આચાર્યે કરેલ ફિનિક્સ આશ્રમની વ્યવસ્થાના વર્ણનમાંથી સ્વછતા વિષે ગાંધીજીના વિચાર અને અમલ અહીં વાચક સમક્ષ રજૂ કરીએ છીએ…
દક્ષિણ આફ્રિકામાં એમને પૈસાની ચિંતા રહેતી હતી. જેલમાં ગયેલા ઘણા માણસો કષ્ટો વેઠવા તૈયાર હતા પણ પોતાના કુટુંબને એમ ને એમ છોડી જઈ શકે એમ નહોતું. તેમના ભરણપોષણ માટે પૈસાની જરૂર હતી. દક્ષિણ આફ્રિકા પહોંચતાં જ એમને લડત માટે વાપરવા રૂ. ૨૫૦૦૦નો ચેક રતનજી જમશેદજી તાતા તરફથી મળ્યો. એને લીધે તત્કાળપૂરતો પૈસાનો પ્રશ્ન ઊકલી ગયો. પણ એ કંઈ અચોક્કસ મુદત સુધી સત્યાગ્રહી કુટુંબોને પોષી ન શકે. આથી ગાંધીજીએ વિચાર્યું કે કોઈ એક જગ્યાએ ઘર કરી બધાં કુટુંબોને ભેગાં રાખવામાં આવે અને બધાં સાથે રહી કામ કરે તો આ મુશ્કેલીનો ઉકેલ આવે. ફિનિક્સમાં આવું સ્થાન હતું જ, જેનો આ રીતે ઉપયોગ થઈ શકે. પણ તે જોહાનિસબર્ગથી લગભગ 400 કિમી દૂર હતું. એમને નજીકમાં જમીન જોઈતી હતી. એમને કૅલનબૅક નામે એક જર્મન મિત્ર હતા. તેઓ પૈસેટકે સુખી હતા અને હિંદીઓની લડત પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. તેમણે જેલમાં ગયેલાઓનાં કુટુંબોને વસાવવા માટે જમીન ખરીદી આપી. એ જગ્યાથી જોહાનિસબર્ગ ૩૦થી વધુ કિમી દૂર હતું. તે જમીનમાં પુષ્કળ ફળઝાડ હતાં અને એક નાનું મકાન હતું. કેટલાંક કુટુંબો સાથે ગાંધીજી ત્યાં રહેવા ગયા. ઘરનાં અને ખેતીને લગતાં બધાં કામકાજ જાતે જ કરવાનાં હતાં. માંસાહારીઓના ભોજનની વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થયો. ફાર્મને બે જુદાં રસોડાં ચલાવવાં પોષાય એમ નહોતું. જેઓ માંસાહાર કરતા હતા તેમને બેળેબેળે નિરામિષાહાર કરાવવાનું ગાંધીજીને પસંદ નહોતું. તેમણે પોતાની મૂંઝવણ માંસાહારીઓ સમક્ષ મૂકી અને કહ્યું કે જો તમો માગશો તો હું તમને માંસાહારી વાની રાંધવામાં પણ મદદ કરીશ. પણ માંસાહારીઓને એક જ રસોડું ચલાવવામાં ડહાપણ છે એ સમજાયું અને તેઓ નિરામિષાહારથી સંતોષ માનવાને તૈયાર થયા.
એ સ્થાનને લગતી કેટલીક વિગતો એવી છે જેના પ્રત્યે હું વાચકોનું ધ્યાન દોરવા માગું છું — એક તો એ ફાર્મમાં સ્વચ્છતા અને જાહેર સુખાકારી અંગે જે પગલાં લેવાતાં હતાં તેને અંગેના ગાંધીજીના ખ્યાલો. તેઓ લખે છે: “એવડી વસ્તી હતી છતાં ક્યાંયે કચરો કે મેલું કે એઠવાડ કોઈના જોવામાં ન જ આવે. બધો કચરો જમીન ખોદી રાખી હતી તેમાં દાટી દેવામાં આવતો. પાણી કોઈથી રસ્તામાં ઢોળાય નહીં. બધું વાસણમાં એકઠું કરવામાં આવતું ને તે ઝાડોને જતું. એઠવાડનું અને શાકના કચરાનું ખાતર બનતું. પાયખાનાને સારુ રહેવાના મકાનની નજીક એક ચોરસ ટુકડો દોઢ ફૂટ ઊંડો ખોદી રાખ્યો હતો તેમાં બધું પાયખાનું દાટવામાં આવતું. તેની ઉપર ખોદેલી માટી ખૂબ દાટવામાં આવતી હતી, તેથી જરાયે દુર્ગંધ નહોતી રહેતી. માખી પણ ત્યાં ન બણબણે અને ત્યાં મેલું દાટેલું છે એવો કોઈને ખ્યાલ પણ ન આવે.” ગાંધીજી જાહેર સુખાકારી અને સ્વચ્છતા વિશેના આ ખ્યાલો લઈને હિંદુસ્તાન આવ્યા હતા અને તેનો દેશજનોમાં પ્રચાર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. તેઓ કહે છે: “જો આપણે મેલાનો સદુપયોગ કરીએ તો લાખો રૂપિયાનું ખાતર બચાવીએ ને અનેક રોગોમાંથી બચીએ. પાયખાના વિશેની આપણી કુટેવને લીધે આપણે પવિત્ર નદીના કિનારા બગાડીએ છીએ, માખીઓની ઉત્પત્તિ કરીએ છીએ ને નાહીધોઈ સાફ થયા પછી પાછા જે માખી આપણી દોષમય બેદરકારીથી ઉઘાડી પડેલી વિષ્ટા ઉપર બેઠી છે તે માખીને આપણા શરીરનો સ્પર્શ કરવા દઈએ છીએ. એક નાનીસરખી કોદાળી આપણને ઘણી ગંદકીમાંથી બચાવે તેમ છે. ચાલવાને રસ્તે મેલું નાખવું, થૂંકવું, નાક સાફ કરવું, એ ઈશ્વર પ્રત્યે તેમ જ મનુષ્ય પ્રત્યે પાપ છે. તેમાં દયાનો અભાવ છે. જે માણસ જંગલમાં રહે તોયે પોતાનું મેલું દાટે નહીં, તે દંડને પાત્ર છે.” દુઃખની વાત તો એ છે કે આપણાં ગામડાંને સ્વચ્છ રાખવા માટે ખૂબ અનુકૂળ આવે એવા અને કરોડો રૂપિયાનું ખાતર મેળવી શકાય એવા ગાંધીજીના આ વિચારોનો સ્વાતંત્ર્ય પછી બે દાયકા વીતી ગયા છતાં આપણે ત્યાં અમલ કરવામાં આવ્યો નથી. આપણી પવિત્ર નદીઓને શહેરમાંથી તેમાં વહેતી ગટરો ભ્રષ્ટ કરે છે. કોઈ બાબતોનો વિચાર કરતું લાગતું નથી. જેમણે પોલાદનાં રાક્ષસી કારખાનાં અને નદી-પ્રદેશોની યોજનાઓ ઘડી છે તેમને એ અત્યંત તુચ્છ લાગે છે.
જો તમને આ પોસ્ટ ગમી હોય તો `આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે:www.e-shabda.com/blog
[Swatchhata Vishe Gandhiji: Article on Mahatma Gandhi and Cleanliness by Acharya Kripalani, e-shabda blog posted on 21th October 2014]
1 comment
surendra ashar
gandhij na swachhta abhiyan mate bahu saras vichrdhara
gandhij na swachhta abhiyan mate bahu saras vichrdhara