ગુડ મોર્નિંગ… આજે તો કોલમ લખવી પડશે. સમરમાં ડોલરિયા દેશમાં સોશિયલ ગેધરીંગમાંથી નવરા જ ના પડાય…યુ નો! આ વખતે તો કોલમ જ રહી ગઈ! દર બીજા અઠવાડિયે મોકલવાની… એમાં શું? હમણાં લખી નાખીશ. પહેલાં એક કપ ચાય બનાવી દઉં. ચાય જોડે તો ભાખરી કે થેપલું હોય તો જ ગમે. બ્રેડ, ઓટમીલ અને બીજી બધી સિરીયલસ તો હોસ્પીટલનું ખાવાનું હોય એવું લાગે..દેશી નાસ્તો મળે એટલે એકદમ ફ્રેશ! હ્યુમર લખવા માટે ફ્રેશ દિમાગ જોઈએ. ગ્રમ્પી થઈને કોલમ લખાતી હશે?
અ રે હાં…કોલમ!! હજુ બાકી છે. ચાય પીતાં પીતાં હું મારી ઈમેલ ચેક કરી લઉં. આજે તો સ્પેમમાં પડેલી હજારો ઈમેલ પણ ડીલીટ કરી દઉં. ના ના …એમાં ભૂલથી કોઈ અગત્યની ઈમેલ પહોંચી ગઈ હોય તો? એક નજર ત્યાં પણ મારી જ દઉં. કેટલી બધી ઈમેલ? લોકો પાસે મારું ઇમેલ એડ્રેસ પહોંચે છે કેવી રીતે? હવે બેઠી જ છું તો ઓનલાઈન પેમેન્ટસ પણ પતાવી જ દઉં. પેપરલેસ બીલ માટે સાઈન કરી છે તો પણ રોજની ૨ થી ૪ પાઉન્ડ mail આવે. દેશમાં આટલી post આવતી હતી? ત્યાં આવા બધાકામ વગરનાં કામ કરવા નહોતા પડતાં. ત્યાં હોત તો ફટાક દઈને કોલમ લખી નાખી હોત.
જો પાછુ…કોલમ તો રહી જ ગઈ! પહેલાં બેકયાર્ડમાં બર્ડફીડરમાં ફૂડ ભરી દઉં. બહુ બર્ડ્સ આવ્યાં છે. કેટલા કલરફૂલ બર્ડ્સ છે. આહા…કેટલો સરસ કલરવ. આ મસ્ત પવનના લીધે વિન્ડચાર્મ્સ પણ ઝૂમે છે. કેટલો સરસ અવાજ…એમ લાગે કે ખેતરમાં હોઈએ અને દુરથી બળદગાડુ આવી રહ્યું છે. DDLJમાં શાહરૂખે કાજલને કાઉબેલ આપ્યો હતો, બરાબર એવો જ અવાજ. દોડીને ગાયન ગાવાનું મન થાય એવો. એક કામ કરું…ટ્રેડમીલ પર થોડું દોડી લઉં. પાર્ટીમાં બહુ ખવાય છે. પણ આજે વેધર સરસ છે. એક કલાક બહાર જ ચાલી આવું. આવીને કોલમ લખીશ.
ભૂલી નથી હું…લખું છું હમણાં કોલમ. બ્રેકફાસ્ટના વાસણ ઘસી દઉં. મીઠુનું (મારું બર્ડ…કોકાટેલ) પાંજરું ક્લીન કરી દઉં. પછી બેસું જ છું લખવા. ઇનડોર પ્લાન્ટ્સને પાણી આપી દઉં. વ્હોટસએપ પર કેટલા બધા મેસેજીસનો ઢગલો થઇ ગયો છે. એ બધા ચેક કરી, ફેસબુક પર પણ ચક્કર મારી જ દઉં. પછી કોલમ શાંતિથી લખું. આજે તો વિનોદભાઈ ભટ્ટસાથે વાત કરવાની હતી. એમની સાથે વાત કરી લઉં…એકદમ ફ્રેશ થઇ જઈશ. વિકેન્ડમાં જેમને ત્યાં પાર્ટીમાં ગયા હતાં એમને પણ ફોન કરીને અમને ગમ્યું એમ કહી દઉં, પછી લખવા બેસું. જોતજોતામાં લંચનો સમય થઇ ગયો. હાઈ લા… આજે તો લંચમાં નાનકી એની ફ્રેન્ડને લઈને ઘરે આવવાનું હતી. જલ્દી કીડ્સને ભાવે એવું કશું બનાવી દઉં. પછી કોઈ કામ નહિ રહે એટલે ફટાફટ લખી દઉં.
Gosh!!! જોત જોતામાં બપોર થઇ ગઈ. કેટલો બિઝી દિવસ. કોલમ તો હજી શરુ પણ નથી કરી. પણ હવે થોડી ડીનરની તૈયારી કરવી પડે. સાંજે જોબ પર પણ જવાનું. કામ તો કરવું જ પડેને. કોલમ લખવું કામ છે પણ એનાથી ઘર ના ચાલે. ગ્રોસરી પણ લાવવાની થઇ ગઈ. અડધા કલાકમાં લઈને આવી જઉં. OMG ફ્રાયડેના લગ્નમાં જવાનું છે એમની ગીફ્ટ લાવવાની બાકી છે. એ પણ લઇ જ આવું. વારેવારે બહાર જઈને ખોટો ગેસ (પેટ્રોલ) ના બગાડાય. કલ્લાકમાં પાછી આવીને કોલમ લખું. ખબર નૈ…આ જોબ નથી કરતાં એ લોકો અત્યારે બહાર જ કેમ નીકળતાં હશે? આપણી આગળ જાનમાં જતાં હોય એમ ધીમે ગાડી ચલાવે. કેશ- રજીસ્ટર આગળ પણ કેટલી લાંબી લાઈન! મારે જ્યારે કોલમ લખવાની બાકી હોય એ જ દિવસે લોકોને શોપિંગ કરવાની ધુનકી કેમ ચઢે? ખોટો મારો ટાઈમ કેટલો વેસ્ટ થયો. હવે ગ્રોસરી ગોઠવું અને ડીનર બનાવું. શું તબલા કોલમ લખાવાની હવે? હવે જોબ પર જઈને આવીને ડીનર કરીને પરવારીને જ લખીશ…શાંતિથી મારી કોલમ!
કોલમનિસ્ટ ધૃતી સંજીવની આવી જ ચટાકેદાર વાતોથી ભરેલ પુસ્તક ‘પંચાત‘ નું મુખપૃષ્ઠ
હાંશ! રાતનાં દસ વાગી ગયાં. એકવાર CNN જોઈ લઉં. મલેશિયન એરલાઈનના સમાચાર જાણી લઉં. બાપરે…ટીવી જોતા મગજ બહેર મારી જાય. એક પણ સારા સમાચાર જ નૈ. મને એમ કે ટીવી જોઇને ઇન્સ્પાયર્ડ થઈશ તો કોલમ લખવાનો ટોપિક સૂજશે. આ તો ઉલટું થયું. મારાથી હ્યુમર અત્યારે નહિ લખાય. આખી દુનિયામાં કશે જ સારા ન્યૂઝ જ નથી. એમ લાગે છે જાણે વર્લ્ડનો અંત નજીક આવી રહ્યો છે. એન્ડ વુડ યુ પ્લીઝ સ્ટોપ બગીંગ મી ? કોલમ લખવાની બાકી છે મને ખબર છે. પણ હું થાકી ગઈ હવે. ઊંધમાં લખવાનું કેમનું ફાવે? હવે કાલે લખીશ…મારી કોલમ.
ગુડ મોર્નિંગ…યસ યસ, આઈ રિમેમ્બર. કોલમ લખવાની છે. ચાય લઈને બેસું જ છું લખવા. ઈમેલ ચેક કરીને મારે એક સ્પિચ આપવાની છે એના પોઈન્ટ્સ લખી દઉં…બર્ડ્સને ફૂડ આપું. ઘરમાં ડસ્ટીગ કરી વેક્યૂમ કરી દઉં.પછી મારી કોલમ લખું…જેવો ટોપિક યાદ આવે એટલે લખું જ છું મારી કોલમ
જો તમને આ પોસ્ટ ગમી હોય તો `આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે:www.e-shabda.com/blog
[Dolariya Deshna Columnistni Diarynu Panu: Article by Dhruti Sanjiv [Dhruti Amin], e-shabda blog posted on 4th October 2014]
2 comments
Dipak
Gaikaal no vicharto hato ke Hanna comment lakhu ….thodivaar pachi lakhu aakhre lakhinakhi.
falguni marwadi
Khub j saras chatedar lakhyu che..dhruti tame…mari ghar thi school ni bas journey bacame fruitfull …
have school pahochine nahi atyare j comment lakhi dau…!!!
Waiting for another tasty pist..
Gaikaal no vicharto hato ke Hanna comment lakhu ….thodivaar pachi lakhu aakhre lakhinakhi.
Khub j saras chatedar lakhyu che..dhruti tame…mari ghar thi school ni bas journey bacame fruitfull …
have school pahochine nahi atyare j comment lakhi dau…!!!
Waiting for another tasty pist..