પોતાના વખાણ પોતે જ કરવાં એ કેટલું યોગ્ય? પરંતુ અહીં એવું નથી. અહીં તો કોઈકના દ્વારા મળેલી પ્રસંશાને એક સંસ્થા-ટીમ વતી માણવાની વાત છે. વાત એમ છે, કે ભારતના પ્રકાશકોની સહિયારી માતૃસંસ્થા ‘ધી ફેડરેશન ઑફ ઇન્ડિયન પબ્લીશર્સ (The Federation of Indian Publishers) દ્વારા નવભારત સાહિત્ય મંદિર માટે ડિઝાઇન કરેલ કવિ અંકિત ત્રિવેદી દ્વારા સંપાદીત પુસ્તક ‘મારું જીવનસૂત્ર’ ને એક્સેલેન્ટ બુક-પ્રોડકશન માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. ઇ-શબ્દ આ એવોર્ડમાટે સન્માનની લાગણી અનુભવે છે. FIP નો ખૂબ ખૂબ આભાર .. અને હા, આજ ના ઇ-શબ્દમાં વાંચો પુસ્તકના સંપાદક અંકિત ત્રિવેદીના વિચારો અને લાગણીઓ, સાથે જ પુસ્તકનો પ્રિવ્યુ www.issuu.com ના ઈ-શબ્દ એકાઉન્ટ પર…
સફળ માણસોની સફળતા વિશે વાંચવું અને વિચારવું ગમે છે. સફળ માણસોને પણ પોતે સફળ થયાં પછી જ સફળતાની ખબર પડે છે. જિંદગીના સંઘર્ષના સમયે તેઓ પણ પોતાના જીવનસૂત્રને વળગીને કર્મનિષ્ઠ સેવકની જેમ ફરજ બજાવતી સામાન્ય વ્યક્તિઓ હોય છે. એવા સામાન્યમાંથી સફળતાની ટોચ ઉપર પહોંચેલા મુઠ્ઠી ઊંચેરા વ્યક્તિત્વો પાસેથી એમના જીવનની અંગત છતાંય રસપ્રદ અને હકારાત્મક વાતોને સંપાદનો દ્વારા પહોંચાડવાનો એક અભિગમ થોડાંક વર્ષોથી કેળવાયેલો છે. ‘મારું જીવનસૂત્ર’ એ જ માળાના મણકામાં આવે છે.
સફળતાની વ્યાખ્યા જીવનસૂત્રના અંશમાં સમાઈ જાય છે. વળી, સફળ માણસો કેવી રીતે સફળ કે સંતોષી થયા છે તે સૂત્રને જાણવાથી આપણા જીવનમાં પણ એક નવું પરિવર્તન આવે છે. જીવનસૂત્ર એટલે એવી ચાવી જેનાથી આપણું તાળું નથી ખૂલતું, પણ તાળું ખૂલે ત્યાં સુધીનો તાળો મેળવી આપવાનું યોગ્ય માર્ગદર્શન મળે. આ પુસ્તકમાં અલગ અલગ ક્ષેત્રના અગ્રણી વ્યક્તિઓએ પોતાના જીવનસૂત્રની વાત કરી છે. એ દ્વારા આપણા જીવનને એક સૂત્રમાં પરોવીને આપણે પણ હકારાત્મક વલણના હિમાયતી બની શકીએ છીએ.
‘મારુ જીવનસૂત્ર’નું મુખપૃષ્ઠ
જીવનસૂત્ર એટલે આપણને વફાદાર રહેવા માંગતી હયાતીનું પ્રામાણિક પરીણામ. જે સફળતા મેળવ્યા કે સંતોષને મેળવ્યા પહેલાંનું નિશ્ચિંત કરેલું પ્રથમ પગથિયું છે. આ પુસ્તકમાં વિધવિધ ક્ષેત્રની અગ્રણી વ્યક્તિઓએ પોતાના જીવનસૂત્ર વિશે લખી આપ્યું એ બદલ એમનો અંત:કરણપૂર્વક આભાર માનું છું. કવિ સુરેશ દલાલની અચાનક વિદાયને કારણે આ પુસ્તક મોડું પહોંચી રહ્યું છે એનો ખેદ વ્યક્ત કરું છું. આ પુસ્તકના સંપાદન માટે ખાસ લખાયેલો કવિ સુરેશ દલાલ અને કવિ પ્રબોધ જોશીનો છેલ્લો લેખ છે. બન્નેને શબ્દપૂર્વકની સ્નેહાંજલિ!
કૃષ્ણએ અર્જુનને ગીતાના સ્વરૂપે જીવનસૂત્રને ઉચ્ચારેલાં. . . એ પછી ક્યાંક ક્યાંક ધર્મગ્રંથોનાં વાક્યોને આપણે જીવનસૂત્ર ગણીને જીવાતા જીવનમાં એનું વિવરણ આચરી રહ્યાં હોઈએ છીએ. . . મિત્ર અપૂર્વ આશરની સાથે મારો સ્નેહભાવ ઇમેજપૂર્ણ રહ્યો છે. આ પુસ્તકના દરેક લેખોને મોરપિચ્છ પર આકારવા એ તેમનો યશભાવ છે. અપૂર્વ આશરને સલામ! મિત્ર જયેશભાઈ શાહ દરેક પુસ્તકની માવજત મુહોબ્બતથી કરે છે અને સુપેરે વાચકો-ભાવકો સુધી પહોંચાડે છે. એમનો હૃદયથી આભાર માનું છું. જે-જે લેખકોએ-પ્રતિભાઓએ પોતાની વ્યસ્તતામાંથી આ પુસ્તક માટે સમય ફાળવીને ‘મારું જીવનસૂત્ર’ લખી આપ્યુ છે તેમને વંદન કરું છું. . .
‘મારું જીવનસૂત્ર’માં ‘મારું’ શબ્દ અગત્યનો છે. કારણ કે ‘જીવન’ અને ‘જીવનસૂત્ર’ પોતાનું જ હોવું જોઈએ. એ બીજાનું હોય તો પણ પોતાએ જ જીવવાનું હોય છે. વળી ‘જીવન’ પણ હોવું જોઈએ. જીવતે જીવત નંખાઈ ગયેલા, વિખરાઈ ગયેલા, હતાશ થઈ ગયેલા માણસોએ પણ જીવનને વળગીને જીવવાનું હોય છે. ‘જીવન’ હશે તો જીવવાની મઝા પણ આવશે! જીવનને અનુરૂપ થવું અને આપણને અનુરૂપ જીવવું — એનાથી મોટું સુખ બીજે ક્યાંય નથી! અને પછી ‘સૂત્ર’ આવે છે. સૂત્રથી સૂત્રતા કેળવાય છે. પાત્રથી પાત્રતા કેળવાય છે. અનુભવથી અનુભવી થવાય છે. કંઈક એમ જ ‘જીવનસૂત્ર’ની જરૂર પડે છે. આ બધું જ જીવાઈ ગયા પછીનું અને ટૂંકીનોંધનું લખાણ છે. ભૂલોમાંથી શિખવાની અને શિખતાં શિખતાં જીવનને આવડી ગયાનો રાજીપો છે. ‘મારું જીવનસૂત્ર’એ દરેકના જીવનને સ્પર્શે એવી પ્રાર્થના સાથે આ પુસ્તક પ્રગટ થયાની પ્રસન્નતા વ્યક્ત કરું છું.ઝ.ઝ., ‘જીવનસૂત્ર’ નથી એનું પણ જીવનસૂત્ર હોય છે. ‘જીવનસૂત્ર’ હોય છે. એનો પણ એક ‘સૂત્ર’ હોય છે. જીવનમાં જે કંઈક શીખ્યાં છે, સંઘર્ષ કરીને સફળ થયાં છે, સમાજને આપીને સંતોષ માન્યો છે અને સતત કાર્યશીલ રહ્યાં છે એવા સર્જક-વ્યક્તિત્વોનો અનુભવ નીચોડ એટલે ‘મારું જીવનસૂત્ર’…!
[‘મારું જીવનસૂત્ર’ની પ્રસ્તાવના]
અંકિત ત્રિવેદી
જો તમને આ પોસ્ટ ગમી હોય તો `આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે:www.e-shabda.com/blog
Leave a Reply