શિક્ષક દિને કઇંક જુદું – સફળતાની ટોચે પહોંચેલા વ્યક્તિઓની પોતાના શિક્ષક વિશેની સ્મરણાંજલિઓ
ફોટોગ્રાફર વિવેક દેસાઇની સ્મરણાંજલી ખ્યાતનામ ફોટોગ્રાફર અશ્વિન મહેતાને. . .
(સૌજન્ય: નવનીત સમર્પણ)
સને ૨૦૦૦ની સાલમાં એમણે ફોટોગ્રાફી બંધ કરીને બધા કૅમેરા વેચી નાંખ્યા. પ્રવાસો પણ બંધ કર્યા. ૧૯૫૨ માં હિમાયલના ફોટોગ્રાફ સાથે શરૂ થયેલી ફોટોયાત્રા ૧૯૯૯ ના ડિસેમ્બરમાં દક્ષિણ ભારતના ફોટોગ્રાફ સાથે થંભી. ને આટલાં વર્ષો હિસાબ એટલે ૯ કોફીટેબલ પુસ્તકો ને ભારતના અવ્વલ દરજ્જાના પાંચ ફોટોગ્રાફરોમાં પણ આગળ રાખવું પડે એવું નામ ને કામ. તીથલના ‘દરિયાકાંઠે તુલસી’ નામના નાનકડા બંગલામાંથી બહાર આવેલી આ પ્રતિભા એક આંતરરાષ્ટ્રીય હસ્તી બની ગઈ. ફ્રાંસના રાષ્ટ્રીય પુસ્તકાલય ‘બિબ્લિયોથેક નેશનલ’માં જગતભરના ફોટોગ્રાફરોની શ્રેષ્ઠ કૃતિઓમાં ભારતના ત્રણ જ ફોટોગ્રાફરોની તસવીરો સ્થાન પામી છે. રઘુરાય, રઘુબીરસિંહ અને અશ્વિન મહેતા. ને અશ્વિન મહેતાના ફોટોગ્રાફની સંખ્યા ત્રણ આંકડામાં સચવાઈ છે. તેમના ગિફટ ઑફ સોલિટયૂડ’ પુસ્તકે ફોટોગ્રાફરોને શીખવ્યું કે પથ્થરના પણ ફોટા પાડી શકાય. સાહિત્ય જગત સાથો નાતો પણ એકદમ મજબૂત. સ્વામી આનંદ સાથેના સહવાસને કારણે એમના ગદ્યમાં સ્વામી આનંદની છાંટ વર્તાય. એમનું ‘છબી ભીતરની’ પુસ્તકનું ‘વણદીઠું વીંધે તે શૂર’ પ્રકરણ ફોટોગ્રાફરની ગીતા સમાન છે. એના પહેલા જ ફકરાના અંતે એક હૈયા સોંસરવે ઊતરી જાય એવી વાત કહી છે, મારી એક મુશ્કેલી છે, જીવનની બારાખડીમાં અધ્યાત્મનો ‘અ’ પહેલો આવે છે ને કલાનો ‘ક’ પછી. આવી અદ્ભૂત પ્રતિભાએ 28 જુલાઈએ વિદાય લીધી. એમની સાથે કાન અને ફોન બંને ગરમ થઈ જાય ત્યાં સુધી અનેક વાર વાતો કરી છે. આજે એમના મૃત્યુ પછી એમના વિશી થોડી અજાણી વાતો શ્રદ્ધાંજલિરૂપે અહીં મૂકું છું….
મુંબઈના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ભારતની સૌથી મોટી ફોટો સ્ટોક એજન્સીના માલિક જગદીશ અગ્રવાલ નિત્યક્રમ મુજબ ઑફિસ આવ્યા ને કોથળામાંથી ચણ ભરીને બારીયે બેઠાં. કબૂતરો એમના હાથમાંથી દાણા ચણતા હતા. એક માણસે દસ મિનિટ પાછળ ઊભા ઊભા આ જોયું. જગદીશભાઈની નજર અચાનક પડી ને તેઓ ઊભા થઈ ગયા ને કહ્યું ‘અશ્વિનભાઈ – આવો આવો’ પણ, એમના આશ્ચર્ય વચ્ચે અશ્વિનભાઈએ ચાલતી પકડી. જગદીશભાઈ પાછળ દાદરા સુધી ગયા પણ સહેજ પણ રિસ્પોન્સ એમણે આપ્યો નહીં. પાછું વળીને જોયું પણ નહીં. ભારતનો એક ખ્યાતનામ ફોટોગ્રાફર પહેલી જ મિટિંગમાં આવું વર્તન કરશે એવું જગદીશભાઈએ ધાર્ય઼ું ન હતું. એમના મિજાજથી એ પરિચિત ખરા પણ અમાં તો કંઈ થયા વગર જ શું થયું એ જગદીશભાઈ સમજી ન શકયા ને બીજા દિવસે સવારે એમના આશ્ચર્ય વચ્ચે બે મોટા થેલા ભરીને એમના જીવનભરનું કામ-હજારો (સ્લાઇડસ) ફોટોગ્રાફ લઈને એમના ટેબલ પર મૂકયા ને બોલ્યા “જે માણસ કબૂતરને આટલો પ્રેમ કરી શકે એ મારા ફોટોગ્રાફ સાચવી શકશે એની મને ખાતરી છે ને કાલે મેં જે જોયું એ પછી મને કોઈ મિટિંગ કરવાની જરૂર લાગી નહીં. વિશ્વાસ મૂકવા માટે મિટિંગ કરવી જરૂરી નથી. કાલે મારી પાસે તમને આપવા કંઈ જ ન હતું એટલે બધું લેવા ગયેલો. લો આ રાખો આજથી મારી બધી મૂડી તમને સુપરત કરું છું.” ભરોસો મૂકવાની પણ અશ્વિનભાઈએ સ્ટાઇલ ક્રિએટ કરેલી. એમની ભરોસો ન મૂકવાની સ્ટાઇલથી અનેક લોકો પરિચિત હશે. ૨૦૧૧ માં એમણે એક સીડી મોકલી ને જોડે એક પત્ર પણ. સીડીમાં એમના પોતાના ચાર ફોટોગ્રાફ હતા. જેમોં એક એમનો પોતાનો ફેવરિટ પોટ્રેઇટ જે અંગત મિત્ર ને ફોટોગ્રાફર મિત્તર બેદીએ પાડેલો. એક દીકરી આશુબહેને પત્ની તીલુબહેન સાથે પાડેલો ને બે બીજા પોટ્રેઇટ ને સીડી પર લખેલું ‘મરણોત્તર છાપવાની છૂટ – મારાં જીવતાં નહીં…!’ ને કાગળમાં પણ આ જ સૂચના. છેલ્લે લખ્યું ‘તું મજામાં છે ને? તને ખબર જ છે કે હું મજામાં નથી.’ ને પછી બીજા દિવસે ફોન માં લેખિત સૂચના ફરી સ્વમુખે સંભળાવી ને કહે “જગદીશને આખી જિંદગીનું કામ સોંપી દીધું છે. પણ, મારા પોતાના અંગત ફોટા મારે એને નથી આપવા એ હું તને સોંપું છું. મારા મર્યા પહેલાં જગદીશ માંગે તોપણ તારે રોકડી ના પાડી દેવાની ને કહી દેવાનું કે અશ્વિનભાઈ મરે એ દિવસે ફોન કરજો. આપી દઈશ.” મારે જગદીભાઈને શું જવાબ આપવો એ પણ એમણે કહી રાખેલું. પણ, બોલવાનું તો મારે હતું. ને મને કહેલું કે, “એના સ્વભાવ મુજબ એ ફોન કરશે જ. પણ, તારે અડગ રહેવાનું છે ને મારા મર્યા પછી પણ તને ઠીક લાગે તો જ આપજે!” આખી જિંદગીનું કામ જે સોંપ્યું એઁ એમના પોતાના ચાર ફોટા ન સોંપ્યા. મને શું કામ સોંપ્યા એના જવાબ મેં શોધવાનું બંધ કર્ય઼ું છે. પણ, જગદીશભાઈનો ફોન આવેલો કે ‘મને પ્લીઝ એ ફોટા જોઈએ છે’ ને મેં એ જવાબ આપેલો જે મને અશ્વિનભાઈએ શિખવાડેલો.[શ્રીવિવેક દેસાઇની પરવાનગીથી ઇ-શબ્દ એ ચારેય ફોટા વાચકો સમક્ષ રજૂ કરતાં હર્ષ અનુભવે છે]
કુદરતની સાથે સાથે લોકોને પણ અંદરથી સમજી-જાણી લેવાની એમનામાં ગજબની સમજણ હતી.
સંપૂર્ણ ફોટોગ્રાફરની એક વ્યાખ્યા એવી છે કે ફોટોગ્રાફર જે ફોટો પાડતો હોય જ્યારે પણ પાડતો હોય, જેનો પણ પાડતો હોય ત્યારે માનસિક, શારીરિક ને આધ્યાત્મિક રીતે તે ત્યાં હોવો જોઈએ ને તો જ એક અદ્ભુત ફોટો બહાર આવે. ભારતના દિગ્ગજ ફોટાગ્રાફરો આ વાત જાણે ને સમજે છે. છતાં પણ, આ ત્રણેયનો સંગમ હોય એવા કદાચ જૂજ ફોટોગ્રાફરો આપણી પાસે છે. એમાં એક અશ્વિન મહેતા. શારીરિક ને માનસિક રીતે બધા ફોટોગ્રાફરી હાજરી સરસ વર્તાય. પણ, એમાં ઉમેરાતું અધ્યાત્મનું તત્ત્વ સમજવામાં ને સમજીને એને ફોટોગ્રાફમાં લાવવાનું કામ કરવા માટે અશ્વિનભાઈને મજબૂત સલામ મારવી જ પડે.
અશ્વિનભાઈએ શીખવ્યું કે પથ્થરો જોડે પણ પ્રેમ કરી શકાય. એને સ્પર્શીને કહી શકાય કે તું પથ્થર નથી પણ એક ઈશ્વરનું સ્વરૂપ છે. ને એમણે કયાંક ને કયાંકથી ઈશ્વરને શોધી કાઢવાનું કામ વારંવાર કર્ય઼ું છે. તો વળી દરિયાકિનારાની રેતમાંથી સર્જાતા આકારોમાં દેખાયેલા ઈશ્વરને એમણે વારંવાર જીવંત કર્યો છે. કુદરતને સહેજપણ ખલેલ ન પહોંચે એવી રીતે એમણે કુદરતને માણી ને ‘ક્લિક’ કરી છે. આ વાત દરેક ફોટોગ્રાફરે મૂળમાંથી સમજવા જેવી છે. અશ્વિનભાઈના ફોટોગ્રાફમાંની શાંતિ તમને અંદરથી ખળભળાવી દે છે. એમણે કુદરતને માણતાં શીખવ્યું છે. એમના ફોટોગ્રાફ તમે શરૂમાં જોતા હોવ છો ને પછી વાંચતા થઈ જાવ છો ને તમે કયારે વાંચતા થઈ ગયા એ ખબર પડતી નથી ને આ જ અશ્વિન મહેતાના ફોટાગ્રાફસની તાકાત છે. એ તમને એમણે “ક્લિક’ કરેલા ફોટોગ્રાફની જગ્યાએ લઈ જાય છે ને સહજ રીતે લઈ જાય છે. મોટા ભાગે અશ્વિનભાઈના ફોટોગ્રાફસમાં માણસની હાજરી નથી. પણ, તમને ઈશ્વરની હાજરી જરૂર દેખાય!!
એમનું અદ્ભુત ગુજરાતી ગદ્ય ને બહોળું વાચન એમની ફોટોગ્રાફીમાંથી વારંવાર ડોકિયાં કરતું રહ્યું છે.
‘છબી ભીતરની’ પુસ્તક વાંચી લેવું જોઈએ. ફોટોગ્રાફી શરૂ કરતાં પહેલાં આ પુસ્તક વાંચવાથી ઘણી
અણસમજો ખરી પડે છે ને એક નવું જ બળ ને શક્તિ મળે છે એવો જાતઅનુભવ છે. એમનું પ્રથમ પુસ્તક ‘Gift of Solitude’ કદાચ એમનું શ્રેષ્ઠ પુસ્તક છે. ટૅગોરના થોટ્સને અશ્વિનભાઈની ફોટોગ્રાફીની જુગલબંદી અધ્યાત્મની ટોચે લઈને ભાવકને ઊભા રાખે છે. આ પુસ્તકની એક પાનાંની એમની કેફિયતનો છેલ્લો ફકરો અહીં ટાંકું છું. એાથી એમની સમજણનું ઊંડાણ સમજાશે.
एकान्तभक्तिगोविन्दे यत्सर्वत्र तदीक्षणम् ।
(solitude is devotion to Lord Krishna, so that one sees him everywhere). A totally new meaning of solitude dawned on me when I came across the above sentence from the Shrimad Bhagwat (7.7.55). Solitude is not isolation, shutting up oneself from the outside world of contemplation or work, or out of malaise and depression. It is a state of mystic communion with the source of all energy and all its material manifestations. The photographs in this book are the gifts of such solitude, mostly created in the scintillating moments of my entering the world of rocks and trees and water.
અશ્વિનભાઈ હંમેશાં એમની ફોટોગ્રાફી કરતાં એમના સ્વભાવથી વધારે ચર્ચામાં રહ્યા. કદાચ એનું કારણ એ છે કે એમની ફોટોગ્રાફી વિશેની ચર્ચા કરવા જેટલી સમજણ બહુ જ ઓછા પાસે છે. એમનો ‘હું’ ઘણો મોટો હતો ને એના એ પૂરેપૂરા અધિકારી હતા.
અશ્વિનભાઈને વંદન…
વિવેક દેસાઇ
અશ્વિન મહેતા આલા દરજ્જાના ફોટોગ્રાફર ઉપરાંત એવા ઊંચા દરજ્જાના ઇન્સાન હતા કે મળવાની ઘણી ઇચ્છા છતાં એવી પાત્રતા કદી કેળવી શક્યો નહીં.
તેમના આંગણે જઇને શું એમ કહેવાનું કે, ‘તમને જોવા આવ્યો છું.’ તેમની તસવીરો જોવાને મળી એ જ મોટું સદભાગ્ય.
વિષય અને લખનાર…બન્ને તસવીરકારોને સલામ.
વિવેકભાઈ…અનેક લેખોમાંનો આ લેખ તમારો એવો માસ્ટરપીસ છે જેના વડે બ્લોગનો શુભારંભ કરી શકાય. હું કહીશ કે એમ કરવા માટે આ શબ્દચિત્ર ફ્લેગશીપ આર્ટિકલ બની રહો.
બિનીત મોદી (અમદાવાદ)
બિનીતભાઈ, આ પણ વિવેકનો જ બ્લૉગ છે ને… નવા બ્લૉગના શુભારંભની જરૂર ખરી…?
અપૂર્વ
Inspiring, impressive and interesting.
ખુબ સરસ, રસપ્રદ અને પ્રેરણાદાયી
bahu j mast article chhe…Awesome…!!! Jyare koi kalakar ni kala mate Shabdo pan vamna sabit thai enu naam Kalakar…!!! Boss…!!! Mazzzaaaa aavi gai…!!!
wah maja avi gai. Have library jaine a pustako gotine vanchish nahi tyan sudhi chen nahi pade.
Thanks for bringing such beautiful information. God bless you.
Love
Dipika
Touchy Article.
અશ્વિન મહેતા ખુબ સરસ