માતાની મમતા વિશે અહોભાવ-ભક્તિભાવ છલકાવતાં બીબાંઢાળ–સ્ટીરીયોટાઇપ સુવાક્યોથી માંડીને ‘પ્રેરક પ્રસંગો’ ચલણમાં છે. ‘મધર્સ ડે’/ Mother’s Day નિમિત્તે તેમના ભાવ કામચલાઉ ઉંચકાશે, પણ એ જ ચિત્રની બીજી બાજુ એટલે ‘મધર ઇન્ડિયા’માં રજૂ થયેલી ભારતીય માતા– એક એવી માતા, જે દુનિયાભરનાં દુઃખ વેઠીને સંતાનો ઉછેરે છે, પણ વખત આવ્યે આડી લાઇને ચડેલા પોતાના પુત્રને ગોળીએ દેતાં અચકાતી નથી.
મધર્સ ડે ઉપરાંત પણ ‘મધર ઇન્ડિયા’ યાદ આવવાનાં કેટલાંક કારણ છે. ‘મધર ઇન્ડિયા’ ફિલ્મનું કેન્દ્રીય વિષયવસ્તુ ભારતીય માતા હોવા છતાં, આખી ફિલ્મમાં ખેડૂતોના જીવનની વિષમતા વિગતે રજૂ કરવામાં આવી હતી. એ વખતે ખેડૂતોના આપઘાતના સમાચાર અખબારોમાં કાયમી બન્યા ન હતા અને ‘જય જવાન, જય કિસાન’નું ખોખલું સૂત્ર આવવાનું બાકી હતું. ‘મધર ઇન્ડિયા’ના સાડા પાંચ દાયકા પછી ખેડૂતના જીવનની કારુણી પ્રકાર કદાચ બદલાયા હશે, પણ તેની માત્રા કેટલી ઓછી થઇ છે?
–અને કારણ નંબર બે : મરાઠી ફિલ્મ ‘કોર્ટ’ આ વર્ષે શ્રેષ્ઠ વિદેશી ફિલ્મના ઑસ્કાર ઍવોર્ડ માટે મજબૂત દાવેદાર ગણાય છે, પરંતુ એ શ્રેણી સુધી પહોંચેલી પહેલી ભારતીય ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ હતી. તેના ગુજરાતી ડાયરેક્ટર મહેબૂબખાનનું અક્ષરજ્ઞાન ચેક પર સહી કરવા પૂરતું મર્યાદિત હતું, પણ ફિલ્મના માઘ્યમની તેમની સૂઝ ગજબની હતી. (એક આડવાત : ‘કોર્ટ’ ફિલ્મના કૅમેરામેન મૃણાલ દેસાઇ પણ ગુજરાતી છે)
મહેબૂબખાન/ Mehboob Khan ફિલ્મલાઇનમાં ગયા હતા ઍક્ટર બનવા માટે, પરંતુ એ સમયની પ્રતિષ્ઠિત ફિલ્મ કંપની ‘સાગર મુવિટૉન’માં ડાયરેક્ટર તરીકે છેક ત્રીસીના દાયકામાં તેમનો સિક્કો જામી ગયો. બોલતી હિંદી ફિલ્મોનો એ પહેલો દાયકો હતો. ગુજરાતી નિર્માતાઓની બોલબાલા હતી. ‘સાગર મુવિટૉન’ના ચીમનલાલ દેસાઇ/ Chimanlal Desai તેમાંના એક. તેમણે ફિલ્મઉદ્યોગને મહેબૂબખાન સહિત અનેક પ્રતિભાઓની ભેટ આપી. ‘સાગર મુવિટૉન’ અને ચીમનલાલ દેસાઇની ચડતીપડતીને ઝીણવટથી, અધિકૃતતાથી છતાં રસાળ રીતે આલેખતા સંશોધનગ્રંથ ‘સાગર મુવિટૉન’માં લેખક બીરેન કોઠારી/ Biren Kothari એ નોંઘ્યું છે, ‘કેટકેટલી પ્રતિભાઓ અહીં (‘સાગર’માં) પાંગરી, પરખાઇ, પ્રસિદ્ધિ પામી અને ફિલ્મઉદ્યોગમાં તેમના નામનો અલાયદો અઘ્યાય લખવો પડે એવું પ્રદાન તેમણે કર્યું.’ ફક્ત ‘સાગર મુવિટૉન’ની જ નહીં, ફિલ્મોના આરંભકાળની રોમાંચક વિગતો પૂરી પાડતા આ પુસ્તકમાં ‘મધર ઇન્ડિયા’ જેવી ઑલટાઇમ ગ્રેટ ગણાયેલી ફિલ્મ વિશેની કેટલીક વિશિષ્ટ હકીકતો પહેલી વાર વાંચવા મળે છે.
’ઔરત’માં સરદાર અખ્તર. સાથે તોફાની પુત્ર તરીકે યાકુબ અને કહ્યાગરો પુત્ર સુરેન્દ્ર
હિંદી ફિલ્મોમાં સહેજ ઊંડો રસ ધરાવનારા જાણે છે કે ૧૯૫૭માં રજૂ થયેલી રંગીન ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ અસલમાં મહેબૂબખાનની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ ‘ઔરત’ (૧૯૪૦)ની ‘રીમેક’ હતી. એટલે કે, ‘ઔરત’ના જ કથાવસ્તુને ઝાઝા ફેરફાર વિના, (વચ્ચે વીતેલા દોઢ દાયકાના સમયગાળાને ઘ્યાનમાં લઇને) રજૂ કરવામાં આવ્યું હતું. ઘૂર્ત શરાફની ભૂમિકા કરનાર કનૈયાલાલને બાદ કરતાં બાકીના કલાકારો પણ બન્ને ફિલ્મોમાં અલગ હતા. ‘ઔરત’માં અનિલ બિશ્વાસનું, તો ‘મધર ઇન્ડિયા’માં નૌશાદનું સંગીત હતું. બન્ને દિગ્ગજ સર્જકોએ ઉત્તમ ગીતો બનાવ્યાં હતાં. (અનિલદાએ તો ગાયું પણ હતું.)
’મધર ઇન્ડિયા’માં નરગીસ સાથે માથાભારે પુત્ર સુનિલ દત્ત અને ડાહ્યો રાજેન્દ્રકુમાર
એક હિટ ફિલ્મની ‘રીમેક’ બનાવવાની બીજા લોકોને લાલચ થાય એ સમજી શકાય, પરંતુ એક જ ડાયરેક્ટરને પોતે અગાઉ બનાવેલી ફિલ્મ ફરી બનાવવાની ઇચ્છા થાય, એવું પ્રમાણમાં ઓછું બને. કેદાર શર્માએ પોતાની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ ‘ચિત્રલેખા’ (૧૯૪૧)ને ૧૯૬૪માં ફરી બનાવી. તેમની ‘રીમેક’ નિષ્ફળ રહી, જ્યારે મહેબૂબખાનના કિસ્સામાં રંગીન ‘મધર ઇન્ડિયા’ની પ્રચંડ સફળતા બ્લેક એન્ડ વ્હાઇટ ‘ઔરત’ને ક્યાંય આંબી ગઇ.
’મધર ઇન્ડિયા’ના ગીત ’ઘુંઘટ નહીં ખોલુંગી’ના શૂટિંગવેળા ખુરશીમાં બેઠેલા મહેબૂબ ખાન અને છેક આગળ દેખાતા નૃત્યનિર્દેશક ચીમન શેઠ/ Chiman Sheth
ચીમનલાલ દેસાઇ / Chimanlal Desai
અલબત્ત, કેટલાક અભ્યાસીઓ ‘ઔરત’ને ‘મધર ઇન્ડિયા’ કરતાં ચડિયાતી ફિલ્મ ગણે છે. ‘ઔરત’ ફિલ્મનું નિર્માણ ‘સાગર મુવિટૉન’ દ્વારા નહીં, પણ ચીમનલાલ દેસાઇ જેમાં ભાગીદાર હતા તે ‘નેશનલ સ્ટુડિયોઝ’ દ્વારા થયું હતું. આર્થિક ભીંસને કારણે ચીમનલાલ દેસાઇને પોતાની કંપની (‘સાગર’)નું બીજા નિર્માતાની કંપની ‘જનરલ ફિલ્મ્સ’ સાથે જોડાણ કરવું પડ્યું. તેમાંથી ‘નેશનલ સ્ટુડિયોઝ’નો જન્મ થયો, પણ ‘મધર ઇન્ડિયા’ની મૂળ ફિલ્મ ‘ઔરત’ સાથે –અને ખાસ તો, મા દીકરાને મારી નાખે છે એવા તેના વિશિષ્ટ અંત સાથે–ચીમનલાલ દેસાઇને સીધો સંબંધ હતો.
‘ઔરત’/ Aurat નું મૂળ કથાવસ્તુ પર્લ બકની બે નવલકથાઓ ‘ગુડ અર્થ’ અને ‘ધ મધર’ પર આધારિત હતું. ‘સાગર મુવિટૉન’ના હિસાબી ખાતામાં કામ કરતા અને બહોળું વાચન ધરાવતા બાબુભાઇ મહેતાએ ‘ગુડ અર્થ’ પરથી બનેલી ફિલ્મ જોવાનું સૂચવ્યું. ચીનના ખેડૂતોની અવદશા દર્શાવતી એ ફિલ્મ જોઇને મહેબૂબ હચમચી ગયા. તેમને થયું કે ભારતના ખેડૂતોની સ્થિતિ પણ ખાસ જુદી નથી. ‘ગુડ અર્થ’ની વાર્તા સાથે ‘ધ મધર’નું કથાવસ્તુ પણ જોડવામાં આવ્યું. એટલે ખેડૂતોની અવદશા અને દુઃખ સામે ઝઝૂમતી માતાનું કેન્દ્રીય પાત્ર–એ બન્ને રસાયણો સંયોજાયાં. આ વાત બન્ની રૂબેને લખેલા મહેબૂબખાનના ચરિત્રમાંથી મળે છે, પરંતુ ત્યાર પછીની –અને આખી કથાને વિશિષ્ટ વળાંક આપનાર તત્ત્વ વિશેની–વિગત ‘સાગર મુવિટૉન’ પુસ્તકમાંથી જાણવા મળે છે.
મહેબૂબખાને પર્લ બકની બન્ને કથાઓમાંનું આબાદ ભારતીયકરણ તો કર્યું, પણ આડી લાઇને ચડેલા પુત્રને માતા ગોળી મારે છે, એવું એકેય અંગ્રેજી વાર્તામાં ન હતું. એ કલ્પના પરંપરાગત શિક્ષણની રીતે અભણ ગણાય એવા મહેબૂબખાનની હતી. તેમણે ફિલ્મનો આ અંત સંભળાવ્યો, એટલે સૌએ તેનો વિરોધ કર્યો. બધાની એક જ દલીલ હતી : ‘માતા ગમે તેટલી કઠોર બને, પણ એ દીકરાને ગોળી કદી ન મારી શકે.’ શેઠ ચીમનલાલ દેસાઇથી માંડીને બીજા બધાનો વિરોધ ચાલુ રહેતાં મહેબૂબખાને વચલો રસ્તો સૂચવ્યો. તેમણે કહ્યું કે આ કથા કૂકૂબાને એટલે કે ચીમનલાલ દેસાઇનાં પત્ની નંદગૌરીને સંભળાવીએ. એ જે ચુકાદો આપે તે ફાઇનલ.
નંદગૌરી ચીમનલાલ દેસાઇ ઉર્ફે કૂકૂબા
કૂકૂબા સ્ટુડિયોના કામકાજમાં ભાગ્યે જ રસ લેતાં, પણ સ્ટુડિયોના સભ્યોની ઘરે અવરજવર હોય. એટલે તેમનો કડપ અને રૂઆબ સૌ જાણે. નક્કી થયા પ્રમાણે એક દિવસ મહેબૂબખાન અને બીજા થોડા લોકો ચીમનલાલના ઘરે ઉપડ્યા. મહેબૂબખાને કૂકૂબાને વાર્તા સંભળાવી. (‘મધર ઇન્ડિયા’ની મૂળ વાર્તા કૂકૂબાને ગુજરાતીમાં સંભળાવતા મહેબૂબખાન–એ દૃશ્યની કલ્પના કેટલી રોમાંચક લાગે છે?) આખી વાર્તા પૂરી થયા પછી અંતભાગ આવ્યો, એટલે મહેબૂબખાન અટક્યા અને તેમણે કૂકૂબાને પૂછ્યું,‘બા, આની જગ્યાએ તમારો દીકરો હોય તો તમે શું કરો?’
જરાય વિલંબ વિના કૂકૂબાએ કહ્યું,‘મારો દીકરો આવું કરે, તો હું એને ગોળી મારી દઉં.’ તેમના આ જવાબ સાથે જ ‘ઔરત’નો–ભારતની સર્વકાલીન મહાન ફિલ્મોમાંની એક બની રહેનારી ‘મધર ઇન્ડિયા’નો– અંત નક્કી થઇ ગયો.
જો તમને આ પોસ્ટ ગમી હોય તો ‘આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે:www.e-shabda.com/blog
[Mother India: Natyatmak Antni Sarjankatha by Urvish Kothari , e-shabda blog posted on 11th May 2015]
1 comment
Surendra ashar
Kukuba na ant na nirnay ne mehboobkhane apanavyo ethi vishesh tippani koi na hoi shake…hats off to him for giving such a great movie…
Kukuba na ant na nirnay ne mehboobkhane apanavyo ethi vishesh tippani koi na hoi shake…hats off to him for giving such a great movie…