નેપાળના ભૂકંપથી થયેલા મનુષ્યના મૃત્યુનો વિચાર કરું છું ને સ્મરણે ચઢે છે 26મી જાન્યુઆરી 2001નો કચ્છનો ભૂકંપ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિપદે સેવારત હતો. ભૂકંપગ્રસ્ત ભૂમિમાં દબાઈને હોમાઈ ગયેલા હજારો માનવીઓના અકાળ નિર્વાણ—બલિદાનથી હૃદય બળતું હતું. એ વખતે ‘આદિવચન’ મુખપત્રમાં મારું પુરોવચન લખવા માટે જે દુહો ટાંકેલો તે અહીં અપરિહાર્ય—અનિવાર્ય એવા મૃત્યુની વિગતોને ઉલ્લેખતા—આલેખતા દુહાઓ વિશેની વિગતોના આ લખાણમાં ઉદાહૃત કરવા માગું છું. કવિએ કાલજયી સત્યના ઉદ્ગાતા બનવાનું હોય છે એટલે દુહાકવિ ગાય છે કે
દેશમાં ક્યાંય દૂર-દૂર કે દરિયાપાર વિદેશમાં ગયા હોય એ માનવીઓનો કોઈક દિવસે ભેટો થવો, એમની મુલાકાત થવી શક્ય છે પણ એવા માનવી કે જે આ જમીનમાં—ભૂમિમાં ગરક થઈ ગયા છે. ધરતીની નીચે ઢંકાઈ ગયા છે એ માનવીઓ ક્યારેય મળવાના—સાંપડવાના નથી. મૃત્યુ અનિવાર્ય છે એટલું જ નહીં એ આપણાં અંજળપાણી ખુટાડી-મટાડી દેનારું છે, એ ભાવને સંવેદનશીલ બાનીમાં અહીં પ્રસ્તુતિ પ્રાપ્ત થઈ છે.
કેટલાક દુહાનું બંધારણ એવું છે કે એમાં પહેલી પંક્તિના પૂર્વાર્ધના અને બીજી પંક્તિના પૂર્વાર્ધના પ્રાસ મળતા હોય છે. મૃત્યુની અપરિહાર્યતાને પ્રગટાવતો આગવા બંધારણનો પરિચારક દુહો અવલોકીએ:
માણસ માથે ખોડ, મોટામાં મોટી મોતની,
બીજી લાખ કરોડ, એ સમી એકે નહિ.
માણસને સૌથી મોટી ખોડ-ખાંપણ મળી હોય તો એ મૃત્યુની છે. જો કે બીજી લાખો ખોડ હશે પણ આના મૃત્યુના સમાન બીજી કોઈ ખોડ નથી. અર્થાત્ મૃત્યુની સમકક્ષ બીજી કોઈ ખોડ નથી. મૃત્યુ અનિવાર્ય અને અપરિહાર્ય છે. જીવનનો અંત છે એવી હકીકતને અહીં મોટી ખોડરૂપે નિરૂપી છે.
મૃત્યુની અપરિહાર્ય હકીકતને આલેખતો એક બીજો પણ દુહો ભારે વિશિષ્ટ છે તેને અવલોકીએ:
સંપત ગઈ તે સાંપડે, ગયાં વળે છે વ્હાણ,
ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ.
ગયેલી સંપત્તિ પાછી આવે, સમુદ્ર મુસાફરીએ નીકળેલું વહાણ પણ પાછું આવે, પણ કોઈ પ્રસંગ-અવસર પાછો આવતો નથી અને બીજું શરીરમાંથી નીકળી ગયેલો પ્રાણ પાછો ફરતો નથી. સજીવન થવાતું નથી. અહીં પ્રારંભે પાછી મળે એવી બે વિગતો નિરૂપાઈ છે અને પછીની પંક્તિમાં જે પાછું આવતું નથી એવો પ્રસંગ અને બીજો પ્રાણ. આ બંને પુન:સ્થાપિત થઈ શકતા નથી. મૃત્યુનો કશો વિકલ્પ નથી એ પરમ સત્યને અહીં નિરૂપેલ છે.
મૃત્યુની ભવ્યતાને વર્ણવતો અગ્નિસંસ્કારના આલેખનાવાળો એક દુહો અવલોકીએ:
અગ્નિસંસ્કાર જોતા જ પ્રવાસીના મનમાં પ્રશ્ન ઊઠે છે કે સુવર્ણવર્ણ સમાન અગ્નિજ્વાળાઓ દેખાય છે, જેના ધુમાડા રજતવર્ણા સમાન છે. એવી આ કોની ચેહ-ચિતા બળી રહી છે. કયા મોટા ઘરના માણસ-મોભીનું નિધન થયું છે. હે ગોવાળિયા તને પૂછું છું. પ્રવાસીનો પ્રશ્ન ગોવાળિયાને છે કોઈ માણસનું નિધન થયું છે એની ચિતામાંથી ઊઠતી સુવર્ણ સમાન અગનજ્વાળા અને રજતવર્ણ સમાન ધુમાડામાંંથી એના ભવ્ય ઉત્કૃષ્ટ નીચે થયેલા અગ્નિસંસ્કારનો ખ્યાલ આવે છે.
અજાણ્યો એવો માણસ મૃત્યુથી ખેદ અનુભવે, ઊંડું દુ:ખ અનુભવે પણ એવા કુઆચરણ—વર્ણન—વ્યવહારવાળા માનવીમાં ભલે એ પોતાની સાથે સંકળાયેલા ન હોય તો પણ એવા માનવીઓને જોતાં જ મનમાં ભાવ જાગે કે આ મરે તો સારું. એ ભાવવિશ્વ પ્રગટાવતો બીજો એક દુહો જોઈએ.
કાળમુખાં ને રિસાળવાં, નીચાં ઢાળે નેણ,
(એને) કાળી નાગણ કરડજો, હોય પારકાં શેણ.
કાળમુખો—શ્યામવર્ણવાળો, વાત-વાતમાં વાંકું પાડીને રિસાઈ જતો, નીચી દૃષ્ટિથી નજર કરતો હોય એવા માણસોને કાળી નાગણ ડંખ દે, કરડે તો સારું. ભલે ને પછી એ અજાણ્યો અને પારકી સ્ત્રીનો એ પતિ હોય. આપણે કશું લાગતું-વળગતું ન હોય, એની સાથે સ્નાન-સૂતકનો સંબંધ પણ ન હોય છતાં આવા રિસાળવાં, કાળમુખા અને નીચી નજરે નીરખતાં—કુદૃષ્ટિવાળા માનવીઓનું મોત ઇચ્છાઈ જાય છે. અન્યને—અજાણ્યાને પણ એનું કષ્ટ સહન કરવાનું છૂટે એવી એક શુભાશયની ભાવના એમાંથી દ્રવે છે.
ઓચિંતા આકસ્મિક રીતે મૃત્યુ પામેલાથી આરંભેલી યાત્રા જીવિત વ્યક્તિ મૃત્યુ પામે તો સારી એવા ભાવ સુધી વિકસી વચ્ચે-વચ્ચે મૃત્યુની અનિવાર્ય ઘટનાના ભાવને પ્રગટાવતા દુહા પણ અવલોક્યા. મરણને શરણ જવાનું—થવાનું અનિવાર્ય છે. પણ આપણાં સત્કાર્યો હશે તો અજાણી વ્યક્તિ પણ કોનું મૃત્યુ થયું એમ પૂછશે અને આપણાં સત્કાર્યો નહીં હોય તો અજાણ્યા પણ આપણું મૃત્યુ ઇચ્છશે. આગવા નિરાળા અને ભાત-ભાતના ભાવ દુહામાં ભંડારાયેલા આપણને કળાય છે. નેપાળ-બિહારના ભૂકંપથી મરણને શરણ થયેલાઓને શ્રદ્ધાંજલિ.
[સૌજન્ય: ફૂલછાબ]
જો તમને આ પોસ્ટ ગમી હોય તો ‘આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે:www.e-shabda.com/blog
[Mrutyuna Duha by Balwant Jani , e-shabda blog posted on 7th May 2015]
Leave a Reply