1931માં ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં જવા નીકળ્યા ત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કરેલ સંબોધન-કાવ્ય ‘છેલ્લો કટોરો’ ગુજરાતી કાવ્યજગતમાં આગવું સ્થાન ધરાવે છે. તે સમયની સમગ્ર સ્થિતિનું તાદૃશ નિરૂપણ કરતો મહાદેવભાઈ દેસાઈનો લેખ ‘નવજીવન’ સમાચારપત્રમાં તા. 20મી સપ્ટેમ્બર, 1931ના રોજ છપાયો. ‘આજનો ઈ-શબ્દ’માં તે લેખ, અંકનું મુખપૃષ્ઠ અને સમગ્ર ‘છેલ્લો કટોરો’ કાવ્ય…
આટલી ઝડપથી તો સ્વપ્નું યે આવતું અને જતું નથી. મંગળવારે તો સરકાર તરફથી ખેલ ચાલતા હતા, બુધવારે જાણે સંધાશે એવું લાગ્યું, અને પાછું તૂટ્યું, ગુરુવારે આકરા પત્રવ્યવહાર થયા, અને બીજું સંધિનામું છેક સાંજે સાત વાગે પૂરું થયું. ત્યાર પછી જે બીજું ‘મહાભિનિષ્ક્રમણ’ થયું તે વિશે ગયા અંકમાં લખી ચૂક્યો છું. આસપાસનાં સૌને અગવડ સગવડના વિચાર થતા હતા, પણ ગાંધીજીને તો ‘છેલ્લો કટોરો’ ભર્યો એ પૂરો કરવાની ઉતાવળ હતી. પણ ‘છેલ્લા કટોરા’ની ઓળખ આમ અવતરણ ચિહ્નથી નહીં આપતાં વિસ્તારથી આપવાનો છું.
બંદર ઉપરનાં હજારોનાં ટોળાં, આગબોટ ઉપર કદી ન ભેગી થયેલી મેદની વગેરેનું સ્મરણ કરતા, કિનારા ઉપરનાં પ્રેમાળ મુખો ઝાંખાં થતાં ગયાં અને છેક દૃષ્ટિ આગળથી લુપ્ત થયાં ત્યાં સુધી આંખ તાણીતાણીને જોતા, અને છેવટે આસપાસના પાણી સિવાય બધું દેખાતું બંધ થયું એટલે, ‘સમુદ્રવસના’ દેવીનું સ્મરણ કરતાકરતા બોટ ઉપરની અમારી ઓરડીમાં બેઠા. કુડીબંધ તારો અને કાગળો આવેલા હતા તે વાંચવા માંડ્યા, વાંચી રહ્યા બાદ મેઘાણીનો ‘છેલ્લો કટોરો’ બાપુના હાથમાં આવ્યો. બાપુ કહે : ‘મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે તે તદ્દન સાચું છે.’ મીરાંને કહે : ‘એનું ભાષાંતર મહાદેવ કરશે, પણ એનું કાવ્ય અને એની ભાષા તને શી રીતે આપી શકશે?’
*
એક પ્રાચીન ગ્રીક શિલ્પીની કૃતિ ‘લાઓકૂન’ કરીને છે. તેમાં મનુષ્યને સંસારના મહાભુજંગની સાથે આથડતો, તેની અનેક ચૂડમાં પડેલો છતાં તેને હંફાવતો બતાવ્યો છે. એ એક અમર કૃતિ છે. સૈકાઓ પછી એ જ નામની એક કાવ્યકૃતિ લેસિંગ નામના જર્મન કવિએ કરી, ભાવ એવો જ હતો. ઇતિહાસ ઘડીભર ભૂલીને વિચારનારાના મનમાં થયું, લેસિંગે પેલી મૂર્તિ ઉપરથી કાવ્ય કર્યું હશે કે શિલ્પીએ લેસિંગના કાવ્ય ઉપરથી મૂર્તિ ઘડી હશે!
આ તો કલ્પનાની વાત થઈ. પણ ભાઈ કનુ દેસાઈએ દાંડીના યાત્રીનું ચિત્ર દોર્યું ત્યારે તેની પાસે તો જીવંત ચિત્ર હતું, તેને તેણે પીછીથી ઉતારીને ચિરંજીવ દૃશ્યચિત્ર કરી મૂક્યું. આ ચિત્રની કથા કોઈ ભૂલી જાય, અને મેઘાણીજીનું ‘છેલ્લો કટોરો’ નામનું બાપુને વિદાયનું કાવ્ય — જે એ ચિત્રની સાથે છપાયું છે તે — લઈને બેસે તો ક્ષણવાર કોકને પ્રશ્ન થાય કે આ ચિત્ર ઉપરથી કાવ્ય સ્ફૂર્યું હશે કે કાવ્ય ઉપરથી ચિત્ર સ્ફૂર્યું હશે! જો કે હકીકત તો એ છે કે કાવ્ય અને ચિત્ર બંનેના ઉત્પાદક
“ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ,
વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ.”
છે. મને લાગે છે કે ગાંધીજીની આ વિલાયતયાત્રા ભાઈ કનુ દેસાઈનું ચિત્ર વધારે સાર્થ કરે છે. એ ચિત્રમાં જે ગંભીર કરુણાની છાયા છે તે દાંડીયાત્રાના કરતાં વિલાયતયાત્રાને વધારે લાગુ પડે છે. પણ ચિત્ર જોઈને રીઝીએ, જોયા કરીએ, કંઈક અંદરના ભાવની કલ્પના કરીએ, પણ કાવ્યની લહેજત જુદી છે. મેઘાણીના કાવ્યને વાંચતાં તો જાણે મેઘાણીનો આત્મા ગાંધીજીના છેલ્લા પંદર દિવસનો સતત સાક્ષી રહ્યો હોય એમ પ્રતીત થાય છે. 11મી ઑગસ્ટે હૉટસન સાહેબનો કાગળ આવ્યો ત્યારથી માંડીને તે 27મીએ સિમલાથી નીકળ્યા ત્યાં સુધીનું દરેક પગલું જાણે મેઘાણીજીએ ક્યાંક છુપાઈને — પેલી આપણી પ્રાચીન વાર્તાઓનો અંધારપછેડો ઓઢીને — જોયા કીધું હોય એમ લાગે છે.
“અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું :
ધૂર્તો દગલબાજો થકી પડિયું પનારું :
શત્રુ તણે ખોળે ઢળી સુખથી સુનારું
આ આખરી ઓસીકડે શિર સોંપવું બાપુ!
કાપે ભલે ગર્દન : રિપુ-મન માપવું બાપુ!
જા બાપ! માતા આખલાને નાથવાને!
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને!
જા સાત સાગર પાર સેતુ બાંધવાને!
ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ,
વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ,
ચાલ્યો જજે! તુજ ભોમિયો ભગવાન છે બાપુ!
‘છેલ્લો કટોરો’ ઝેરનો પીવા જજે બાપુ!”
‘અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું’ વાળી કડીઓમાં સિમલામાં ગાંધીજીને મીઠો ઉપાલંભ આપતા જવાહરલાલની મૂર્તિ પ્રત્યક્ષ થાય છે, અને છેલ્લા પંદર દિવસના કડવા ઘૂંટડાનો કટોરો હજી પૂરો થયો નહીં હોય તેમ વિલાયત એ પૂરો કરવાનો માટે જતા હોય એ કવિની ભવ્ય કલ્પના હૃદયસોંસરી ચાલી જાય છે. પણ એ કટોરાનું ઝેર પીનારને થોડું જ ચડવાનું છે? પીનાર તો કલ્પનામાં ન આવી શકતી શંભુની લીલા જગત આગળ પ્રત્યક્ષ કરશે :
સુર-અસુરના આ નવયુગી ઉદૃધિ વલોણે
શી છે ગતાગમ રત્નના કામી જનોને?
તું વિના શંભુ! કોણ પીશે ઝેર દોણે?
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાવરે બાપુ!
ઓ સૌમ્ય-રૌદ્ર! કરાલ-કોમલ! જાવરે બાપુ!
‘સૌમ્ય-રૌદ્ર’, ‘કરાલ-કોમલ’ને તો ઘડીકમાં ખડખડાટ હસાવનારા અને ઘડી પછી બોરબોર જેવડાં આંસું પડાવનારા બાપુની સાથે ચોવીસે કલાક રહેનારા જેટલા જાણે તેટલા કોણ જાણે? પણ એ રહેનારા અકવિ હોઈ બાપુની મૂર્તિનું અમર-ચિત્ર નથી આપી શક્યા; જ્યારે બાપુની સાથે રહેવાનો લહાવો જેને નથી મળ્યો, પણ જેની અદ્ભુત કલ્પનાશક્તિ બાપુને રોમેરોમ ઓળખી ગઈ છે એવા કવિએ બાપુનું શાશ્વત ચિત્ર આલેખ્યું છે :
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાવરે બાપુ!
ઓ સૌમ્ય-રૌદ્ર! કરાલ-કોમલ! જાવરે બાપુ!
આ પછીના ભાગમાં કવિએ જાણે પં. જવાહરલાલ અને ખાન અબદુલ ગફારખાંની લાગણી વ્યક્ત કરી છે. અબદુલ ગફારખાંએ આવીને સરહદનો મામલો વર્ણવ્યો ત્યારે જવાહરલાલજી કહે : ‘ક્યા બાપુકે બિના યહ સબ હમ નહીં તય કર સકતે હૈં? તબ તો બડી કમજોરી કી બાત હોગી.’ ગફારખાં કહે : ‘આપ બહુત ખુશીસે જાઈએ — ઇતના કહને કે લિયે હિ મૈં આયા હૂં.’ મથુરાં સ્ટેશન ઉપર આવીને લોકો ફરિયાદો રજૂ કરવા લાગ્યા તો જવાહરલાલજી કહે : ‘અબ સમજો કે મહાત્માજી યહાં હૈ હિ નહીં. હમારે પાસ સબ શિકાયત લાઈએ.’ જાણે આ આખો સંવાદ સાંભળતા હોય તેમ કવિ કહે છે :
કહેશે જગત : જોગી તણા શું જોગ ખૂટ્યા?
દરિયા ગયા શોષાઈ? શું ઘન નીર ખૂટ્યાં?
શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં?
દેખી અમારાં દુ:ખ નવ અટકી જજો બાપુ!
સહિયું ઘણું, સહેશું વધુ : નવ થડકજો બાપુ!
ચાબૂક, જપ્તી, દંડ, ડંડા મારનાં,
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
થોડાઘણા છંટકાવ ગોળી બારનાં :
એ તો બધાંય ઝરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ!
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં બાપુ!
બાપુ નથી જાણતા શું? પોતે હૈયું વજ્ર સમું કરીને જાય છે — વિલાયત પહોંચે તે પહેલાં તો ચિટેગોંગની ખબર કટકે કટકે આવી રહી છે!!
ત્યાંથી કાંઈ લઈને આવવાનું છે? બાપુને આશા નથી, આશા નથી છતાંયે ઋણ ચુકવવા જાય છે “ધૂર્તો દગલબાજો થકી” પનારો પડ્યો છે એમ જાણીને જાય છે, હારમાંયે પ્રભુ છે, જીતમાંયે પ્રભુ છે એ જ્ઞાનથી જાય છે. સત્યમૂર્તિએ તાર કર્યો હતો : ‘જીતમાં તમે ગરવા છો, હારમાંયે તમે ગરવા છો. પ્રભુ તમને જીતાડે.’ આપણા કવિ એથી આગળ જાય છે અને કહે છે :
શું થયું, ત્યાંથી ઢીંગલું લાવો ન લાવો;
બોસા દઈશું, ભલે ખાલી હાથ આવો!
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ.
દુનિયા તણે મોંયે જરી જઈ આવજો બાપુ!
હમદર્દીના સંદેશડા દઈ આવજો બાપુ!
‘હમદર્દીના સંદેશડા’ ઠીક કહ્યા. મુંબઈનગરીના નાગરિકોની વદાય લેતાં ગાંધીજીએ કહ્યું : ‘મજૂર અને ખેડૂતની મહાસભા દરેક કોમની, દરેક ધર્મની, દરેક વર્ગની, ગરીબ, તવંગર, રાજા અને જમીનદાર અને વેપારીની પણ પ્રતિનિધિ થવા ઇચ્છે છે, ઝંખે છે. જે સંસ્થાનો મંત્ર સત્ય અને અહિંસાનો છે તે માનવજાતની પ્રતિનિધિ કેમ ન થઈ શકે? જેણે સત્ય અને અહિંસા આચરી છે તે માનવજાતનાં સુખદુ:ખ સમજી શકે, માનવજાતના ઘા રૂઝાવવાનો પ્રયત્ન કરી શકે.’ નીચેની ત્રણ લીટીમાં જગતના ડાહ્યાઓનાં કટાક્ષો અને મહેણાં રહ્યાં છે અને છેલ્લી બેમાં સત્ય અને અહિંસાની ઔષધિમાં દુનિયાનાં દર્દનો ઉપાય જોનારા બાપુનું ચિત્ર છે :
જગ મારશે મહેણાં : ન આવ્યો આત્મજ્ઞાની!
નાવ્યો ગુમાની પોલ પોતાની પિછાની!
જગ પ્રેમી જોયો! દાઝ દુનિયાની ન જાણી!
આઝાર માનવ-જાત આકુલ થઈ રહી બાપુ!
તારી તબીબી કાજ એ તલખી રહી બાપુ!
આપણેયે કવિની સાથે ગાઈએ :
છેલ્લો કટોરો ઝેરનો આ : પી જજો બાપુ!
સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો બાપુ
– મહાદેવ હરિભાઈ દેસાઈ
‘નવજીવન’ પુસ્તક 13, અંક-3માંથી
છેલ્લો કટોરો – સમગ્ર કાવ્ય
[ગોળમેજી પરિષદમાં જતી વેળા ગાંધીજીને]
છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ!
સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ!
અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું:
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું:
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું:
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ!
કાપે ભલે ગર્દન! રિપુ-મન માપવું, બાપુ!
સુર-અસુરના આ નવયુગી ઉદધિ-વલોણે,
શી છે ગતાગમ રત્નના કામી જનોને?
તું વિના, શંભુ! કોણ પીશે ઝેર દોણે!
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ!
ઓ સૌમ્ય-રૌદ્ર! કરાલ-કોમલ! જાઓ રે, બાપુ!
કહેશે જગત: જોગી તણા શું જોગ ખૂટ્યા?
દરિયા ગયા શોષાઈ? શું ઘન-નીર ખૂટ્યાં?
શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં?
દેખી અમારાં દુ:ખ નવ અટકી જજો, બાપુ!
સહિયું ઘણું, સહીશું વધુ: નવ થડકજો, બાપુ!
ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
થોડાઘણા છંટકાવ ગોળીબારના –
એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ!
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ!
શું થયું – ત્યાંથી ઢીંગલું લાવો–ન લાવો!
બોસા દઈશું – ભલે ખાલી હાથ આવો!
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ!
દુનિયા તણે મોંયે જરી જઈ આવજો, બાપુ!
હમદર્દીના સંદેશડા દઈ આવજો, બાપુ!
જગ મારશે મે’ણાં: ન આવ્યો આત્મજ્ઞાની!
ના’વ્યો ગુમાની – પોલ પોતાની પિછાની!
જગપ્રેમી જોયો! દાઝ દુનિયાની ન જાણી!
આજાર માનવ-જાત આકુલ થઈ રહી, બાપુ!
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ!
જા, બાપ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ!
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ!
ચાલ્યો જજે! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ!
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ!
– ઝવેરચંદ મેઘાણી
* 1931. ગાંધીજી ગોળમેજી પરિષદમાં જવા નીકળ્યા ત્યારે તેમને કરેલું સંબોધન. ‘સૌરાષ્ટ્ર’નો પહેલો ફરમો ગુરુવારે સાંજે ચડતો. એ ગુરુવાર હતો. ગીત છેલ્લા કલાકમાં જ રચાયું. ભાઈ અમૃતલાલ શેઠે ‘બંધુ’ ‘બંધુ’ શબ્દોને સ્થાને ‘બાપુ’ ‘બાપુ’ શબ્દો સૂચવ્યા. ગીત એમને બહુ જ ગમ્યું. ગાંધીજી શનિવારે તો ઊપડવાના હતા. અમૃતલાલભાઈએ આર્ટ-કાર્ડ બોર્ડ પર એની જુદી જ પ્રતો કઢાવી તે જ સાંજે મુંબઈ રવાના કરી – સ્ટીમર પર ગાંધીજીને પહોંચતી કરવા માટે. બંદર પર આ વહેંચાયું ત્યારે રમૂજી ઇતિહાસ બની ગયો. કેટલાંક પારસી બહેનોને ઝેર, કટોરો વગેરેનાં રૂપકો પરથી લાગ્યું કે ગાંધીજીને માટે ઘસાતું કહેવાતું આ ક્રૂર કટાક્ષ-ગીત છે. એમનાં હૃદયો દુભાયાં. તરત જ એક ગુજરાતી સ્નેહી બહેને કાવ્યનો સાચો ભાવ સ્પષ્ટ કર્યો ત્યારે પેલાં બહેનોનાં હૃદય આનંદિત બની ઊઠ્યાં.
જો તમને આ પોસ્ટ ગમી હોય તો ‘આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે: www.e-shabda.com/blog
[Dariya Uparthi – Chhello Katoro by Mahadev Desai, Article from Navajivan, e-shabda blog posted on 13th February 2015]
Leave a Reply