પોણી સદી પહેલાંની દુર્લભ છબિઓ અને માહિતીથી સમૃદ્ધ નવું રમણીય પુસ્તક ‘સાગર મુવીટોન’, સિનેમા વિષય પરનાં ગુજરાતી પુસ્તકોમાં અજોડ કહી શકાય તેવું છે. આ દળદાર ગ્રંથમાં સાગર મુવીટોન નામની ફિલ્મ કંપનીનો ઇતિહાસ લેખક-સંપાદક બિરેન કોઠારીએ આલેખ્યો છે. કંપનીએ ૧૯૩૧થી લઈને ચડતી-પડતી સત્તરેક વર્ષમાં, પહેલી ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ સહિત છ ભાષામાં સિત્તેરથી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.
સિનેસંસ્થાની કથા ઉપરાંત બિરેને તેના સ્થાપક ઉદ્યોગસાહસિક ચીમનલાલ દેસાઈ (૧૮૮૭–૧૯૭૨)ના જીવનની અને તેમના અત્યાર સુધીના પરિવારની કથા આપી છે. આઝાદી સુધીના ભારતીય સિનેમાનો ઇતિહાસ પણ પુસ્તકમાં પ્રેકાર છે. આ બધું લેખકે પરિપ્રેક્ષ અને પદ્ધતિ, સંશોધન અને સમગ્રદૃષ્ટિ, વ્યાસંગ અને વિવેક, ચોકસાઈ અને ચુસ્તી સાથે, ઇતિહાસ અને અસ્મિતાના અભિનિવેશ વિના કર્યું છે. અભ્યાસી અને પુસ્તકપ્રેમી બંનેને લોભાવે તેવું ત્રણસો પાનાંનું, ચોરસ પાટનું આ પુસ્તક, પ્રકાશનવ્યવસાયમાં નવો ચીલો પાડવા મથનાર ‘સાર્થક પ્રકાશને’ ગુજરાતી અને અંગ્રેજીમાં બહાર પાડ્યું છે. તેની સાથે સાગરની ફિલ્મોનાં પંચોતેર અમૂલ્ય અને અલભ્ય ગીતોની કોમ્પેક્ટ ડિસ્ક પણ છે.
ચાર ખંડો હેઠળનાં સોળ પ્રકરણોનાં નામ સૂચક છે. ‘સાગર’ના ગર્જનનો આરંભ, ‘સાગર’ની ભરતી, ‘સાગર’નાં ઓટ અને વિલય, ‘સાગર’નાં રત્નો જેવાં પ્રકરણોમાં સંસ્થાનો આલેખ છે. આ પુસ્તકની સ્થાપનામાં જ ઇતિહાસ અને જીવનચરિત્ર સમાંતર છે, એટલે ‘કુળગંગા’ પ્રકરણ ચીમનલાલના જન્મસ્થળ આખોદ ગામનાં બ્રહ્મક્ષત્રિય ખૂબ વિશે છે. ‘ઝરણાં જેવી જીવનસફર’માં ગોધરા, કપડવંજ, અમદાવાદ, ઝરિયા, ભરૂચ, ચેન્નાઈ અને બેંગ્લોરમાં તેમના વાસ્તવ્યની તેમ જ કોલસા, કાપડ, છાપખાના જેવા વિવિધ વ્યવસાયોના અનુભવની માહિતી છે. ચીમનલાલના વ્યક્તિત્વ અને પ્રદાનની સમકાલીન કલાકારો, પત્રકારો અને સ્નેહીઓએ કરેલી કદર ‘સાગરકિનારે’ પ્રકરણમાં છે.
સિનેમાના ઇતિહાસના અભ્યાસી લેખક આદ્ય ગણાતા લ્યુમિયર બ્રધર્સના ચલચિત્રોના તબક્કા સુધી પહોંચી જાય છે. ભારતની મૂંગી અને બોલતી ફિલ્મોની વિકાસરેખા પણ અહીં છે. સાગરની તમામ ફિલ્મોની તવારીખ તો રંગબિરંગી રીતે લેખક મૂકે જ છે. સાથે તેની સમકાલીન જાણીતી કંપનીઓની ફિલ્મોની સાલવાર સંખ્યાનું કોષ્ટક પણ આપે છે.
લેખકનો અભિગમ એકાંગી નથી એટલે ‘સાગર’ના સમયનાં દેશ અને દુનિયાના બનાવો તે સહજ રીતે ગુંથી લે છે. તેમાં વિશ્વયુદ્ધ, ગાંધીનું ગૃહાગમન, ઔદ્યોગિક ક્રાન્તિ, વોર્નર બ્રધર્સનો આરંભ, ક્રાન્તિકારી ત્રિપુટીની શહાદત જેવા પણ સંદર્ભો આવે છે. કેટલીય રસપ્રદ હકીકતો મળે છે. જેમ કે, ભક્ત વિદૂરનું પાત્ર ખાદીધારી બતાવવાને કારણે ફિલ્મ પર આવેલો પ્રતિબંધ, ‘ઔરત’ ફિલ્મ પરની સોળ પાનાંની વિશેષ પૂર્તી અને જનાના શો, માસ્ટર વિઠ્ઠલનું હરિફ કંપની દ્વારા અપહરણ. લેખકના નોંધપાત્ર નિરીક્ષણોમાંથી એક છે : ‘સિનેમાની પ્રગતિ અને સ્વાતંત્ર્યસંગ્રામ રેલવેના પાટાની જેમ સમાંતરે છતાં એકબીજા સાથે કશી લેવાદેવા વિના આગળ વધતાં જતાં હતાં.’
સાગર વિશેનાં પ્રકરણોનાં દોઢસો પાનાંમાં બિરેને કમાલ કરી છે. કંપનીની તમામ મહત્ત્વની નાઇટ્રેટયુક્ત ફિલ્મો નષ્ટ થઈ ચૂકી છે. કંપનીની બધી માહિતી ભરેલાં બે પટારા પરિવારજનોને મળ્યા નથી. એ સંજોગોમાં કંપની વિશેની આર્કાઈવલ સામગ્રીની દેશભરમાં કરેલી અથાક શોધખોળનું બધાને અને અઢળક માહિતી આપને પમાડે તેવાં છે. તેમાં ફિલ્મોનાં વસ્તુ, હીરો હીરોઇન સહિતની નટમંડળી, લેખક, સાહિત્યકૃતિઓ, દિગ્દર્શક, નિર્માણ પ્રક્રિયા અને પ્રેક્ષકોના પ્રતિભાવ ઉપરાંત કંપનીના ઘરેલુ માહોલ અને યાદગાર પ્રસંગો વિશે વાંચવા મળે છે. કલાકાર-કસબીઓ અને કંપનીઓનાં વ્યવહાર-કરાર, અટપટાં જોડાણ-બંગાણ વિશેની મળતાં મળે એવી દસ્તાવેજી માહિતી પુસ્તકની મિરાત છે.
સાગર સિનેમાઉદ્યોગના એક તાલીમકેન્દ્ર જેવી કંપની હતી. તેમાં પરખાઈને તૈયાર થયેલાં પચીસ કલાકાર-કસબીઓનાં શબ્દચિત્રો ‘સાગરનાં રત્નો’માં છે. ચીમનલાલના એક પુત્ર વીરેન્દ્રના નલિની જમવંત સાથેની લગ્નોત્તર પ્રણયકથા અને સાગર સ્ટુડિયોના સ્થળ વિશેનાં પ્રકરણ છે. બે વિશિષ્ટ પરિશિષ્ટો છે : ‘સાગર’ અને તેના કલાકારો : ‘અવળચંડી આંખે’ અને ‘સાગરની ફિલ્મો અવલોકનકારોની આંખે’, ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સમાં ઇજનેર તરીકેની સલામત નોકરી વીસેક વર્ષ કર્યા પછી દિલની હાકને સાંભળીને 2007થી પૂરા સમયના લેખક બનવાની હામ ભીડનાર બિરેને સમકાલીન ઐતિહાસિક ચરિત્રલેખનમાં રિસર્ચ સેન્ટર તરીકે છ પુસ્તકોનું બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. તેમનાં કામમાં છે તેવી ગુણવત્તા, સંશોધનપૂર્ણ ગહનતા, રજૂઆતની આકર્ષક સરળતા અને દાવપેચ વિનાની વ્યવસાયકુશળતા આપણે ત્યાં ઓછી જોવા મળે છે.
પુસ્તકમાં સફાઈદાર રીતે રિપ્રોડ્યૂસ થયેલી અદ્ભુત દૃશ્યસામગ્રી એક અલગ સિદ્ધિ છે. પુસ્તકનિર્માણના કીમિયાગર અપૂર્વ આશરનો મોટો ફાળો છે. પુસ્તકની ભાષા બહુ વાચનીય છે અને નિર્માણ લગભગ ભૂલ વગરનું છે. વિષય માટેની ઉત્કટતા ઉપરાંત સમગ્રતા અને પૂર્ણતાના આગ્રહ વિના આવાં કામ થતાં હોતાં નથી. ભારતીય સિનેસૃષ્ટિ આવતા મહિને તેની નવી સદીના બીજા વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે, તેના આરંભકાળની ‘સાગર મુવીટોન’ ફિલ્મ કંપની પરનાં એક મ્યુઝિયમ, એક કૌતુકાલ્પ સમા આ પુસ્તકનું વિશેષ મહત્ત્વ છે.
જો તમને આ પોસ્ટ ગમી હોય તો ‘આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે:www.e-shabda.com/blog
[Sagar Movietone-Pustakroop Kautuk by Sanjay Shripad Bhave, Article from Kadar ane Kitab of Navgujarat Samay, e-shabda blog posted on 13th January 2015]
Leave a Reply