હું કોઈ મિત્રને દુષ્યન્ત કુમાર વિશે કહી રહ્યો હોઉં એ રીતે લખાયેલું આ લખાણ છે. આ ફક્ત પરિચય-રસાસ્વાદ નથી, બલ્કે કવિના ઉત્તમ સર્જનને ઊજવતો એક ઉત્સવ છે.
દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિની ક્લાસિક કૉલમમાં દુષ્યન્ત કુમાર વિશે થોડું લખેલું, ઉતાવળે લખેલું. એની સરખામણીમાં અહીં ઝાઝું લખ્યું છે, નિરાંતે લખ્યું છે.
આ પુસ્તક એક ભલામણ-ચિઠ્ઠી પણ છે, જેમાં વિનંતી છે કે શાયરનો ગઝલસંગ્રહ સાયે મેં ધૂપ ખાસ વાંચો. પ્રાપ્તિસ્થાન: રાધાકૃષ્ણ પ્રકાશન, જી-17, જગતપુરી, દિલ્હી-15.
આશા છે કે આ પુસ્તક તમારા જીવનમાં દુષ્યન્ત નામના એક નવા સ્વજનનો ઉમેરો કરશે. આ સ્વજન મન-દિલ-દેશ-દુનિયા સમજવામાં ઉપયોગી છે એવો મારો અનુભવ છે.
દુષ્યન્તના શેર આસાનીથી યાદ રહી જાય એવા છે. બોલીને વાંચશો તો જલદી યાદ રહેશે. કેટલાક શેર ફરી ફરી લખવા પાછળની ગણતરી પણ આ જ છે: તમારા મનમાં એ કોતરાય! આ બધા શેર તમારી અભિવ્યક્તિને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવામાં મદદરૂપ બને એવી શુભેચ્છા!
દીપક સોલિયા
ટ્રેન જેવી છોકરી, પુલ જેવો છોકરો
ટ્રેન પસાર થાય ત્યારે જેમ પુલ ધ્રૂજે એમ બાજુમાંથી ગમતી છોકરી પસાર થાય ત્યારે છોકરો સહેજ ધ્રૂજે… આવો અનુભવ જેને ન થયો હોય એની જુવાનીને જુવાની કહેવાય?
કરો વાત. તું ટ્રેનની જેમ પસાર થાય છે ને હું પુલની જેમ ધ્રૂજી ઊઠું છું.
અહીં `પૈસા’ સાદગીના છે. ઉપમા સાદી છતાં સચોટ છે. આ શેર વાંચીને મોટા ભાગના પુરુષોને પોતાનો આવો એકાદ અનુભવ, આવી અનુભૂતિ યાદ આવે જ, સિવાય કે એનું નસીબ બળેલા પાપડ જેવું કાળું અને ખરબચડું હોય. ભગવાન એને પ્રેમમાં પાડે!
શેર છે હાઇલી રોમૅન્ટિક, પણ ઉપમા એકદમ ડાઉન ટુ અર્થ છે, દુન્યવી છે. ટ્રેન અને પુલ ઇજનેરી બાબતો છે, પણ રોમાંચ અને કંપન હૃદયના જ્યુરિસડિક્શન (કાર્યક્ષેત્ર)માં આવે. કવિની કમાલ એ છે કે એ ટ્રેન અને પુલ વડે દિલ અને કંપન વ્યક્ત કરે છે.
ટ્રેન જેવી યુવતી બાજુમાંથી પસાર થાય ત્યારે પુલ જેવો અડીખમ પુરુષ ધ્રૂજી ઊઠે, પરંતુ પછી પેલી સામે જુએ ત્યારે શું થાય? તમને શું થયેલું? આપણા કવિસાહેબ પોતાનો અનુભવ જણાવે છેઃ
એક જંગલ હૈ તેરી આંખો મેં, મૈં જહાં રાહ ભૂલ જાતા હૂં.
પ્રેમિકાની આંખો અગાધ અને અડાબીડ છે એવી કાવ્યાત્મક વાત કહેવાની કવિની રીત એવી છે જાણે સાદું વાક્ય બોલી રહ્યા હોયઃ તારી આંખમાં એક એવું જંગલ છે, જ્યાં હું રસ્તો ભૂલી જાઉં છું. કાશ, મેરે પાસ ગૂગલ મેપ હોતા…
એવું લાગે કે આ શેર લખનાર માણસ એક નંબરનો રોમૅન્ટિક હશે. પણ ના, સાવ એવું નથી. ટ્રેન-પુલ અને જંગલ-ગુમરાહ જેવી રોમૅન્ટિક વાતો લખ્યા બાદ તરત, કવિની ગઝલમાં બે આકરા શેર ધડાધડ ફૂટે છેઃ
હર તરફ એતરાઝ હોતા હૈ, મૈં અગર રોશની મેં આતા હૂં.
એક બાજૂ ઉખડ ગયા જબ સે, ઔર ઝયાદા વજન ઉઠાતા હૂં.
આ કવિ ઘડીકમાં અતિ રોમૅન્ટિક તો ઘડીકમાં અતિ તેજાબી પંક્તિઓ પણ લખી શકે છે. આ માણસ આયોજનપૂર્વક માપીતોળીને લખનારો નથી. જે મનમાં આવ્યું, એ લખ્યું. એકદમ સાચકલો કવિ. એની સાચકલાઈની સાબિતી ગઝલના પહેલા જ શેરમાંથી મળી રહે છેઃ
મૈં જિસે ઓઢતા-બિછાતા હૂં, વો ગઝલ આપકો સુનાતા હૂં.
પોતે જેને ઓઢે છે, પાથરે છે એ ગઝલવિશ્વમાં રમમાણ રહેનારા આ ગઝલકારનું નામ છે દુષ્યન્ત કુમાર. અટક છે ત્યાગી. જન્મ, 1933માં, ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાં. અલાહાબાદમાં એમ. એ. વિથ હિન્દીની ડિગ્રી મેળવી. ગઝલો ઉપરાંત નાટકો-વાર્તા લખ્યાં. સાહિત્યજગતમાં એ સક્રિય રહ્યા. આકાશવાણીમાં અને મધ્ય પ્રદેશના રાજભાષા વિભાગમાં કામ કર્યું. અને ફક્ત 42ની ઉંમરે મૃત્યુ પામ્યા. ટૂંકી જિંદગીમાં સીધીસાદી હિન્દી-ઉર્દૂ ભાષામાં લખેલી સરળ છતાં ચોટદાર ગઝલો દ્વારા એમણે એવું માતબર ખેડાણ કર્યું કે ગઝલના ખેતરમાં એમણે પાડેલા ચાસ આજે પણ તરોતાજા લાગે છે.
ઉર્દૂ-હિન્દી ઉપરાંત દુષ્યન્તે જે બીજો એક સુંદર સંગમ રચ્યો છે એ છે આધુનિક અવાજ અને પરંપરાગત ગઝલનો સંગમ. દુષ્યન્તની ગઝલો આધુનિક છે. એમાં સિત્તેરના દાયકાના ત્રાસેલા, ઉશ્કેરાયેલા મનુષ્યનો અવાજ વ્યક્ત થયો છે. એ અમિતાભ-યુગનો, ઍંગ્રી યંગ મૅનનો અવાજ છે. જે રીતે ફિલ્મોમાં અમિતાભ ઊભર્યા એ જ રીતે ગઝલમાં દુષ્યન્ત ઊભર્યા. દુષ્યન્તનો કાવ્યસંગ્રહ સાયે મેં ધૂપ આવ્યો 1975માં. આ ગઝલોમાં આક્રોશ છે, પરિવર્તનનો તલસાટ છે, પણ એ બધું વ્યક્ત થયું છે ગઝલ જેવી પરંપરાગત કાવ્યકળા દ્વારા.
ગઝલ તો મિયાં ગાલિબ પણ લખતા. ગાલિબ થઈ ગયા 1797–1869 દરમિયાન અને દુષ્યન્ત જીવ્યા 1933–1975 દરમિયાન. બેયના જન્મ વચ્ચે 136 વર્ષનું અંતર. છતાં દુષ્યન્ત અને ગાલિબ વચ્ચે ઝાઝું અંતર નથી. બન્નેએ ગઝલના માધ્યમ દ્વારા માનવજીવનની અને માનવસમાજની સંવેદનાઓ સાદી અને સચોટ રીતે વ્યક્ત કરી. દુષ્યન્તે લખેલું: `હું સ્વીકારું છું કે હું ગાલિબ નથી. પણ હું એ માનવા તૈયાર નથી કે મારી તકલીફો ગાલિબથી ઓછી છે કે મેં વેદનાઓને ગાલિબ કરતાં ઓછી તીવ્રતાથી અનુભવી છે…’ ધર્મવીર ભારતીએ દુષ્યન્તની ગઝલ વિશે લખેલું: `આ એક એવા મનુષ્યની પીડાનો પ્રામાણિક અવાજ છે જે પોતાના આ દેશને, પોતાની આ દુનિયાને બેહદ પ્રેમ કરતો રહ્યો છે.’
*
1975ની 29 ડિસેમ્બરની રાત્રે ભોપાલ આકાશવાણીના સ્ટેશન ડાયરેક્ટ શુંગલૂને ત્યાં ડ્રિંક્સ-ડિનર પતાવીને સાડા અગિયારે ઘરે આવ્યા ત્યારે માથું સહેજ દુખી રહ્યું હતું, એટલામાં એક રિક્ષાવાળો મળવા આવ્યો. એ કહે, પોલીસ બહુ હેરાન કરે છે, તમારે આવવું પડશે. શાંતિથી રિક્ષાવાળાનો પ્રૉબ્લેમ જાણ્યા પછી પત્ની રાજેશ્વરીને કહ્યું, `મારા ગયા વિના કામ નહીં થાય.’ અડધી રાત્રે એક રિક્ષાવાળા ખાતર બહાર ગયા. પછી એક વાગ્યે પાછા આવ્યા ત્યારે છાતીમાં હાર્ટઍટેકનો તીવ્ર દુખાવો શરૂ થઈ ચૂક્યો હતો. દોઢ-બે કલાકમાં એ મૃત્યુ પામ્યા ત્યારે એમની ઉંમર હતી, 42 વર્ષ અને ત્રણ મહિના.
*
પુસ્તકમાં જેના વિશે થોડી વાતો કરી છે એવા કેટલાક શેર…
Deepakbhai, it was a nice experience to read abt dushyantji in ur wonderful writings, he is my favorite too, as u mentioned rightly he had variety of couplets( with different feelings) in his ghazals, but anyways that’s the basic form of a ghzal & its beauty too.waiting for more “Rasaswad” from you soon.happy deepavali.
Deepakbhai, it was a nice experience to read abt dushyantji in ur wonderful writings, he is my favorite too, as u mentioned rightly he had variety of couplets( with different feelings) in his ghazals, but anyways that’s the basic form of a ghzal & its beauty too.waiting for more “Rasaswad” from you soon.happy deepavali.
super duper muktak ane shayari