ઈ. સ. 2001માં યોજાયેલા કુંભમેળાની એક દસ્તાવેજી ફિલ્મ નૅશનલ જિયૉગ્રાફિક ચૅનલ પર વારંવાર જોયેલી. એ કુંભને `ક્લિક’ કરવાનું કામ નેશનલ જિયૉગ્રાફિક ચૅનલે ભારતના ટોચના ફોટોગ્રાફર રઘુરાયને સોંપેલું. રઘુરાયે આખો કુંભમેળો કેવી રીતે `ક્લિક’ કર્યો ને બાવાઓની ફોટોગ્રાફી કરતી વખતે કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો તે તમામ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું. ત્યારથી જ મનમાં એક સળવળાટ હતો. આમેય સાધુ-બાવાઓ ફોટોગ્રાફરો ને પેઇન્ટરો માટે અતિ પ્રિય એવો વિષય રહ્યા છે.
આ વખતનો અલાહાબાદ અર્ધકુંભ (જાન્યુ. 2007) મારા માટે જાણે સામે ચાલીને આવીને ઊભો હતો. સાધુ-બાવાઓની આસપાસ ગૂંથાયેલા જીવનચક્રને `ક્લિક’ કરવાની મારી ઇચ્છા સંતોષાય એવી સ્થિતિ કુદરતે ઊભી કરી આપેલી. ગંગા નદીના કિનારે વસેલું દુનિયાનું સૌથી જૂનું શહેર બનારસ આમેય છેલ્લાં પાંચેક વર્ષથી મારી કર્મભૂમિ હતું ને બનારસથી અલાહાબાદ કે જ્યાં અર્ધકુંભ ભરાયેલો તે બે શહેરો વચ્ચેનું અંતર ખાસ ન હતું… વળી, બંને ગંગાના પવિત્ર ઘાટ ઉપરનાં મશહૂર શહેરો. અર્ધકુંભ જાન્યુ. 2007ની શરૂઆતમાં શરૂ થઈ ચૂકેલો. સાધુ-બાવાઓના ડેરા-તંબૂ, તેમના જુદા જુદા અખાડાઓનાં બૅનરો, લાખો લોકોની ભીડભાડ, શાહી સ્નાન માટેના દિવસો, તેનો સમય વગેરે બધું જ છાપાંઓ ને ન્યૂઝચૅનલો ઉપર હૉટ ન્યૂઝ તરીકે છવાયેલું હતું.
અમદાવાદથી ભારે મનોમંથન કર્યા બાદ દૃઢ સંકલ્પ કરીને જાન્યુઆરીની શરૂમાં બનારસ પહોંચ્યો. કડકડતી ઠંડીના દિવસો હતા. બસસ્ટૅન્ડ ઉપર `ખાસ અર્ધકુંભ માટે’ એવાં પાટિયાં મારેલી બસોની કતારો બનારસની સાંકડી સડકો ઉપર ઊભેલી જોવા મળતી. ઘેટા-બકરાંની જેમ શ્રદ્ધાળુઓ ભરાય ને બસ અલાહાબાદ ભણી રવાના થાય. બે-ત્રણ દિવસ બનારસમાં `ક્લિક’ કરતાં કરતાં આ દૃશ્યો જોયાં બાદ અચાનક જ એક દિવસે સવારે અલાહાબાદ જતી બસમાં બેસવાનું નક્કી કરી લીધું. સવારે 7-00 વાગ્યાની બસમાં બનારસથી બેઠો… લગભગ 9-00 વાગ્યે કુંભ નગરી અલાહાબાદ આવી પહોંચ્યું… બસમાં સતત બે કલાક બાવાઓની ફોટોગ્રાફી કેવી રીતે કરવી, કેવી રીતે એમના સુધી પહોંચવું વગેરે ગડમથલો ચાલ્યા કરેલી… કસોટીના સમયે હંમેશાં મગજમાં negative thoughtsનો મારો ચાલતો હોય છે. બિલકુલ એવી સ્થિતિમાંથી હું પસાર થઈ રહ્યો હતો. બસમાંથી ઊતરતાં જ દૂર-દૂર દેખાતાં તંબૂઓ ધુમ્મસ ઓઢીને ઊભા હતા. હજારોની સંખ્યામાં લોકોની અવરજવર તથા હર-હર મહાદેવનો સાદ સંભળાતો હતો… ઠંડીનો પારો ખાસ્સો નીચે હતો… તેમ છતાંય દૂરથી ગંગામાં ડૂબકી મારતા શ્રદ્ધાળુઓ ધૂંધળા દેખાતા હતા… હાથમાં કૅમેરાની બૅગ લઈને હું ધીરે-ધીરે કુંભના સ્થળ તરફ આગળ વધતો હતો… કોઈ મોટા કૅન્વાસ ઉપર જાણે હું કોઈ જૂના પેઇન્ટરનું લાઇફસાઇઝનું પેઇન્ટિંગ જોતો હોઉં એવી લાગણી અનુભવી રહ્યો હતો. સવારનું વર્ણન શક્ય છે, પણ કુંભના મેળાની સવારનું વર્ણન શક્ય નથી… કુંભની સવાર એ નિજાનંદનો એક ભાગ છે.
લગભગ ત્રણેક કિમી ચાલ્યા બાદ કૅમેરાને બૅગમાંથી કાઢયો… આંખો સાધુઓને જોવા ને `ક્લિક’ કરવા તરસી રહી હતી. છૂટા-છવાયા બે-ત્રણ નાગા સાધુઓને કિનારા તરફ જતા જોઈ આજુબાજુમાં જ ડેરા-તંબૂ હોવાનું અનુમાન બાંધી લીધું. અચાનક જ એક તંબૂમાંથી એક જટાધારી નાગા બાવાએ પાછળથી મારો ખભો પકડયો. `કહાં સે આયા હે બચ્ચા?’ મેં સહેજ ખચકાટથી કહ્યું: `ગુજરાત સે’. એ હસ્યો. જટા સરખી કરતા બોલ્યો `ફોટો ખીંચો… તેરી તકદીર તુઝે યહાં ખીંચ લાયી હૈ…’ અચાનક ઠંડો પવન ફૂંકાયો, ધૂળની ડમરીઓ ઊડી. આજુબાજુ ચાલતા સહુ પ્રવાસીઓ નીચે ઝૂકીને બેસી ગયા. હું પણ કૅમેરાને ને જાતને બચાવવા ઘૂંટણિયે ટૂંટિયું વાળીને બેસી ગયો. બે મિનિટ બાદ પવન શમી ગયો ને સહુ ઊભા થયા… હું ઊભો થઈને પેલા સાધુને શોધવા લાગ્યો… આજુબાજુના બધા ટૅન્ટમાં નજર કરી… કોઈ જોવા ન મળ્યું. ચાર દિવસ અલાહાબાદ રહ્યો… રોજ ત્યાં આવતો પણ એ સાધુનાં દર્શન ન જ થયાં… એણે બોલેલું એ વાક્ય મારા મગજમાં વારંવાર અફળાયા કરતું હતું. એક સારો સંકેત માનીને મેં `ક્લિક’ કરવાનું શરૂ કરી દીધું… લગભગ બપોર સુધીમાં નાગા સાધુઓના ઘણા કૅમ્પમાં ફર્યો નમસ્કાર કરીને આશીર્વાદ લીધા… કેટલાક સાધુઓના કૅમ્પમાં ચા પીવાનોય આનંદ લીધો… ઘણા પરદેશી ફોટોગ્રાફરો તથા પર્યટકો અહીંયાં આંટાફેરા કરતા હતા… અલાહાબાદમાં ટૅન્ટની સંખ્યા ઘણી વધારે હતી… વળી, ખૂબ નજીક-નજીક સાધુઓના ડેરા હતા… ફોટોગ્રાફ લેવા માટે જે પૂરતી લાઇટ જોઈએ તે માત્ર બપોરના સમયે જ મળે તેમ હતું… સવારના સમયે ભારે ધુમ્મસ હોઈ માત્ર નદીકિનારા પાસે જ ફોટોગ્રાફી કરવી શક્ય હતી. લગભગ સાંજ સુધી આ બધા અભ્યાસ બાદ નિરાશ થઈને એક સાધુના કૅમ્પમાં બેઠો. હિમાલયથી આવેલા આ સાધુનો કૅમ્પ પ્રમાણમાં ચોખ્ખો હતો. `ક્યૂં ઉદાસ હૈ બચ્ચા?’ સાવ બુઢ્ઢા સાધુએ પ્રશ્ન કર્યો… મેં કહ્યું `બડી ઉમ્મીદ સે યહાં આયા થા આપ લોગોં કી જિન્દગી કો કૅમેરે મેં કૈદ કરને… પર શાયદ કિસ્મત મેરે સાથ નહીં…’ એ હસ્યા… એમણે મારા કપાળ પર હાથ ફેરવ્યો ને કહ્યું, ઠંડ હૈ, ચાય પીઓગે?’ મેં હા કહી… એમનો એક શિષ્ય આ સંવાદ સાંભળી રહ્યો હતો. તેણે તરત જ ચા મૂકવાની શરૂ કરી… બુઢ્ઢા સાધુએ કહ્યું, `બચ્ચા, ઉમ્મીદ લે કે આયે હો ન, ઇસલિયે ઉદાસ હો… ઈશ્વર ઔર સાધુ કે પાસ કભી ભી ઉમ્મીદ લે કે મત જાયા કરો… ઐસે હી નિકલ પડો, ફિર દેખો વો તુમ મેં ખુશી હી ખુશી ભર દેગા. ઔર ઉસ દિન તુમ ઐસે કુહાસે મેં (ધુમ્મસમાં) ભી સૂરજ દેખ પાઓગે…’ આ સાધુના અવાજમાં ગજબ મૃદુતા હતી. એમના વિચારને મગજમાં ઉતારવાની કોશિશ કરતાં કરતાં મેં ચા પીધી. એમણે કહ્યું `યહાં સો જાઓ, સબ જગહ ઐસા હૈ, ગંગાજી હૈ, ઔર આકાશ મેં સે ઈશ્વર સબકો દેખ રહા હૈ… તુમને કભી ઈશ્વર કો દેખા હૈ અપને ઘર મેં સે?’ હું ચમકયો… મેં કહ્યું `ના’. `દેખ ભી કૈસે સકતે હો. તુમ તો છત કો દેખતે હો. તુમ અગર સોચતે હો તો વિચાર ભી છત કો ટકરા કે વાપસ આતે હૈ. હમારા દેખો. ઈશ્વર ઔર હમારે બીચ કોઈ નહીં. વો હમેં આકાશ મેં સે દેખતા હૈ ઔર હમ ઉન્હેં ધરતીપે સે…’ આજુબાજુ બેઠેલા ગુરુના ત્રણ-ચાર ચેલા હસ્યા… `દેખો બચ્ચા અબ સો જાઓ. દુનિયા મેં કોઈ કૅમેરા નાગા બાવા કે અંદર છીપી ભક્તિ ઔર શક્તિ કા ફોટો નહીં લે પાયા હૈ ઔર ના હી લે પાયેગા. કોશિશ ભી મત કરના વર્ના યે ગંગાજી દેખ રહે હો ન ઉસમેં લાશ બનકે તૈરતે દિખોગે.’ એમના મૃદુ અવાજે અચાનક જ રૂખ બદલતાં હું સહેજ ખળભળી ગયો. એ પામી ગયા ને બોલ્યા. `સો જા બચ્ચા. કુછ નહીં હોગા…’ સળગતા તાપણાની રાખ એમણે શરીરે ચોપડી ને લંબાવી દીધું શરીરને… મેંય કૅમેરા બૅગ નીચે મૂકીને રાત્રે ત્યાં જ લંબાવ્યું. પડખાં ફેરવ્યાં… ઠંડીનો ચમકારો તીવ્ર થતો જતો હતો… રાત્રે એક શિષ્યે આવીને મારા પર ધાબળાનો ઘા કર્યો… મેં ચૂપચાપ ઓઢી લીધો. પરોઢિયે પાંચેક વાગ્યે ફરી કોલાહલો શરૂ થયા… `ૐ નમઃ શિવાય’ ને `હર-હર મહાદેવ’ના નાદ શરૂ થયા. હું બ્રશ કરીને કૅમ્પમાં આવું ત્યાં તો ગુરુજીના એક શિષ્યે ચા તૈયાર રાખેલી. ગુરુજી કામળો ઓઢીને બેઠેલા. ચલમનો કશ માર્યો. એક શિષ્યે કહ્યું. `યે હિમગિરિસ્વામી હૈ’. મેં ફરીથી તેમને નમસ્કાર કર્યો. એમણે ચલમનો દમ ખેંચતાં-ખેંચતાં જ રાખનું તિલક કર્યું. મેં આભાર માન્યો ને રજા માગી. એ જોઈ રહ્યા. મેં હવનકુંડ પાસે પડેલા શંકર ભગવાનના ફોટા ને ત્રિશૂલ પાસે 100 રૂપિયાની નોટ મૂકીને કુંડનેય નમસ્કાર કર્યા. હિમગિરિસ્વામીએ નોટ સામે જોયું સુધ્ધાં નહીં. હું એક જ ધડાકે ટૅન્ટની બહાર નીકળી ગયો. એક જ રાતમાં અસંખ્ય વિચારો મને ઘેરી વળ્યા હતા. હિમગિરિસ્વામીનો જાણે હું શિષ્ય બની ગયો હોઉં એવી લાગણી હૃદયમાં આકાર લઈ રહી હતી. ઇમોશન ને ફિલિંગ્સ બંનેને કાબૂમાં રાખવાનો મેં પહેલેથી જ નિર્ધાર કરેલો. આધ્યાત્મિક વાતો-વિચારોથી શરૂઆતથી જ મને ખેંચાણ હોવાથી હું ફોટોગ્રાફી કરવાનું મૂકી દઈને થોડો સમય સાધુ-સંત વાણીમાં ક્યાંક તણાઈ જઈશ એવો મને ઊંડે-ઊંડે ડર હતો…
બીજો દિવસ પણ છૂટાછવાયા કૅમ્પમાં ફરતાં-ફરતાં વિતાવ્યો. બીજા દિવસે બપોર પછી ડિપ્રેશન જેવો સમય શરૂ થયો. ઘણા સાધુઓ કૅમેરા જોઈને ગાળાગાળી કરતા તો ઘણા રિસ્પૉન્સ આપતા. મેં એ રાત્રે જ બનારસ પાછા ફરવાનો નિર્ણય લીધો. બનારસમાં આવેલું કાશી વિશ્વનાથનું મંદિર એ સૌથી પવિત્ર ને જૂનું મંદિર ગણાય છે. આ મંદિરનાં દર્શને કદાચ કુંભ પત્યા પછી આમાંના કેટલાક બાવાઓ તો આવશે જ એવો એક વિચાર અચાનક જ મગજમાં આવ્યો… ભગવાન શંકરના તાંડવનું રિ-મિક્સ મારા મગજને બહેરું બનાવવાની મથામણમાં લાગ્યું હતું. સાંજના લગભગ 7-00 થવા આવ્યા હશે… હું ત્રણેક કિમી ચાલીને પાછો બસસ્ટૅન્ડ નજીક પહોંચ્યો… ત્યાં ચાર નાગા સાધુઓ ઊભા હતા… તેમણે ચલમ સળગાવવા માચીસ માગી… `બચ્ચા દિયાસલાઈ હૈ?’ મેં કંઈ પણ બોલ્યા વગર બાજુમાં નાનકડી પાનની દુકાન પરથી માચીસ લઈને આપી… ચારે જણા મને તાકી રહ્યા… `કહાં સે આયે હો?’ મેં થોડા ગુસ્સામાં કહ્યું, `બનારસ સે’… એક સાધુ આવીને ભેટયો… એના આખા શરીરની રાખ મારા શરીરને ચોંટી ગઈ. મારાથી કંઈ બોલાયું નહીં. પણ એ જે બોલ્યો એનાથી હું જાણે હળવોફૂલ થઈ ગયો. એણે કહ્યું… `બસંત પંચમી કે બાદ સબ સાધુલોગ બનારસ આયેંગે ઔર શિવરાત્રિ બનારસ હી મનાએંગે… જુલૂસ નિકલેગા, ભંડારા હોગા… આપ જરૂર આના!…’ હું અવાક થઈને ઊભો રહ્યો… કશુંક positive થઈ રહ્યું હોવાનો અહેસાસ હું કરી રહ્યો હતો… બે ફલાંગ ભરીને બસમાં ચઢી ગયો. રાત્રે 11 વાગ્યે બનારસ મારા guest house પર પહોંચીને શાંતિથી ઊંઘ ખેંચી. છેલ્લાં પાંચ વર્ષથી બનારસ શહેર ઉપર ફોટોગ્રાફીનો રોમાંચ માણતો આવ્યો હતો, ને હવે એ જ ધરતી પર મને નાગા સાધુઓની ફોટોગ્રાફી કરવાની તક મળશે એ વિચારમાત્રથી હું જાણે હતપ્રભ બની ગયો હતો… સવાર સવારમાં જ કાશી વિશ્વનાથ મંદિરે જઈને માથું ટેકવી આવ્યો… બીજા જ દિવસે સવારથી જુદાં-જુદાં છાપાંઓમાં જુદા જુદા સમાચાર જોવા મળતા. `સાધુ સંપ્રદાય નહીં આયેંગે બનારસ’, `બસંત પંચમી કે બાદ સાધુઓં કા કાશી આના તય’, `ત્રિશૂલ કે સાથ કાશી વિશ્વનાથ મંદિર મેં પ્રવેશ કી માંગ—પુલિસ કા ઇનકાર’ વગેરે… વગેરે… સવારનાં છાપાંની હેડલાઇનો મારા દિવસનો મૂડ નક્કી કરતી. હું હરતાં-ફરતાં મારા બનારસના વિષયને લગતી તસવીરો ક્લિક કરતો પણ, મન અલાહાબાદના અર્ધકુંભમાં ભમ્યા કરતું. મન ભટકવા નીકળે ત્યારે કેવી અનુભૂતિ થાય તે હું અનુભવી રહ્યો હતો. આખરે બધા જ વિચારો 24 જાન્યુ., 2007ના દિવસે શમી ગયા. સવારે 6-00 વાગ્યાની આસપાસ ગંગાનાં દર્શન કર્યા બાદ જ કામ શરૂ કરવાના નિત્યક્રમ પ્રમાણે ઘાટનાં પગથિયાં ઊતરી રહ્યો હતો ત્યાં જ મુખ્ય ઘાટ દશાશ્વમેઘ ઘાટને અડીને આવેલા મંદિરને પગથિયે સાત-આઠ નાગા સાધુઓએ અડિંગો જમાવેલો… બે-ત્રણ બાવાઓ અગ્નિકુંડ બનાવવામાં વ્યસ્ત હતા, તો બે-ત્રણ ચરસ-ગાંજાનો કશ લગાવતા હતા. આસપાસ એક નાનકડું ટોળું હતું… હું એ ધન્ય સવારની અનુભૂતિ કરી રહ્યો હતો… મનના તરંગો વેગવાન બની ગયા હતા… નાનકડું ટોળું ઠેકીને હું નજીક પહોંચ્યો… મારા ગળા પર બે કૅમેરા લટકતા હતા. મારી બરાબર બાજુમાં એક સોનેરી ગૂંચળાવાળા વાળવાળી એક સુંદર છોકરી ઊભી હતી. એ પણ કુતૂહલવશ બાવાઓને જોઈ રહી હતી. એના ગળામાં પણ કૅમેરો લટકતો હતો… અમે એકબીજાં સામું જોયું… હસ્યાં… ધીમે રહીને સહેજ સરકીને હું એક બાવાની નજીક ગયો… `નમસ્તે બાબા’… `આવો બેટા—બેઠો’… કપાળે રાખથી તિલક કર્યું. `તુમ્હારી દોસ્ત કો ભી બુલા લો’… મેં ઇશારાથી એને નજીક આવી બેસવા જણાવ્યું… એણે પણ કપાળ આગળ ધર્યું ને તિલક કરાવ્યું… ચલમનો દમ મારતાં મારતાં એક બાવાએ પૂછયું `કહાં સે ઉઠા લાયા યે ભૂતની કો?’ ને ત્રણેય બાવાઓએ અટ્ટહાસ્ય કર્યું. લાંબા સ્પ્રિંગ જેવા ગોલ્ડન વાળવાળી છોકરી ને હું બંને એકબીજાની સામું જોઈ રહ્યાં. એ થોડું uncomfortable feel કરી રહી હોય એવું લાગ્યું… હું પણ બાવાઓની કૉમેન્ટ ને અટ્ટહાસ્યથી થોડો અસ્વસ્થ થઈ ગયેલો. પણ, એ છોકરી સાથે મારે કોઈ નાતો નહોતો એટલે હું મૌન જ બેસી રહ્યો. બાવાઓ પાછા કુંડ બનાવવાના કામમાં લાગ્યા… તો કેટલાકે ત્રિશૂળ-કમંડળ મંદિરના ઓટલા પાસે ગોઠવવા માંડયાં. મેં કૅમેરા સહેજ ઊંચો કર્યો. `ક્લિક’ કરવાની શરૂઆત કરવાની ઇચ્છા તીવ્ર થતી જતી હતી… હજુ પણ પેલી છોકરી બેસી રહેલી… એણે પણ કૅમેરાને ઊંચો કર્યો ને મારી સામું જોયું… હાથ લંબાવ્યો. `Hi… I am Yael… from Israel’… મેં મારી ઓળખાણ આપી. સામાન્ય ઇઝરાયલી છોકરીના પ્રમાણમાં Yael ખાસ્સી વ્યવસ્થિત લાગી. મેં કહ્યું, `તું ઇઝરાયલી જેવી લાગતી નથી’ એ હસી. એણે કહ્યું, `હા, મારા looks થોડા જુદા છે. વર્તન પણ… ભારતની સંસ્કૃતિથી આકર્ષાઈને અહીં આવી છું friend. આ મારી second visit છે. અહીં આવ્યા બાદ મારી જિંદગી બદલાઈ ગઈ છે. દારૂ-સિગારેટ છોડી દીધાં છે. ને માત્ર વેજિટેરિયન ખાઉં છું.’ હું સહેજ પ્રભાવિત થયો. આ બધી આપ-લે બાવાઓની સાથે નીચે બેસીને થઈ રહી હતી. બાવાઓ ફરીથી ગોળાકારમાં ગોઠવાઈ ગયા હતા. એક બાવાએ ચરસનો દમ ખેંચતા કહ્યું, `શાદી કર લો યે ભૂતની સે’… એણે અટ્ટહાસ્ય કર્યું… Yael હેબતાઈ ગઈ. એ બાવાના હાસ્યથી આજુબાજુ ટોળે વળેલાં સહુ હસ્યાં… અમારા બંને માટે આ સ્થિતિ કફોડી હતી. મેં મૌન સેવ્યું… ઇશારાથી Yaelને ઊભા થવા જણાવ્યું. અમે બંને `હર હર મહાદેવ’ કહીને ઊભાં થયાં. ત્રણ-ચાર ડગલાં માંડયાં હશે ત્યાં ગ્રૂપમાંના મુખ્ય સાધુએ જોરથી બૂમ પાડી. `યે ભૂતની તેરે લિયે નસીબદાર હૈ, ઉસે છોડના નહીં, તેરા કલ્યાણ હોગા.’ મેં ઇશારો કરીને સાધુને નમસ્કાર કરી `હા’ કહી… કલાકેકની બેઠકમાં બીજા અનેક બાવાઓ અહીં આવી રહ્યા છે એની જાણકારી મેળવી લીધેલી… અત્યંત રોમાંચક એવી આ વૈચારિક ક્ષણો હતી.
Yael અલાહાબાદમાં વીસ દિવસ સાધુ-બાવાઓ સાથે કૅમ્પમાં રહીને આવેલી. થોડી તસવીરો પણ તેણે બતાવી. એ ઇઝરાયલમાં `ડૉલ્ફિન ટ્રેઇનર’ છે. 2005માં પ્રથમ વાર ભારત આવેલી. 24 વર્ષની Yael ભારતીય સંસ્કૃતિથી ભરપૂર અંજાયેલી લાગી. તેણે કહ્યું, `એક વર્ષમાં મેં મારી જાતને બદલી નાખી છે, વિવેક. ને એનું કારણ છે માત્ર ભારતની સંસ્કૃતિ. અહીં રિસ્પેક્ટ છે, પ્રેમ છે, સંસ્કૃતિથી તરબતર સમાજ છે, ને સૌથી મોટી વાત અહીં જીવવા માટેનાં કારણો છે. ઓહ… ને મારે ત્યાં ચાર વર્ષની લશ્કરી ટ્રેનિંગ છે. બંદૂક છે. યુદ્ધનો ભય છે ને સંસ્કૃતિ!!’ એણે માથું ધુણાવ્યું. `મેં મારા ઘરની અંદરથી તોપગોળાના અવાજો જ સાંભળ્યા છે ને અહીં લાખો લોકોના અવાજો વચ્ચેય શાંતિ પથરાયેલી પડેલી છે. You are very lucky Vivek, you were born in India. How I wish… may be in next birth…’ એની આંખ ભીની હતી. મેં એના ખભે હાથ મૂક્યો. મેં કહ્યું, `માન કે Indiaમાં જ જન્મી છું. અહીં જ મોટી થઈને અહીં ફોટોગ્રાફી કરવા માટે આવી ને આપણે મળી ગયાં. see we are in the same boat.’ અમે જોરથી હસી પડયાં. `ચાલ બોટિંગ કરીએ.’ બપોર થઈ ચૂકી હતી. શિયાળાના સમયે બપોરે બનારસમાં બોટિંગ કરવાની મજા જુદી જ છે. બોટવાળો મિત્ર કિશન હલેસાં મારવા લાગ્યો ને અમે વાતો શરૂ કરી. મેં Yaelને મારે જે સાધુ-બાવાઓ વિશે જે કામ કરવું છે એની વિસ્તારથી વાત કરી… આ કામ કેટલું મુશ્કેલ છે એનાથી એ પણ અજાણ ન હતી… `ખરેખર, we are in the same boat…’ એ પણ કંઈક આવું જ કામ કરવાના ઇરાદાથી બનારસ આવી પહોંચી હતી… આપણી સંસ્કૃતિની richness કેટલી તાકાતવાળી છે એનો અહેસાસ મને Yael-એ કરાવ્યો. બે કલાકના લાંબા બોટિંગ દરમ્યાન અમે ઘણા વિચારોની આપ-લે કરી. સાધુ-બાવાઓના ઝુંડમાં ઘૂસવા મને એની ચોક્કસ જરૂર પડશે એવી પાક્કી ખાતરી મને હતી. મારી કૅમેરા બૅગમાં થોડાક ફોટોગ્રાફ હતા તે બતાવ્યા. તેણે નેપાળથી લીધેલા નવા ડિજિટલ કૅમેરાની થોડી સમજ પણ આપી. Yaelની કૅમેરા અંગેની ટૅક્નિકલ જાણકારી ખૂબ ઓછી હતી પણ એનું vision બહુ જ તાકાતવાળું હતું. એ હૃદયથી ફોટા ખેંચતી. એણે અલાહાબાદમાં લીધેલી કેટલીક સાધુની તસવીરો આફરીન પોકારી જવાય તેવી હતી. મારા ફોટોગ્રાફ જોતી વખતે એના ચહેરાના ભાવ હું વાંચતો હતો. મારી આંખો સહેજ ભરાઈ આવી… એણે મારી સામું જોયું. મારો હાથ પકડીને બોટમાંથી અમારા બંને હાથને ગંગામાં બોળ્યા. ને બોલી `You are wonderful photographer Vivek… I am so lucky we met, મારા ફોટોગ્રાફ ને મારી સમજ તો કાંઈ નથી. you please carry on. I have decided to help you…’ એણે મને બને તેટલી બધી મદદ કરવાનું વચન આપ્યું… ત્રણેક કલાક પહેલાં સાવ અજાણ્યાં અમે સરસ મિત્રો બની ગયા… અજાણ્યા સ્થળે ને અજાણી વ્યક્તિ સાથે થતી મૈત્રી અનેક યાદગાર ક્ષણો આપી જાય છે. Yael-ને મેં મારું guest house બતાવી દીધું. એ ગલીમાં થોડેક જ આગળ એનું guest house હતું. સવારે 6-00 વાગ્યે guest houseની બહાર આવી જવા જણાવ્યું. સાધુ બાવાઓને ક્લિક કરવાની સુગમ વ્યવસ્થા ગોઠવાય એ કસરત શરૂ કરવાની હતી.
આખી રાત સાધુઓની ફોટોગ્રાફી કેવી રીતે ગોઠવાશે તેની મથામણમાં વીતી. સવારે 6-00 વાગ્યે કાશી વિશ્વનાથ ગલીની બહાર આવેલી ચાની રેંકડી પાસે છાપું ફેરવતાં રસ્તા પર નજર પડી ને ચોંકી જવાયું. સાધુઓનાં ટોળે-ટોળાં ત્રિશૂલ, કમંડળ તથા પોટલાં લઈને હર-હર મહાદેવના નાદ સાથે ગંગાકિનારા તરફ આગળ વધતાં હતાં… એટલામાં Yael પણ આવી પહોંચી… અમે કૅમેરા બૅગમાંથી કાઢીને સાધુઓનાં ટોળાંની પાછળ લગભગ દોટ મૂકી. મુખ્ય દશાશ્વમેધ ઘાટ પર આગલા દિવસે થયેલા પરિચયને પાક્કો કરવા નાગા સાધુના એ ગ્રૂપ પાસે ઊભા રહ્યાં ને કહ્યું `નમસ્તે બાબા’. છ નાગા સાધુઓ અગ્નિની ફરતે બેઠા બેઠા ચલમ ખેંચતા હતા. સહુએ કહ્યું `આઓ-આઓ…’ રાખથી તિલક કરાવ્યું. મારી સાથે Yaelની હાજરીને તેમણે જાણે સહજતાથી સ્વીકારી લીધી હોય તેમ લાગ્યું. અમે તરત જ ત્યાંથી ઊભાં થયાં. ને ચાર-પાંચ બાવાના એક ગ્રૂપ પાછળ ગંગાના કિનારે-કિનારે ચાલવા લાગ્યાં… લગભગ દરેક ઘાટ પર સાધુઓએ છૂટાછવાયા તંબૂ તાણવાના શરૂ કર્યા હતા. હરિશ્ચંદ્રઘાટ પાસે આવેલા અખાડા પાસે સાધુઓ મોટા પ્રમાણમાં હશે એવો અંદાજ મેં બાંધેલો. મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર બંને ઘાટ પર આખા ભારતમાંથી મડદાં અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવે છે. ને આ બંને જગ્યાએ જેના અંતિમ સંસ્કાર થાય તેને મોક્ષ મળે એવી માન્યતા છે. દૂરથી હરિશ્ચંદ્રઘાટ પાસે ભગવાં વસ્ત્રાો સુકાતાં દેખાતાં હતાં… મારો અંદાજ સાચો નીકળ્યો. ઘાટ પાસે આવેલા પંચાયતી અખાડા અને આનંદ અખાડાની આસપાસ ઘાટ ઉપર ને નદીના કિનારાને અડીને મોટા પ્રમાણમાં ટૅન્ટ ગોઠવાઈ ગયેલાં… Yael બોલી `તારું સપનું સાકાર થશે એવું મને ચોક્કસ લાગે છે.’ હું હસ્યો. અમને બંનેને સાથે-સાથે જોઈને ઘણા બાવાઓ તાકી રહેતા. ચાલતાં-ચાલતાં આટલું મેં નોંધ્યું. વળી, બંનેના ગળે કૅમેરા લટકાવેલા હોવાથી કદાચ તાકીને જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. પણ મેં જાણી જોઈને કૅમેરા લટકાવેલો જ રાખેલો. Yael સહેજ પાછળ ગંગા-કિનારાનાં પગથિયાં પાસે ઊભી હતી… સૂર્યોદય થઈ ગયો હતો… અચાનક હું અટક્યો… ઘાટના પગથિયાની ઉપર એક ટૅન્ટની બહાર બે ભગવાધારી સાધુઓ ને એક નાગા સાધુ—જે ખુલ્લી તલવાર સાથે ઊભેલો—એ ત્રણેય વાત કરી રહ્યા હતા. કોઈ પણ ફોટોગ્રાફરને આકર્ષે એવી આ ફ્રેમ હતી… મેં કૅમેરો ઊંચો કર્યો… ફ્રેમ કંપોઝ કરી ત્યાં તો તલવારધારી નાગા સાધુએ જોરથી હુંકાર કર્યો… `એ… ફોટો મત ખીંચના…’ મેં જાણે ગણકાર્યું નહીં… મારી `ક્લિક’ થઈ ને ત્રણેય બાવાઓ ભડક્યા. ગંદી ગાળ દઈને તલવાર ઊંચી કરી ત્રણેય `બમ-બમ ભોલે…’ કહીને પગથિયાં ઠેકીને મારી તરફ દોટ મૂકી… એટલા સમયમાં મેં બે-ત્રણ ક્લિક કરી ને ભાગ્યો…
Yaelને દૂરથી બૂમ મારી… દૂરથી એ મામલો પામી ગઈ ને એ પણ ભાગી… લગભગ ત્રણસો-ચારસો મીટર દોડયા બાદ પાછળ નજર કરી તો ત્રણેય દૂરથી અમને ઇશારો કરતા હતા… અમે બીજા બે-ત્રણ ઘાટ દોડતાં-દોડતાં વટાવી ચૂકેલાં. હાંફતા-હાંફતાં ત્યાં જ બેસી પડયાં. કડકડતી ઠંડી હોવા છતાં પરસેવો વળી ગયેલો. ચૂપચાપ લગભગ પંદર મિનિટ બેસી રહ્યા બાદ મેં Yaelને કહ્યું, હવે તો આ કામ challange તરીકે સ્વીકારીને પૂરું કરીશ. અમે ફરીથી એ દિશામાં ધીમે ધીમે ડગ ભરવા માંડયાં. અસંખ્ય વિચારો મગજમાં અથડાતા હતા. ગમે તેમ કરીને આ લોકોની વચ્ચે ઘૂસવું હતું… ચાલતાં-ચાલતાં અચાનક એક બૂમ સાંભળી ને હું અટકી ગયો. ઘાટ ઉપરના એક નાનકડા ટૅન્ટમાં એક પગે ઊભા રહી સાધના કરતા એક સાધુએ તેના શિષ્યને બૂમ પાડી. ટૅન્ટમાં ઊભો ઊભો તે તેના શિષ્યને જે કાંઈ કહેતો હતો તે સાંભળીને હું સહેજ રોમાંચિત થઈ ઊઠયો. કારણ એ સાધુ મારી માતૃભાષા ગુજરાતી બોલતો હતો… હું પગથિયાં ઠેકીને એમની પાસે ગયો… મેં સીધી જ ગુજરાતીમાં વાત શરૂ કરી… Yaelની ઓળખાણ આપી. મારો અહીં આવવાનો ઇરાદોય જણાવ્યો ને આગળ બની ગયેલી ઘટનાની પણ વાતો કરી… એમણે શાંતિથી સાંભળ્યું… ચા પિવડાવી ને કહ્યું `… તારું કામ થશે કે નહીં એ મને ખબર નથી, પણ રસ્તો ચોક્કસ બતાવું…’ હું એકદમ સતેજ થઈ ગયો… એમણે કહ્યું `આ બધા નાગા સાધુઓના ગુરુને તું જઈને મળ…’ ઇશારો કરીને કહ્યું, `હમણાં ઉપર અખાડામાં જ છે. તેમનું નામ છે પ્રાણગિરિસ્વામી… જો એમને તું તારી વાત મગજમાં બેસાડી શકે તો તારું નસીબ… પ્રયત્ન કર…’ કદાચ આટલી માહિતી મારા માટે એક આશાનું નવું જ કિરણ લઈને આવી હતી… Yaelને મેં ત્યાં જ બેસવા જણાવ્યું. હું અખાડા તરફ આગળ વધ્યો… કૅમેરા બૅગમાં પાછો રાખી દીધેલો… અખાડાના મુખ્ય દ્વારમાંથી જતાં સહેજ ખચકાયો પણ આવતા-જતા કોઈ સાધુએ રોક્યો નહીં… હું `હર હર મહાદેવ’ કહીને આગળ વધતો… ત્રણ-ચાર પગથિયાં ચઢયો ત્યાં જ એક ઓરડામાંથી `હર-હર મહાદેવ’ની ચિચિયારીઓ પડી ને એક લાંબી સફેદ દાઢીવાળા સાધુની ઍન્ટ્રી પડી… ચહેરા પરનું તેજ આંખોને આંજી દે તેવું હતું… હું ત્યાં જ ઊભો રહી ગયો… દસેક ફૂટનું જ અંતર હશે. આજુબાજુ ઊભેલા શિષ્યો એમને દંડવત્ પ્રણામ કરતા ને આશીર્વાદ લેતા જોઈ મને આ પ્રાણગિરિસ્વામી હોવાની ખાતરી થઈ ગઈ… એવામાં એક સાધુએ પાછળથી ખભા પર ધબ્બો મારીને કહ્યું: `યે બડે ગુરુજી હૈ, આશીર્વાદ લે લો…’ હું આગળ વધ્યો… કૅમેરાની બૅગ બાજુએ રાખીને દંડવત્ પ્રણામ કર્યા… એમણે પૂછયું, `કહાં સે આયા હૈ બચ્ચા?’ એમનો અવાજ ઘેઘૂર ને ધ્યાનાકર્ષક હતો… `મેં કહ્યું ગુજરાત સે… ફોટોગ્રાફર હું… આપ સબકે સાથ રહકર ફોટોગ્રાફી કરના ચાહતા હૂં, લિખના ભી ચાહતા હૂં’… એમણે મારી સામું જોયું… `ફોટો હી ખીંચના થા તો કુંભ મેં આના થા’… મેં કહ્યું, `હું ત્યાં હતો પણ મારે જે કામ કરવું છે એ સહુની વચ્ચે રહીને કરવું છે… સાધુ-બાવાઓની daily lifeને કૅમેરામાં કંડારવી છે…’ એ મારી સામે જોઈ રહ્યા… એમની આંખોનું તેજ ભલભલાને આંજી દે એવું હતું… એમણે ગંદી ગાળ દીધી ને કહ્યું `બચ્ચા, ચલા જા યે તેરે બસ કી બાત નહીં.’ આજુબાજુમાં હવે કોઈ શિષ્યો ન હતા… એ પગથિયાં ઊતરીને ગંગા નદીના કિનારા તરફ આગળ વધતા હતા… હાથમાં ચલમ હતી… `ઇસ ઝોલી મેં કૅમેરા હૈ?’ અચાનક જ એમણે પ્રશ્ન કર્યો… મેં કહ્યું, `ના… ઈશ્વર તક પહોંચને કી મેરી સાધના કા યે માધ્યમ હૈ…’ ને મેં કૅમેરા કાઢયો… મેં કહ્યું, `બાબા, જૈસે યોગ-ધ્યાન આપકા ઈશ્વર તક પહોંચને કા માધ્યમ હૈ, વૈસે મેરા માધ્યમ યે કૅમેરા હૈ…’ બે-ત્રણ પગથિયાં જ બાકી હતાં ને આ સાંભળી એ ઊભા રહી ગયા. કદાચ મારા આવા જવાબની એમના પર જોરદાર અસર થઈ હોય એવું લાગ્યું… એ મારી સામું જોઈ રહ્યા… `બડી ઊંચી બાત કરતે હો…’ સહેજ હસ્યા… ને કહ્યું `હમારે સાથ રહના હૈ તો ચરસ-ગાંજા પીના પડેગા…’ મેં કહ્યું `હા…’ `કભી દમ લગાયા હૈ?’ મેં કહ્યું, `ના…’ `ગિર જાઓગે ફિર…’ મેં કહ્યું `ભોલેનાથ ગિરને નહીં દેગા…’ અચાનક જ મારામાં આત્મવિશ્વાસ ફુગ્ગાની જેમ ફૂલતો જતો હતો… આવા જવાબો કદાચ મારા હૃદયમાંથી નીકળતા હતા… આટલી વાતચીતમાં અમે છેક ગંગાના કિનારે આવીને ઊભા રહી ગયેલા… `દેખો બચ્ચા હમારે સાથ રહના હૈ તો કપડેં ભી ઉતારને પડેંગે…’ એ હસ્યા… એ પછીની પાંચ મિનિટમાં જે બન્યું એમાંથી આ તસવીરો નીકળી છે. એમને કે મને બેમાંથી કોઈનેય મારા તરફથી આવા જવાબની કે આચરણની અપેક્ષા ન હતી. મેં કહ્યું, `આપ બોલો તો અભી ઉતાર દૂ… બસ, મુઝે મેરી સાધના કરને કી વ્યવસ્થા મિલની ચાહિએ…’ ચાંદીની કોતરણીવાળી ચલમમાં ચરસની ગોટી ને તમાકુ ભરાવતા ભરાવતા એ રીતસર અટકી ગયા… મારી સામે એકીટશે તાકી રહ્યા… હું અવાક હતો… અચાનક જ મારી એકદમ નજીક આવ્યા… ખભે હાથ મૂક્યો ને કહ્યું, `ઠીક હૈ… ઉતાર દો સબ કપડેં… ઔર ગંગાજી મેં સ્નાન કરકે આઓ…’ મેં ક્ષણનોય વિલંબ કર્યો નહીં. આજુબાજુથી પસાર થતા સાધુઓ પ્રાણગિરિસ્વામીને વંદન કરીને આગળ વધતા… પ્રવાસીઓની અવરજવર ખાસ ન હતી… બપોરના બારેક વાગ્યા હશે… તમામ કપડાં કાઢીને મેં પ્રાણગિરિસ્વામીની સમક્ષ મૂક્યાં… પગે લાગ્યો… મને રસ્તો બતાવનારા ગુજરાતના એ સાધુ અને Yael આ તમામ નાટક દૂરથી જોઈ રહ્યાં હતાં. મેં દૂરથી નમસ્કાર કર્યા… Yael-એ દૂરથી બે આંગળી ઊંચી કરીને `keep it up’ કહ્યું… બધું જ સ્વાભાવિક થઈ રહ્યું હતું… મેં ગંગામાં છલાંગ લગાવી… આ અનુભૂતિ કાગળ પર વ્યક્ત થઈ શકે એમ નથી… કે નથી કૅન્વાસ પર પેઇન્ટ થઈ શકે એવી… દસેક મિનિટ ગંગાસ્નાન કર્યું… નદીમાં વગર કપડે છલાંગ મારતાં બાળકોની કેટલીયે ફ્રેમો કંડારનાર હું આજે કોઈ ફોટોગ્રાફરની ફ્રેમ થઈ ગયો હતો… હું બહાર આવ્યો ત્યારે પાંચેક સાધુઓ પ્રાણગિરિ સાથે ઊભા હતા… મેં સહુને બે હાથ જોડી વંદન કર્યાં… એક સાધુએ મને બે ડગલાં આગળ આવવા જણાવ્યું ને બેસી જવા કહ્યું… હું બેઠો એવો જ એણે મારી આસપાસ રાખથી રેખા દોરી દીધી. ગોળ ફરતે રાખનું કૂંડાળું ને વચ્ચે દિગંબર અવસ્થામાં હું પોતે… `ઓમ નમઃ શિવાય’ના મંત્રોચ્ચાર પાંચેય સાધુઓએ એક સાથે શરૂ કર્યા… કેટલાક શ્લોકોનું પણ ઉચ્ચારણ કર્યું. મને આંખ બંધ રાખવા જણાવેલું… આખા શરીરે પાંચેય જણાએ રાખ ચોપડી… કપાળે ત્રિપુંડ કર્યું… ને એક સાધુ બોલ્યો… `અબ આંખે ખોલો બચ્ચા ઔર ગુરુજી કા આશીર્વાદ લે લો…’ મેં તમામના આશીર્વાદ લીધા. છેલ્લે દસેક ફૂટ દૂર ઊભેલા પ્રાણગિરિસ્વામીના આશીર્વાદ લીધા. તેમણે કહ્યું, `મન લગાકે કામ કરના, તુમ્હેં કોઈ નહીં રોકેગા…’ એક કેસરી કપડું આપ્યું ને સાદ પાડયો… `ઓ અચલગિરિ… ઇધર આઓ… ગુજરાત સે યે બચ્ચા આયા હૈ, ફોટોગ્રાફર હૈ… હરિશ્ચંદ્રઘાટ મેં સ્મશાન કે બગલ મેં ઉસકો છોડ દો. વો હમારે બીચ રહેગા… અલખગિરિ કો બોલના કોઈ ઉસે પરેશાન ન કરે.’ અચલગિરિએ ચરસનો દમ માર્યો… ને બોલ્યો… `જી ગુરુજી…’ અચલગિરિના ધુમાડાના ગોટાઓ હવામાં અલોપ થાય ત્યાં સુધીમાં તો મારા સંસારી અસ્તિત્વને હું દૂર છોડી ચૂક્યો હતો… ફોટોગ્રાફી સાથેના મારા રોમાન્સની આ ચરમસીમા હતી. હરિશ્ચંદ્રઘાટના સ્મશાનના ખોળે 17 નાગા બાવાઓની વચ્ચે વાનગીની જેમ હું પીરસાયો. `ગુજરાત કા બચ્ચા હૈ, ફોટોગ્રાફર હૈ, આપ કે પાસ રહેગા. ધ્યાન રખના… ગુરુજીકા આદેશ હૈ…’ ને 34 v/s મારી બે આંખો… ચરસ-ગાંજાના ગોટેગોટા… ને મારા અસ્તિત્વને ભૂલીને હું જાણે સદીઓ પાછળ વહી ગયો હતો કદાચ… બધા બાવાઓને મેં પ્રણામ કર્યા. દરેકે આશીર્વાદથી હાથ ઊંચો કર્યો… કસોટીની ઘડી પાંચ મિનિટમાં જ આવી ચઢી… સળગાવેલી ચરસની ચિલમ ધીમે ધીમે ગોળાકારે ફરી રહી હતી… ઊભા પગે બેઠેલા સહુ જોડે હુંયે એ જ સ્ટાઇલમાં ગોઠવાયેલો… `લે બચ્ચા, દમ લગા લે…’ ના પાડવાની હિંમત ન હતી… કઈ રીતે ચલમ ફૂંકવી એનો ડૅમો મને આપ્યો… હાથમાં ચિલમ પકડતાંની સાથે જ રૂંવાડાં ઊભાં થઈ ગયાં… ચિલમ ફૂંક્યા પછીની ચિંતા મનમાં પરોવાઈ હતી. કૅમેરાનું શું? કદાચ બેભાન થઈ જવાય તો? વગેરે વગેરે અનેક વિચારોનું યુદ્ધ શરૂ થયું. એક બાવો મને તાકી રહેલો. તેણે કહ્યું… `એ ભગત… દેખો, ગર્મી-ઠંડી-ડર સબ દિમાગ મેં હોતા હૈ… વાસ્તવ મેં યે સબ હમારા ડર હૈ… વહેમ હૈ… સબ ચિંતા છોડો… અપને અંદર પડે ઈશ્વર કો જાગ્રત કરો ઔર અપને કામ મેં લગ જાઓ.’ અત્યંત આશ્ચર્ય ને આશ્વાસનરૂપી આ વિચારો સાંભળીને મારો હાથ સીધો હોઠની વચ્ચે મૂક્યો… `ૐ નમઃ શિવાય’નો જપ કરતાં કરતાં જોરથી શ્વાસ અંદર ખેંચ્યો, મગજમાં ખાલીપો સર્જાયો હોય એવું લાગ્યું… મગજ સુન્ન મારી જાય એ આવી કોઈક સ્થિતિ હોતી હશે!! મેં જોરથી અંદર ખેંચેલો શ્વાસ બહાર કાઢયો ને ધુમાડાના ગોટેગોટા નીકળ્યા… બે-ત્રણ ખાંસી જોરથી આવી ગઈ… બે-ત્રણ બાવાઓએ અટ્ટહાસ્ય કર્યું… એક બોલ્યો `ભગત તેરે દિમાગ કે સબ રાસ્તે ખુલ જાયેંગે અબ…!’ હું આંખો બંધ કરીને બેસી રહ્યો… બે-ત્રણ મિનિટ બાદ આંખો ખોલી… ખાસ કોઈ ફેરફાર લાગ્યો નહીં… હું કૅમેરા બૅગ લઈને ઊભો થયો…
ચૂપચાપ ચાલવાનું શરૂ કર્યું. જ્યાં ગમે ત્યાં ઊભો રહી `ક્લિક’ કરી લેતો. ફોટોગ્રાફી કરવાની આઝાદી હું ભોગવી રહ્યો હતો. છૂટા-છૂટા ફ્રેમમાં હરિશ્ચંદ્રઘાટ તથા આજુબાજુ કિનારે ટૅન્ટ તાણીને બેઠેલા સાધુઓ `આવો ભગત’ કહીને આવકારતા. પ્રાણગિરિસ્વામીનો પ્રભાવ આખા સાધુસમાજ પર કેવો હશે એની અનુભૂતિ પણ હું કરી રહ્યો હતો. સાંજના ચારેક થયા હશે. સૂર્ય ડૂબવા લાગ્યો હતો. ગંગાકિનારે શિયાળામાં સૂર્યાસ્ત વહેલો થાય છે. વળી, શહેર તરફ સૂરજ ઢળતો હોવાથી અંધારાનો અહેસાસ વહેલો થવા માંડે છે. થોડાક ફોટોગ્રાફ પાડયા પછી મને અચાનક એક વાસ્તવિકતાનું ભાન થયું. ડિજિટલ કૅમેરામાં કાર્ડ ભરાઈ જાય પછી તે કાર્ડના ડેટાને કમ્પ્યૂટરમાં ટ્રાન્સફર કર્યા પછી જ ફરીથી તેને વાપરી શકાય. આ માટે મારે બજારમાં આવેલા `સાયબર-કાફે’માં તો જવું જ પડે. મારા કપાળની રાખ પરસેવાથી ભીની થવા લાગી. પાછો મારા કૅમ્પમાં આવ્યો. અમારા કૅમ્પમાં 60 વર્ષ જેટલી ઉંમરના એક જટાધારી સાધુને સહુ ગુરુજી કહેતા. બાકી બધા એકબીજાને ભગત કહીને સંબોધન કરતા. મેં ગુરુજીને આ મુશ્કેલી સમજાવવાનું નક્કી કર્યું. ત્યાં તો અચાનક આજુબાજુના કૅમ્પના સાધુઓ ઊભા થઈ ગયા ને `હર હર મહાદેવ’નો નાદ કરવા માંડયા. ધૂણીઓ વચ્ચેથી એક સાધુ દેખાયા. એ પ્રાણગિરિસ્વામી જ હતા. એ મારી સામે આવીને ઊભા રહ્યા. ને બોલ્યા `ક્યૂં? કૈસા હૈ બચ્ચા? રહોગે કે જાઓગે?’ મૈં કહ્યું, `રહૂંગા’, ને મારી મુશ્કેલીની તરત જ રજૂઆત કરી. મેં ઉપાય પણ સૂચવ્યો. કહ્યું: `ગુરુજી, મારી એક પરદેશી દોસ્ત છે. જો એને રોજ સાંજે પાંચ મિનિટ અહીં અંદર પ્રવેશ મળે તો મારું કામ થઈ જાય.’ એ જોઈ રહ્યા. એમણે પોતાના ખભેથી એક કેસરી કપડું કાઢી મારા હાથમા મૂક્યું, ને બોલ્યા, `તૂ યે સ્મશાન કે પીછે વાલી ગલી મેં સે જા ઔર ઉસે બુલાકે લા’. એમણે એમના થેલામાંથી મારા ઘાટ પર ઊતરેલાં કપડાં પણ મારા કૅમ્પના `ગુરુજી’ને આપ્યાં ને હસ્યા. મેં કેસરી કપડું લુંગીની જેમ વીંટાળીને દોટ મૂકી. Yaelને શોધવી ક્યાં? આવા શરીરે ગેસ્ટહાઉસ સુધી જવામાં જોખમ પણ હતું. પણ, જ્યારે કિસ્મત સાથે હોય ને ત્યારે બધું કામ સામે ચાલીને થતું હોય છે. તમારો જવાબ તમને શોધતો આવે એવી સ્થિતિ સર્જાય છે. મેં મારા મિત્ર ને ગેસ્ટહાઉસના માલિક સંતોષને ફોન જોડયો. એને હું કંઈ કહું એ પહેલાં એણે મને કહ્યું, `સાધુ બન ગયે! મુઝે Yaelને અભી-અભી બતાયા. લો ઉસસે બાત કરો.’ Yael ત્યાં જ મારા ગેસ્ટ હાઉસની નીચે આવેલા સંતોષના રેસ્ટોરાંમાં કૉફી પીવા આવી હતી. એણે બધી હકીકત સંતોષને કહી સંભળાવેલી. Yael-એ ફોન લઈને સીધું જ તીર છોડયું, `નમસ્તે બાબા.’ અમે બંને ખડખડાટ હસી પડયાં. એ ખૂબ ચિંતત હતી. વળી ઉત્સુક પણ એણે મને સાધુ અવસ્થામાં પ્રવેશતાં દૂરથી જોયેલો. મેં એને મારી મુશ્કેલી સમજાવી. એને તરત જ હરિશ્ચંદ્રઘાટની પાછલી ગલી પાસે આવવા જણાવ્યું. સંતોષ જોડે મેં થોડી detailમાં વાત કરી. જ્યારથી બનારસમાં આવવાનું શરૂ કર્યું ત્યારથી સંતોષ સાથેની મારી દોસ્તી હતી. એના જ ગેસ્ટહાઉસમાં હું રહેતો ને નીચે એની રેસ્ટોરાંમાં જમી લેતો.
એની સાથે વારંવાર સાધુઓને `ક્લિક’ કરવાના મારા ઇરાદાની મેં વાતો કરેલી. વળી, મારા ફોટોગ્રાફી સાથેના રોમાન્સની એને સારી એવી જાણ હતી. એણે ખાલી એટલું જ કહ્યું `અપના ધ્યાન રખના’. થોડી વારમાં Yael આવી પહોંચી. અંધારું થઈ ચૂક્યૂં હતું. મને જોઈને એ ખડખડાટ હસી પડી મારે ખભે હાથ રાખીને બોલી `You are great Vivek, You did it’… હું તરત જ સાંકડી ગલીમાંથી મારા કૅમ્પ તરફ તેને દોરી ગયો. ધૂણીઓ સળગી રહી હતી. મારો હાથ પકડીને Yael ચાલી રહી હતી. આજુ-બાજુ ધૂણીની આસપાસ બેઠેલા બાવાઓ મને ઓળખી ગયા હોવાથી કોઈએ કાંઈ પ્રતિક્રિયા આપી નહીં. પ્રાણગિરિસ્વામી મને કહેલી જગ્યાએ એક કૅમ્પની બહાર જ બેઠા હતા. આજુબાજુ ચારેક બાવાઓ એમની આસપાસ બેસીને કંઈક વાતચીત કરતા હતા. મેં કહ્યું, `ગુરુજી યે હૈ મેરી દોસ્ત’. ગુરુજી જોઈ રહ્યા. એટલામાં એક બાવાએ પાછલા ભાગમાંથી ઍન્ટ્રી મારી ને બોલ્યો `લો, યે ભૂતની કો ભી સાથ લે આયા બચ્ચા?’ મેં મારી વાત બધાને સમજાવી. ગુરુજી બોલ્યા. `દેખો, યે વહાં કી સાધ્વી લગતી હૈ. બાલ તો હમારે જૈસે હી હૈં’… સહુએ અટ્ટહાસ્ય કર્યું. Yael ગભરાઈને મારો હાથ જોરથી દબાવીને પૂછયું, `What did they say?’ … મેં ઇશારો કરી ચૂપ રહેવા જણાવ્યું ને કહ્યું તને અહીં આવવાની પરવાનગી મળી ગઈ છે. હું પાછો તેને ગલી સુધી મૂકી આવ્યો. રોજ રાત્રે 7-00 વાગ્યે તેને અહીં આવી મારા card તથા બૅટરી collect કરી પાછા આપી જવા સુધીની જવાબદારી સોંપી. તેણે હસીને સ્વીકારી. `All the best Vivek… take care of yourself.’ તેના અવાજમાં મૃદુતા હતી. એણે ચાલતી પકડી. હું એને ગલીમાંથી દેખાતી બંધ થઈ ત્યાં સુધી તાકતો રહ્યો. ઈશ્વરે જાણે મારા કામ માટે જ Yaelને India મોકલી હોય એવો અહેસાસ હું કરી રહ્યો હતો. એના આ અહેસાસનો બદલો કઈ રીતે ચૂકવીશ એ વિચાર આવતાં જ આંખો ભીની થઈ ગઈ… હું પાછો કૅમ્પ તરફ વળ્યો. કકડીને ભૂખ લાગી હતી. આ સાધુઓ શું ખાતા હશે એવો વિચાર તો મેં કરેલો જ નહીં… ઠેર-ઠેર ધૂણી ધખતી હતી. કૅમ્પમાં પહોંચ્યો ત્યાં તો એક સાધુએ નાનકડા થેલામાંથી 50 જેટલા બટાકા ધૂણીમાં નાખ્યા… `યે અપના ખાના હૈ બચ્ચા’ હું જોઈ રહ્યો. એક કૅમ્પમાંથી બે બાવાઓ આવીને દસેક જેટલાં દાડમ આપી ગયા. પાંચ જ મિનિટમાં એ દાડમ બેત્રણ બાવાઓએ ભેગા થઈને છોલી લીધાં. થોડીક વારમાં જ એક બાવાએ ધૂણીમાંના બટકા કાઢવાનું શરૂ કર્યું. ને બે સાધુઓએ છાલ છોલવાનું હુંય બે-ત્રણ બટાકા લઈને બેઠો. ફૂંકો મારતાં ગરમ-ગરમ બટાકાની છાલ છોલી. હાથની ચામડી તતડતી હતી પણ મેં પ્રક્રિયા ચાલુ રાખી. થોડી વારમાં ઘર, ડાઇનિંગ ટેબલ, પરિવાર બધું યાદ આવવા લાગ્યું. એક બાવાએ છોલેલા બે બટાકાના છુટ્ટા ઘા મારી તરફ કર્યા. `ઇસે ખા લો.’ મેં બટાકા લઈને સાફ કરી ખાવાનું શરૂ કર્યું. ભઠ્ઠામાં શેકાયેલા બટાકાની મીઠાશ ગજબની હતી. ઘણી બધી સાંભળેલી ને વાંચેલી વાતોનો હું અહીં અમલ કરી રહ્યો હતો. ઊભા પગે બેસીને બટાકાને બચકાં ભરીને ઓહિયાં કરી જવાની મજાને કાગળ પર ઉતારી શકાય તેમ નથી. બસ, સાંજનું ભોજન પૂર્ણ. લોટામાં પાણી પીરસાયું. કેસરી કપડાંમાંથી ગાળીને ભરેલા ગંગાનું મીઠું પાણી પીને તૃપ્ત મને બેઠો. હું ખાસ્સો શાંત અને ટૅન્શન ફ્રી હતો હવે. ફરીથી કૂંડાળે સહુ વળ્યા ને ચરસના કશનો દોર શરૂ થયો. સહુ કોઈ સૂવાની તૈયારીમાં લાગ્યા. કોઈક સાધુઓ ગંગાકિનારા તરફ જતા જોયા. અમારા કૅમ્પમાં સહુ સાધુઓએ રજાઈઓ કાઢી. મનેય એક આપી. ભઠ્ઠાની નજીક જ સહુએ લંબાવવાનું શરૂ કર્યું. બે-ત્રણ બાવાઓએ પદ્માસનમાં બેસીને ધ્યાન કરવાનું શરૂ કર્યું. મેં કૅમેરા ખોલીને સાફ કર્યો. અંધારું હતું. બસ, ધૂણીમાંના સળગતા લાકડાનો પ્રકાશ જ હતો. ફોટો પાડવાનો કોઈ ઇરાદો કે સવાલ જ ન હતો. હરિશ્ચંદ્રઘાટના સ્મશાનમાં મારી પ્રથમ રાત્રિ હતી. મેં કૅમેરા બૅગને ઓશીકા તરીકે માથા નીચે મૂકી ને લંબાવ્યું. અનેક વિચારો ઘેરી વળ્યા. ઉપર એકદમ ચોખ્ખું આકાશ હતું. કડકડતી ઠંડી હતી પણ તમામ જગ્યાએ ધૂણીઓ ચાલુ હોવાથી વાતાવરણ ગરમાવાવાળું હતું. હું એક ગજબ દુનિયાનો અનુભવ કરી રહ્યો હતો. ખૂબ થાકેલો હોવાથી ઊંઘ આવી ગઈ. લગભગ 10-00 વાગેલા. અચાનક આંખ ખૂલીને જોયું તો આછા અજવાળાનો અહેસાસ થયો. વહેલી પરોઢ હશે. હું ઓઢીને સૂઈ રહ્યો. લગભગ દરેક કૅમ્પમાં સાધુઓ બેઠા થઈને `ઓમ નમઃ શિવાય’નો જાપ કરતા હતા. હું અજવાળું થાય એની રાહ જોતો હતો. ફોટોગ્રાફી કરવા મન થનગની રહેલું. વળી, શું ફોટોગ્રાફી કરીશ એ વિચારોથી થોડો નર્વસ થવા લાગેલો… કારણ, ગઈ બપોરથી લઈને આ વહેલી પરોઢ સુધી મેં જે જોયું એમાં થોડાક સમયને બાદ કરતાં આ બાવાઓની પ્રવૃત્તિઓ ને જીવન સાવ જ ઠપ્પ હોય એવું લાગેલું… વળી, મારે Daily Lifeને કૅમેરામાં `ક્લિક’ કરવી હતી. મને એમના `કલૉઝ-અપ’માં રસ ન હતો. લગભગ ઘણા ફોટોગ્રાફરોએ સાધુ-બાવાઓના કલૉઝ-અપ `ક્લિક’ કર્યાં જ છે. એ ચોક્કસ સારું લાગે પણ મારે આજુબાજુના વાતાવરણની એ લોકો સાથે રહેવાના Vibrationsની ને દિનચર્યાની `ક્લિક’ કરવી હતી. ફોટોગ્રાફીમાં સારી તક મળવી એ જ એક નસીબની વાત છે. ને જ્યારે સારી તક મળે ત્યારે જે કાંઈ `ક્લિક’ થાય તે ક્ષણો અકલ્પનીય હોય છે, એ જ ક્ષણો ઐતિહાસિક બની જાય છે. જીવનભરનું સંભારણું બની જાય છે. આવા વિચારો આવતા રહ્યા ને આ મળેલી તકમાં જે મળે તેને આનંદથી `ક્લિક’ કરવાનું નક્કી કર્યું. વળી, વધારે પડતા ફોટોગ્રાફ પડી જાય એવો સંભવ હતો જ. એટલે મનોમન વધારે ફોટોગ્રાફ ખેંચવા કરતાં શાંતિથી વિચારીને ફોટોગ્રાફી કરવાનું નક્કી કર્યું.
આ બધા વિચારોમાં સવારનું અજવાળું પથરાઈ ગયેલું. સૂર્ય ઊગવાની તૈયારી હતી. આકાશમાં લાલાશ હતી. સહુ સાધુઓ લોટો, કમંડળ, ત્રિશૂલ સાથે ગંગાકિનારે જતા જોયા. ફટાફટ ઊઠીને કૅમેરા કાઢયો. ત્યાં તો મારા જ કૅમ્પના દસ સાધુઓને ગંગાકિનારા તરફથી આવતા જોયા. નજીક આવીને એક બોલ્યો. `ઉઠ ગયા બચ્ચા’ જા, ગંગાજી મેં સ્નાન કર લે. પૂજાપાઠ કર લે. હું ઊઠયો, કૅમેરા કાઢયો. ગંગાકિનારે પહોંચ્યો. ગોળ મોટો કેસરી સૂરજ ઊગી રહ્યો હતો. આ એક અવર્ણનીય સવાર હતી. મેં ઊગતા સૂર્યને નમસ્કાર કર્યા. ને ગંગાના પાણીમાં હાથમોઢું ધોઈ સીધો કૅમેરા હાથમાં પકડયો. લગભગ ત્રણ ઘાટ સાધુઓના ટૅન્ટથી હાઉસફુલ હતા. `ક્લિક’ કરવાની શરૂઆત કરી. થોડાક કિનારે ઊભેલા સાધુઓના ફોટોગ્રાફ લીધા.
રાત સુધીમાં મને જે ગમ્યું તે `ક્લિક’ કર્યા કર્યું… રાત્રે જમવામાં શેકેલા બટાકા ને દાડમનું ભોજન હતું… લગભગ સાધુઓ શેકેલાં કંદમૂળ ને ફળ જ સવાર-સાંજ ભોજનમાં લેતા હોય છે. આઠ દિવસ લગભગ આવો જ ખોરાક મેં ખાધો. સવારથી મારું કામ હું શરૂ કરતો. આજુબાજુના વિવિધ કૅમ્પોમાં ફરીને ચરસ-ગાંજાનો દમ લગાવતાં લગાવતાં આ બાવાઓની સેન્સિટિવિટી, મસ્તી, ગુસ્સો, અદાઓ બધું ઘણું `ક્લિક’ કર્યું… આઠ દિવસમાં ક્યાંય કોઈ ખરાબ અનુભવ ન થયો. વળી, અકલ્પ્ય સરસ અનુભવો થયા… ઘણી અનુભૂતિઓ થઈ… આપણા જેવા જ આ મનુષ્યોમાં કેટલીક જોરદાર શક્તિઓ ને ચમત્કારિક શક્તિઓ ચોક્કસ જોવા મળી.
એક પ્રસંગ અહીં ટાંકું છું…
`ક્લિક’ કરતાં કરતાં થાકી જવાય ત્યારે હું અમુક ઉંમરવાળા સાધુઓ સાથે સત્સંગ કરી લેતો. તે દરમિયાન તેમનામાં કુલ અઢીસો જેટલા પંથ છે એ જાણીને આશ્ચર્ય થયું… કાપાલિક, અઘોરી, તાંત્રિક વગેરે વગેરે… અમારાથી બે ટૅન્ટ છોડીને કાળાં વસ્ત્રાોમાં એક બિહામણો સાધુ એકલો જ રહેતો હતો. ટૅન્ટ ખાસ્સો દૂર હતો. રોજ સંધ્યાટાણે હું એને ચરસનો દમ ખેંચતાં ખેંચતાં હાથમાં ખોપડી લઈને ગંગાકિનારે ચાલતાં જોતો. કિનારે કિનારે કિનારે એ ધુમ્મસમાં વિલીન થઈ જતો… ને પાછો લગભગ નવેક વાગ્યાના અરસામાં આવતો… બે-ત્રણ વાર એણે વિચિત્ર અવાજો પણ કરેલા… હું એક બપોરે એને ગંગાસ્નાન કરી આવતો નિહાળી રહ્યો હતો ત્યાં જ અમારા ટૅન્ટના સાધુ ચંદનગિરિએ કહ્યું: `અઘોરી હૈ બચ્ચા— “જટાયુ” નામ હૈ ઉસકા’… મેં એના રોજ સાંજે ગંગાકિનારે ચાલ્યા જવાના રાઝ વિશે પૂછયું… ચંદનગિરિએ અટ્ટહાસ્ય કર્યું ને બોલ્યા… `ઇસમેં મત પડો બચ્ચા, યે અઘોરી હૈ… મુર્દે કા ખૂન પીતા હૈ… ચમત્કારિક હૈ પર ઉસસે દૂર રહના.’ મેં કહ્યું, મારે એમની સાથે જવું હોય તો? ચંદનગિરિ મને જોઈ રહ્યો ને બોલ્યો… `જાઓ… પર ઇસકી આંખ મેં આંખ ડાલકે જ્યાદા દેર બાત મત કરના…’ મેં તુમ્હેં મિલવા દેતા હૂં… એ મને હાથ પકડીને જટાયુ પાસે લઈ ગયો… ચંદનગિરિએ મારી ઓળખાણ કરાવી ને સાંજે મારે તેની સાથે જવું છે એ વિશે પણ જણાવ્યું… જટાયુએ હવનકુંડની પાળ પર થેલામાંથી એક ખોપડી ને બે હાડકાના ટુકડા મૂક્યા… ચરસ સળગાવીને જોરથી બૂમ પાડી `ઓમ નમો નારાયણ’… ને ચંદનગિરિ પાછું ફરીને ચાલવા લાગ્યો… હું કંઈક સમજું એ પહેલાં તો એણે મારો રસ્તો રોક્યો… આંગળીથી ઇશારો કરી મને બેસવા જણાવ્યું… ફાટેલા કંતાનના ટુકડા પર હું બેસી ગયો… મારા શ્વાસ અચાનક જ જોરથી ચાલવા લાગ્યા. એણે ફરીથી થેલામાં હાથ નાખ્યો ને એક ઇમ્પૉર્ટેડ I-Pod ને Sony નો હૅન્ડિકેમ પણ હવનકુંડની પાળ પર ગોઠવ્યા… ખોપડી, I-Pod, હાડકાંના ટુકડા, Sonyનો હૅન્ડિકેમ, હું ને જટાયુ… કોઈ જાતનાં કૉમ્બિનેશનો બેસતાં ન હતાં… હું એની આંખમાં જોવાનું ટાળી રહ્યો હતો. એણે થોડાં લાકડાં હવનકુંડમાં નાખ્યાં ને અગ્નિ ચાંપ્યો… થોડી વારમાં ધુમાડો ધુમાડો થઈ ગયો… એ કંઈક મંત્રો બોલતો હોય એમ લાગ્યું… હું અમારા તથા બીજા સાધુઓના ટૅન્ટથી ખાસ્સો દૂર હતો… મેં કૅમેરાને હાથ લગાવ્યો… ને એ ભડક્યો… હાડકાની દંડી લૅન્સને અડાડીને બોલ્યો `મશીન રખ દે. નહીં તો ફોડ દૂંગા’ … ઘટ અવાજે જટાયુએ ત્રાડ નાખી… મેં ક્ષણનોય વિલંબ કર્યા વગર કૅમેરા બૅગમાં મૂકી દીધો… `યે રખકે વાપિસ આજા’… હું ઊભો થઈને મારા ટૅન્ટમાં ગયો… ચંદનગિરિ બેઠા હતા… પૂછયું `આપ ક્યૂં’… ને એ ગુસ્સાથી અકળાઈ ઊઠયા… પંજો મારી સામે તાકીને બોલ્યા, `બસ… સવાલ મત કરો. તુમકો ઉસને જો કહા હૈ કરો… કૅમેરા રખ દો… ઔર જાઓ… ચિંતા મત કરો કુછ નહીં હોગા’… પાછો અચાનક જ એમનો અવાજ મૃદુ થઈ ગયો… આ એક ગજબની ગડમથલનો સમય હતો… ફોટાગ્રાફ પાડવાના ન હોવાથી મને જવાની ઇચ્છા ઓછી તો થઈ ગયેલી પણ, મારે હવે ગયા વગર છૂટકોય ન હતો… હું પાછો જટાયુ પાસે પહોંચી ગયો… સાંજના ચાર વાગવા આવ્યા હશે… સૂરજ ઢળવા આવ્યો હતો… અમે બંનેએ ચરસનો દમ માર્યો ને એણે ઇશારાથી મને એની પાછળ ચાલવા જણાવ્યું… એક હાથમાં કમંડળ હતું… જટાયુ દેખાવે ભયાનક હતો… ને અવાજ ઘટ… છ ફૂટ જેટલી હાઇટ હોવાથી ચાલે ત્યારે વધારે ભયાનક લાગતો…
મેં ગંગાના કિનારે એની પાછળ-પાછળ ચાલતી પકડી. હું `ૐ નમઃ શિવાય’નો મંત્ર બોલતો બોલતો ચાલ્યા કરતો હતો… કિનારે કિનારે અમે બે-ત્રણ કિમી ચાલ્યા… હવે કોઈ જ જોવા મળતું ન હતું… ધુમ્મસ ગાઢ થતું જતું હતું… જટાયુ અટકી ગયો… ગંગામાંથી ખોબામાં પાણી લીધું ને કંઈક ગણગણ્યો… ગંગા તરફ જોઈને ચિત્ર-વિચિત્ર અવાજો કરવા માંડયો… મારા શ્વાસના ધબકારાની ગતિ વધતી જતી હતી. એ કૂદાકૂદ કરવા માંડયો ને એક જ સેકન્ડમાં પલાંઠી વાળીને બેસી ગયો… હું એની બરાબર પાછળ ત્રણેક મીટર દૂર બેઠો જોઈ રહ્યો હતો… હું કોઈ અગોચર વિશ્વનો અનુભવ કરી રહ્યો હતો. એણે ગંગા તરફ હાથ લાંબો કર્યો… એમનો એમ લાંબો હાથ કરીને મંત્રો બોલવા માંડયો… ધુમ્મસમાં ત્રણ-ચાર મીટરથી આગળ કંઈ પણ દેખાતું ન હતું… પણ દસેક મિનિટ આમ જ વીતી ત્યાં જટાયુ ઊભો થયો… `આજા બેટા… આજા’ …કહીને ત્રાડ નાખી. પાંચેક મિનિટમાં જ કંઈક તરતું તરતું આવતું હોય એવું લાગ્યું. જટાયુ અટ્ટહાસ્ય કરીને કૂદવા માંડયો… પાછો બીજી જ ક્ષણે શાંત થઈ ગયો. ગંગાને નમસ્કાર કરી ઊભો રહ્યો ને લગભગ બે-ત્રણ મિનિટમાં જ એક પીળા કફનથી લપેટાયેલું માનવશરીર (મૃતદેહ) એના પગ પાસે જ આવીને ઊભું… બિલકુલ એના પગ પાસે… ગંગાપ્રવાહ તો અવિરત ચાલુ હતો… તો પછી આ મૃતદેહ કઈ રીતે ફંટાઈને આવ્યો? આનું તે શું કરશે? અનેક વિચારો મને ઘેરી વળ્યા… માની ન શકાય એવી આ વાત હતી… એણે મૃતદેહના મોં પર ગંગાનું પાણી છાંટયું. એની આંખો પહોળી કરી જોઈ ને મારી સામું જોઈ બોલ્યો… `યે બડા લુચ્ચા આદમી થા… ઇસને બહુત લોગોં કો નુકસાન પહોંચાયા હૈ, મૈં ઉસે નહીં છોડૂંગા’… એણે મૃતદેહમાંથી બંને આંખો ખેંચી કાઢી… બંને ડોળાને ઉપર ઢાળ ઉપરની કોરી જગ્યામાં ગોઠવ્યા… ફરતે કૂંડાળું કર્યું… વચ્ચે હાડકાની એક દંડી મૂકી… ખિસ્સામાંથી કંકુની કોથળી કાઢીને કંકુની રેખા કૂંડાળાની ચારેબાજુએ કરી… હું હચમચી ગયો હતો… મારી પાસે કોઈ વિકલ્પ પણ ક્યાં હતો! એ ફરીથી કિનારે ગયો… ખિસ્સામાંથી નાનું દાંતરડા જેવું સાધન કાઢયું ને મૃતદેહના ગળા ઉપર જોરથી ઘા કર્યો. ધડ ને માથું અલગ થઈ ગયાં… માથું પાણીથી ધોયા બાદ એમાંથી માંસના લોચાને ખેંચી કાઢયા બાદ હવે ખોપડી જ બચી હતી… સફેદ ખોપડી એ કાન પાસે લઈ ગયો… નાળિયેરમાં આપણે પાણી ચેક કરીએ એમ એણે કંઈક હલાવીને જોયું… ફરીથી એક વાર ખોપડી સાફ કરી… પાછો જ્યાં આંખોના ડોળાને ફરતે દોરેલા કૂંડાળા પાસે આવ્યો… કૂંડાળાની ફરતે ચાર ચક્કર માર્યાં ને પછી ગંગા તરફ મોં કરીને ઊભો રહ્યો… ખોપડીને ઊંચી કરીને દાંતરડા જેવા સાધનથી એક ઘા કર્યો… વચ્ચોવચ… અંદરથી લોહીની સેર છૂટી… એણે મોઢે માંડી… લોહીની સેરથી લઈને ટપકતું બંધ થયું ત્યાં સુધી એણે મોં પર ખોપડી ધરેલી રાખી… એના ગાલ, હોઠ ને ગળાનો ભાગ લોહીના રંગે રંગાઈ ગયેલો… એણે મોટો ઓડકાર ખાધો… ગંગામાં જઈ ખોપડી તેમ જ પોતાનું મોં સાફ કર્યું. પાછા ઉપર આવીને બંને આંખોના ડોળાનો છુટ્ટો ઘા ગંગામાં કર્યો. નીચે જઈ ગંગાને નમસ્કાર કરી ધડના ભાગને પાછું વહેણમાં વહેવડાવી દીધું… બે મિનિટમાં તો તે દેખાતું બંધ થઈ ગયું. ત્યાં સુધી તે નમસ્કાર કરી ઊભો રહ્યો… ખોપડી થેલામાં નાખી દીધેલી… અંધારું લગભગ થઈ ચૂક્યું હતું… એણે કહ્યું `ચલ બચ્ચા’ … ફરીથી ટૅન્ટ ભણી વાટ પકડી… દસેક મિનિટમાં તો ત્રણ કિમી ચાલી નાખ્યું… એની ચાલવાની ઝડપ હવે વધી ગયેલી… ચારે તરફ અંધારું હતું… થોડી જ વારમાં અમે ટૅન્ટમાં આવી પહોંચ્યા… એણે કહ્યું, `જાઓ… અબ વાપિસ મેરે પાસ મત આના…! તુમ ચાહો તો કલ દોપહર મેરા ફોટો યહાં લે લેના.’ મેં કહ્યું `ઠીક હૈ બાબા’… હું પાછો કૅમ્પમાં આવી ગયો… મગજ સુન્ન મારી ગયું હતું… ચંદનગિરિ ત્યાં જ બેઠા હતા.. ચિલમનો દોર ચાલુ હતો… મેં ઊંડા-ઊંડા ત્રણ કશ માર્યા… ને ત્યાં જ લંબાવી દીધું… સવારે ઊઠીને વારંવાર હું ગઈ કાલ સાંજના ફ્લૅશબૅકમાં ચાલ્યો જતો ને પાછો આવી જતો… `ક્લિક’ કરવાનું ફરીથી શરૂ કરતાં માંડ માંડ એ વિચારોમાંથી નીકળ્યો… પણ આ અનુભવે એટલું જરૂર શીખવ્યું કે `Nothing is impossible’… ને કદાચ આ જ હિંદુસ્તાન હશે!! વધારે આ વિષયમાં ઊંડા ઊતરવાનું આજે પણ હું ટાળી રહ્યો છું. હા, હું રિસર્ચર હોત તો જરૂર ઘણો ઊંડો ઊતરી શક્યો હોત… આવા ચમત્કારિક ને વિચિત્ર સાધુઓની સાથે-સાથે…
પણ, અમુક જ સાધુઓમાં સંસાર છોડીને ભાગી આવેલા કેટલાક સાધુય આ ગ્રૂપોમાં હશે એવો અંદાજ મને આવ્યો. વળી, આ સાધુઓનું દૈનિક જીવન બહુ monotonous — એકધારું લાગવા લાગ્યું. સવારના ચારથી સાતની સાધના-ધ્યાન-તપશ્ચર્યાને બાદ કરો તો આખો દિવસ બેસીને ચરસ-ગાંજાનો દમ મારીને પડયા રહેવાનું… સાચું કહું તો ફોટોગ્રાફી કરવી એ વધારે અઘરી બની હતી… મારે રીતસર ફ્રેમો માટે ફાંફાં મારવા પડતાં… વધારે કસરત કરવી પડતી કારણ, પ્રવૃત્તિઓ સાવ ઠપ રહેતી… જોકે પાંચ દિવસ પછી શિવરાત્રિ હતી. ને શિવરાત્રિના દિવસે મને જે ફોટોગ્રાફી કરવાની મજા આવી એને હું વર્ણવી શકું એમ નથી. સવારમાં ત્રણ વાગ્યાથી જેમ લગ્નમાં છોકરી Beauty Parlourમાં તૈયાર થાય એમ આ સાધુઓ તૈયાર થતા હતા… ગલગોટાનાં ફૂલોના ઢગલાઓમાંથી ફૂલો વીણી-વીણીને તેની માળાઓ બનાવી જટામાં-હાથે-પગે-ગળામાં બધે જ પહેરવા માંડેલી… આ દિવસ એમની જિંદગીનો કેટલો અગત્યનો હોય છે તે મને સમજાયેલું… સવારમાં 6-00 વાગ્યે જુલૂસ નીકળીને આખા બનારસના મુખ્ય રસ્તાઓ પર ફરવાનું હતું… એ દિવસે ખાસ દરેક કૅમ્પમાં 910 રૂપિયાની દસ ગ્રામ અસલ ચરસની ગોળીઓ જેટલી જોઈએ તેટલા પ્રમાણમાં પહોંચી હતી… સહુની સાથે મેંય સવારમાં ભીની કરેલી રાખ ચોપડી. ગલગોટાનો એક હાર ગળામાં ભેરવ્યો. કૅમેરા લઈને સાથે જુલૂસમાં ચાલવાનું હોવાથી વધારે માથાકૂટમાં પડયો નહીં… બરાબર 6-00 વાગ્યે સહુ સાધુઓ દોડતા-દોડતા ઘાટ છોડીને મુખ્ય રસ્તા તરફ જઈ રહ્યા હતા… આજે કોઈ કોઈની સાથે ભાગ્યે જ વાત કરતું જોવા મળ્યું… સહુ કોઈ જુલૂસમાં જોડાવાની ઉતાવળમાં હતું… પોલીસ સાથેની વાટાઘાટો બાદ કાશી વિશ્વનાથ મંદિરમાં ત્રિશૂલ લઈને ન જવા બાબતે બાવાઓ સંમત થયેલા એટલે માત્ર નાની લાકડીઓ કેટલાક બાવાઓના હાથમાં હતી… મોટા રથમાં પ્રાણગિરિસ્વામી ગોઠવાયાને `હર હર મહાદેવ’ના સમૂહ સાદ સાથે જુલૂસ નીકળ્યું. બનારસ શહેર આખું આ જુલૂસ જોવા રસ્તાની બંને બાજુએ ઊભું હોય એવું લાગ્યું… રસ્તાની બંને બાજુ પોલીસનો કડક પહેરો હતો. વચ્ચે આવવાની કોઈને પરવાનગી ન હતી… વળી, હિંમતેય કોણ કરે? ભૂલથી એક માણસ જુલૂસમાં અચાનક ઘૂસી આવતાં તેને બે બાવાઓએ મારીને અધમૂઓ કરી નાખ્યો…
રસ્તાની બંને બાજુએ સાધુઓની આ પરેડ જોવા હજારો લોકો ઘરો ઉપર, ફૂટપાથ ઉપર ગોઠવાયેલા જોવા મળ્યા હતા. લોકો દૂરથી બે હાથ જોડી પગે પણ લાગતા જોવા મળ્યા. ચરસ-ગાંજાના ગોટે-ગોટા વચ્ચે આખું જુલૂસ પૂરી મસ્તીમાં ઝૂમી રહ્યું હતું. આ જુલૂસમાં વચ્ચે રહીને હું ફોટોગ્રાફ પાડતો હતો. બાવાઓએ સામે ચાલીને પોઝ આપ્યા. આ દિવસનો મિજાજ કંઈક જુદો જ હતો. વળી કૅમ્પની બહાર ખુલ્લી જગ્યામાં મને પણ વધારે મજા પડે તેવું વાતાવરણ હતું. લગભગ બે કલાક બાદ `કાશી વિશ્વનાથ મંદિરે’ જુલૂસ પહોંચ્યું. વારાફરતી ટોળામાં સહુ અંદર પહોંચતા ને કાશી વિશ્વનાથ મહાદેવનાં પવિત્ર દર્શન બાદ પાછા ફરતા. કાશી વિશ્વનાથ મંદિરની બહાર ઊભેલા લશ્કરના જવાનો બાવાઓ પાસે લાકડીઓ, કમંડળ, જે કાંઈ હોય તે લઈ લેતા. મંદિરમાં કંઈ જ લઈ જવાની છૂટ ન હતી. એક જવાને મારો કૅમેરો જોયો. મેં કાઢીને તરત જ તેને આપ્યો. `આપકે પાસ સંભાલકે રખના, દર્શન કરકે આતા હૂં.’ એ કુતૂહલવશ મને જોઈ રહ્યો. `હાં બાબા આપ આરામ સે જાઓ, મેરે પાસ હી રહેગા.’ હું ઝડપથી વિશ્વનાથ મંદિરની અંદર પહોંચ્યો. બે કલાકમાં કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યું જુલૂસ હર હર મહાદેવના નાદથી આખું મંદિર ગુંજી રહ્યું હતું. અત્યંત પવિત્ર વાતાવરણનો અનુભવ હું કરી રહ્યો હતો. કાશી વિશ્વનાથના મુખ્ય શિવલીંગ પર માથું ટેકવીને ભાવવિભોર બની ગયો. મંદિરના પ્રાંગણમાં જોર-જોરથી `હર હર મહાદેવ’નો નારો હુંય પુરજોશમાં લગાવી રહ્યો હતો. મારી આ ક્ષણોને હું જિંદગીની અત્યંત ધન્ય ક્ષણો ગણું છું. એ એ ધન્ય જ રહેશે. બીજા દરવાજેથી પાછો નીકળ્યો. મારો કૅમેરો લેવા ગયો. એ જવાને તરત જ મને જોઈને કૅમેરા કાઢી આપ્યો. મને બે હાથ જોડી પગે લાગ્યો. હું હસ્યો… પહેલી વાર મેં સસ્પેન્સ ખોલ્યું. મારી ઓળખાણ આપી. એ ભેટી પડયો. `આપ કો સલામ કરતા હૂં બાબા નમસ્તે નહીં.’ અમે બંને ખડખડાટ હસ્યા. ખૂબ ઘસારો ચાલુ હોવાથી મેં વિદાય લીધી. મંદિરમાંથી નીકળી સહુ જુલૂસમાં નહીં પણ, પોતપોતાના ગ્રૂપમાં ટૅન્ટ તરફ જઈ રહ્યા હતા. હરિશ્ચંદ્રઘાટથી કાશી વિશ્વનાથનો રસ્તો આવતા એક કિમી જેટલો જ હશે એટલે તરત જ કૅમ્પમાં પહોંચી ગયો. આજે ખરા અર્થમાં મેં સાધુઓનો ફોર્સ-તાકાત તથા મસ્તીને માણેલી. ભગવાન શંકર તરફની એમની ભક્તિનું ગાંડપણ પણ મેં અનુભવેલું. ભગવાન શંકરને જાણે એમણે પામી લીધા હોય એવું કાશી વિશ્વનાથ મંદિરમાં એમનું વર્તન હતું… એમના ચહેરાનો આનંદ, અટ્ટહાસ્ય, જાતજાતના ચિત્ર-વિચિત્ર અવાજો બધું જાણે મને એક અલગ દુનિયામાં લઈ ગયેલું… કૅમ્પમાં બેઠો ત્યારે લગભગ 11-00 વાગ્યા હશે… આજે આઠ દિવસ પૂરા થયેલા… મેં આવતી કાલે નીકળવાનો નિર્ણય કરી લીધો…
આ આઠેય દિવસ મેં ક્ષણ-ક્ષણ કણ-કણની જેમ માણી. ચરસ-ગાંજાનો કેફ ક્યારેય મારા ફોટોગ્રાફીના નશાને હલાવી શક્યો નહીં, કે ના તો દિગંબર અવસ્થાનો ભાર લાગ્યો! આકાશ ઓઢીને સૂવાનું ને પવિત્ર ગંગા નદીના ખોળે ઊઠવાનું. જુદા જુદા સંપ્રદાયના સાધુ-બાવાઓનાં તપ, સેન્સિટિવિટી, ગુસ્સો, મસ્તી, બધું જ માણ્યું, `ક્લિક’ કર્યું… સાવ અજાણ્યા લોકોની વચ્ચે અચાનક જ તેમની સાવ નજીક જતાં રહીએ ત્યારે પાછા ફરવાની જલદી ઇચ્છા ન થાય… પણ બધા જ વિચારો અહીં મૂકીને સાધુપણાને ત્યાગીને બીજી સવારે સંસારમાં પાછા ફરવાનો નિર્ણય વિશ્વનાથ મંદિરમાં જ લઈ લીધેલો. ધીમે ધીમે સહુ સાધુઓ પોતપોતાના કૅમ્પમાં આવી પહોંચ્યા.
આજે સહુ કોઈ થાકેલા હતા. કેટલાક સાધુઓએ બિસ્ત્રા-પોટલાં બાંધવા માંડેલા. સાંજ સુધીમાં તો ઘણા સાધુઓએ પોતપોતાના અસલી અખાડાઓની વાટ પકડી. કોઈ હિમાચલ તો કોઈ નેપાળ તો કોઈ મધ્યપ્રદેશ તરફ નીકળ્યા… હવે, 6 વર્ષ બાદ પૂર્ણકુંભ વખતે સહુ ભેગા થશે.
મારા કૅમ્પના મુખ્ય ગુરુજીને મેં બપોરે કહ્યું, મેં કલ જાના ચાહતા હૂં’… એમણે તરત જ મને કહ્યું, `ઠીક હૈ… જાઓ…’ એમણે તરત જ એક શિષ્યને મારાં કપડાં સોંપી દેવા જણાવ્યું… મેં કહ્યું `કલ સુબહ જાઉંગા…’ એમણે કહ્યું, `સુબહ ક્યૂં… નિકલ પડો… સબ જા હી રહે હૈ… કુછ હોલી તક રહેંગે… હમ ભી દો-તીન દિન મેં નિકલ જાયેંગે…’ મારા હાથમાં એક સાધુએ કપડાં મૂક્યાં… મારા શરીરનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં… મેં તરત જ કપડાં પહેરી લીધાં… મને અપાયેલું કેસરી કપડું મેં પાછું ધર્યું… એક સાધુએ લઈ લીધું… બપોરના સમયે આઠેય દિવસ પ્રવાસીઓની આવન-જાવન દરમ્યાન સાધુઓ સાથે હુંય બહાર બેસતો. સહુ મનેય પગે લાગતા ને હું આશીર્વાદય આપતો. આ બાવાઓ જે કરે એ બધું જ મારે સ્વાભાવિક રીતે કરવું એ આદેશનું હું પાલન કરી રહ્યો હતો. મેં આપેલા આશીર્વાદના ભાગરૂપે આઠેય દિવસમાં લોકોએ મૂકેલી દક્ષિણાની પોટલીમાંથી રૂ. 6,734/- ભેગા થયેલા. મેં ગુરુજીને પૂછીને કહ્યું આ હું કોને આપું? એમણે કહ્યું, યે તેરે હૈ. લે જાઓ. જશ્ન મનાના. એમણે અટ્ટહાસ્ય કર્યું. મેં વિનંતી કરી કંઈક રસ્તો બતાવો, મારે આ પૈસા લઈ નથી જવા એમણે આ પૈસા અખાડાના ભંડારામાં જમા કરાવી દેવા જણાવ્યું. મેં ઉપર અખાડામાં થઈને તે જમા કરાવી દીધા. પ્રાણગિરિસ્વામીને મળવાન તીવ્ર ઇચ્છા હતી પણ એમણે તો હિમાલયની વાટ પકડી લીધેલી…
મેં કૅમેરાની બૅગ પકડી… ગુરુજી તથા તમામ સાધુઓને નમસ્કાર કર્યા… સહુ મને છેક હરિશ્ચંદ્રઘાટના મુખ્ય દ્વાર સુધી મૂકવા આવ્યા. માથે રાખથી તિલક કર્યું… મારી આંખો ભીની થઈ ગઈ… No Thanks, No bye-bye, No sorry… આવી અસ્વાભાવિક journeyની આટલી સ્વાભાવિક વિદાય!! આ આઠ દિવસમાં મેં જે અનુભવ્યું… જે મેળવ્યું… તેનો હું માત્ર નિજાનંદ લઈ શકું… એક અઘોરી સાથે વિતાવેલી સાંજ… મડદાની ખોપડીમાંથી તેણે પીધેલું લોહી, લિંગના જાતજાતના પ્રયોગો વગેરે બધું જ નાનકડા મગજમાં ઘૂમરાવાનું ચાલુ જ હતું… કદાચ ક્યારેય નહીં ભુલાય. સાંજે ગંગાઆરતી ટાણે Yael એ મને કહ્યું ચાલ તારું કામ પૂર્ણ થયું. તેની ખુશીમાં શ્રદ્ધાનો દીપક ગંગામાં છોડીએ… અમે બંનેએ દીવો ગંગામાં તરતો મૂક્યો ને બે હાથ જોડી પવિત્ર ગંગા નદીને નમસ્કાર કર્યા…
જો તમને આ પોસ્ટ ગમી હોય તો `આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે: www.e-shabda.com/blog
[Is Ghat Antar: Article on his experiences with Naga Bawa at Ardhakumbh by Vivek Desai, e-shabda blog posted on 21th October 2014]
Vivekbhai Aap ko kay batavu k aaj Aap ki ye post padhna k muje kitni Khush hui he life me naga sadh o k sath itne din bit ane ka moka sirf nasib Vale ko hi mil sakte he.
Aap ki ye post padke naga o k pratique meri ruching or bhi badh gai he.
Ye pdhte hui mene jo ma he’s us kiya he us se me kuch andaja lag a sakte hu ki Aap ne kese 8 din bitaye hoge….
Or chahta hu k muje bhi kudrat aisa moka de…..
amazing. god bless you.
Excellent effort. very touchy
Photography ni sathe sathe tame shabdothi pan click sarash karocho….adbhut varnan.
Very interesting story. Very few people have such special interest in studying life style of Sadhus. Get Video along with picture and you can make nice documentary.
wow..what a yatra…vivekbhai,, vanchi ne ruvanta ubha thayi jay evu varyan..adbhoot…em lage ke jane have tamaru shu thase ane pachhi tame nava j roope sadhu sathe satsang karta ho …wah…salaam
ફોટાઓ અને તેની પાછળની હકીકતો જાણીને ખૂબ જ આનંદ થયો….
What a story! Thank you!
Excellent vivekbhai …
Dear sir…
Jani ne khub j aandand anubhavu chu k ek vyakti potana kam ne potana bhagwan no darrajo aape che… bau sachu kau tamara jewa vyakti o photography ni vyakhya ne ek nawa mukam sudhi lai jaay che… mane pan aavi street photograpy ma khub j ras che.. pan ene hu mara bhagwan na banawi sakyo… becoz of some isue… its my bed luck… but sir.tamaro aa anubhav ane kam pratye ni nistha joi kaik karwu padse mare pan evu lagi rahyu che.
superb article … take the reader in a different world altogether… also make one aware of the tradition, culture and different face of Hinduism … hats off to your efforts to capture this incredible story in camera as well as pen …
અદભૂતમ! વાહ!
અદભૂતમ! કહેવું પડે!
Want to say one word. ….excellent