રવીન્દ્રનાથ 1878માં 17 વર્ષની વયે પ્રથમ વાર અમદાવાદ આવ્યા હતા અને શાહીબાગમાં શાહજહાંના મહેલમાં રહ્યા હતા. અહીં એમને એમની વાર્તા—ક્ષુધિત પાષાણ—નું કથાવસ્તુ સૂઝ્યું હતું, જે પછીથી 1894માં એમણે લખી હતી. William Radice દ્વારા થયેલો The Hungry Stones નામનો અનુવાદ પણ મૂળ જેટલો જ અદ્ભુત છે. અહીં પ્રસ્તુત છે શ્રી રમણલાલ સોની દ્વારા અનુદિત… ભૂખ્યા પાષાણ
હું અને મારા આત્મીય સ્વજન બંને જણા પૂજાની રજાઓમાં દેશભ્રમણ કરી કલકત્તા પાછા આવતા હતા. એવામાં રેલગાડીમાં એક બાબુનો અમને ભેટો થઈ ગયો. એમનો પોશાક વગેરે જોઈને પહેલાં તો અમને એવો ભ્રમ થયો કે તેઓ પશ્ચિમ તરફના મુસલમાન હશે. તેમની વાતોચીતો સાંભળીને તો અમે વધારે મૂંઝાયા. તેઓ દુનિયાના દરેક વિષય પર એવી રીતે વાત કરતા હતા, જાણે વિશ્વવિધાતા એમને પૂછીને જ બધું કામ કરતા હશે એવું લાગે. આ વિશ્વસંસારના ભીતરમાં આવી અશ્રુતપૂર્વ ગૂઢ ઘટનાઓ બની રહી છે, રશિયનો આટલા બધા આગળ વધી ગયા છે, અંગ્રેજોની આવી બધી છૂપી મતલબો છે, અને દેશી રાજાઓએ પણ કંઈક ખીચડી ચડાવી છે એવું કશું અમે જાણતા જ નહોતા, એટલે અમે સાવ નિશ્ચિત બની બેઠા હતા. અમારા આ નવપરિચિત વક્તાએ જરા હોઠમાં હસીને કહ્યું: ‘There happen more things in heaven and earth, Horatio; than are reported in your newspapers!’ (તારાં છાપામાં આવે છે તેના કરતાં, બચ્ચા, દુનિયામાં ને સ્વર્ગમાં ઘણું ઘણું બને છે!) અમે આ પહેલી જ વખત ઘર છોડીને બહાર નીકળ્યા હતા, એટલે આ ગૃહસ્થનો રુઆબ જોઈ અમે આભા બની ગયા. એ ગૃહસ્થ સાધારણ વાતમાં કોઈવાર વિજ્ઞાનનો આધાર ટાંકતા, તો કોઈ વાર વેદની વ્યાખ્યા કરતા, તો કોઈવાર ઓચિંતાની ફારસી બેત લલકારતા—વિજ્ઞાન, વેદ અને ફારસી ભાષા પર અમારો કોઈ પણ જાતનો અધિકાર ન હોવાને લીધે તેમના પ્રત્યે અમારી ભક્તિ ઉત્તરોત્તર વધતી ગઈ. એટલે સુધી કે મારા થિયોસોફિસ્ટ સ્વજનના મનમાં પાકી ખાતરી થઈ ગઈ કે અમારા આ સહપ્રવાસીની સાથે કોઈ અપાર્થિવ શક્તિને ખાસ કંઈ સંબંધ છે; કાં તો કોઈ અપૂર્વ મૅગ્નેટિઝમ હોય અથવા દૈવી શક્તિ હોય, અથવા સૂક્ષ્મ શરીર હોય અથવા તો એવું બીજું કંઈક હોય તેઓ આ અસાધારણ ગૃહસ્થની તમામ સાધારણ વાતો પણ ભક્તિભાવથી વિહ્વળ બનીને મુગ્ધભાવે સાંભળતા હતા, અને છૂપી રીતે તેની નોંધ કરી લેતા હતા—મને લાગે છે કે એ અસાધારણ ગૃહસ્થ પણ મનમાં તો સમજી ગયા હતા, અને કંઈક ખુશ થયા હતા.
ગાડી આવીને જંક્શનમાં ઊભી રહી, એટલે અમે બીજી ગાડીની રાહ જોતાં વેઇટિંગ રૂમમાં જઈને બેઠા. તે વખતે રાતના સાડા દસ વાગ્યા હતા. ખબર મળ્યા કે રસ્તામાં કંઈ વિઘ્ન નડવાથી ગાડી આજે ઘણી મોડી આવવાની છે. એટલો વખત હું ટેબલ ઉપર બિસ્તરો પાથરી સૂઈ જવાનું કરતો હતો, એટલામાં પેલા અસાધારણ ગૃહસ્થે નીચે લખેલી વાર્તા શરૂ કરી દીધી, એ રાતે પછી મને ઊંઘ આવી નહીં.
*
રાજવહીવટ વિશે એક-બે બાબતમાં મતભેદ થવાથી જૂનાગઢની નોકરી છોડી દઈ હું હૈદરાબાદમાં નિઝામ સરકારની નોકરીમાં દાખલ થયો ત્યારે મને ઉંમરમાં જુવાન અને શરીરે સશક્ત જોઈ સીધો જ વરીચમાં રૂનો વેરો ઉઘરાવવાના કામે નીમવામાં આવ્યો.
વરીચ બહુ સુંદર જગા છે, નિર્જન પહાડની નીચે મોટાં મોટાં વનની અંદર થઈને શુસ્તા નદી (સંસ્કૃત ‘સ્વચ્છતોયા’નું અપભ્રંશ) પથરાઓમાં ખળખળ વહેતી, કુશળ નર્તકીની પેઠે પગલે પગલે વળાંક લેતી દ્રુત નૃત્ય કરતી ચાલી જાય છે. બરાબર એ નદીના કાંઠે જ, પથ્થરના બાંધેલા દોઢસો પગથિયાંવાળા ઊંચા ઘાટની ઉપર, એક સફેદ આરસનો મહેલ, પહાડની તળેટીમાં એકલો ઊભો છે—નજીકમાં ક્યાંય વસ્તી નથી. વરીચનું રૂનું બજાર અને ગામ અહીંથી દૂર છે.
લગભગ અઢીસો વરસ પહેલાં, બીજા શાહ મામુદે, ભોગવિલાસ માટે આ મહેલ અહીં આ નિર્જન સ્થાને બંધાવ્યો હતો. તે વખતે સ્નાનાગારના ફુવારાઓમાંથી ગુલાબજળની ધારાઓ ઊંચે ચડતી. અને એના શીકરોથી છંટાઈ શીતલ બનેલા એ એકાંત ગૃહમાં આરસનાં બનાવેલાં સુંવાળાં શિલાસનો પર બેસીને, પોતાના સુકોમળ ઉઘાડા પદપલ્લવ જળાશયના નિર્મળ જળમાં લાંબા કરીને, તરુણ ઇરાની રમણીઓ સ્નાન કરતા પહેલાં કેશ છૂટા મૂકી દઈ, ખોળામાં સિતાર લઈ, દ્રાક્ષાવનની ગઝલો ગાતી.
આજે હવે એ ફુવારા નથી, એ ગીત નથી, એ સફેદ આરસની ઉપર સુકોમળ શુભ્ર ચરણનો સુંદર આઘાત પણ પડતો નથી—આજે તો એ મારા જેવા એકાંતવાસથી પીડાતા, સંગિનીવિહીન જકાત કલેક્ટરનું અતિ વિશાળ અને અતિ શૂન્ય એવું નિવાસસ્થાન છે. પરંતુ ઑફિસના વૃદ્ધ કારકુન કરીમખાંએ મને એ મહેલમાં રહેવાની ફરીફરીને મના કરી હતી. કહે કે મન થાય તો દિવસે રહેજો, પરંતુ કદી પણ ત્યાં રાતવાસો રહેશો નહીં. મેં એની વાત હસવામાં ઉડાવી દીધી. નોકરોએ કહ્યું કે અમે લોકો સાંજ પડતા લગી અહીં કામ કરીશું. રાતે અહીં નહીં રહીએ, મેં કહ્યું, ‘ભલે.’
આ મહેલની બદનામી એવી હતી કે રાતે ચોરો પણ ત્યાં પગ મૂકવાની હિંમત કરતા નહીં.
શરૂઆતમાં આ પરિત્યક્ત પાષાણ મહાલયની નિર્જનતા મારી છાતી ઉપર ભયંકર ઓથારની પેઠે ચંપાતી, એટલે હું બને એટલો બહાર રહી તનતોડ કામ કરતો અને રાતે થાક્યોપાક્યો ઘેર આવી ઊંઘી જતો.
પરંતુ અઠવાડિયું થતા થતામાં તો એ ઘરના અપૂર્વ નશાએ ધીરે ધીરે મારા પર આક્રમણ કરી મને એની પકડમાં લેવા માંડ્યો. મારી એ દશાનું વર્ણન કરવું એ અઘરું છે, અને લોકોને એની ખાતરી કરાવવાનું કામ તો એથીય અઘરું છે, આખું મકાન સજીવ પદાર્થની પેઠે, એના જઠરમાં રહેલા મોહરસ વડે ધીરે ધીરે જાણે મને હોઈયાં કરવા લાગ્યું.
મને લાગે છે કે મેં એ ઘરમાં પગ દીધો તે ઘડીથી જ એ પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ હશે,—પરંતુ જે દિવસે પહેલવહેલો મને સચેતન ભાવે એના સૂત્રપાતનો અનુભવ થયો, તે દિવસની વાત મને બરાબર યાદ છે.
તે વખતે ઉનાળાની શરૂઆત હતી. બજાર નરમ હતું. મારા હાથમાં કંઈ કામ નહોતું. સૂર્યાસ્તના થોડા વખત પહેલાં હું એ નદીકિનારે, ઘાટની નીચે એક આરામખુરશી નાખી બેઠો હતો. તે વખતે શુસ્તા નદી સુકાઈને શીર્ણ થઈ ગઈ હતી—સામે કિનારે રેતીનો પટ સંધ્યાના ઉજાસમાં રંગીન બની ગયો હતો—આ તરફ ઘાટનાં પગથિયાંની નીચે, સ્વચ્છ છીછરા પાણીમાં કાંકરા ચમકતા હતા. તે દિવસે ક્યાંય પવન નહોતો. નજીકના પહાડમાં વગડાઉ તુલસી, ફુદીનો અને મોવાડનાં જંગલ હતાં. તેની ઘન સુગંધથી શાંત આકાશ ભારે ભારે બની ગયું હતું.
સૂરજ પહાડની પેલી તરફ ઊતરી પડ્યો કે તરત દિવસની નાટકશાળામાં એક લાંબો છાયા-પડદો પડી ગયો;—અહીં પર્વત વચમાં આવતો હોવાને લીધે સૂર્યાસ્ત વખતે, પ્રકાશ અને છાયાનું મિલન બહુ લાંબો વખત ચાલતું નથી. ઘોડે ચડી જરા ફરી આવું એવો વિચાર કરી હું ઊઠું ઊઠું કરતો હતો, એવામાં પગથિયાં પર મેં કોઈનો પગરવ સાંભળ્યો. મેં પૂંઠળ કરીને જોયું તો કોઈ ન મળે!
ભ્રમણા થઈ હશે એમ સમજી હું ફરી મોં ફેરવીને બેઠો કે તરત જ એકીસાથે અનેક પગલાંનો અવાજ મને સંભળાયો—જાણે ઘણાં માણસો એકસાથે દોડાદોડ કરતાં પગથિયાં ઊતરી આવતાં હોય એવું લાગ્યું. કંઈક ભયના મિશ્રણવાળો એક અદ્ભુત આનંદ મારા આખા શરીરમાં ફરી વળ્યો. જોકે મારી આંખે કોઈ આકાર દેખાતો નહોતો, તોપણ આ ઉનાળાની સાંજે આનંદપ્રમોદ માટે અધીરી બનેલી નારીઓને શુસ્તાના જળમાં નાહવા ઊતરી રહેલી હું સ્પષ્ટ નજરોનજર જોતો હોઉં એવું મને લાગ્યું. જોકે આ સાંજે, નિસ્તબ્ધ પહાડની તળેટીમાં, કે નદીને કિનારે કે નિર્જન મહાલયમાં ક્યાંય લેશમાત્ર પણ અવાજ થતો નહોતો, તોપણ નિર્ઝરની શતધારાઓની પેઠે કલકલ હાસ્યની છોળો ઉડાડતી, એકબીજાની પાછળ જોરથી દોડતી રમણીઓ મારી બાજુમાં થઈને નાહવા માટે ગઈ એવું જાણે મેં સ્પષ્ટ સાંભળ્યું. મારા તરફ જાણે તેમનું ધ્યાન જ નહોતું. જેમ હું તેમને જોઈ શકતો નહોતો, તેમ કદાચ તેઓ પણ મને જોઈ શકતી નહીં હોય. નદી પહેલાંના જેવી જ શાંત હતી. પરંતુ મને એવું ચોખ્ખું લાગ્યું કે સ્વચ્છતોયાનો એ છીછરો પ્રવાહ અસંખ્ય બલૈયાંના અવાજવાળા અનેક બાહુઓનો માર ખાઈખાઈને જાણે ખળભળી ઊઠ્યો છે; હસીહસીને સખીઓ એકબીજીનાં શરીર ઉપર પાણી ઉડાડે છે, અને તરતી રમણીઓના પગના આઘાતથી જળબિંદુઓ આકાશમાંથી મોતીની પેઠે વરસે છે!
મારી છાતીમાં એક પ્રકારનો કંપ થવા લાગ્યો; એ ઉત્તેજના ભયની હતી કે આનંદની હતી કે કુતૂહલની હતી તે હું કહી શકતો નથી. જરા ધ્યાનથી જોવાનું મને ખૂબ મન થયું, પરંતુ સામે જોવાનું કશું હતું જ નહીં! મને થયું કે બરાબર કાન માંડી રહું તો આ લોકોની રજેરજ વાતચીત મને બરાબર સંભળાશે. પરંતુ એકચિત્તે કાન માંડી રહેતાં કેવળ જંગલનાં તમરાંનો જ અવાજ સંભળાયો. મને થયું કે અઢીસો વરસનો કાળો પડદો બરાબર મારી સામે લટકી રહ્યો છે—બીતાં બીતાં પણ, લાવ, જરી છેડો ઊંચો કરીને અંદર નજર કરી લઉં!—ત્યાં મોટી સભા ભરાઈને બેઠી છે, પણ ગાઢ અંધારામાં કશું જ દેખાતું નથી.
એટલામાં શાંતિનો ભંગ કરીને ઓચિંતાનો હૂ હૂ કરતો પવન વાવા લાગ્યો—શુસ્તાના જળની સ્થિર સપાટી જોતજોતામાં અપ્સરાના કેશકલાપની પેઠે સળવળી ઊઠી, અને સંધ્યાની છાયામાં ઢંકાયેલી સમસ્ત વનભૂમિ એક પલકમાં એકસાથે મર્મરધ્વનિ કરતી જાણે દુ:સ્વપ્નમાંથી જાગી ઊઠી. સ્વપ્ન કહો કે સત્ય કહો, અઢીસો વરસના અતીત ક્ષેત્રમાંથી પ્રતિફલિત થઈને મારી નજર આગળ જે એક અદૃશ્ય મરીચિકા ઊતરી હતી તે ઘડીકમાં અલોપ થઈ ગઈ. જે માયામયીઓ મારા શરીર ઉપર થઈને, દેહહીન દ્રુત પગે ચાલીને, અને શબ્દહીન ઉચ્ચ કલકલ કરીને, દોડતી શુસ્તાના જળમાં ઝંપલાવીને પડી હતી, તેઓ ભીનાં વસ્ત્રોમાંથી પાણી નિચોવતી નિચોવતી, મારી બાજુમાં થઈને પાછી ફરતી દેખાઈ નહીં. પવનમાં જેવી રીતે ગંધ ઊડી જાય, તેવી રીતે વસંતના એક નિ:શ્વાસમાં તેઓ ઊડીને અદૃશ્ય થઈ ગઈ.
તે વખતે મને મોટી બીક લાગી કે અચાનક મને એકલો ભાળીને કવિતાદેવી આવીને મારી ખાંધે ચડી બેઠી છે! હું બાપડો રૂની જકાત ઉઘરાવીને પરાણે મારું પેટ ભરું છું, ત્યાં આ સર્વનાશિની અત્યારે મારું માથું ખાવા આવી પહોંચી! મને થયું કે જરા બરાબર ઠાંસીને ખાવાની જરૂર છે—ખાલી પેટમાં દુનિયાના બધા રોગો આવીને ઘર કરી બેસે છે, એટલે મારા રસોઈયાને બોલાવી, ખૂબ ઘી નાખીને, મસાલેદાર સુગંધીદાર મુગલાઈ ખાણું તૈયાર કરવાનો મેં હુકમ કર્યો!
*
બીજે દિવસે સવારે બધી ઘટના મને ખૂબ જ હસવા જેવી લાગી. હું લહેરથી, સાહેબના જેવી સોલાટોપી પહેરીને, મારી જાતે ગાડી હાંકતો, ગડ ગડ અવાજ કરતો મારા કામે ચાલ્યો ગયો. એ દિવસે ત્રૈમાસિક રિપોર્ટ લખવાનો હોવાથી હું ઘેર મોડો પાછો ફરવાનો હતો, પરંતુ સાંજ પડી ન પડી ત્યાં તો મને કોઈ ઘેર જવા માટે ખેંચવા લાગ્યું. કોણ ખેંચવા લાગ્યું તે હું કહી શકતો નથી. પરંતુ મને થયું કે હવે મોડું કર્યે નહીં ચાલે, મને થયું કે બધાં રાહ જોતાં બેઠાં છે. રિપોર્ટ અધૂરો રાખી, સોલાટોપી માથા પર મૂકી; ઝાડોની ઘન છાયાવાળા એ સંધ્યાધૂસર નિર્જન માર્ગને ગાડીનાં પૈડાંના અવાજથી ચમકાવતો હું એ અંધારા પહાડની તળેટીમાં આવેલા એ નિસ્તબ્ધ પ્રકાંડ પ્રાસાદમાં જઈને ઊભો.
દાદરની સામેનો ઓરડો ઘણો મોટો હતો—મોટા મોટા થાંભલાઓની ત્રણ હાર ઉપર, સુંદર કોતરણીવાળી કમાનો વિશાળ છતને ટકાવી રાખતી હતી. આ વિશાળ ખંડ પોતાની વિપુલ શૂન્યતાને લીધે રાતદિવસ ખાવા ધાતો હતો. સાંજ હજી હમણાં પડી હતી, અને દીવા હજી થયા નહોતા. બારણું ઠેલીને મેં એ વિશાળ ખંડમાં જેવો પ્રવેશ કર્યો કે તરત મને ત્યાં જાણે કોઈ ભારે વિપ્લવ મચી ગયો હોય એવું લાગ્યું—જાણે ઓચિંતાનો સભામાં ભંગ થવાથી સભાસદો આજુબાજુનાં બારીબારણાં, ખંડ, પરસાળ, વરંડામાં થઈને જેને જેમ ફાવ્યું તેમ ભાગી ગયા હતા. ક્યાંય કશું ન દેખાવાથી હું કેવળ આભો બની ઊભો રહ્યો. મારું શરીર કોઈ વિચિત્ર આવેશથી રોમાંચિત બની ગયું હતું, જાણે જૂના જમાનાના, પણ આજે નામશેષ એવાં સુગંધીદાર તેલ અને અત્તરની મંદ સુગંધ મારા નાકમાં પ્રવેશ કરતી હતી; હું એ દીપહીન, જનહીન વિશાળ ખંડમાં પ્રાચીન પાષાણ થંભોની શ્રેણીની વચમાં ઊભો ઊભો સાંભળવા લાગ્યો—ઝમઝમ કરતું ફુવારાનું પાણી સફેદ પથ્થરની ઉપર પડે છે; સતાર પર કોઈ સૂર બજી રહ્યો છે, પણ કયો સૂર બજે છે તે હું સમજી શકતો નથી; ક્યાંક સુવર્ણાલંકારો રમઝમ થાય છે; ક્યાંક નૂપુરની ઘૂઘરીઓ રણકે છે; તો વચમાં જબરદસ્ત તાંબાની ઝાલર ઉપર પ્રહરના ડંકા વાગે છે; દૂર દૂરથી નોબતનો અવાજ આવે છે; લટકતાં પાંજરામાંથી બુલબુલનું ગાન સંભળાય છે; અને બગીચામાંથી પાળેલા સારસનો અવાજ આવે છે. આ બધાંએ મારી ચારેતરફ એ પ્રેતલોકની રાગિણી સરજી દીધી!
મારા મનમાં એવો એક મોહ પેદા થયો—મને લાગ્યું કે આ અસ્પૃશ્ય, અવાસ્તવ ઘટના જ જગતમાં એકમાત્ર સત્ય છે, બાકી બધું મિથ્યા મૃગજળ છે—હું હું છું—અર્થાત્ સ્વર્ગસ્થ અમુકનો જ્યેષ્ઠ પુત્ર શ્રીયુત અમુક છું, અને રૂની જકાત વસૂલ કરી, મહિને સાડી ચારસો રૂપિયાનો પગાર કમાઉં છું, હું સોલાની ટોપી અને ટૂંકો ડગલો પહેરીને બગીમાં બેસીને ઑફિસમાં જાઉં છું—એ બધુંયે મને એવું તો સાવ હસવા જેવું અને સાવ મિથ્યા લાગ્યું કે હું એ વિશાળ નિસ્તબ્ધ અંધારા ખંડની વચમાં ઊભો ઊભો હો હો કરીને હસી પડ્યો!
તે જ વખતે મારા મુસલમાન નોકરે હાથમાં ફાનસ સાથે અંદર પ્રવેશ કર્યો. તેણે મને પાગલ ધાર્યો હશે કે નહીં તેની મને ખબર નથી, પરંતુ તરત જ મને યાદ આવ્યું કે હું માત્ર સ્વર્ગસ્થ અમુક ચંદ્રનો જ્યેષ્ઠ પુત્ર શ્રીયુત અમુકનાથ છું, અને જગતની અંદર કે બહાર ક્યાંય નિરાકાર ફુવારો સદાકાળ ચાલતો હોય, અથવા તો ક્યાંય અદૃશ્ય આંગળાના આઘાતથી કોઈ માયા સિતારી પર અનંત રાગિણી બજતી હોય તો તે આપણા મહાકવિઓ અને કવિવરો જાણે, હું માત્ર એટલું ચોક્કસ કહી શકું કે હું વરીચની બજારમાં જકાત ઉઘરાવી, મહિને સાડી ચારસો રૂપિયાનો પગાર કમાઉં છું.
વળી પાછો મને બે પળ પહેલાંનો મારો અદ્ભુત મોહ યાદ આવ્યો, અને હું ફાનસના અજવાળામાં કૅમ્પટેબલની પાસે છાપું લઈને બેઠો અને કૌતુકથી હસવા લાગ્યો.
છાપું વાંચી અને મુગલાઈ ખાણું ખાઈ, ખૂણાના એક નાનકડા કમરામાં, ફાનસ હોલવી હું પથારીમાં પડ્યો. મારી સામેની ઉઘાડી બારીમાંથી, ગીચ જંગલોવાળા આરાલી પર્વતના માથા પરથી, એક અતિ ઉજ્જ્વળ તારો કરોડો જોજન દૂર આકાશમાંથી, એ અતિ તુચ્છ કૅમ્પખાટ ઉપર પોઢેલા શ્રીયુત જકાત-કલેક્ટરને એકીટશે ધારી ધારીને જોઈ રહ્યો હતો—એ જોઈ હું બહુ નવાઈ અને કૌતુક અનુભવતો ક્યારે ઊંઘી ગયો તેની મને ખબર નથી, કેટલું ઊંઘ્યો તેની યે મને ખબર નથી. અચાનક હું ચમકીને જાગી ગયો—ઘરમાં કંઈ અવાજ થયો હતો એવું નથી, કોઈ અંદર આવ્યું હોય એવું પણ મને દેખાયું નહીં—કાળા ઘોર પહાડના માથા પરથી અનિમેષ નિહાળી રહેલો પેલો તારો આથમી ગયો હતો, અને કૃષ્ણપક્ષની ક્ષીણ ચાંદની અનધિકાર પ્રવેશથી શરમાતી, સંકોચાતી, મ્લાન ભાવે, મારી બારીમાંથી અંદર પ્રવેશ કરતી હતી!
કોઈ મારી નજરે પડ્યું નહીં, તોપણ મને એવું ચોક્કસ લાગ્યું કે કોઈ મને આસ્તે આસ્તે ઢંઢોળી રહ્યું છે, હું જાગી ગયો કે કંઈ પણ બોલ્યા વગર તેણે કેવળ પોતાની વેઢવીંટીઓવાળી પાંચે આંગળીઓનો ઈશારો કરીને, ખૂબ સાવચેતીપૂર્વક મને તેની પાછળ જવાનો હુકમ કર્યો.
હું ખૂબ ચુપકીદીથી ઊભો થયો. જો કે એ સેંકડો ઓરડાઓવાળા, ભયાનક શૂન્યતાવાળા, નિદ્રિત ધ્વનિવાળા, અને જાગતા પ્રતિધ્વનિવાળા વિશાળ મહાલયમાં મારા સિવાય બીજું કોઈ માણસ નહોતું, તોપણ મને ડગલે ને પગલે બીક લાગવા માંડી કે વખતે કોઈ હોય! મહાલયના ઘણાખરા ઓરડા તો હંમેશ બંધ જ રહેતા હતા, અને એ બધા ઓરડાઓમાં હું કદી ગયો પણ નહોતો.
તે રાતે, જાળવીને નિસ્તબ્ધ પગલાં ભરતો અને બીતો બીતો શ્વાસ લેતો, એ અદૃશ્ય આહ્વાનરૂપિણીનું અનુસરણ કરીને ક્યાં જઈ રહ્યો હતો તે આજે પણ હું સ્પષ્ટ કહી શકતો નથી. કેટલા સાંકડા અંધારા રસ્તા, કેટલી લાંબી પરસાળો, કેટલાં ગભીર નિસ્તબ્ધ વિશાળ સભાગૃહો, અને કેટલા બંધિયાર નાનકડા છૂપા ઓરડા વટાવીને હું આગળ ચાલ્યો હતો તેનો કંઈ હિસાબ નથી.
મારી અદૃશ્ય દૂતીને જોકે હું નજરે જોઈ શકતો નહોતો, તોપણ તેનો દેખાવ મારા મનથી અગોચર નહોતો. એ અરબ રમણી હતી—એના ખુલતા આસ્તિનની અંદરથી સફેદ આરસના ઘડેલા હોય તેવા કઠણ ગોળ હાથ દેખાતા હતા. ટોપી પરથી મોં ઉપર એક બારીક વસ્ત્રનો પડદો પડતો હતો અને કમરબંધમાં એક વાંકી કટારી હતી.
મને થયું કે અરબસ્તાનની એક હજાર ને એક રાતમાંથી એક રાત આજે વાર્તાલોક છોડીને આ લોકમાં ઊડી આવી છે, અને હું જાણે અંધારી રાતે ધરતીની અંદર થઈને દીવા વગરના સાંકડા રસ્તા વટાવી કોઈ એક સંકટમય અભિસારે જઈ રહ્યો છું.
છેવટે મારી દૂતી એક નીલરંગી પડદાની સામે આવી એકદમ થંભી ગઈ; જાણે આંગળીઓનો ઈશારો કરી તેણે મને નીચે જોવાનું કહ્યું: નીચે કશુંયે નહોતું; પરંતુ ભયથી મારી છાતીનું લોહી થીજી ગયું!—મને થયું કે એ પડદાની આગળ, જમીન ઉપર, કિનખાબનાં કપડામાં સજ્જ થઈને એક ભયંકર કાફરી ખોજો ખોળામાં ઉઘાડી તલવાર લઈને, બે પગ લાંબા કરીને બેઠો બેઠો ઝોકાં ખાતો હતો. દૂતીએ હળવેથી તેના બંને પગ ઠેકી જઈને પડદાનો એક છેડો ઊંચો કર્યો.
અંદરથી કીમતી ઈરાની ગાલીચો પાથરેલા ખંડનો થોડો ભાગ દેખાયો—તખ્ત ઉપર કોણ બેઠેલું હતું તે દેખાયું નહીં,—માત્ર લાલ રંગના પહોળા પાયજામાની નીચે જરીનાં પગરખાંવાળા બે નાનકડા સુંદર પગ ગુલાબી મખમલના આસન ઉપર, અલસભાવે મૂકેલા હતા એટલું હું જોઈ શક્યો. જમીન ઉપર એક તરફ એક નીલરંગી સ્ફટિક પાત્રમાં કેટલાંક સફરજન, નાસપાતી, નારંગી અને દ્રાક્ષનાં ઝૂમખાં ગોઠવીને મૂકેલાં હતાં, અને એની બાજુમાં એક નાનકડો પ્યાલો અને સોનેરી મદિરાનો કાચનો પ્યાલો અતિથિની રાહ જોતાં હતાં. ઓરડાની અંદરથી કોઈ અપૂર્વ ધૂપના વિચિત્ર માદક સુગંધીદાર ધુમાડાએ આવીને મને વિહ્વળ કરી દીધો.
હું કંપતે હૃદયે તે ખોજાના પહોળા પગ ઓળંગવા ગયો, એટલામાં જ તે ચમકીને જાગી ગયો—તેના ખોળામાંથી તલવાર ઠક કરતી પથ્થરની ફરસબંધી પર પડી ગઈ.
અચાનક એક ભયાનક ચિત્કાર સાંભળીને હું ચમકી ગયો. જોયું તો મારા પેલા કૅમ્પખાટ ઉપર પરસેવે રેબઝેબ થઈને હું બેઠો હતો—સવારના પ્રકાશમાં કૃષ્ણ પક્ષનો ખંડ ચંદ્રમા જાગરણથી થાકેલા રોગીની પેઠે ફિક્કો થઈ ગયો હતો—અને અમારો પાગલ મહેરઅલી તેની રોજની ટેવ મુજબ સવારના સૂના રસ્તાઓમાં ‘આઘા રહો! આઘા રહો!’ ની બૂમો પાડતો પાડતો જતો હતો.
આવી રીતે મારી અરબી વાર્તાઓમાંની એક રાત ઓચિંતી પૂરી થઈ ગઈ—પણ બીજી હજાર રાતો બાકી હતી.
હવે મારા દિવસ અને મારી રાતની વચ્ચે ભારે વિરોધ જાગી પડ્યો. હું દિવસે થાક્યાપાક્યા શરીરે નોકરી કરવા જતો, અને શૂન્યસ્વપ્નમયી માયાવી રાત્રિને શાપ દીધા કરતો—પણ પછી સાંજ પડતી, અને મારું દિવસનું વ્યવસાયી જીવન મને અત્યંત તુચ્છ, મિથ્યા અને હાસ્યાસ્પદ લાગતું.
સાંજ પછી હું વિહ્વળ ભાવે જાણે કોઈ નશાની જાળમાં સપડાઈ જતો. સેંકડો વર્ષો પહેલાંના કોઈ એક વણલખ્યા ઇતિહાસમાંનો હું કોઈ અપૂર્વ પુરુષ બની જતો. તે વખતે મને મારો વિલાયતી ટૂંકો કોટ અને ચુસ્ત પાટલૂન શોભતાં નહીં. તે વખતે હું માથે એક લાલ મખમલની ફેઝ ટોપી પહેરતો, ખૂલતો પાયજામો, ફૂલ ભરેલો જામો અને રેશમી લાંબો ચોગા પહેરતો; રંગીન રૂમાલમાં અત્તર લગાડતો—આમ ખૂબ ટાપટીપથી સજ્જ થતો. સિગારેટ ફેંકી દઈ, ગુલાબજળથી ભરેલો, અનેક ગૂંચળાંવાળી લાંબી નળીનો હૂકો હાથમાં લઈ, ઊંચી ગાદીવાળી મોટી ખુરશીમાં બેસતો, રાતે જાણે કોઈ અપૂર્વ પ્રિયમિલનની આકાંક્ષાથી ખૂબ ઉત્સાહપૂર્વક તૈયાર થતો.
પછી જેમ અંધારું ગાઢ થતું જતું, તેમ કોઈ એવી અદ્ભુત ઘટના બનવા માંડતી કે એનું વર્ણન કરવાની મારામાં શક્તિ નથી—જાણે કોઈ ચમત્કારી વાર્તાના કોઈ છિન્ન અંશો અકસ્માત્ વસંતના પવનમાં અહીં આવીને, આ વિશાળ મહાલયના વિચિત્ર ઓરડાઓમાં ઊડ્યા કરતા હોય એવું લાગતું. થોડેક સુધી એ દેખાતા, પણ પછી એનો પત્તો લાગતો નહીં. હું પણ એ ઊડતા ફરતા છિન્ન અંશોની પાછળ પાછળ આખી રાત ઓરડે ઓરડે દોડ્યા કરતો.
આ ખંડ-સ્વપ્નના વમળમાં,—આ કદીક આવતી હિનાની ગંધમાં, આ કદીક આવતા સતારના ધ્વનિમાં, આ કદીક આવતા સુગંધીદાર જલશીકરવાળા પવનના હિલ્લોલમાં એક નાયિકાને હું ક્ષણે ક્ષણે વિદ્યુતશિખાની પેઠે ચમકતી જોતો. એણે કેસરી રંગનો પાયજામો પહેર્યો હતો, એના શુભ્ર રક્તિમ સુકોમળ પગમાં વાંકી ચાંચવાળા જરીના જોડા હતા, છાતીએ જરીનાં ફૂલ ભરેલી કાંચળી બાંધેલી હતી, માતા પર એક લાલ ટોપી હતી, અને તેમાંથી સોનાની ઝાલર લટકીને તેના શુભ્ર લલાટને અને ગાલને ઢાંકતી હતી.
એણે મને પાગલ બનાવી દીધો હતો. હું એને જ મળવા દરરોજ રાતે, નિદ્રાના રસાતલ રાજ્યમાં સ્વપ્નની ભુલભુલામણીવાળી માયાપુરીમાં ગલીએ ગલીએ અને ઓરડે ઓરડે ભમતો ફરતો હતો.
કોઈ કોઈ વાર સાંજે, મોટા આયનાની બે બાજુએ બે બત્તીઓ સળગાવીને હું ખૂબ ચીવટથી શાહજાદાની પેઠે સાજ સજતો; ત્યારે અચાનક આયનામાં મારા પ્રતિબિંબની જોડાજોડ, એક ક્ષણ, એક ઈરાની તરુણીનું પ્રતિબિંબ આવી પડતું હું જોતો. એક પળ ગરદન બંકી કરીને, એની કાળી કાળી મોટી આંખો વડે, તીવ્ર વેદનાભર્યો અને ઊંડા આવેગભર્યો ઉત્સુક કટાક્ષપાત કરીને, સરસ સુંદર બિંબાધર ઉપર કંઈક અસ્ફુટ ભાષાનો આભાસમાત્ર આપીને, લઘુલલિત નૃત્ય વડે પોતાની યૌવનફૂલે પ્રફુલ્લિત દેહલતાને ઝડપથી પ્રદર્શિત કરીને, ઘડીકમાં વેદના, વાસના અને વિભ્રમનાં હાસ્ય, કટાક્ષ અને વસ્ત્રાભૂષણોનાં તેજકિરણોનો વરસાદ વરસાવી તે આયનામાં જ અદૃશ્ય થઈ જતી!
પહાડ અને જંગલની તમામ સુગંધી લૂંટીને પવન એક પ્રચંડ ફૂંકે વાવા માંડતો અને મારી બંને બત્તીઓને હોલવી નાખતો; હું સાજ સજવાનું છોડીને, પોશાકઘરના એક ખૂણે પથારીમાં પડતો, અને આનંદથી પુલકિત બની આંખો મીંચી દેતો. મારી ચારેકોર એ પવનમાં, અને એ આરાલી ગિરિકુંજની બધી મિશ્ર સૌરભમાં, જાણે અનેક સ્નેહ, અનેક ચુંબન અને અનેક કોમળ કરસ્પર્શથી નિસ્તબ્ધ અંધકાર પરિપૂર્ણ બની ગયો હોય એવું લાગતું હતું. હું મારા કાનની આગળ કંઈ કંઈ મધુર ગુંજન સાંભળતો, મારા કપાળ ઉપર સુગંધી નિ:શ્વાસ આવી પડતો, અને મારા ગાલ ઉપર કોઈ મંદ સૌરભે મહેકતું રમણીય મુલાયમ ઓઢણું વારંવાર ઊડી ઊડીને આવી સ્પર્શતું. ધીમે ધીમે કોઈ મોહિની નાગણ એના માદક બંધનમાં મારાં અંગેઅંગને બાંધી દેતી અને હું ગાઢ નિ:શ્વાસ નાખી, મૂઢ બની ગાઢ નિદ્રામાં પડી જતો.
એક દિવસે સાંજે મેં ઘોડેસવાર થઈ બહાર નીકળી પડવાનો વિચાર કર્યો—પણ કોઈ મને મના કરવા લાગ્યું. એ કોણ હતું તેની મને ખબર નથી, પરંતુ તે દિવસે મેં એનો નિષેધ માન્યો નહીં, એક લાકડાની ખીંટી પર મારી સાહેબી ટોપી અને ટૂંકો કોટ લટકતો હતો; હું તે ઉતારી પહેરવા જતો હતો, એટલામાં શુસ્તા નદીની રેતી અને આરાલી પર્વતનાં સૂકાં પાંદડાંની ધજા ચડાવીને ઓચિંતાનો વંટોળિયો ધસી આવ્યો, અને મારી ટોપી અને કોટને ચકર ચકર ફેરવતો લઈ ચાલ્યો, અને એક અતિ મધુર કલહાસ્ય એ વંટોળિયાની સાથે ઘૂમતું ઘૂમતું મજાકી સ્વરના તમામ પડદાઓ પર આઘાત કરતું કરતું ધીરે ધીરે ઊંચામાં ઊંચા સપ્તક પર ચડીને સૂર્યાસ્તલોકમાં જઈને ભળી ગયું.
તે દિવસે મારાથી ઘોડે ચડી નીકળાયું નહીં, અને બીજા દિવસથી તો મેં એ સાહેબી પોશાક પહેરવો જ છોડી દીધો.
વળી તે જ દિવસે મધરાતે હું પથારીમાં બેઠો થઈ ગયો—કોઈ જાણે ડૂસકાં ભરીભરી છાતીફાટ રુદન કરતું હતું! જાણે મારા ખાટલાની નીચે, જમીનની નીચે, આ વિશાળ મહાલયના પાષાણની નીચે આવેલી ભીની અંધારી કબરમાંથી કોઈ ડૂસકાં ભરી ભરીને રોતું હતું ને બોલતું હતું કે મને બચાવ, મને લઈ જા!—કઠિન માયા, ગાઢ નિદ્રા અને નિષ્ફળ સ્વપ્નાંનાં બધાં બારણાં તોડીફોડીને, તું મને ઘોડા પર બેસાડી, તારી છાતીસરસી રાખીને, વન વટાવી, પહાડ વટાવી, નદી પાર કરી, તારા સૂરજના પ્રકાશથી ઝળહળતા ઘરમાં લઈ જા! મારો ઉદ્ધાર કર!
હું કોણ? હું કેવી રીતે આનો ઉદ્ધાર કરું? આ વમળ ભરેલા, ઘૂમરીઓ ખાતા સ્વપ્નપ્રવાહની અંદર ડૂબતી કઈ કામના સુંદરીને મારે કાંઠે ખેંચી લાવવાની છે? હે દિવ્યરૂપિણી! તું ક્યાં હતી? ક્યારે હતી? તેં કયા શીતલ ઝરણાને કાંઠે, ખજૂરીઓની છાયામાં, કઈ ઘરબાર વગરની રણવાસિનીના ખોળામાં જન્મ લીધો હતો? તને કયો બેદૂઈન ચોર, વનલતા પરથી ફૂલકળીને તોડે તેમ, માતાના ખોળામાંથી ખેંચીને, પાણીપંથા ઘોડા પર સવાર કરીને, ધગધગતી રેતી પાર કરીને, કયા તાજનગરના દાસી-બજારમાં વેચવા લઈ ગયો હતો? ત્યાં કયા બાદશાહનો ગુલામ તારું નવવિકસિત લજ્જાકાતર યૌવનસૌન્દર્ય જોઈ, સોનામહોરો ગણી આપીને તને લઈ ગયો? અને સમુદ્ર પાર કરી, તને સોનાની પાલખીમાં બેસાડીને પોતાના માલિકના અંત:પુરમાં ભેટસોગાદ તરીકે મોકલાવી દીધી! ઓહ, શો ત્યાંનો ઇતિહાસ! એ સારંગીનું સંગીત, ઝાંઝરનો ઝણકાર ને સિરાજની સુવર્ણમદિરાની વચમાં વચમાં કટારીનો ચમકાર, વિષની જ્વાળા અને કટાક્ષનો માર! કેવું અપાર ઐશ્વર્ય! કેવું અનંત કારાગાર! બે તરફ બે દાસીઓ, કંકણના હીરામાં વીજળી ચમકાવતી ચામર ઢોળી રહી છે! શાહાનશાહ બાદશાહ ગોરા પગમાં રત્નજડિત મોજડીઓ પાસે આળોટે છે!—બહાર દરવાજા આગળ જમદૂતના જેવો હબસી, દેવદૂતના જેવો સાજ સજીને, હાથમાં નાગી તલવાર લઈને ઊભો છે! તે પછી, એ રક્તકલુષિત, ઈર્ષ્યાનાં ફીણવાળા, ષડ્યંત્રથી ભીષણોજ્જવળ ઐશ્વર્ય-પ્રવાહમાં તણાઈને, તું મરુભૂમિની પુષ્પમંજરી, કોઈ નિષ્ઠુર મૃત્યુના કિનારે જઈ પહોંચી કે પછી અહીંના કરતાંયે વધારે નિષ્ઠુર એવા બીજા કોઈ ભપકાદાર તટ પર ફેંકાઈ ગઈ?
એવામાં ઓચિંતાનો પેલો પાગલ મહેરઅલી ચીસ પાડી ઊઠ્યો: ‘આઘા રહો! આઘા રહો! સબ જૂઠ હૈ! સબ જૂઠ હૈ!’
જોયું તો સવાર થઈ ગઈ હતી. પટાવાળાએ ટપાલ લાવીને મારા હાથમાં મૂકી, અને ખાનસામાએ આવી સલામ કરીને પૂછ્યું કે આજે કેવું ખાણું તૈયાર કરવાનું છે?
મેં કહ્યું: ‘ના, હવે અહીં રહેવું નથી.’
તે જ દિવસે મારો સરસામાન લઈને હું મારી ઑફિસમાં જતો રહ્યો. ઑફિસનો વૃદ્ધ કારકુન કરીમખાં મને જોઈ જરા હસ્યો. હું ગુસ્સે થઈ, તેના હાસ્યનો કંઈપણ જવાબ ન દેતાં, મારું કામ કરવા લાગ્યો.
પણ જ્યાં સાંજ પડવા આવી ત્યાં મારું મગજ પરવશ થવા માંડ્યું.—હમણાં જ ક્યાંક જવાનું છે એવું મને લાગવા માંડ્યું—રૂનો હિસાબ તપાસવાનું કામ સાવ બિનજરૂરી લાગ્યું, નિઝામની નિઝામત પણ મારે મન કુછ બિસાતમાં ન રહી—વર્તમાનકાળની એકેએક ચીજ, મારી ચારે તરફ જે કંઈ ચાલે છે, ફરે છે, ખાય છે, પીએ છે, કામ કરે છે તે બધુંયે મને બિલકુલ કંગાળ, અર્થહીન અને બિલકુલ માલ વગરનું લાગવા માંડ્યું.
કલમ ફેંકી દઈ, મોટો ચોપડો બંધ કરી દઈ, હું તરત જ બગીમાં બેસીને ઊપડ્યો. જોયું તો બગી એની મેળે બરાબર ગોરજ ટાણે પેલા પાષાણ મહાલયના દરવાજા આગળ આવીને ઊભી રહી. ઝડપથી દાદર ચડી હું ઊપલા ખંડમાં દાખલ થયો.
આજે બધું બિલકુલ શાંત હતું. અંધારો ઓરડો જાણે ગુસ્સામાં મોં ચડાવી બેઠો હતો. પશ્ચાત્તાપથી મારું હૃદય ભરાઈ આવવા લાગ્યું. પરંતુ કોને કહું, કોની આગળ માફી માગું તેની સમજ પડતી નહોતી. હું શૂન્યમનસ્ક બની અંધારામાં ઓરડે ઓરડે ભમવા લાગ્યો. મને થયું કે કોઈ વાદ્ય હાથમાં લઈ હું ગાઉં—પણ કોને ઉદ્દેશીને તે હું જાણતો નથી—કે, હે અગ્નિ! જે પતંગિયું તને છોડીને ભાગી જવાનું કરતું હતું, તે પાછું બળી મરવા માટે આવ્યું છે! આટલો વખત તેને માફ કર, તેની બંને પાંખો બાળી નાખ, ભસ્મસાત્ કરી નાખ!
અચાનક ઉપરથી મારા કપાળ ઉપર બે અશ્રુબિંદુ પડ્યાં. તે દિવસે આરાલી પર્વતના માથા પર ઘનઘોર વાદળાં ચડી આવ્યાં હતાં. અંધારું અરણ્ય અને શુસ્તાનું કાળુંશાહી પાણી કોઈ ભયંકર બનાવની રાહ જોતું સ્થિર બની ગયું હતું. ઓચિંતાનાં જળ, સ્થળ અને આકાશ કંપી ઊઠ્યાં, અને એકદમ વીજળીના દાંત દેખાડતો વંટોળિયો બેડીઓ તોડી ભાગેલા પાગલની પેઠે, દૂરના પથહીન ગાઢ જંગલમાંથી કાળી ચીસ પાડતો દોડી આવ્યો. મહાલયના મોટા મોટા ઓરડા, બારણાં ફડાફડ ભટકાડીને, જાણે તીવ્ર વેદનાથી હૂ હૂ કરીને રુદન કરવા લાગ્યા.
આજે બધા જ નોકરો ઑફિસમાં હતા, અહીં દીવો સળગાવનારુંયે કોઈ નહોતું. અમાવાસ્યાની એ મેઘલી રાતે ઘરની અંદરના કસોટી જેવા કાળા અંધકારમાં હું સ્પષ્ટ અનુભવ કરવા લાગ્યો—કોઈ રમણી પલંગની નીચે ગાલીચા પર ઊંધે માથે પડીને જોરથી બેય હાથની મૂઠીઓ વડે પોતાના લાંબા વિખરાયેલા વાળ પીંખતી હતી. એના ગૌર લલાટમાંથી દડદડ લોહી વહેતું હતું—ઘડીમાં તે હા હા કરી શુષ્ક તીવ્ર અટ્ટહાસ્ય કરી હસી પડતી હતી, તો ઘડીકમાં છાતીફાટ રુદન કરતી હતી; બે હાથે છાતી પરની કાંચળી ફાડી નાખી ઉઘાડી છાતી પર કરાઘાત કરતી હતી. ઉઘાડી બારીમાંથી પવન ગાજતો આવતો હતો, અને મુશળધાર વરસાદ આવીને એના આખા શરીરને ભીંજાવી નાખતો હતો.
આખી રાત વંટોળિયો ચાલુ રહ્યો ને એ રુદન પણ ચાલુ રહ્યું. હું નિષ્ફળ પશ્ચાત્તાપથી બળતો ઓરડે ઓરડે અંધારામાં ભમતો ફરવા લાગ્યો. ક્યાંયે કોઈ હતું નહીં, કોને સાન્ત્વન આપું? આવો ભયાનક શોક કોણ કરતું હતું? આવા છાતીફાટ દુ:ખનું કારણ શું હતું?
પેલો પાગલ ચીસ પાડી ઊઠ્યો: ‘આઘા રહો! આઘા રહો! સબ જૂઠ હૈ! સબ જૂઠ હૈ!’
જોયું તો સવાર થઈ ગઈ હતી, અને મહેરઅલી આવા તોફાની દિવસે પણ યથાનિયમ મહેલની પ્રદક્ષિણા કરતો એની રોજની બૂમ સંભળાવી રહ્યો હતો. ઓચિંતાનો મને ખ્યાલ આવ્યો કે કદાચ આ મહેરઅલી પણ મારી પેઠે એક વખતે આ મહેલમાં રહેતો હશે, અને પાગલ બની ગયા પછી પણ આ પાષાણ-રાક્ષસના મોહથી ખેંચાઈ રોજ સવારે મહેલની પ્રદક્ષિણા કરવા આવે છે.
મેં તરત જ વરસતા વરસાદમાં એ પાગલની પાસે દોડી જઈ એને પૂછ્યું: ‘મહેરઅલી ક્યા જૂઠ હૈ રે?’
મારા સવાલનો કંઈ પણ જવાબ આપ્યા વગર તે મને હડસેલીને અજગરનો કોળિયો થવા જતા મોહાંધ પંખીની પેઠે ચીસો પાડતો પાડતો એ મહાલયની ચારે તરફ ફરવા લાગ્યો, અને મરણિયો બની પોતાને સાવધ કરવા માટે ફરી ફરીને બોલવા લાગ્યો: ‘આઘા રહો! આઘા રહો! સબ જૂઠ હૈ! સબ જૂઠ હૈ!’
એવા વાવંટોળ અને વરસાદમાં પણ હું પાગલની પેઠે ઑફિસમાં ગયો; એકદમ કરીમખાંને બોલાવીને મેં પૂછ્યું: ‘મને આનો અર્થ સમજાવ!’
ડોસાએ જે કહ્યું તેનો સાર એ કે ‘એક વખત આ મહાલયમાં અનેક અતૃપ્ત વાસનાઓ, અને અનેક ઉન્મત્ત ભગોવિલાસોની ધૂણી ધખતી હતી—એ બધા ચિત્ત-દાહથી, એ બધી નિષ્ફળ કામનાઓના અભિશાપથી આ મહાલયનો એક એક પાષાણ ભૂખ અને તરસથી પીડાય છે, અને કોઈ જીવતો માણસ મળી આવે તો તેને લોલુપ પિશાચણીની પેઠે ખાઈ જવા ચાહે છે. ત્રણ રાત જેઓ એ મહાલયમાં રહ્યા છે તેમનામાંથી માત્ર એક મહેરઅલી ગાંડો થઈને બહાર આવ્યો છે, બીજો કોઈ હજી સુધી એનો કોળિયો થતો બચ્યો નથી.’
મેં પૂછ્યું: ‘તો મારો બચવાનો શું કોઈ રસ્તો નથી?’
ડોસાએ કહ્યું: ‘એક રસ્તો છે, પણ તે બહુ અઘરો છે. એ હું તમને કહું છું—પણ તે પહેલાં એ ગુલબાગની એક ઈરાની દાસી, જેને વેચાતી લેવામાં આવેલી, તેનો ઇતિહાસ કહેવો પડશે. એના જેવી અદ્ભુત અને હૃદયવિદારક ઘટના દુનિયામાં કદી બની નહીં હોય!’
*
એટલામાં કુલીઓએ આવીને ખબર આપ્યા કે ગાડી આવે છે. એટલામાં? અમે ઝટઝટ બિસ્તરા બાંધવા માંડ્યા, એટલામાં તો ગાડી આવી ગઈ. એ ગાડીના ફર્સ્ટ ક્લાસની બારીમાંથી ડોકું કાઢી કોઈ અંગ્રેજ ઊંઘમાંથી ઊઠીને, સ્ટેશનનું નામ વાંચવાનો પ્રયત્ન કરતો હતો; અમારા સહપ્રવાસી પેલા ગૃહસ્થ તરફ તેની નજર પડતાં જ તે ‘હલ્લો!’ કરીને બૂમ પાડી ઊઠ્યો, અને તે ગૃહસ્થને તેણે પોતાના ડબ્બામાં લઈ લીધા. અમે સેકંડ ક્લાસમાં બેઠા, એ ગૃહસ્થ કોણ તેની પણ ખબર પડી નહીં, અને વાર્તા પણ પૂરી સાંભળવા મળી નહીં.
મેં કહ્યું: ‘એ માણસ આપણને મૂરખ સમજી ગમ્મત કરી બનાવી ગયો!—આખીયે વાત બનાવટી લાગે છે.’
પછી જે ચર્ચા થઈ તેને પરિણામે મારા થિયૉસોફિસ્ટ મિત્ર સાથેનો મારો સંબંધ કાયમને માટે તૂટી ગયો.
*
જો તમને આ પોસ્ટ ગમી હોય તો `આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે: www.e-shabda.com/blog
કવિ સુરેશ દલાલના જન્મદિનની પુણ્યસ્મૃતિમાં ઇ-શબ્દ પર સુરેશ દલાલની તમામ ઇ-બુક્સ પર તા. ૩૧/૧૦/૨૦૧૪ સુધી ૪૦ % સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કરે છે.
[Bhukhya Pashan: Gujarati Translation of Ravindranath Tagore’s Kshudhit Paashan, translated by Ramanlal Soni, e-shabda blog posted on 17th October 2014]
Swapno na look ma gaya ….paristan