સુરેશને જ્યારે મારું પુસ્તક નિસ્બત અર્પણ કરવાનો વિચાર કરતી હતી ત્યારે મારે અર્પણપંક્તિ વિશે ઊંડો વિચાર ન કરવો પડ્યો. એ પંક્તિ સહજ જ સૂઝી:
તું મિત્ર…
મમતાભર્યો
જીવન ને કવિતાભર્યો…
મારી દૃષ્ટિએ સુરેશ એટલે મૈત્રીની મમતા અને કવિતા. મૈત્રી અને કવિતા આ બે શબ્દ દ્વારા માત્ર હું જ નહીં પણ અનેક મિત્રો અને કવિઓ સુરેશને ઓળખે છે. સુરેશનો આ જાદુ છે. એ કવિઓને મિત્ર બનાવે છે અને મિત્રોને કવિ બનાવે છે. દેશવિદેશમાં કેટલા બધા મિત્રોને કવિ બનાવે છે એ! અમેરિકા આવે છે ત્યારે સવારની ચ્હા પીતાં બેઠાં હોઈએ ત્યારથી જ દેશના ફોનની ઘંટડી રણકવા માંડે છે. આ ફોન સુશીના હોય એ તો સમજી શકાય પણ એ એના કેટલા બધા મિત્રોના હોય છે! એના વિના સાવ સૂના થઈ ગયેલા મુંબઈ/અમદાવાદથી બધા એને પૂછે કે પાછા ક્યારે આવો છો? આવી મૈત્રી કેળવી કેવી રીતે? અથવા એનું રહસ્ય શું છે? આ બે પ્રશ્નોના જવાબ હું દેશ આવું છું ત્યારે જડી જાય છે. એના વ્યસ્ત જીવનમાંથી મારે માટે પૂરતો સમય અચૂક ફાળવે અને મને મળે જ મળે. અને એનું મળવાનું એવું નહીં કે દસ માણસ વચ્ચે બેસીને ઊભડક વાતો કરીને પતાવી દે. એની નિરાંતની ક્ષણો એટલે તાજની સી-લાઉન્જ અને પ્રેસિડેન્ટનો લાયબ્રેરી-બાર. ત્યાં ગાળેલા કલાક બે કલાક કે ચાર કલાક એ બધો જ ક્વોલિટી સમય. એમાં બીજાઓની દખલ નહીં. એટલો સમય મનથી ને વાણીથી એ સતત આપણી જ સાથે છે એની પ્રતીતિ કરાવે.
અમેરિકામાં અમારે ત્યાં દેશમાંથી અનેક લોકો આવે અને રહે. એમને માટે અમે સારો એવો સમય ફાળવીએ, આસપાસ-દૂર ફરવા લઈ જઈએ, અને ખરીદી પણ કરાવીએ. એ લોકો અમારો અધધધ આભાર પણ માને અને દેશમાં એવી જ આગતાસ્વાગતા સ્વીકારવાનું નિમંત્રણ આપે. અમે દેશ આવીએ ત્યારે આ બધી જ વ્યક્તિઓ ક્યાંક અદૃશ્ય થઈ જાય છે. ફક્ત સુરેશ, હા સુરેશ જ, એક એવી વ્યક્તિ છે જે બેવડા વ્યાજથી નવાજે. એની વાત જ સાવ જુદી છે. એ મિત્રોને ભૂલતો નથી. એનાથી થાય એટલું બધું જ કરી છૂટે. વળી, મિત્રોના જીવનની કટોકટીના કપરા સમયે સુરેશ હંમેશાં સાથે જ ઊભો હોય. એની મૈત્રી ખાણીપીણી પૂરતી મર્યાદિત નથી હોતી. સુરેશ મિત્રોના જીવનના અંગત પ્રશ્નોમાં, એમની સમસ્યાઓમાં જીવંત રસ લે, સલાહ આપે, અને મદદરૂપ થાય. પાંચ આંગળીએ પુણ્ય કર્યા હોય એને જ સુરેશ જેવો મિત્ર સાંપડે.
એને મિત્રો પણ જુદા જુદા ક્ષેત્રોમાંથી મળે છે. એને એવું નથી કે એ મુંબઈનો મોટો સેલેબ્રિટી છે એટલે ભવાં ચડાવીને બેસી રહે. પ્રસિદ્ધ ડોક્ટર, સાહિત્યના પ્રાધ્યાપક, લોખંડબજારનો વેપારી, મુંબઈનો ઉદ્યોગપતિ, હીરાનો વેપારી, સરકારી ઉચ્ચ અધિકારી, બીજા પ્રાંતના કવિ—આમ અનેક ક્ષેત્રમાંથી એને લોકો મળી રહે છે. ખરું પૂછો તો સુરેશને માણસની ભૂખ છે. न मानुषात् श्रेष्ठतरं हि किंचित्—આ વેદવાક્ય સુરેશે જાણે આત્મસાત્ કર્યું છે. સુરેશની આ ભૂખને કારણે એ અનેક પ્રકારના અને અનેક સ્તરના, અનેક ભાષાના, દેશવિદેશના માણસોની મૈત્રી માણી શકે છે. એ ભૂખને કારણે જ લોકો એને શોધતા આવે છે. વહેલી સવારથી એના ફોનની ઘંટડી શરૂ થઈ જાય. છેક રાત સુધી એ લોકોથી ઘેરાયેલો રહે છે. એ દીકરીઓને, ભાઈઓને અને સગાંઓને પણ મિત્ર બનાવે છે. એની મૈત્રીમાં એક ક્ષમતા છે, તો માનવની સમતા પણ છે.
સુરેશનો એક જ શબ્દમાં પરિચય આપવો હોય તો કહી શકાય કે સુરેશ એટલે જલસાનો માણસ. એની આજુબાજુ બસ જલસા જ જલસા અને મઝા જ મઝા. એની આસપાસ ઉલ્લાસ અને આનંદની છોળો જ ઊડતી હોય. આ વાતાવરણની જે પ્રસન્નતા છે એ લોકોને આકર્ષે છે. હું દેશ આવું છું ત્યારે અનેક સાહિત્યકારોને મળવાનું બને છે. ઘણા તો સોગીઆ મોઢા લઈને બેઠા હોય છે. ઘણાની આજુબાજુ એકેએક શબ્દ તોલી તોલીને બોલવો જોઈએ એમ લાગે. ત્યારે સુરેશની સાથે ગપ્પાં મારી શકાય. ઠઠ્ઠા મશ્કરી કરી શકાય. આપણા કેટલાક મૂર્ધન્ય સાહિત્યકારોની આજુબાજુ ગંભીર અને તંગ વાતાવરણ હોય, બધું ભારે ભારે લાગે ને એ ભાર નીચે આપણે દબાઈ જઈએ. સુરેશની આજુબાજુ હળવાશ હોય, મસ્તી હોય, અને ખુશી હોય. આનો અર્થ એવો નથી કે કામ થતું નથી. ઊલટું, સુરેશ જેટલા પ્રવૃત્ત અને ફળદ્રૂપ સાહિત્યકારો ગુજરાતમાં જૂજ મળે. વાર્તા, નિબંધ, સંપાદન, પ્રવચન, અધ્યાપન, રેકોર્ડિંગ, કવિતા—સૌથી વિશેષ કવિતા—વગેરે અનેક પ્રવૃત્તિઓમાં સુરેશ નિરંતર ગુંથાએલો રહે છે. સાહિત્ય અને વિશેષ તો કવિતા એને માટે માત્ર નવરાશની ઇતર પ્રવૃત્તિ કે શોખ નથી, એ એનું જીવન છે. છેલ્લા ચાર દાયકાથી સુરેશ કવિતામાં પ્રવૃત્ત છે, એ એના જીવનનું સાતત્ય છે. કવિતાનો સાચો પ્રેમ ત્યારે જ કહી શકાય કે જ્યારે કવિ બીજાની કવિતા પણ વાંચે. આપણા કવિઓને મોઢે ભાગ્યે જ અન્ય કવિઓની રચના સાંભળવા મળે. જ્યારે સુરેશને મોઢે ગુજરાતી અને બીજા સાહિત્યની ઉત્તમ કવિતા સતત બોલાયા કરતી હોય છે. એને આ કવિતાધન શોધવા જવું પડતું નથી. એ એને કંઠસ્થ છે. એમ કહી શકાય કે ગુજરાતમાં કોઈ આપત્તિ આવે અને ગુજરાતી કવિતાના ઘણા જ ગ્રંથો નાશ પામે પણ જો સુરેશ જીવતો હોય તો ગુજરાતી કવિતા બચી ગઈ સમજો. એ પોતાને કંઠેથી જ ગુજરાતી કવિતા—ઉત્તમ ગુજરાતી કવિતા—લખાવી શકે એવી છે એની સ્મરણશક્તિ અને એવો છે એનો કવિતાપ્રેમ.
આમ, મૈત્રી અને કવિતા—આ બે ખભે સુરેશનું જીવન ચાલી રહ્યું છે. એટલા માટે જ મારી અર્પણપંક્તિ સહજ જ સ્ફૂરી. મૈત્રી અને કવિતાથી જેનું જીવન સભર છે એવો સુરેશ હવે શું કરશે? અને મને ખાતરી છે કે એનું એ જ. એટલે કે વધુ ને વધુ મૈત્રી અને વધુ ને વધુ કવિતા. મિત્રો એને બદલવા પ્રયત્ન કરે છે. કોઈ કહે છે કે સિગારેટ ઓછી કરો, કોઈ કહે છે ફાંદ ઓછી કરો, કોઈ કહે છે કે પ્રકાશન ઓછું કરો, કોઈ કહે છે કે ટૅક્સી ઓછી કરો, કોઈ કહે છે કે ગપાટા ઓછા કરો, કોઈ કહે છે કે આખાબોલાપણું ઓછું કરો. આ બધા લોકોને ખબર નથી કે સુરેશ માટે આ બધું ગૌણ છે. એની નજર તો એકલવ્યની જેમ કવિતા અને મૈત્રી પર છે.
‘વેવલેન્થ’ પુસ્તકની પ્રસ્તાવનામાંથી, ૧૯૯૫
પન્ના નાયક
જો તમને આ પોસ્ટ ગમી હોય તો `આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે:www.e-shabda.com/blog
[Jalsano Manas: Article by Panna Naik, e-shabda blog posted on 11th October 2014]
sureshbhai mate jetlu pan lakhiye te ochhu lagse