સમૂહલગ્નમાં નવપરિણીત દંપતીઓ સમક્ષ બોલતાં મેં પરણી ઊતરેલા યુવાનોને કહ્યું, `જુઓ પરણ્યા પછીનાં શરૂઆતનાં વર્ષો જ જીવનનાં સારામાં સારાં વર્ષો હોય છે. પરંતુ યુવા મિત્રો, તમે ભાવાવેશમાં આવી તમારી પત્નીને ભૂલથી પણ એવું ન કહેતાં કે પ્રિયે મને બધી ખબર છે હું જાણું છું કે હું તારે માટે લાયક નથી.’
થોડી સરપ્રાઈઝ તેના માટે પણ રહેવા દેજો.
મથુરે તેની પત્નીને દસમા દિવસે કહ્યું, `પ્રિયે હવે હું તને જો તારા અવગુણ બતાવું તો મને લાગે છે તને ખોટું નહીં લાગે. મથુરનાં પત્નીએ કહ્યું, `મને મારા અવગુણોની બધી ખબર છે એટલે તો ક્યાંય સારા ઠેકાણે મારું સગપણ ન થયું.’
મથુર કરતાં મારો મિત્ર વિઠ્ઠલ વધુ હોશિયાર. તેની પત્ની જરાક ઊંચા સાદે વાત કરે, કજિયાની તૈયારી કરે ત્યાં વિઠ્ઠલ નાક પર આંગળી રાખી કહી દે, `ચૂપ, બાપુજી સાંભળી જશે.’ તેની પત્ની વનિતા પણ વડીલોની આમન્યા રાખવી જોઈએ આવું સમજીને શાંત થઈ જતી. વિઠ્ઠલના બાપુજી ગુજરી ગયા પછી વનિતાને ખબર પડી કે બાપુજી તો સાવ બહેરા હતા.
`મને આટલાં વર્ષ બાઝવા કેમ ન દીધી?’ આવું કહી એ વિઠ્ઠલ સાથે બાઝી ત્યારે તેને નિરાંત થઈ.
પ્રેમલગ્ન સિવાયનાં લગ્નોમાં પત્ની પ્રથમ પ્રિયતમાના રૂપમાં જીવનમાં પ્રવેશે છે. લગ્ન પહેલાં પ્રેમપત્રો લખવાનો લહાવો અમુકને મળી જાય છે, અમુક સપનાં જોતા રહી જાય છે પણ મેં પ્રેમપત્રો લખ્યા, મન ભરીને લખ્યા, જીવતરની ઠલવાય એટલી મૂર્ખાઈ ઠાલવી, આ અવસ્થામાં બુદ્ધિ તો હોતી જ નથી. જે હોય છે તે અરમાનો, ઉમંગો, પ્રેમના પ્રલાપો અને ભાવનાઓ જ હોય છે.
મારા કાર્યક્રમોમાં હું વર્ણવું છું એવું બધું વાસ્તવિક જીવનમાં પણ હું કરી ચૂક્યો છું. મૂલ્યવાન કીમતી કાગળો હું બજારમાંથી લઈ આવતો. તેની ડાબી સાઇડમાં રંગીન સ્કેચપેનોથી સુંદર દૃશ્યો દોરતો, એમાં રંગો પૂરતો.
ઇમેજ દ્વારા તાજેતરમાં પ્રકાશિત પુસ્તક ચાંદો ઊગ્યો ચોકમાંથી
સુંદર સરોવર, તેના કિનારા પર સરુનાં વૃક્ષો, દૂર ક્ષિતિજમાં દેખાતા હિમાચ્છાદિત શ્વેત પહાડો, સરોવરમાં એક હોડી અને હોડીમાં માત્ર બે જ પ્રિયતમ અને પ્રિયતમા. ક્યારેક માત્ર પુષ્પ પર ગુંજારવ કરતો ભ્રમર તો ક્યારેક શમા-પરવાનાનું ચિત્ર, થોડી જગ્યા વધી હોય તો હું વૃક્ષની એક ડાળી પર બેઠેલાં બે પંખીઓ અને પાછળ ચંદ્રમાનું ચિત્ર દોરતો.
અને લખાણ?
`અમાસના અંધકારનું કાજળ બનાવી તારી આંખોમાં આંજી દઉં? ઉષાની લાલિમાનું સિંદૂર બનાવી તારી માંગમાં ભરી દઉં? આકાશમાંથી શુક્રતારિકા તોડી તારા ભાલમાં ચોંટાડી દઉં કે મેઘધનુષની ઓઢણી બનાવી તને ઓઢાડી દઉં?’ મને બરાબર યાદ છે, મારી આવી ઉત્કટ ભાવના, અને પ્રેમનો પ્રતિભાવ સાબિરાએ વળતા પત્રમાં એટલો જ આપેલો કે `મારે આવું કાંઈ પણ જોતું નથી. હવે મળવા આવો ત્યારે બે બાંધણી લેતા આવજો.’
સંયુક્ત પરિવારમાં ઉત્કટ ઝંખના હોવા છતાં પતિ-પત્ની દિવસે એકબીજાને મળી નથી શકતાં. પત્નીને કપડાં ધોતી, રસોઈ બનાવતી કે સંજવારી કાઢતી ચોરીછૂપીથી જોઈ શકાય છે.
આખો દિવસ વિરહમાં વ્યતીત થયા પછી રાત્રે જ મિલન શક્ય બનતું. અઢાર મોટા સભ્યો અને દસ નાનાં બાળકો. કુલ અઠ્યાવીસ સભ્યોના સંયુક્ત પરિવારમાં હું અડતાલીસ વર્ષ રહ્યો છું.
મને ગમે તે મારું, પણ જો તને ગમે તે તારું તારું મારું ને ગમવું પણ લાવને કરીએ સહિયારું તું જીતે ને થાઉં ખુશી હું લાવને ફરી ફરી હારું?
એ હારવામાં પણ મજા હતી. આમાં પત્નીનું કામ બેવડે દોરે હોય છે.
જો મૈં જીતું તો પિયુ મેરો। જો મૈં હારુ તો મૈં પિયુ કી।।
આ અવસ્થાનો અમે ભરપૂર આનંદ માણ્યો છે. સાબિરાએ મારા જીવનમાં પ્રિયતમા તરીકે પ્રવેશ કર્યો એ રંગીન ખ્વાબો, હસીન દુનિયા અને અરમાનોનું કાલ્પનિક જગત ધીરે ધીરે જીવતરની વાસ્તવિકતામાં બદલવા લાગ્યું.
અમે મન મૂકીને પ્રેમ કર્યો છે, પ્રેમની ઊર્જાનું મિલનમાં પરિવર્તન થયું છે અને એ સુખદ ક્ષણોની પ્રતીતિરૂપે બાળકોના જન્મ થયા છે.
પરિવારનાં દસેક બાળકોમાં મારાં ચાર સંતાનો મુની, પાપા, આબિદ, ફજુ ક્યારે મોટાં થયાં તે પણ ખ્યાલ નથી રહ્યો.
લગ્નજીવનમાં કાયાનાં કામણ ઓસરી ગયાં ત્યારે સમજણનો સથવારો સાંપડ્યો અને બાઝવા જેવી બંનેમાં ક્ષમતા આવી ત્યાં અનુભવનું ઊંડાણ ભળ્યું એટલે જીવતરમાં સર્જાતી સમસ્યાઓ આપમેળે ઉકેલાતી ગઈ. જીવતરનો સારાંશ એટલો જ સમજી શક્યો છું કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં સમસ્યા નથી હોતી.
સબ સે ઊંચી પ્રેમ સગાઈ।
જો તમને આ પોસ્ટ ગમી હોય તો `આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે:www.e-shabda.com/blog
[Sabse Unchi Prem Sagai, by Shahbuddin Rathod, e-shabda blog posted on 1st October 2014]
2 comments
surendra ashar
Great..small daily talk but reveals the facts of society… Understanding his talk and follow the same to make
your life happier
Great..small daily talk but reveals the facts of society… Understanding his talk and follow the same to make
your life happier
Awesome