આજના ઇ-શબ્દમાં કઇંક જુદું, કઇંક નવું… હા, તાજી માજી ગુજરાતીમાં માણો લેખિકા ધૃતિ સંજીવની કલમે… કેવી રીતે આપણે પશ્ચિમ તરફ અને પશ્ચિમ આપણે તરફ આવી રહ્યું છે… વર્તમાનનો આધાર લઈને લેખિકાએ પ્રસ્તુત કરેલું કલ્પના-ચિત્ર ખરેખર મજા આવે એવું છે…
[સૌજન્ય: ચિત્રલેખા]
મને એજ સમજાતું નથી કે આમ શાને થાય છે?
દેશ ત્યાંનો ત્યાં જ રહે ને દિશા બદલાઈ જાય છે!!
એમ લાગે છે કે ‘પૂરબ ઔર પશ્ચિમ’ મૂવીએ U ટર્ન માર્યો. પૃથ્વી ગોળ ફરે છે એ વાત હવે સમજાઈ રહી છે. કારણકે દેશ પશ્ચિમમાં અને ડોલરિયો દેશ પૂર્વમાં આવી ગયો હોય એવો આભાસ થાય છે.
ખોરાકમાં અને આચરણમાં અહીંના ઘણાં લોકો આપણી પૌરણિક સંસ્કૃતિને વળગી પડ્યાં છે. અમુક લોકો Veganism ફોલો કરતાં થઇ ગયાં. એક જમાનો હતો જ્યારે ડોલરિયા દેશમાં અમે વેજીટેરીયન છીએ કહેતાં તો સામે પૂછતાં કે: ‘તો ફીશ લેશો કે ચીકન!?’ (હાં…એ વાત અલગ છે કે દેશમાં અમે વેજીટેરીયન છીએ કહીએ તો અમારી પર શક કરતાં) આજે અમેરિકામાં એમ કહો કે અમે vegan છે, તો ફટાક દઈને પ્યોર વેજીટેરીયન આઈટમ્સનું લીસ્ટ સામે ધરી દે. ક્રુઝમાં તો જૈન ફૂડની સાઈન ઝૂલતી થઇ ગઈ. ચપટી લાલ મરચા વાળું ફૂડ ખાઈને કિલો લાલ મરચું ફેસ પર લગાવ્યું હોય એટલા લાલ થઈને પણ હવે અહીંના લોકો સ્પાઈસી ફૂડના ચાહક બન્યાં છે.
અહીં Dr. Ozના હેલ્થ શોની ટીઆરપી આપણે ત્યાં કોઈ બાબાના શોની હોય એવી સોલ્લીડ…હેલ્થ કોન્શિયસ લોકો રીલીજીય્સ્લી આ પ્રોગ્રામ જોવે. જો કે મને ડાઉટ છે કે મારા આ ફેવરિટ ડોક્ટર દેશની કોઈ સરળ રોગોપચાર ચોપડીનું અંગ્રેજીમાં અનુવાદ કરાવીને જ એમના પ્રોગ્રામે ફેમસ થયા છે. એ તેલ અને માર્જરીનને બદલે ઘી ખાવાના ફાયદા સમજાવે છે. એ તો તુલસીના (છોડ વાળી…ચોખવટ પૂરી.) પણ ભરપેટ વખાણ કરે! Dr Oz આપણા રસોડાનાં સેનાપતિ જેવા લક્કડિયાના રાઝ ડોલરિયા દેશમાં ખોલી રહ્યાં છે. જે રીતે એ ગોળ, હળદર, મેથી, વાલીયાળી, રાઈ, જીરુંના ગુણગાન ગાય છે એ જોઇને અત્યારથી મને આવનાર વર્ષોમાં જે ચેન્જીસ આવશે એ દેખાવા માંડ્યા. સ્ટોરના પાટિયા પર ફ્યુચર નામ વંચાવા માંડ્યા. ટૂંક સમયમાં મેકડોનાલ્ડવાળા ફ્રેંચ ફ્રાય ઘીમાં તળીને ઉપર રાઈ, જીરૂનો વઘાર કરીને હેલ્ધી ફૂડ કહીને વેચશે…પાક્કુ! ‘કોફી વિથફેન્યૂગ્રીક’ આવું ભારે ભરખમ સ્લોગન સ્ટારબક્સની શાન બનશે. જેમાં મેથીનો પાવડર નાખેલી કોફી લોકોને આપીને કડવામાં કડવું ઉમેરશે. બે મેથીના લીલા પાંદડા દોરેલી એ બોટલ લઈને સવારની શરૂઆત લોકો સાત્વિક કોફીથી કરશે. ડંકીન ડોનટ વાળા ‘જૅગરી ડોનટ વિથ કમિન સીડ્સ’ નામ સાથે ગોળના ડોનટ પર જીરું ભભરાવશે ખાંડ ખવાની ડોકટરે ના પાડી હોય પણ સ્ટાઈલમાં ‘ટુ મચ સુગર’ કહીને સ્વીટ હડસેલતાં લોકો આવા ડોનટના પ્રેમમાં પડશે. હર્શી વાળા ચોકલેટ અને સ્ટ્રોબેરી ફ્લેવર્ડ મિલ્ક સાથે હળદળ વાળા પીળા રંગની દૂધની બોટલ બહાર પાડશે. એને NAMO (Natural Antibiotic Milk Origin) જેવું નામ આપીને ફાર્માસ્યુટિકલ કંપનીના પેટ પર લાત મારશે. પેપ્સી અને કોક વાળા તુલસી ફ્લેવરનું ‘હોલી-ડ્રીંક’ બહાર પાડીને લોકોને સવાર સાંજ ગિલ્ટ ફ્રી પીવા મજબૂર કરશે. જ્યુસીફ્રુટ વાળા વાલીયાળી ફલેવરની ચ્યુંઈંગ ગમ ‘મુખવાસ’ નામે બહાર પાડશે.
આપણું નાળિયેર પાણી તો અહિયાં ક્યારનું ફેમસ થયું છે, જે હવે ઓરેન્જ અને પાઈનેપલ ફ્લેવરમાં કન્વર્ટ થઈને સ્ટોરમાં અમને કન્ફયુઝ કરે છે. જ્યારથી આપણે દેશમાં પિઝા અને પાસ્તા ફ્લેવરના ખાખરા મળતાં થઇ ગયા ત્યારથી જ અમેરિકન સ્ટોરમાં વધારના મરચા અને તમાલપત્રએ પગપેસારો કર્યો છે. અહીંના લોકોને બાસમતી એ રાઈસનો કિંગ કહેવાય એવું ખબર પડી છે. પ્રોટીનના નામે આપણી જુદી જુદી દાળ અને રસાવાળા કઠોળને અંગ્રેજી સૂપના નામ આપી, સબડકા મારીને પીતાં થઇ ગયા. કરી કરતાં આવડે કે ના આવડે પણ ‘કરી મસાલા’ વસાવતાં થઇ ગયા. ભલે અમેરિકા ડંકાની ચોટે કહે કે એમનું કોકોનટ ઓઈલ પર કરેલું રિસર્ચ લેટેસ્ટ છે અને એના ઘણા ફાયદા છે. હકીકતમાં સાઉથ ઇન્ડિયન કિડ્સ સ્પેલિંગ બી કોન્ટેસ્ટમાં અથવા તો સ્કૂલ કે કોલેજની પરીક્ષામાં કાયમ અવ્વલ નંબરે જ આવે એ એમની નજરમાં હતું જ. એમની સ્માર્ટનેસનું કારણ કોકોનટ ઓઈલ હશે એ વાતને પકડીને જ કોકોનટ ઓઈલના વખાણ કર્યા હશે….આ મારું પોતાનું સજ્જડપણે કરેલું રિસર્ચ છે.
બાકી હતું તો ડોલરિયા દેશનાં લોકો હવે આપણું ઋષિમુનીઓ ફેમ મેડીટેશન અને યોગામાં બિલીવ કરવા માંડ્યા. મેડીટેશન માટે આપણી સાદડી/ચટ્ટાઈ પણ અહીંના સ્ટોરોમાં આવી ગઈ. આપણે ત્યાં બ્યુટીપાર્લર હોય એમ અહીં ઠેર ઠેર મેડીટેશન અને યોગા સેન્ટર ખૂલવા માંડ્યા. ‘ૐ’ કેવી રીતે બોલવું અને એનાથી થતી અસર એ આપણને સમજાવવા લાગ્યાં. થેન્ક ગોડ… અગરબત્તી તો અમે નાનપણથી દેશમાં જોઈ છે એટલે આપણી કહી શકીએ, બાકી અમારી નેક્સ્ટ જનરેશન એરફ્રેશનરની જગ્યાએ વપરાતી અગરબત્તીને ડોલરિયા દેશની કહે તો નવાઈ નૈ!
અને છેલ્લે… એમના બાળકોમાં હવે માયા જહોન્સન, મીરાં સ્મિથ કે મોહન વિલિયમ્સ નામ સંભળાય છે. જ્યારે આપણા બાળકો ડીલન શાહ, ડેવન પટેલ કે કિયા શાસ્ત્રીના નામે સ્કૂલમાં દાખલ થાય છે.
ધૃતિ સંજીવ
1 comment
H N JOSHI
Dear Druti,
Do share your article. I am a regular reader of CHITRALEKHA.
Dear Druti,
Do share your article. I am a regular reader of CHITRALEKHA.