આજે, તા. ૯ સપ્ટેમ્બર એટલે લિઓ તૉલ્સતોયની જન્મતિથિ. વિશ્વ સાહિત્યમાં તૉલ્સતોયનું પ્રદાન અગ્રેસરનું રહ્યું છે. મહાત્મા ગાંધી પોતાના અસહકારના વિચારને તૉલ્સતોયના Kingdom of God is Within You પુસ્તકથી સ્ફૂર્યો હોવાનું કહે છે. ઇ-શબ્દ આ મહાન લેખક-ચિંતકને અંજલી આપતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ઇ.સ.૧૯૩૭ માં જન્મભૂમિમાં જે લેખ લખ્યો હતો તે વાચક સમક્ષ મૂકે છે. લેખની પૂર્વભૂમિકા તૉલ્સતોયના જીવનનાં અંતિમ તબક્કાને અનુલક્ષીને છે. અને છેલ્લે આપણને જ પૂછે છે કે આપણે તેમના વિષે ટિપ્પણી કરવા કેટલી લાયકાત ધરાવીએ છીએ?
મુર્દાં ચીરવાની મનોવૃત્તિએ સાહિત્યના જગતમાં ત્રાસ વર્તાવ્યો હોય એમ નથી લાગતું? એ વૃત્તિ ચીરીને જ નથી અટકી, મુડદાલ માંસ પણ ખાતી થઈ છે. મરી ગયેલા ગ્રંથકારોની ખ્યાતિનો લાભ ઉઠાવવા માટે એમના સંસારજીવન ફેંદનારી જે વૃત્તિ છે, તે છે ચમાર-વૃત્તિ. પશ્ચિમમાં એ પ્રલોભન હદ કુદાવી ગયું છે.
આ વિચારો પ્રેરનાર એક લેખ છે: `વૉઝ તૉલ્સતોય એ હંબગ?’ એ લેખ તૉલ્સતોયનાં છેલ્લાં વર્ષોનાં રુધિરમાંસ આજે સત્તર વર્ષની અવધ વીત્યા પછી ચીરે છે.
1910ના ઑક્ટોબરની 28મી તારીખે તૉલ્સતોયે ગૃહત્યાગ કર્યો, પત્ની ને પરિવાર તજ્યાં, દસ દિવસ પછી એક રેલ્વે સ્ટેશન પર એમણે દેહ છોડયો.
આ ગૃહત્યાગના બનાવને ચૂંથવામાં બાકી નથી રહી. પુરાવા અને સાબિતીઓના ઢગ ખડકાયા છે. બે પક્ષોએ સામસામાં શીંગડાં ભરાવ્યાં છે. એક પક્ષના સાક્ષી પુરાવા એવું સમર્થન કરે છે કે પોતાની ઇસ્કામતના માલિકી હક્કો પરત્વે તૉલ્સતોયના જે નવા વિચારો બંધાયા હતા, તેનો અવિરત ઉગ્ર વિરોધ કરી કરીને એની પત્નીએ જ એનું જીવતર અસહ્ય બનાવી નાખ્યું હતું.
1881 પછીનાં લખેલાં તમામ પુસ્તકોના કૉપીરાઇટને તૉલ્સતોયે તિલાંજલિ આપી હતી, એની ઓલાદને પણ એ હક્કોમાંથી બાદ દેતું છૂપું વીલ એણે એના પ્રકાશકને કરી આપ્યું હતું. માલિકીના હક્કોનું આ વિસર્જન જ એની પત્નીને શલ્યસમ બની ગયું હતું. આ કારણે જ મિલ્કત-લોભણી પત્નીએ સંત સ્વામીને સંતાપ્યો, એમ એક પક્ષે તકરાર ચલાવી.
બીજો પક્ષ આવું તહોમતનામું તૉલ્સતોયની પત્ની પર મૂકનારાઓને `દુષ્ટો’ કહે છે, અને એવું પુરવાર કરવા માગે છે કે આ ખટરાગ પત્નીની મિલ્કત-લાલસાનો નહીં, પણ તૉલ્સતોયના બ્રહ્મચર્યવ્રતનો ને પત્નીના અણસંતોષાયાથી સળગતા દાંપત્યકોડનો જ કલહ હતો.
પત્નીએ લખેલી જીવનકથા બહાર પડી છે ને જગતમાં કેટલો મોટો ઘાણ આ જીવનકથાઓએ કાઢયો છે! પત્ની શી શી વાતો લખે છે!
`મારો ધણી એ કાળમુખા પ્રકાશકને હાથે પોતાના વિધવિધ મરોડવાળી સત્તાવન-સત્તાવન તસ્વીરો પડાવે, છબીઓ લેવરાવવા છેક જંગલોમાં દોડે ને હું એનો એક જ ફોટો લેવા એને એકવાર વિનવણાં કરી કરી થાકી, તો એણે મારું મોઢું તોડી લીધેલું!’
બીજે ઠેકાણે પત્ની લખે છે:
‘રાતના બાર વાગ્યા સુધી તો એમણે ગંજીપો કૂટયો. મારી દીકરી પાસે હળવી ફ્રેન્ચ પ્રેમકથાની ચોપડી વાંચવા લીધી. પોતાની ધાર્મિકતાથી ને ધર્મોપદેશકતાથી એને કેટલો કંટાળો આવ્યો હતો!’
ત્રીજે ઠેકાણે –
`તૉલ્સતોયની બ્યાશીમી જન્મગાંઠ હતી, સંતે તે દિવસે જાહેર કર્યું કે જીવન-વિશુદ્ધિનો ખ્રિસ્તી આદર્શ તો સંપૂર્ણ બ્રહ્મચર્ય છે. પોતે કોઈ સાધુ હોત, રાગી હોત ને બ્રહ્મચારી વ્રત પાળતા હોત તો આમ કહેવું ઠીક હતું, પણ એની ઇચ્છાએ તો મારે સોળ વાર સગર્ભા થવું પડયું… અને હવે આજ અડતાલીસ વર્ષ પછી કેમ જાણે હું જ અપરાધી હોઉં એવું બન્યું!’
પોતાની સડસઠમી જન્મગાંઠના દિને આ સ્ત્રી લખે છે: `હું છાસઠ વર્ષની થઈ, છતાં હું એવી ને એવી સશક્ત, ઊર્મિવશ, કામાતુર અને લોકો કહે છે કે, જુવાન છું. ઈશ્વરને મેં પ્રાર્થના કરી કે મારા સ્વામીનો પ્રેમ મને પાછો મળો!’
એક બાજુ આ કામવિવશતા ને બીજી બાજુ તૉલ્સતોયની કામવિમુખતા: બન્ને વચ્ચે તેમનું દાંપત્યજીવન કચડાઈ ગયું. મરતા પૂર્વે એક મહિનો રહ્યો ત્યારે જ તૉલ્સતોયને લાગ્યું કે પત્નીને હું પ્રેમ અને મમતાથી જીતી શકીશ.
પણ ઘણું મોડું થયું હતું.
આ બધી કથાનો જગતને શો ખપ છે? પતિ-પત્ની બેમાંથી એકને ન્યાય અપાવવાનો શો અંજામ? પતિ-પત્નીના દંપતી-જીવનનો ઊંડો તાગ કોણ મેળવી શક્યું છે? પારકા જીવનની અંતરતમ વાતોમાં કલમો બોળનાર સાહિત્ય કોઈને ન્યાય કરી શકતું નથી. તકરાર વધે છે, મુર્દાં ચૂંથાય છે.
[પરિભ્રમણ – નવસંસ્કરણ, ખંડ-૨, સંપાદન : જયંત મેઘાણી-અશોક મેઘાણી, સમગ્ર મેઘાણી સાહિત્ય : ગ્રંથ 5, ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત]
Leave a Reply