કાજલ ઓઝા વૈદ્ય—પ્રમાણિક લેખીકા’, અગ્રગણ્ય સાહિત્યકાર, નાટ્યકાર અને નવલકથાકાર… ઉત્તમ વક્તા અને બીજું ઘણું બધું… નવલકથા, ટૂંકી વાર્તા, લેખો, અનુવાદ, સંકલન, પત્રો, કવિતા, નાટકો અને ઓડિયો બુક સાથે પચાસથી પણ વધારે પ્રકાશનો…
એમનાં પોતાનાં શબ્દોમાં… ‘કવિતા લખવી એ મારે માટે શ્વાસ લેવા જેટલું અગત્યનું છે’ તે છતાં અત્યાર સુધી ફક્ત એક જ કાવ્ય સંગ્રહ એમણે આપ્યો છે: શેષયાત્રા… જેનો પરિચય આપતાં લખ્યું છે: ‘શેષયાત્રા: એકમાત્ર કવિતાસંગ્રહ જે મનની પીડામાંથી ઉદ્ભવતી સ્ત્રી સંવેદનાની કવિતાઓને ઉજાગર કરે છે.’
આગામી કાવ્યસંગ્રહ નજીકના ભવિષ્યમાં આવે એવી આશા સાથે એમનાં કેટલાંક અપ્રગટ કાવ્યો… પહેલી જ વાર ઇ-શબ્દ પર…
મારા જ ઘરમાં મને મારું એક ઘર યાદ આવે
એક ભીની બપોરે પલળેલી આંખ તર-બ-તર યાદ આવે
શબ્દો બનીને વિસ્તરી શકાય તમે જ્યાં ઇચ્છો ત્યાં અને તેટલું
માત્ર એક જોડી હોઠ પર પહોેંચીને અટક્યાની વાત યાદ આવે
સાથ એટલે હાથ, હથેળી કે હસ્તરેખા એટલું જ નથી હોતું
ક્યારેક કોઈક તકિયાની નીચે રહીને પણ પડખાની યાદ આવે
ઝંખના કે ખેવના કે તરસ નામનો સંબંધ આ
કોઈની રાત છે ને કોઈને ઉજાગરો થઈને યાદ આવે.
ન કર વાત તું મારા વિશે, મને આંખોમાં રહેવા દે
તારું સપનું થવા આવી છું હું, મને આંખોમાં રહેવા દે.
પહેલાં સપનું, પછી આંસુ, પછી સંબંધની રજકણ
કોઈ પણ રૂપમાં તું મને બસ આંખોમાં રહેવા દે.
મારી રાતો જગાડીને, મને તૃષ્ણા લગાડી ને
તારી એક સાંજ થઈને તું મને તારામાં વહેવા દે.
ચાલ, ઉછાળ સિક્કો સમયનો…
ને બંધ મુઠ્ઠીમાં પકડીને
પૂછ નસીબને
કયા ઋણાનુબંધે કોણ મળે કોને?
કયા રસ્તે થઈને ક્યાં પહોંચે?
ને અચાનક એક પગદંડી
તમારા નામનો સાદ પાડીને
વળી જાય અજાણી પગવાટ તરફ
હાથની રેખાઓ પાંપણોમાં સંઘરેલા સવાલોને
ટપકાવે આંખોથી
ભવ આખાની ભિનાશ મુઠ્ઠીમાં બંધ કરીને
સમયનો ભીનો સિક્કો ફરી ઉછાળી દે
સમયને સ્પર્શી લીધો તેં
ભીનાશ હાથની રેખા બનીને
ધબકે છે હવે પળે પળે
સમયને કાંડે બાંધી ફરતા આપણે
ક્યાં જાણીએ છીએ કે
સમય હાથ પકડીને કઈ દિશામાં લઈ જાય છે…
રોજેરોજ, ભીડમાં સામો મળે છે,
ઘસાઈને પસાર થાય છે…
ને, તોય ઓળખાતો નથી, એવો આ સમય!
સાવ પોતીકો ચહેરો પહેરે કદી
તો કદી અજાણ્યો બનીને અડકે
કદી પાણીની જેમ પારદર્શક થઈને વહી જાય – ભીંજવે!
તો કદી રેતી જેવો સૂકો ભઠ્ઠ સરી જાય – તરસ મૂકીને!
‘આવું હોં! હમણા…’ કહીને જાય,
તે પ્રતીક્ષાના કમાડ ટૂટી પડે ઉંબર પર
પણ આવે નહીં…
ને ક્યારેક, માગણ બનીને ઉભો રહે દરવાજે…
રાવણ બની લક્ષ્મણરેખા ઓળંગાવે,
તો કદી દુર્વાસાનો શાપ બની ભુલાવે બધુંય.
કદી રીઝે તો રાજપાટ આપે
ને કદી ત્રણ પગલાંમાં સર્વલોક લઈ પગ ઉપાડી ઉભો રહે,
અડધું ડગલુ ભરવા!
આમ મુઠ્ઠીની હસ્તરેખા જેટલો
વણઉકલ્યો
બંધ, ને તો ય
સાવ પોતાનો…
ને આમ ગ્રહનક્ષત્રોને નાથતો બ્રહ્માંડનો સ્વામી…
તારો ય, મારો ય, પણ…
આપણો નહીં જ, એવો આ સમય!
આપણે માનીએ કે વીતાવીએ,
પણ વિસ્તરીને વિખરાઈ જતો આ સમય!
હથેળીની રેખામાં તરસનો ઉલ્લેખ છે.
ને મધદરિયે વસવાનું રોજ,
આંખથી ક્ષિતિજ સુધી પાણી જ પાણી ને તો ય એક ઘૂંટડાની ખોજ.
તારી આંખોમાં એક ઘૂઘવતો દરિયો
ને મારી આંખોમાં એક રણ,
આમ જુઓ તો વાત બેઉ સરખી, તરસ્યા રહ્યા બેઉ જણ.
મોગરા જેવો એક માણસ
અડધી રાતે ઊઘડે, ને વહેલી સવારે બીડાઈ જાય
અધૂરા સ્પર્શ, અધૂરા શબ્દ ને અધૂરી અભિવ્યક્તિમાં સંકેલાઈ જાય, અચાનક!
માણસ નથી, અનુભવ છે, અભિવ્યક્તિનો મોહતાજ નથી,
ને છતાં, જો ઠલવાય શબ્દમાં તો ઊંડેલી નાખે અસ્તિત્વને.
એના શબ્દમાં સફેદીની સુવાસ
મારું રોમ રોમ લચી પડે
એના અછડતા સ્પર્શથી, જો એ અડે તો…
મારા શરીરમાં મોગરાનાં ફૂલ ખીલે
ને શ્વાસમાં એની સુગંધનાં ધોધમાર ઝાપટાં
એની આંગળીમાં, હથેળીમાં, હોઠ પર ને આંખોમાં મોગરાનાં વન
ને, મોગરા જેવું સફેદ, સુગંધી ને કોમળ એનું મન
અદ્ભુત, અકળ, અસ્ખલિત, અસીમ ને અપૂર્વ…
એક દિવસ
મારા પછી પણ આ સાંજ આથમશે
હું નહીં હોઉં
પણ રૅકમાં સારા શબ્દો
વાતાવરણમાં મારો સલ્ફયુરિક મિજાજ
અને સ્મૃતિમાં ઝળઝળિયાં હશે.
મારા એકાંતની ક્ષણોમાં
મેં ગોઠવેલા,
અને તને નહીં કહેલા મારા બધાં જ સંવેદનો
સજીવ થઈ આવશે
ને, શ્વાસ લેશે તારા ઓશિકા નીચે.
હૃદયમાં કોઈ કોલાહલ વગર ગર્ત થઈ ગયેલી
લાગણીઓની આવી પોઠનાં પગલાં
ઓસરતી વેળુમાં ખોવાઈ જશે
હું અને તું
મળી જઈશું કોઈ ટ્રાફિક સિગ્નલ પર.
લીલી લાઇટ થાય ત્યાં સુધી…
એક દિવસ મારા પછી પણ—
એક પાનું ફરફરશે
બે-ચાર વાતો જે કહેવાની હતી, પણ
આપણા એકાંતમાં
સ્પર્શના ધક્કાથી વેરાઈ ગયેલી એ બધી જ
તારી સામે ખુરશી પર બેસીને
ટગર ટગર જોશે
એક ગોરંભાયેલો ડૂમો—ડૂસકું બનીને વરસી જશે,
મારા ખાલી થયેલા ઓરડામાં
આંખના ખૂણે આવેલો ઓળખાણનો
એ પરિચિત થરથરાટ
કોઈ જુએ એ પહેલાં લૂછીને
આપણે જીવી જઈશું
અધૂરી અર્થહીન વાતો.
તું અને હું—કોઈ જાહેર સમારંભની
તાળીઓના ગડગડાટમાં ડૂબી જઈશું ચૂપચાપ.
મારા નહીં હોવાની પળના સત્ય પછી પણ
અસ્તવ્યસ્ત અસ્તિત્વને જીગ્સોની જેમ
ગોઠવ્યા કરીશ—તું.
કેટલાક ટુકડા નહીં મળે, નહીં જ મળે.
ત્યારે
સ્મૃતિઓના ખાનાઓ ખોલીને વેર-વિખેર
ફરી નાખીશ બધું જ…
આખા ઓરડામાં—દીવાલો પર
ચોળાયેલી ચાદરમાં…
ને, તારા આફ્ટર શેવની સુગંધમાં હું તો હોઈશ
જ
પણ તને નહીં મળું
તારી પેનમાંથી, ઊંધા પકડેલા પુસ્તકના
પાનામાંથી
ને શર્ટના તૂટેલા બટન્સમાંથી તને
રોજ એક નિ:શ્વાસ મળશે—
મારા ગયા પછી પણ…
કોઈ એક સાંજે મારા અસ્તિત્વની કરચો
તારી પથારીના સળમાંથી થઈને
તારી આરપાર નીકળી જશે
મારા શબ્દોના અધૂરા અર્થો-અનર્થો
તને સવાલો પૂછશે
ને તું,
આઇનામાં તારા પ્રતિબિંબને જોઈશ
પણ ઓળખી નહીં શકે
મને શોધવા આંખ મીચીશ ત્યારે
હું એક ઝંખના બનીને તારી અંદર
ઊગીશ—વિસ્તરી રહીશ.
તારી નસો, રક્તવાહિનીઓ—ત્વચા સુધી.
એક શોષ બનીને અટકીશ
તારા શ્વાસની મધ્યમાં.
તું—મારા સુધી પહોંચવા હાથ ફેલાવીશ ત્યારે
મારા અભાવને મુઠ્ઠીમાં ભરી
તારી હસ્તરેખાને ઉકેલવા મથતો તું,
એ ખૂંચતી કરચોને પડખામાં સમેટી
તારા ઓશિકામાં ઓગળતો રહીશ.
રાતભર.
7 comments
DIPAK PUROHIT
I am delighted.. After long time I read this type of poem.. fantastic..I request you to publish more such poems of kajalji on facebook or send it to my e mail..
Congratulations to kajalji..
MAheshchandra Naik
We are indeed happy to cherish all poem and it is thought provoking with message conveying,keep it up,CONGRATULATIONS & Best Wishes,please publish the poems at earliest.
kya baat.. this is somthing really different I have read from Kaajal ben, in many of her gujarati books she wrote most of the stories or articles, but I rarely found her poetic, great one Kaajalben and thanks e-shabd for sharing
I am delighted.. After long time I read this type of poem.. fantastic..I request you to publish more such poems of kajalji on facebook or send it to my e mail..
Congratulations to kajalji..
We are indeed happy to cherish all poem and it is thought provoking with message conveying,keep it up,CONGRATULATIONS & Best Wishes,please publish the poems at earliest.
aapna sabdo ma su takat chupayeli che
ae sabdo ,sab ni andar pan jiv pacho aapi sake che kaajal ji
Incredible
Amazing
kya baat.. this is somthing really different I have read from Kaajal ben, in many of her gujarati books she wrote most of the stories or articles, but I rarely found her poetic, great one Kaajalben and thanks e-shabd for sharing
“ન કર વાત તું મારા વિશે, મને આંખોમાં રહેવા દે
તારું સપનું થવા આવી છું હું, મને આંખોમાં રહેવા દે.”
on of my favorite line…. read each and every book of kajal oza vaidya…. keep it up. God Bless You
કવિતા નાં એક એક શબ્દ મારા અંતરમન ને ઢંઢોળે ને પૂછે છે કે કવિ ની આ કલ્પના છે કે મારી કિતાબ