સાહિત્યકાર લાભશંકર ઠાકરનો સ્મૃતિ-પત્ર પોતાના શિક્ષક શ્રી ધીરૂભાઈ ઠાકર માટે. . .
તારીખ 11-3-2014ના પત્રમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળ તરફથી પત્ર મળ્યો. જેમાં ધીરુભાઈ ઠાકર વિશેની અંગત છાપ, ત્રણ પૃષ્ઠો (લગભગ એક હજાર શબ્દોમાં) લખવાનું ઇજન મળ્યું.
ધીરુભાઈ ઠાકરને સર્વ પ્રથમ પ્રત્યક્ષ ક્યારે જોયા?
ગુજરાત કોલેજમાં બી.એ.નો અભ્યાસ કરતો હતો ત્યારે. ધીરુભાઈના રક્તની લાલાશ ગાલ પર ચમકતી હોય. વાળની એક લટ કપાળ પર ફરફરતી હોય. હા, આછું સ્મિત કરે ત્યારે ગાલમાં ગલ-ખંજન પ્રત્યક્ષ થાય. એક વાર ધીરુભાઈએ વર્ગમાં નિરંજન ભગતને નિમંત્ર્યા હતા. સાહિત્યમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓથી વર્ગ ભરચક હતો. કવિ નિરંજન ભગતે કવિ કાન્તના કાવ્ય ‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચન્દ્રનો હૃદયમાં હર્ષ જામે…’ એ પ્રસિદ્ધ કાવ્યની વ્યંજનાનો નિ-રાં-તે સંકેત કર્યો હતો. હા, ઝૂલણા છંદનો એ સચ્ચિદાનંદ આજે વર્ષો પછીય શ્રવણીય સુખનો અનુભવ કરાવે છે. ધીરુભાઈ અને નિરંજન ભગતની નિકટતાનું એક દૃશ્ય સ્મૃતિમાં ઊપસે છે. એક વાર બેય મારા આશ્રમરોડના ક્લિનિકમાં વૈદ્ય લાભશંકરની કેબિનમાં બેઠા છે. વ્હાય? ના, તેની સ્મૃતિ નથી.
ગુજરાત કોલેજમાં વર્ષના અંતે, રાતે જ્યોર્જ ફિફ્થ હોલમાં નાટ્યોત્સવ થતો. એ ઉત્સવમાં સક્રિય સામેલગીરી ધીરુભાઈ ઠાકરની. દુર્ગેશ શુક્લનું એક નાટક ભજવાયેલું. કોકિલા વ્યાસે એ વયે નાયિકાના ચરિત્રને પ્રત્યક્ષ કરેલું. સિટી આર્ટ્સ કોલેજમાં હું અધ્યાપક તરીકે જોડાયો ત્યારે કોકિલા વ્યાસ પણ ત્યાં અધ્યાપિકા હતાં. ટી-બ્રેકમાં, ક્યારેક અમે ગોષ્ઠિ કરતાં હોઈએ ત્યારે હું એમને યાદ કરાવું ગુજરાત કોલેજના એ નાટકની ઉક્તિ. કોકિલા વ્યાસ અસલ લહેકા સાથે અભિવ્યક્તિ કરે :
‘ત…મે કેવા… મજ્જાના માણસ છો…!’
હું હજી શાળાના આરંભના (નવમા) ધોરણમાં અમદાવાદમાં ભણવા આવ્યો ત્યારે ધીરુભાઈ ઠાકરના નામથી પરિચિત હતો. મારા પિતાશ્રી જયન્તિ દલાલના તંત્રીપદે પ્રકાશિત થતું ‘રેખા’ સામયિક મંગાવતા. તેમાં ધી.ઠા.ની સમીક્ષાઓ ‘દૃષ્ટિક્ષેપ’ – એવા શીર્ષકથી પ્રકાશિત થતી હતી. હા, આ સ્મૃતિ આજેય અકબંધ છે.
મિત્ર રાધેશ્યામે ધીરુભાઈના સંદર્ભમાં લખ્યું છે તે સાચું છે : ‘મારી તથા નિત્યમિત્ર લાભશંકરની ચેતના પર ‘રાવળસાહેબ’ (અનંતરાય રાવળ) ઉપરાંત એક અન્ય ઠાકરની વાગ્દૃષ્ટિક્ષેપોનો ચૈતન્યપ્રભાવ પણ પડેલો. તેઓ હતા પ્રો. ધીરુભાઈ ઠાકરસાહેબ’. હાથમાં ચામડાનું મોટું પાકીટ અને કપાળ પર કેશલટથી શોભતા ગૌર, સ્વસ્થ ધીરુભાઈ ઠાકર, જોતાં જ આદર જાગે એવા ખંજનખચિત….’
તા. 2-10-1979માં લખાયેલા મારા એક નાના નિબંધમાંથી થોડાં વાક્યો અહીં ઉતારું :
‘‘હમણાં એક અનન્ય આત્મકથા વાંચી : ‘મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું આત્મવૃત્તાંત’. ડો. ધીરુભાઈ ઠાકરે એનું સંપાદન કર્યું છે. આ ‘અનન્ય’ આત્મકથા છે. એના લેખકે સમાજ જેને ‘કુત્સિત’ કહીને ધિક્કારે એવી, વાતો નરદમ નિખાલસતાથી રજૂ કરી છે. વેશ્યાઓ સાથેના, પરકીયા સાથેના પોતાના‘સંગ’ની, સિફિલિસની વાત લેખકે સંકોચ વગર લખી છે. આ સમગ્ર વૃત્તાંત વાંચતાં કરુણનો અનુભવ થાય છે. આ આત્મકથાનક વાંચતાં અમને ગંદકીનો સ્પર્શ નથી થયો. શુદ્ધ કરુણનો અનુભવ થયો છે. ચીવટપૂર્વક મણિલાલના આત્મવૃત્તાંતને સંપાદિત કરી પ્રગટ કરવા બદલ શ્રી ધીરુભાઈને અભિનંદન. (તા. 2-10-1979)’’
બારમી ડિસેમ્બરે ગુલાબી ઠંડીમાં સવારે નવ પહેલાં અમદાવાદમાં લો ગાર્ડન પાસે, ગજ્જર હોલમાં પહોંચી ગયો. અંદરના ઉમળકાથી હું પહોંચી ગયો હતો. ‘ગુજરાતી વિશ્વકોશ’ના પાંચમા ગ્રંથનો વિમોચનવિધિ કવિશ્રી રાજેન્દ્ર શાહના હાથે થવાનો હતો. પંચોતેર વર્ષના હેન્ડસમ ધીરુભાઈના ગૌર વદન પર સ્મિતસભર માધુર્ય અને ગાલમાં ગલ શોભતાં હતાં. મુરબ્બી ધીરુભાઈ હેન્ડસમ તો એવા જ હતા, જેવા પાંત્રીસ-સાડત્રીસ વર્ષ પહેલાં યંગ ધીરુભાઈ હતા. તે વખતે અમે (હું અને રાધેશ્યામ) ગુજરાત કોલેજમાં તેમના વિદ્યાર્થી હતા.
હા, વિશ્વકોશ, કે ગુજરાતી વિશ્વકોશના મૂળમાં ચૈતસિક પ્રવર્તન ધીરુભાઈ ઠાકરનું. પછીના આજ સુધીના વિશ્વકોશો સુધીના પ્રત્યક્ષ પ્રવર્તન/ વ્યવહારમાં ધી.ઠા. તેના મુખ્ય સૂત્રધાર હતા. હા. ધી.ઠા. પાસે ધી (બુદ્ધિ) હોય, ધૃતિ (ધૈર્ય, ધીરજ) હોય અને સ્મૃતિ હોય અને તે ત્રણેના સરવાળા – એકત્વરૂપ ‘પ્રજ્ઞા’ હોય. પણ તેથી કંઈ ‘વિશ્વકોશ’ તૈયાર કરવાનું કામ સરળ થઈ જતું નથી. ‘વિશ્વ’નો અર્થ થાય ‘સર્વ’. આ જગતમાં જે સર્વ કંઈ જ્ઞાનરૂપ છે અને તેને મનુષ્યજાતિએ આજ સુધી જ્ઞાન રૂપે પ્રાપ્ત કર્યું છે તે સર્વ જ્ઞાનને અધિકૃત રૂપમાં એકઠું કરવું અને ગુજરાતી ભાષામાં તેને પ્રગટ કરવું તે કાર્ય અતિ કઠિન છે. વિસ્તારથી અટકું અને માનનીય ગુુરુ અને પ્રિય નાટ્યકાર ધીરુભાઈને સાદર પ્રણામ કરું છું, આ ભાવાર્દ્ર ક્ષણોમાં.
મોડાસાના તે લેખકમિલનની સ્મૃતિઓ, ઉ.જો. અને સુ.જો.નાં તે પ્રવચનો, રસિક (ભાઈ) શાહ, જયંત પારેખ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પ્રિય કવિ-ચિત્રકાર ગુલામમોહંમદ શેખ, અમારાં આ અને તે તોફાનો, બસમાં વહાલા મિત્ર અનિરુદ્ધ વિશે તોફાનભર્યા વિનોદમાં ગાયેલાં ગાણાં અને મોડાસા કોલેજનું કેમ્પસ સ્મૃતિપ્રત્યક્ષ થાય છે. હા. સર્જક આલ્બેર કામુના અવસાનના સમાચાર પણ એ દિવસોમાં જાહેર થયેલા. સુ.જો.એ તેમના વ્યાખ્યાનમાં કામુને યાદ કર્યા હતા.
મિત્ર રાધેશ્યામ લખે છે : ‘મણિલાલ નભુભાઈ એટલે જ્ઞાન અને પ્રેમ વચ્ચેનો તુમુલ સંઘર્ષ. ધીરુભાઈ ઠાકરના પ્રસ્તુત નાટકના ‘ઊંચો પર્વત-ઊંડી ખીણ’ પ્રેરક કોણ? એક કોલેજકાલીન ‘ઠાકર-શિષ્ય! ધીરુભાઈની ગરિમા એમની પ્રસ્તાવનાનાં નિખાલસ આભારવચનોમાં અને લાભશંકરે મારા જેવા નિકટના મિત્રનેય પ્રેરણા-બેરણાની વાત કદી નથી કરી એવી ચુપકીદીમાં લક્ષિત થાય છે.
સ્મૃતિઓનો અંત નથી. ધીરુભાઈને સ્મૃતિપટ પર મિડ શોટમાં જોતાં જોતાં અટકું.
Leave a Reply