આજે 18 ઑગસ્ટે વિવેક દેસાઈના ફોટોગ્રાફ્સના એક્ઝિબિશનનો પહેલો દિવસ. ખૂબ અનયુઝવલ વિષય છે – સેલ્ફી… તેવે સમયે વિવેકના શબ્દોમાં એક સેલ્ફી…
Download this book free on e-shabda.com
એમ્બ્યુલન્સ આવી. એમને અંદર સુવાડાયા. એમના સહિત લગભગ સહુ કુટુંબીજનોને જાણ હતી કે હવે ઘરે જીવતા પાછા નહીં ફરી શકે. સહુએ આંખોના ખૂણામાં એક આશા ભરી રાખેલી. ઘરથી હોસ્પિટલ સુધીનો રસ્તો દસ મિનિટ જેટલો. માર્ચ મહિનાનો તડકો આંખ પર પડ્યો ને પાર્કિન્સનથી ધ્રૂજતા હાથે દીકરી શિલ્પાને ઇશારાથી ગોગલ્સ પહેરાવવા કહ્યું. શિલ્પાએ ફટાફટ પહેરાવ્યાં પણ, તરત જ બોલ્યા આ નહીં, પેલાં અમેરિકાવાળાં. સૌથી નાની બહેન બીનાબહેને આપેલાં ગોગલ્સ ને એમના સંગીતના શોખને ધ્યાનમાં રાખીને આપેલો ‘આઇપોડ’ બંને હોસ્પિટલ લઈ લેવાની સૂચના આપી દીધેલી. એમના પરિચયમાં કદાચ કોઈ વ્યક્તિ એક વાર પણ આવી હશે તો એમની આ ફાંકડી પર્સનાલિટીવાળી ઇમોશનલ વાતને પામી જશે.
શિલ્પા સાથે વિદ્યાપીઠમાં ભણતાં ત્યારે અમે લગ્ન કરવાનું નક્કી કરી દીધેલું, પણ બંનેમાંથી એકેયે ઘરમાં જાણ કરેલી નહીં. વિદ્યાપીઠથી છૂટીને શિલ્પાને ત્યાં જવાનું ને ઓટલા પર બેસીને મજાક-મસ્તી કરવાની એ કાયમનો સિલસિલો. ને તુષારભાઈની પિસ્તા કલરની ફિયાટ આવે ને હસતાં-હસતાં કંઈક રમૂજી બોલતા જાય. કોઈ છાપાના તંત્રીને મેં આજ સુધી તુષારભાઈની જેમ ખડખડાટ હસતો જોયો નથી. ટીખળ એમના સ્વભાવમાં વણાયેલું હતું. ક્યારેક ઘરમાં કંઈક ટીખળ કરે ને લાગે કે કોઈને કંઈક તેનાથી ખરાબ લાગ્યું છે તો વળી તરત જ એ વાતને લઈને એવો માસ્ટર સ્ટ્રોક મારે કે ભારે થઈ ગયેલું ઘરનું વાતાવરણ જાણે સેકન્ડમાં જ ખડખડાટ હસતું-ગાતું થઈ જાય. સંયુક્ત કુટુંબમાં રહીને બધાને સાચવવાની સાથે સાથે વડીલની ભૂમિકા ને બાળક જેવો સ્વભાવ આ બંનેને એકસાથે હેન્ડલ કરવા કેટલું કઠિન હશે એ સમજાય એને જ સમજાય.
અમારી વચ્ચેના સંબંધનો એક પ્રસંગ ટાંકું છું. મેં ને શિલ્પાએ લગ્ન કરવાનું નક્કી કરી નાંખ્યા પછી એક શિવરાત્રિએ ઠીક-ઠીક પ્રમાણમાં ભાંગ પી નાંખેલી. ને પછી ઘરમાં શિલ્પાને ત્યાં મેં બધાનો હાથ હાથમાં લઈને ભવિષ્યવાણી કરવાનું શરૂ કર્યું. એટલામાં તુષારભાઈ રૂમમાં આવ્યા ને મારી પાસે આવીને મારા હાથમાં એમનો હાથ મૂક્યો. ને મેં આગાહી કરી કે તમને જમાઈ સારો મળવાનો છે… ને એ ખડખડાટ હસેલા એ આજે પણ બરાબર નજર સમક્ષ છે. કદાચ આ ઘટનાએ લગ્ન પહેલાં જ અમને સસરા-જમાઈને બદલે એક પિતા-પુત્ર બનાવી દીધેલા. મારા પિતાજીને કૅન્સરનું નિદાન થયું એના વર્ષ પહેલાં એમને કૅન્સરનું નિદાન થયેલું. એમણે ઓપરેશન કરાવ્યું પણ કમભાગ્યે થોડા સમયમાં જ ફેલાઈ ગયું. મારા પિતાજીનું અવસાન થયું ત્યારે એમની તબિયત નાજુક હતી. બીજા દિવસે મને સાંત્વન આપે એ સ્વાભાવિક છે. પણ મને બેસાડીને કહે નવજીવનમાં તને મૅનેજિંગ ટ્રસ્ટીની ઓફર થાય તો ના ન પાડતો. તારી ફોટોગ્રાફી તો ચાલશે જ. પણ આપણે ઠાકોરભાઈ ને જિતેન્દ્રભાઈનો વારસો જાળવી રાખવાનો. ને લાંબા ગાળાનું વિચારતાં પણ તારા માટે ફાયદાકારક છે. બસ આટલી જ વાત કરેલી. અત્યારે હું મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે નવજીવનમાં છું એ જવાબદારી સ્વીકારવા પાછળનો મોટો ફાળો તુષારભાઈનો છે. ને આજે ત્રણ વર્ષ પછી મને એમની કહેલી વાત સાવ સાચી લાગે છે.
એમની પત્રકારત્વ તરીકેની કારકિર્દી વિશે ઘણા પત્રકારમિત્રોએ લખ્યું છે. મને પત્રકાર તરીકેની એમની એક વાત સ્પર્શી ગઈ હોય તો તે એમની Times of Indiaમાં આવતી કૉલમ ‘Random Notes’. જુદાં જુદાં ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનારા ગુજરાતીઓને ટાઇમ્સના માધ્યમ દ્વારા દુનિયાના નકશા ઉપર મૂકવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ માત્ર તુષાર ભટ્ટ દ્વારા થયું છે. બાબુભાઈ રાણપરા જેવા લોકકલાકારને કદાચ પરદેશ જવાની તક મળી હોય કે બનારસસ્થિત અદ્ભુત ગાયક પં. બલવંતરાય ભટ્ટને ગુજરાતમાં લોકો જાણતા થયા હોય એવી ઘણી ગુજરાતી પ્રતિભાઓને ગુજરાતીઓના હૃદયમાં સ્થાન અપાવવાનું પુણ્યનું કામ તુષારભાઈએ એક અંગ્રેજી અખબારના તંત્રી તરીકે કર્યું એ વાત અત્યંત નોંધનીય છે.
જિંદગીની છેલ્લી ક્ષણો સુધી જીવનને માણનાર તુષારભાઈ પાસેથી હું જીવતાં શીખ્યો છું. મસ્તી કરતાં શીખ્યો છું. ને કદાચ કોઈને હર્ટ કરી નાંખ્યા હોય તો એના પર મલમ લગાવતાં પણ એમની પાસેથી જ શીખ્યો છું. મને ઇન્ટ્રોવર્ટમાંથી એક્સ્ટ્રોવર્ટ બનાવનાર તુષારભાઈ જ છે. ને મને એનો અફસોસ તો નથી જ. પણ ગર્વ છે. આપણી સાચી વાત રજૂ કરવાના સંસ્કાર મને મારા પિતાજીએ આપ્યા ને એની હિંમત તુષારભાઈએ. એમની સેન્સ ઓફ હ્યુમર ને બ્લૅક હ્યુમર બંનેનો તો હું આશિક રહ્યો.
30મી માર્ચ, 2012 સવારે 6 વાગ્યાના અરસામાં એમણે દેહ છોડ્યો ત્યારે ફેરિયાઓ આગલા દિવસની ખબરોનાં છાપાં ઘેર ઘેર નાખતા હતા. ને 31મી માર્ચની સૌથી તાજી ખબર હતી “Tushar Bhatt no more”ને એ દિવસે મને અહેસાસ થયો કે મેં બીજી વાર મારા પિતાજીને ગુમાવ્યા. ને એ પણ એક જ વર્ષના ટૂંકા ગાળામાં. એમણે ચીંધેલા રસ્તા પર અમે સહુ ચાલવાની કોશિશ કરી રહ્યા છીએ. ને એમનો સતત ટેકો પીઠ પાછળ હંમેશાં ફિલ થાય છે… વંદન… તુષાર ભટ્ટને…
વિવેક દેસાઈ
2 comments
Soham Patel
Loved to read this… I wish we receive more and more from this blog… Thank You, E-Shabda!
shobhana
i suddenly started reading the aaj no e shabda . wonder why i didn’t read it all these days!! its addictive!!
Loved to read this… I wish we receive more and more from this blog… Thank You, E-Shabda!
i suddenly started reading the aaj no e shabda . wonder why i didn’t read it all these days!! its addictive!!