આજ પાટી પર અમારું બાળપણ ચીતરી લીધું
એકડો ઊંધો અને તોફાન પણ ચીતરી લીધું
– મધુમતી મહેતા
માણસની ઝંખના સતત કશું મેળવવાની હોય છે. સારી નોકરી મળે, ધંધામાં ઠરીઠામ થઈએ, સમયસર ગોઠવાઈ જઈએ, સમાજમાં માન-પ્રતિષ્ઠા મળે, સગવડો મળે, સુખ મળે… આ માટે સમયનો અને શક્તિનો ભોગ આપીએ. પણ કોઈ આપણને બાળપણ પાછું આપવાનુંકહે તો? એક લખલખું શરીરમાં પસાર થઈ જાય.
લાખોની મોટરકારને ઘચરકો પડે તો એકવાર ચલાવી લેવાય, પણ શૈશવથી સાચવી રાખેલા બે રૂપરડીના ભમરડા પર ખરોચ આવે તો જીવ હેબતાઈ જાય. સમજણ નહોતી ત્યારે કમાયેલી ક્ષાણોને સાચવીને બેઠું હોય છે શૈશવ. કોઈ ચૂપચાપ ખાનામાં. દોમદામ સાહ્યબીમાં રહેતો અબજોપતિ પણ બચપણની શેરીમાં પાછો ફરે ત્યારે સૂટબૂટની શાન છોડી રઝળવાનું મન કરી બેસે. નિર્દોષતાથી શરૂ થયેલી જીન્દગી પાકટ બનીને ઘણું મેળવે છે, તો સામે થોડું ગુમાવે પણ છે.
વહી ગયેલી વય અને વીતી ગયેલો સમય પાછા આવતા નથી. બહુ બહુ તો તસવીરમાં સાચવી શકાય કે સ્મૃતિપટ ઉપર. ચડ્ડી પહેરવાનું ઠેકાણું ન હોય છતાં બાદશાહી બેફિકરાઈથી બેઠેલા ભટુરિયાને જોઈને ઘણી વાર ઈર્ષા જન્મે છે. શિસ્તબદ્ધ ઈનશર્ટ કરીને ફરતું આપણું અસ્તિત્વ એ દિવસોને યાદ કરે છે, જ્યારે શાન કરતા તોફાનનું પલ્લું ભારે રહેતું.
પરદેશમાં મસિડિર્ઝમાં ફરવા ટેવાયેલી જીન્દગી પોતાના ગામનો કિચૂડ હંચિકો જુએ કે ગતિનું રૂપાંતર સ્મૃતિમાં થઈ જાય. બાળમંદિરની ધૂળિયા નિશાળની સોડમ ઘેરી વળે ત્યારે રિશેષમાં ખવાતા આંબલી, કાતરા, ચણીબોરના ચટાકાથી જીભ શું આખો જીવ પાણી પાણી થઈ જાય. દેસાઈ, ભટ્ટ કે જોષી માસ્તરના ડરની સાથેસાથે શાળાના પટાંગણમાં ઉછરેલી બિલાડીની આંખોની ચમક તાજી થઈ જાય.
બાકસની રૂતબાદાર ગાડી, બસની ટિકિટની માતબર કરન્સી, ચારમિનાર, ટોપાઝ વગેરે સિગારેટના ખાલી ખોખા અફાળીને વધુ ભેગા કરવાની તલપ, ઝાડ કે થાંભલાને કેન્દ્ર બનાવી રમાતો થપ્પો, ગિલ્લી દંડા, લંગડી, સોગઠાં, વ્યાપાર, સાપસીડી, કોડી, પત્તા, આંધળોપાટો, લીંબુચમચી, કોથળાદોડ, પકડદાવ, ચોરપોલીસ, પગથિયા જેવી અનેક રમતોમાં સમયનો ખેલકુંભ રચાતો. ગંજીફામાં સતિયો, નેપોલિયન, ઢગલાબાજીમાં ભેરુઓની અંચઈ કોર્ટમાં બોલાતા અસત્ય કરતા અનેકગણી પવિત્ર રહેતી.
પાંચિયા દસિયાનું ક્લેક્શન આપણને પરચૂરણ-બાદશાહ બનાવી દેતું. ભમરડાની દોરીનો કલર હાથે લાગી જાય તોય ધોવાનું મન થતું નહીં. લખોટીમાં કોયબા-મારોબા, ગોળ, ચોરસ, ગબ્બો-ગલ રમતા. નેમ લેવાની મજા આવતી. જ્યાં સુધી લખોટી નિશાનને અટીંચ ન કરે ત્યાં સુધી ચેન ન પડતું. લખોટીની આરપાર જોવાનો થ્રીડી જલસો બ્રહ્માંડના રહસ્યોનું દર્શન કરાવતો. કાળો-બ્રાઉન રૂબાબદાર ઢપ્પર બધામાં અલગ તરીને સૌ માટે પ્રાણ-પ્રતિષ્ઠા બની જતો.
સતોડિયાના સાત પથ્થરને દડાથી તાકવાના હોય કે ડબ્બા આઈસપાઈસમાં ડબ્બા ઉડાડવાના હોય, જાણે આખા વિશ્વમાં એકમેવ અર્જુન આપણે હોઈએ એ અદાથી નિશાન તકાતું.
ઉત્તરાયણમાં લંગરના ને પતંગના દાવપેચ જાણે રાજકુમાર અને દિલીપકુમાર જેવા દિગ્ગજો સામસામે ટકરાતા હોય એવા સમયની કાગડોળે રાહ જોઈને સતર્ક રહેતા. આખું પતંગશાસ્ત્ર લખી શકે એવા જાણકારોની કુશળતા કન્ના બાંધવાથી લઈને કટ્ટી કરવા સુધી વિસ્તરતી.
બે ચોટલી વાળેલી છોકરીની કાળા કેશ પર શોભતી લાલચટાક રિબિન, કાળા ગુલાબ પર બેસેલા લાલ પતંગિયા જેવી લાગતી. પાંચિકામાં લજ્જા રંગીન થઈને ઉછળતી. ફરાકના કે શર્ટના ખિસ્સાને પૈસા કરતા સંગિ, ચણા, કાતરા, ગોરસઆંબલીનો સંગ વધારે વ્હાલો લાગતો.
શૈશવના કેલિડોસ્કોપમાં અનેક રંગો સચવાયા છે. ફિલ્મની પટ્ટી પર પસાર થતા એક એક દૃશ્યમાં અનેક દિવસોનું યોગદાન છે. પાટી ઉપર અંકાયેલો કક્કો કોમ્પ્યુટર સુધી ભલે પહોંચી ગયો હોય, પલાખાની જગ્યા કેલ્ક્યુલેટરે ભલે લઈ લીધી હોય, મેદાનમાં રમાતી રમતો રૂપ બદલીને ક્લબમાં ભલે ગોઠવાઈ ગઈ હોય, નાનપણમાં રમેલી ફેરફૂદરડીનો ફેર એમ ઓસરવાનો નથી. ભૂલવા જેવું ઘણું છે, બાળપણ નહીં.
Excellent
લેખ વાંચવાનો આનંદ એટલો આવ્યો કે, ૬૦ વર્ષ પાછળ પહોંચી ગયો.
મઝા આવી ગઈ હિતેનભાઈ….!
રમેશભાઈ ચાંપાનેરી ‘ રસમંજન ‘ ફોન : 09426888880
valsaad gujratat