આઠમની ધોધમાર મધરાતે એક વાર,
પાનીને અડીને પૂર વળશે.
પાણીનીં ભીંત્યું બંધાઈ જાશે,
ને તે’દિ ગોકુળને ગોવાળ એક મળશે.
લીલુડાં વાંસ વન વાઢશો ના કોઈ,
ને મોરપીંછિયુંને ભેળી કરાવજો…
રોઈ રોઈ આંસુંની ઊમટે નદી તો એને કાંઠે કદંબવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય
પછી ગોકુળિયું ગામ ત્યાં વસાવજો…
કવિ માધવ રામાનુજનું આ કાવ્ય મેં ક્યારેય પુસ્તકમાં છપાયેલું વાંચ્યુ નથી, કે નથી ક્યારે માધવભાઈના અવાજમાં સાંભળ્યું! મારી મમ્મીના અવાજમાં ગવાયેલું આ ગીત મારા મનમાં એ સમયથી છપાઈ ગયું છે જ્યારે મને એના શબ્દોની સમજણ પણ નહોતી પડતી. એના અવાજમાં આ ગીત કોણ જાણે કેટલીયે વાર સાંભળ્યું હશે. જગદીશકાકા (જગદીશ જોષી) પોતે પણ એ બહુ સરસ રીતે ગાતા પણ એમણે ઘણી વખત ફરમાઈશ કરીને એ ગવડાવ્યું હતું એ પણ મને યાદ છે. એક વાર તો સુરેન્દ્રનગરમાં એક કવિ-સંમેલનમાં માધવભાઈને સ્ટેજ ઉપર આ ગીત રજૂ કરવા માટે કોઈએ આગ્રહ કર્યો તો એમણે મમ્મીને ઑડિયન્સમાંથી બોલાવીને સ્ટેજ પરથી તે ગવડાવ્યું હતું.
આજે સવારે – જન્માષ્ટમીને દિવસે સવારે આ ગીત મનમાં કેમ એકાએક ક્યાંથી આવી ગયું ખબર નથી… પણ જેમ જેમ આખું ગીત યાદ કરતો ગયો એમ જાણે આજે પહેલી વાર આ ગીત આખું સમજાયું હોય એમ લાગ્યું. આજે જન્માષ્ટમી – કૃષ્ણજન્મ અને સાથે સાથે સુરેશકાકાની વિદાયનો દિવસ … અને ગીતનો પહેલો અંતરો …
આંખોમાં સાંભરણ ખૂંચશે કણાંની જેમ,
પાંપણને દ્વાર કેમ દેશું?
એક પછી એક પાન ખરશે કદંબનાં ને,
વેળામાં વિખરાતા રહેશું.
છલકાતું વ્હેણ કદી ઓલાતું લાગે તો વેળુમાં વીરડાં ગળાવજો,
રોઈ રોઈ આંસુંની ઊમટે નદી તો એને કાંઠે કદંબવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકુળિયું ગામ ત્યાં વસાવજો…
બહુ ઓછાં કાવ્યો એવાં હશે કે જે મેં જાતે ટાઇપસેટ ન કર્યાં હોય તે છતાં આખેઆખાં મગજમાં અંકિત થઈ ગયા હોય. અહીં આ કાવ્ય મારા મગજમાં જેવું છે એવું ઉતાર્યું છે કદાચ મૂળ પુસ્તક સાથે સરખાવીશ તો કોઈ ભૂલ – કોઈ પાઠફેર જડી આવશે પણ … અત્યારે તો આમ જ.
હા, આંખોમાં સાંભરણ કણાંની જેમ ખૂંચે પણ ખરું… પણ પાંપણને દ્વાર થોડી દેવાય છે? આંસુની નદીને કાંઠે કદંબવૃક્ષ જ વવાય… અને ગોકુળિયું ગામ ત્યાં વસે જ છે… મુરલી સંભળાયા કરે જ છે…
આજે ઇ-શબ્દ પર નવા ફિચર તરીકે આ બ્લૉગની શરૂઆત મારી લખેલી એન્ટ્રી સાથે કરીશ એમ ધાર્યું ન હતું. અહીં રોજે રોજ નવું વાચન મૂકવાની ઇચ્છા છે. કોઈ જાહેરાત કે પ્રચારના હેતુથી નહીં પણ ગમતું વહેચી શકાય અને એ બહાને વાંચવા માટે મિત્રો અહીં ભેગા થાય એવી ઇચ્છા છે.
Wonderful composition by Madhav Ramanuj and nicely drafted snap. I am sure reading blog on e-Shabda will bring a lot of value addition to my Gujarati vocabulary and will keep my attachment intact to Gujarati literature.
Wonderful composition by Madhav Ramanuj and nicely drafted snap. I am sure reading blog on e-Shabda will bring a lot of value addition to my Gujarati vocabulary and will keep my attachment intact to Gujarati literature.
શુકનિયાળ વાત માંડી…
So good n interested matters in this website. Thanks
લાગણીસભર શુરુઆત